ગુજરાતમાં ભાજપને નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ કેમ નથી મળતો, વારેવારે કેમ મુખ્ય મંત્રી બદલાઈ જાય છે?

ઇમેજ સ્રોત, Bhupendra Patel/fb
- લેેખક, અંશુલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે અગાઉ 12 વર્ષ કરતાં વધુ સમય સુધી ગુજરાતના મુખ્ય મંત્રીપદે રહ્યા હતા.
2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યાર પછી ગુજરાતમાં 11 વર્ષની અંદર ત્રણ મુખ્ય મંત્રી બદલાઈ ગયા છે.
એટલે કે મોદીએ મુખ્ય મંત્રી તરીકે જેટલાં વર્ષ કામ કર્યું, લગભગ એટલાં જ વર્ષમાં ગુજરાતમાં ત્રણ મુખ્ય મંત્રી આવી ગયા.
ગુરુવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજીનામું નહોતું આપ્યું, પરંતુ તેમના મંત્રીમંડળના બાકીના તમામ 16 મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં.
એવું માનવામાં આવે છે કે સમાજના કેટલાક વર્ગમાં ભાજપ સામે નારાજગી હોવાથી તેને શાંત કરવા માટે મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં લગભગ ત્રણ દાયકાથી ભાજપ સત્તા પર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જ્યારે ગુજરાતમાં કૅબિનેટમાં ફેરફાર વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ એક સામાન્ય પ્રક્રિયા છે.
ન્યૂઝ ચૅનલ આજતક સાથેની વાતચીતમાં શાહે કહ્યું કે ગુજરાતમાં 10 મંત્રીઓની જગ્યા ખાલી હતી. મુખ્ય મંત્રીને સરળતા રહે તે માટે બધાએ રાજીનામાં આપ્યાં છે જેથી તેઓ પોતાની નવી ટીમ બનાવી શકે. ચૂંટણી સાથે તેને કોઈ લેવાદેવા નથી.
ત્યાર બાદ શુક્રવારે નવું મંત્રીમંડળ રચાયું અને ખાતાની ફાળવણી પણ થઈ ગઈ, પરંતુ હજુ કેટલાક સવાલોના જવાબ નથી મળ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમ કે નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યાર પછી ગુજરાતમાં થોડાં થોડાં વર્ષે અચાનક મુખ્ય મંત્રી સહિત આખું મંત્રીમંડળ કેમ બદલી નાખવામાં આવે છે?
ગુજરાતમાં ભાજપને અત્યાર સુધી નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ કેમ નથી મળ્યો?
નરેન્દ્ર મોદી કેવી પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાન્યુઆરી 2001માં ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં હજારો લોકો માર્યા ગયા અને ભારે નુકસાન થયું હતું.
તે વખતે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે વખતે કેશુભાઈ પટેલની લોકપ્રિયતામાં ઘટાડો થવા લાગ્યો હતો. તેમાં ભૂકંપ ઉપરાંત બીજાં પરિબળો પણ જવાબદાર હતાં.
આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડે રાજ્યમાં મુખ્ય મંત્રીનો ચહેરો બદલવાનો દાવ ખેલ્યો.
ત્યાં સુધીમાં નરેન્દ્ર મોદી ભાજપમાં એક વ્યૂહરચનાકાર અને સંગઠનાત્મક નેતા તરીકે સ્થાપિત થઈ ગયા હતા. જોકે, તેઓ ક્યારેય ચૂંટણી લડ્યા ન હતા અને કોઈ વહીવટી હોદ્દો પણ સંભાળ્યો ન હતો.
ઑક્ટોબર 2001માં ભાજપે કેશુભાઈ પટેલે હઠાવીને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત કર્યા.
તે સમયે મોદી ધારાસભ્ય ન હતા. તેથી તેઓ રાજકોટ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી લડ્યા અને જીતીને વિધાનસભામાં પ્રવેશ કર્યો.
થોડા સમયમાં જ ગુજરાતમાં કોમી તોફાનો થયાં, છતાં નરેન્દ્ર મોદીએ ચાર વખત રાજ્યના મુખ્ય મંત્રીપદના શપથ લીધા.
2014માં મોદી વડા પ્રધાન બનીને દિલ્હી પહોંચ્યા અને રાજ્યની કમાન પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સોંપવામાં આવી.
આનંદીબહેનના કાર્યકાળમાં પાટીદાર આંદોલન થયું, ત્યાર પછી ઉનામાં દલિતો પર હિંસા થઈ.
ઑગસ્ટ 2016માં આનંદીબહેને પોતાની ઉંમરનું કારણ આપીને સીએમપદેથી રાજીનામું આપ્યું. પરંતુ મીડિયાના આકલન પ્રમાણે પાટીદાર આંદોલન વખતે સ્થિતિ સંભાળી ન શકવાના કારણે આવું થયું હતું.
ત્યાર પછી વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. રૂપાણી સીએમ બન્યા ત્યારે વિધાનસભાની ચૂંટણી આડે દોઢ વર્ષ કરતાં પણ ઓછો સમય બાકી હતો અને પાટીદાર આંદોલન ધીમું પડવાના કોઈ સંકેત દેખાતા ન હતા.
રૂપાણીના નેતૃત્વમાં 2017ની વિધાનસભા ચૂંટણી થઈ જેમાં કૉંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી. 182 બેઠકોની વિધાનસભામાં ભાજપની સીટ 115થી ઘટીને 99 સુધી પહોંચી ગઈ અને કૉંગ્રેસને 77 બેઠકો મળી.
પાંચ વર્ષ પછી સપ્ટેમ્બર 2021માં રૂપાણીએ રાજીનામું આપ્યું અને તેની જગ્યાએ પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.
ગુજરાતમાં રાજકીય ઊથલપાથલ શા માટે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાની સીટ પરથી ચૂંટાયા હતા અને પહેલા કાર્યકાળમાં જ મુખ્ય મંત્રી બની ગયા હતા.
અમદાવાદના વરિષ્ઠ પત્રકાર રાજીવ શાહ કહે છે કે "ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્ય મંત્રી બન્યા ત્યારે ગુજરાતની જનતા તેમને સારી રીતે ઓળખતી પણ ન હતી. લોકો આનંદીબહેનથી પરિચિત હતા અને વિજય રૂપાણીને સંગઠનમાં કામ કરવાના કારણે જાણતા હતા."
રાજીવ શાહ કહે છે "નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિચારે છે કે સમયાંતરે ફેરફાર કરતા રહેવું જોઈએ. તેનાથી લોકોને સંદેશ મળે છે કે નવા ચહેરા સત્તામાં આવી રહ્યા છે અને સત્તાવિરોધી લહેરનો સામનો કરવામાં મદદ મળે છે. તેથી ગુજરાતના રાજકારણમાં સમયાંતરે પ્રયોગો થાય છે અને સ્થિરતા નથી રહેતી."
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી એક વર્ષ અગાઉ 2021માં મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત આખી કૅબિનેટને દૂર કરવામાં આવી. ત્યાર બાદ 182માંથી 156 બેઠકો જીતીને ભાજપે ઇતિહાસ રચી દીધો.

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે કે "ગુજરાત એ ભાજપની રાજકીય પ્રયોગશાળા છે. જ્યારે પણ વિરોધના સૂર ઊઠે ત્યારે ભાજપ કોઈ ચાન્સ લેતો નથી. તેને લાગે છે કે ચહેરા બદલી નાખવા એ સૌથી સારો રસ્તો છે. તેને 'નો રિપીટ થિયરી' કહેવામાં આવે છે."
"આનંદીબહેનના સમયમાં પાટીદાર આંદોલન વખતે આમ થયું હતું. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પણ મેદાનમાં હતા. તેનાથી આનંદીબહેન વિરુદ્ધ માહોલ બનતો હતો, પછી આનંદીબહેનને હઠાવી દેવાયાં."
કોરોના વખતે ગુજરાત હાઇકોર્ટે કોરોનાના કેસ સરખી રીતે ન સંભાળવાના કારણે ગુજરાત સરકારની ટીકા કરી હતી.
વિજય રૂપાણી પર કોરોનાકાળમાં ગેરવહીવટના આરોપો લાગ્યા. તેમના પર આરોપ મૂકાયો કે રાજકોટની એક પ્રાઇવેટ કંપની દ્વારા બનાવાયેલા 'ધમણ' નામના વૅન્ટિલેટર દર્દીઓ માટે અસરકારક ન હતા, છતાં સરકારે તેનો બચાવ કર્યો હતો.
અજય ઉમટનું કહેવું છે કે "કોરોના વખતે ગુજરાત સરકારની ટીકા કરવામાં આવી તો લોકોમાં બહુ નારાજગી હતી. તે સમયે સરકારને લાગ્યું કે વિજય રૂપાણીના નેતૃત્વમાં એક વર્ષ પછી 2022ની ચૂંટણી નહીં જીતી શકાય, તેથી તેમને હઠાવી દેવાયા."
ગુજરાતમાં મોદીનો વિકલ્પ કેમ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ગુજરાતમાં બે વખત વિધાનસભાની ચૂંટણી થઈ અને બંને વખતે મોદી જ ભાજપના ચૂંટણીપ્રચારના મુખ્ય ચહેરા હતા.
વર્ષ 2022માં મોદીએ રાજ્યના અલગ-અલગ ભાગોમાં 31થી વધુ રેલી સંબોધી અને ત્રણ મોટા રોડ શો કર્યા. તેના પરથી તેમની સક્રિયતા અને પ્રચારનો વ્યાપ સ્પષ્ટ થાય છે.
તેમણે પોતાની ભૂમિકાને દર્શાવીને 2022માં 'આ ગુજરાત મેં બનાવ્યું છે' સૂત્ર આપ્યું.
રાજીવ શાહ માને છે કે "મોદીનો વિકલ્પ હજુ સુધી ભાજપમાં નથી મળ્યો, તેથી ગુજરાતમાં પણ તેમનો વિકલ્પ નથી. ટોચનું નેતૃત્વ બદલાય તો ગુજરાતમાં સ્થિતિ બદલાઈ જશે. ગુજરાતના મુખ્ય મંત્રી સ્વતંત્ર થઈને કામ કરી શકતા નથી. તેમને દિલ્હીથી જે સૂચના કે આદેશ મળે, તે માનવો પડે છે."
"અસલમાં આ ભારતીય રાજનીતિની સમસ્યા છે જે વ્યક્તિ કેન્દ્રિત છે. ગુજરાત એ મોદીનું ગૃહરાજ્ય હોવાથી અહીં તેનું જોર દેખાય છે."
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપ માટે એક પરીક્ષા ગણવામાં આવે છે. આ ગુજરાત મૉડલનું ઉદાહરણ આપીને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને ગુજરાતમાં તેમની સક્રિયતાનું એક મોટું કારણ આ પણ છે.
અજય ઉમટનું કહેવું છે કે "વડના ઝાડ નીચે જે રીતે કોઈ મોટું ઝાડ ઊગી શકતું નથી, એવી જ હાલત ગુજરાતની છે."
તેઓ કહે છે કે "મોદી અને શાહ ભલે ગુજરાતની બહાર હોય, પરંતુ રાજ્યના રાજકારણ પર આજે પણ તેમની એવી જ અસર છે. અંતિમ નિર્ણય આ બંને જ લે છે. આ કારણથી જ મોદીનો વિકલ્પ નથી મળ્યો, કારણ કે મોદી હજુ પણ દિલ્હીથી ગુજરાતને ચલાવે છે."
ગુજરાતમાં આગામી વર્ષે પંચાયતની ચૂંટણી થવાની છે. ત્યાર પછી 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે. જૂનો રેકૉર્ડ ધ્યાનમાં લેતા એ જોવું રસપ્રદ રહેશે કે સરકારમાં ફેરફારની ચૂંટણી પર કેવી અસર પડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












