બોટાદમાં 'આપ'ની સભામાં પથ્થરમારા બાદ ચર્ચામાં આવેલા રાજુ કરપડા કોણ છે?

રાજુ કરપડા, આમ આદમી પાર્ટી, ગુજરાત, Raju Karpada , ખેડૂતો, ખેડૂતોનું આંદોલન, સુરેન્દ્રનગર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Raju Karpada/FB

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના બોટાદના ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના કૉટન યાર્ડ એટલે કે કપાસના બજારમાં કદડાની પ્રથા સામે ખેડૂતોના વિરોધ બાદ આમ આદમી પાર્ટીએ યોજેલી જાહેર સભા દરમિયાન બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે રવિવારે સાંજે હિંસા થઈ હતી.

આ સમગ્ર મામલામાં એક નામની સૌથી વધુ ચર્ચા થઈ એ છે આમ આદમી પાર્ટીના નેતા તથા કિસાન નેતા તરીકેની ઓળખ ધરાવતા રાજુ કરપડા.

રાજુ કરપડાએ આ આંદોલનની આગેવાની લીધી હતી અને તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ખેડૂતોની માગ પ્રત્યે કોઈ જવાબ ન મળતાં તેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ સેંકડો ખેડૂતો સાથે ધરણાં પર બેસી ગયા હતા. લડત ઉગ્ર બની એ પછી પોલીસે માર્કેટિંગ યાર્ડમાંથી તેમની અટકાયત કરી હતી.

ત્યાર બાદ આમ આદમી પાર્ટીએ તેમની આગેવાનીમાં બોટાદમાં ખેડૂત મહાપંચાયતનું એલાન કર્યું. આપના નેતાઓ અને કાર્યકર્તાઓ આ કિસાન મહાપંચાયતમાં પહોંચે એ પહેલાં તેમની અનેક જગ્યાએથી અટકાયત થઈ પરંતુ રાજુ કરપડાએ બોટાદના હડદડ ગામે સભા સંબોધી. સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું અને હિંસા થઈ.

ત્યાર બાદ ફરીથી રાજુ કરપડાએ આ મુદ્દે આમરણ અનશન પર બેસવાની જાહેરાત કરી છે. આમ, બોટાદના આંદોલન પછી ચર્ચામાં આવેલા રાજુ કરપડા કોણ છે?

રાજુ કરપડા કોણ છે?

રાજુ કરપડા, આમ આદમી પાર્ટી, ગુજરાત, Raju Karpada , ખેડૂતો, ખેડૂતોનું આંદોલન, સુરેન્દ્રનગર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Raju Karpada/FB

રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. ચૂંટણીપંચના રેકૉર્ડ મુજબ, તેમનું નામ 63-ચોટીલા વિધાનસભા (ગુજરાત)ના મતદાર વિભાગમાં છે.

બીબીસી ગુજરાતીએ તેમના કાકા રામકુભાઈ કરપડા સાથે વાતચીત કરી હતી. રામકુભાઈ કપરડા અનુસાર, "રાજુભાઈના મોટા બાપુ સરપંચ હતા. રાજુ કરપડાના પિતા મેરામભાઈ કરપડા પર પોલીસ દમન થયું હતું. તેમના પિતાને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. તે સમયે રાજુ અભ્યાસ કરતા હતા."

જોકે, પોલીસ દમનના આ દાવાની બીબીસી પુષ્ટિ કરતું નથી.

રામકુભાઈ કરપડા પ્રમાણે, "તેમણે ધોરણ 12 પછી કૉલેજના અભ્યાસ સાથે દૂધ ડેરીના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમણે 2011-12માં કૉલેજ સાથે દૂધ ડેરીનો વ્યવસાય ચાલુ રાખ્યો હતો."

તેમના પરિવારના જણાવ્યા અનુસાર હજુ પણ રાજુ કરપડાનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે અને તેમને બે દીકરા છે.

રામકુભાઈ કરપડા અનુસાર રાજુ કરપડા સૌપ્રથમ ત્યારે લાઇમલાઇટમાં આવ્યા જ્યારે તેમણે પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

રાજુ કરપડાની સક્રિયતાની શરૂઆત અને રાજકીય સફર

રાજુ કરપડા, આમ આદમી પાર્ટી, ગુજરાત, Raju Karpada , ખેડૂતો, ખેડૂતોનું આંદોલન, સુરેન્દ્રનગર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Raju Karpada/FB

ઇમેજ કૅપ્શન, વીસાવદરમાં મળેલી જીત પછી વિજય રેલીમાં આપના નેતા ગોપાલ ઇટાલિયા સાથે રાજુ કરપડા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી.

રામકુભાઈ કરપડા કહે છે કે, "તે વખતે પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને થઈ રહેલા આંદોલનમાં મૂળી તેમજ ધાંગધ્રા તાલુકાના વિવિધ દસ્તાવેજો ભેગા કરીને હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. ફસલ વીમા યોજનાના માપદંડ હેઠળ ખેડૂતોને મળવાપાત્ર રકમ 67 હજાર હતી, પરંતુ વીમા કંપનીએ માત્ર એક હજાર જ ચૂકવ્યા હતા, જેના કારણે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં ન્યાયિક લડાઈના અંતે વીમા કંપનીને આઠ ટકાના દરે રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો અને 2021માં ખેડૂતોને પાછા પૈસા ચૂકવાયા હતા."

રામકુભાઈ અનુસાર, "તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા સીમિત હતા."

2021-22માં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા.

2021થી અત્યાર સુધી તેઓ આમ આદમી પાર્ટીમાં કિસાન વિંગના પ્રમુખ છે.

ખેડૂતલક્ષી આંદોલનોમાં સક્રિય ભૂમિકા

રાજુ કરપડા, આમ આદમી પાર્ટી, ગુજરાત, Raju Karpada , ખેડૂતો, ખેડૂતોનું આંદોલન, સુરેન્દ્રનગર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Raju Karpada/FB

ઇમેજ કૅપ્શન, એક વિરોધ પ્રદર્શનમાં

રાજુ કરપડા કચ્છના નખત્રાણા જણોદર, ઘેડ પંથકમાં થયેલાં ખેડૂતો સાથે સંકળાયેલાં આંદોલનોમાં સક્રિય રહ્યા હતા.

એ પહેલાં અતિવૃષ્ટિમાં મળતી સરકારી એસડીઆરએફ (SDRF) અને એનડીઆરએફ (NDRF)ની સહાય માટેના આંદોલન સહિત ખેડૂતોને લગતા આંદોલનમાં તેઓ સક્રિય રહ્યા છે.

રાજુ કરપડા ગુજરાત કિસાન કૉંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાના પણ એક સમયના સાથી હતા.

બીબીસી સાથે વાત કરતા પાલ આંબલિયા જણાવે છે કે, "2017-18માં ખેડૂતોની આગેવાનોની પાક વીમા બાબતે યોજાયેલી એક બેઠકમાં રાજુ કરપડાએ એક સવાલ કર્યો હતો કે વીમા કંપનીઓ સામે પોલીસ ફરિયાદ કરી શકીએ કે નહીં? ત્યારે તેમની તરફ ધ્યાન કેન્દ્રિત થયું હતું. ત્યારે પ્રથમ મુલાકાત થઈ હતી. તે સમયે રાજુ કરપડા અમારી સાથે ત્રણ-ચાર આંદોલનોમાં રહ્યા હતા."

તેઓ કહે છે, "પછી રાજુ કરપડા સાગર રબારીના 'ગુજરાત ખેડૂત સંગઠન' સાથે જોડાયા હતા અને અમારી જમીન માપણીની લડાઈમાં પણ થોડા અંશે તેઓ જોડાયા હતા. સુરેન્દ્રનગરમાં તેઓ આંદોલન કરતા તે દરમિયાન હું પણ હાજરી આપતો હતો."

જોકે, તેમનું કહેવું છે કે તાજેતરનાં આંદોલનો પછી રાજુ કરપડાના વલણમાં બદલાવ આવ્યો છે.

પાલ આંબલિયા કહે છે કે, "તેમણે જે રીતે શબ્દપ્રયોગ કર્યા એ વાંધાજનક હતા. 'કડદાને બદલે ગડદા' અને 'મોરેમોરો દઈ દેવાની વાત' જેવા શબ્દોથી વર્ષોથી ચાલી રહેલા ખેડૂત જાગૃતિના પ્રયાસ પર પાણી ફરે છે. ઉપરાંત ખેડૂતોમાં પોલીસનો ડર દૂર થાય તે રસ્તે ચાલી રહેલી લડતમાં બોટાદવાળી ઘટનાથી ખેડૂતોમાં ખોટો મેસેજ ગયો છે."

'લોકપ્રિય ખરા', પણ આક્રમકતા ભારે પડી શકે?

રાજુ કરપડા, આમ આદમી પાર્ટી, ગુજરાત, Raju Karpada , ખેડૂતો, ખેડૂતોનું આંદોલન, સુરેન્દ્રનગર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Raju karpada/FB

સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે કે, "રાજુ કરપડા એ આમ આદમી પાર્ટીનો આક્રમક ચહેરો છે અને તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે, ઉપરાંત ખેડૂતોમાં લોકપ્રિય છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં તે ટિકિટના દાવેદાર છે. તેમને માત્ર કોઈ એક સમાજ પૂરતું સમર્થન નથી, પણ તેઓ અનેક જ્ઞાતિઓમાં લોકપ્રિય છે."

જોકે, કૌશિક મહેતાનું કહેવું છે કે રાજુ કરપડામાં વિરોધી સામે લડવાની આગવી સૂઝ છે પરંતુ તેમની વધારે પડતી આક્રમકતા તેમને ભારે પણ પડી શકે છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "તેઓ કાયદાના જાણકાર છે અને ખેડૂતોની સમસ્યાઓ વિશે પણ સારી સમજણ ધરાવે છે. સત્તાની સામે પણ તેઓ ડર્યા વગર અવાજ ઉઠાવે છે. જેનાથી ભાજપ સામે પડકાર ઊભો થયો છે. તાજેતરમાં બોટાદની ઘટના ફક્ત સ્થાનિક વિસ્તાર સુધી સીમિત રહી નહોતી. તેમણે ઉપાડેલા મુદ્દાઓ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂત સમાજને સ્પર્શતા મુદ્દાઓ છે એમાં બે મત નથી."

જગદીશ આચાર્યનું માનવું છે ચોટીલામાં જ્ઞાતિ પરિબળો અનુકૂળ ન પડતાં હોવાને કારણે રાજુ કરપડાને આગામી ચૂંટણી બોટાદથી લડાવાય તેવું પણ બની શકે છે.

તેઓ કહે છે, "બોટાદમાં તેમને ખેડૂત મતોનો લાભ મળી શકે છે. સામાન્ય રીતે જે વિસ્તારમાં આંદોલન કર્યું હોય તે વિસ્તાર ચૂંટણી લડવા માટે સૌથી અનુકૂળ સાબિત થતો હોય છે. કાઠી દરબાર સમાજમાં સબળ નેતાગીરીનો અભાવ છે અને તે ચૂંટણીઓમાં નિર્ણાયક ભૂમિકામાં પણ નથી, પણ જો ચોટીલામાં કોળી જ્ઞાતિમાંથી રાજુ કરપડાને મત મળ્યા હોય તો તેનો અર્થ છે કે તેઓ અન્ય જ્ઞાતિઓમાં પણ લોકપ્રિયતા ધરાવે છે. પણ સાથે જ તેઓ જ્ઞાતિ કરતાં વધારે ખેડૂત નેતા તરીકે સ્થાપિત થયા છે."

કૉંગ્રેસ-ભાજપના આરોપો

રાજુ કરપડા, આમ આદમી પાર્ટી, ગુજરાત, Raju Karpada , ખેડૂતો, ખેડૂતોનું આંદોલન, સુરેન્દ્રનગર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, હડદડમાં રાજુ કરપડાએ આયોજિત કરેલી સભા જેમાં પથ્થરમારો થયો અને પછી હિંસા થઈ હતી

ચોટીલાના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને 2022ની ચૂંટણીમાં ચોટીલા બેઠક પર ત્રીજા નંબરે રહેલા ઉમેદવાર ઋત્વિક મકવાણા કહે છે કે, "રાજુ કરપડા એક સમયે કૉંગ્રેસના કાર્યકર્તા હતા. તે અગાઉ તેઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને લડતા હતા અને તેઓ તેમની સાથે રહીને જ લડત આપતા હતા. 2018 દરમિયાન તેઓ 'પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના' વિરુદ્ધ લડતા હતા, અને નર્મદા યોજનાનો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળે તે માટે મેં પણ રાજુભાઈ સાથે રહીને લડત આપી હતી."

જોકે, ઋત્વિક મકવાણા તેમને ખેડૂતોની અસલ સમસ્યાઓને વાચા આપવાને બદલે મહત્ત્વાકાંક્ષી હોવાનો, તથા ભાજપને ફાયદો કરાવતા હોવાનો આરોપ મૂકે છે.

વળી, ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું કહેવું છે કે રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા જેવા આમ આદમી પાર્ટીના નેતાઓ અરાજકતા ફેલાવે છે અને ભોળા ખેડૂતોને ફસાવીને તેમના નામે પોતાના રાજકીય રોટલા શેકે છે.

તેઓ કહે છે કે, "ખેડૂતોના પ્રશ્નોની સીધી રજૂઆત સરકાર, મુખ્ય મંત્રીને કે કૃષિમંત્રીને કરવાને બદલે, લોકોના ટોળા ભેગા કરીને ઉશ્કેરે છે. ખેડૂતોને લાભ આપવાની બાબતમાં તેઓએ કોઈ પરિણામ આપ્યું નથી, માત્ર પોતાના રાજકીય લાભ મેળવવા ખેડૂતોનો ઉપયોગ કર્યો છે અને પ્રસિદ્ધ થવા માટેના પ્રયાસો કરે છે."

રાજુ કરપડાની ઉપર લાગેલા આરોપો વિશે બીબીસી ગુજરાતીએ તેમનો મત જાણવાના પ્રયાસ કર્યા હતા. રાજુ કરપડાનો સંપર્ક કરવાના અનેક પ્રયાસો કર્યા છતાં તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી.

રાજુ કરપડા પર કેસ અને વિવાદો

ચૂંટણીપંચ સમક્ષ તેમણે 2022માં દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ તેમની સામેના ત્રણ ફોજદારી કેસો પેન્ડિંગ છે આ ત્રણેય કેસોનું ટૂંકું વર્ણન 'કૌટુંબિક ઝઘડો' તરીકે કરવામાં આવ્યું છે. પ્રથમ બે કેસ મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને ત્રીજો કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કેસમાં તેમને ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી.

તેમના કાકા રામકુભાઈ કરપડા અનુસાર "રાજુ કરપડા પર હાલમાં બે કેસ ચાલુ છે. પ્રથમ કેસ ચોટીલામાં થયો હતો, જે ફાયરિંગનો કેસ છે (આઈપીસી કલમ 307 – હત્યાના પ્રયાસ અને મારપીટનો કેસ). કુલ ત્રણ કેસમાંથી એક કેસ પૂરો થયો છે અનેબે કેસ હજુ પણ પેન્ડિંગ છે, જેમાં ફાયરિંગનો કેસ પેન્ડિંગ છે. પ્રથમ કેસમાં તેમની સાથે દેવાયત ખાવડ સહ-આરોપી રહેલા અને ચોટીલા એફઆઈઆરમાં તેમનું નામ હતું.

તાજેતરમાં બોટાદમાં થયેલી હિંસા મામલે પણ એફઆઈઆરમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન