વીસાવદરમાં જીત બાદ ખેડૂતોને એકઠા કરીને AAP ગુજરાતમાં જનાધાર તૈયાર કરી રહી છે, 'આપ'ની સક્રિયતા કોને ભારે પડશે?

બોટાદ માર્કેટિંગ યાર્ડ કોટન, આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન, કોને ફાયદો, કોંગ્રેસ, આપ, ભાજપ સરકાર, અજય નાયક, દીપલ ત્રિવેદી, નરેશ વારિયા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/ANI

ઇમેજ કૅપ્શન, બોટાદમાં આમ આદમી પાર્ટીના નેજા હેઠળ એક આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને થતા 'અન્યાય' સામે વિરોધ કરવામાં આવ્યો હતો
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા વધતી જણાય છે, ખાસ કરી બોટાદના આંદોલન બાદ.

બોટાદમાં આમ આદમી પાર્ટીના નેજા હેઠળ એક આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને થતા 'અન્યાય' સામે વિરોધ કરવામાં આવ્યો હતો.

બોટાદના હડદડ ખાતે ખેડૂત નેતા રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભીડને વિખેરવા માટે ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો.

બોટાદની ઘટના અંગે ઇસુદાન ગઢવીએ બીબીસીને જણાવ્યું હતું કે, "ખેડૂતોને ભાજપના એપીએમસીના માણસો લૂંટી રહ્યા હતા. ખેડૂતો ભાજપની વિરુદ્ધમાં આવ્યા છે, અમે તો માત્ર નિમિત્ત બન્યા."

તેમણે આરોપ લગાવ્યો હતો કે, "હડદડ ગામે ચાલતા શાંતિપૂર્વક પ્રદર્શનમાં ભાજપના લોકો દ્વારા પથ્થરબાજી કરાઈ હતી, ત્યાર બાદ પોલીસે અત્યાચાર કર્યો."

રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, "કપાસની ખરીદીને લઈ પહેલાં જ સૂચના આપી હતી, કેટલાંક તત્ત્વો રાજકીય લાભ માટે રાજનીતિ કરી રહ્યા છે."

બોટાદ માર્કેટિંગ યાર્ડ કોટન, આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન, કોને ફાયદો, કોંગ્રેસ, આપ, ભાજપ સરકાર, અજય નાયક, દીપલ ત્રિવેદી, નરેશ વારિયા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, X/AAPGujarat

ઇમેજ કૅપ્શન, રાજુ કરપડા 'આપ'ના કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ છે, જે બોટાદના આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે

ઋષિકેશ પટેલે કહ્યું કે, "જ્યાં બનાવ બન્યો તે હડદડના લોકો નહોતા. તેઓ અસામાજિક તત્ત્વોને સાથે લઈને પહોંચ્યા હતાં."

તેમણે આ ઘટનાને પૂર્વ આયોજિત ગણાવી હતી અને કહ્યું "આ ઘર્ષણના મૂળમાં સ્થાનિક ખેડૂતોના બદલે બહારના અને રાજકીય બદઇરાદા ધરાવતાં તત્ત્વોનો હાથ હોવાનું સૂચવે છે."

રાજુ કરપડા 'આપ'ના કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ છે, જે બોટાદના આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. જ્યારે પ્રવીણ રામ આમ આદમી પાર્ટીના નેતા છે, જેઓ 'ઘેડ બચાવો પદયાત્રા' સહિત ખેડૂતલક્ષી અને જનતાના મુદ્દાઓ પર સક્રિયતા બતાવી રહ્યા છે.

વરિષ્ઠ પત્રકારો માને છે કે 'આપ' સ્થાનિક અને ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને ભલે સક્રિય હોય, પરંતુ આ આંદોલનોનો સીધો લાભ વોટમાં પરિવર્તિત થશે કે કેમ તે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનાં પરિણામો પર આધાર રાખે છે. એવામાં આપની સક્રિયતાને રાજકીય નિષ્ણાતો અનેક રીતે મૂલવી રહ્યા છે.

વીસાવદરની જીત પછી 'ઘેડ બચાવો પદયાત્રા'

બોટાદ માર્કેટિંગ યાર્ડ કોટન, આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન, કોને ફાયદો, કોંગ્રેસ, આપ, ભાજપ સરકાર, અજય નાયક, દીપલ ત્રિવેદી, નરેશ વારિયા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Pravin Ram/FB

ઇમેજ કૅપ્શન, પ્રવીણ રામે ઘેડની જૂની સમસ્યાને લઈને 'ઘેડ બચાવો યાત્રા' શરૂ કરી હતી

ગુજરાતમાં વીસાવદરની ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટી સતત સક્રિય દેખાઈ રહી છે.

બોટાદની ઘટના પહેલાં પણ આમ આદમી પાર્ટી ખેડૂતો અને સ્થાનિક મુદ્દાઓને લઈને સક્રિય હતી.

જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા ઘેડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં 25 કરતાં વધારે ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે.

ઘેડની આ સૌથી જૂની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ 'ઘેડ બચાવો પદયાત્રા' શરૂ કરી હતી.

ઘેડની જૂની અને વર્તમાન સમયમાં સૌથી વિકટ બનેલી સમસ્યાને લઈને 'આપ'ના નેતા પ્રવીણ રામ 'ઘેડ બચાવો પદયાત્રા' પર નીકળ્યા હતા. જેમાં તબક્કા વાર 'આપ' નેતા ગોપાલ ઇટાલિયા અને રેશમા પટેલ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી કાર્યકરો પણ પદયાત્રામાં જોડાયાં હતાં.

આ પદયાત્રા દરમિયાન 14 દિવસ સુધી ઘેડના વિવિધ અસરગ્રસ્ત ગામોમાં ફરીને લોકોના પ્રતિભાવો લેખિતમાં મેળવીને તેને સરકાર સુધી મોકલવાનું આયોજન પણ થયું હતું.

'ઘેડ બચાવો પદયાત્રા' પછી બોટાદમાં ખેડૂતોનું આંદોલન

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "બોટાદમાં થયેલા વિવાદ પાછળ મૂળભૂત રીતે ખેડૂતોનો પ્રશ્ન છે, જે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે."

તેઓ ઉમેરે છે કે "વીસાવદરમાં થયેલી ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટીની રણનીતિ બદલાઈ છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં 'આપ'ના રાજકીય પ્રવેશ માટે ખેડૂતોના મુદ્દા એક મોટું પરિબળ છે. આથી ખેડૂતોના મુદ્દાઓને લઈને ચાલતા તેમને વ્યાપક જનસમર્થન મેળવવાની શક્યતા રહેલી છે. રાજકીય પાર્ટીઓ ખેડૂતલક્ષી મુદ્દાઓથી લાભ મેળવવા ઇચ્છે છે."

રાજકોટસ્થિત રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસીના જયદીપ વસંત સાથે વાત કરતા કહે છે, "બોટાદના યાર્ડમાં જે પ્રશ્ન છે, તે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારના ખેડૂતો પણ અનુભવી રહ્યા છે, પરંતુ બોટાદમાં રાજુ કરપડાએ તેને નેતૃત્વ પૂરું પાડ્યું અને વાચા આપી. આજે મોટા-મોટા નેતાઓની જાહેરસભામાં ભીડ એકઠી કરવા માટે બસો દોડાવવી પડે છે, ત્યારે બોટાદમાં ખેડૂતો સ્વયંભૂ એકઠા થયા હતા."

"આપે જૂનાગઢમાં ઇકૉઝોન અને ઘેડ બચાવો જેવા કાર્યક્રમ આપ્યા છે. આપે સૌરાષ્ટ્રમાં જે વિસ્તારમાં લોકોમાં અસંતોષ હોય અને ખેડૂતોને સમસ્યા હોય, તેવી બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ અપનાવ્યું હોય તેમ જણાય છે, જેની અસર આગામી સમયમાં સૌરાષ્ટ્રની અલગ-અલગ બેઠકો ઉપર જોવા મળી શકે છે."

'કૉંગ્રેસની નબળાઈનો લાભ લેવા આપ તત્પર'

બોટાદ માર્કેટિંગ યાર્ડ કોટન, આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન, કોને ફાયદો, કોંગ્રેસ, આપ, ભાજપ સરકાર, અજય નાયક, દીપલ ત્રિવેદી, નરેશ વારિયા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Isudan Gadhvi/FB

ઇમેજ કૅપ્શન, ગુજરાત આપના પ્રદેશાધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોલીસે કિસાન મહાપંચાયતમાં જતા અટકાવ્યા હતા (ફાઇલ તસવીર)

નરેશ વરિયા કહે છે કે, "ગુજરાતનો ગ્રામ્ય તેમજ અર્ધ-શહેરી વિસ્તાર હાલ પણ ખેડૂતો પર નિર્ભર છે. આવનારી ચૂંટણીઓમાં મહાનગરપાલિકાને બાદ કરતાં ખેડૂતો જ અસરકારક પરિબળ છે. બીજી તરફ કૉંગ્રેસ મજબૂત નથી, જેનો લાભ 'આપ' લેવા તત્પર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવામાં હજુ સમય હોવા છતાં આ મુદ્દાને લઈને ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે."

તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત તરફ પણ આગળ વધશે, કારણ કે માર્કેટયાર્ડની સિઝન શરૂ થઈ છે, જે કારતક-માગશર સુધી ચાલશે.

તેઓ કહે છે, "ખેડૂતોના ટેકાના ભાવ, બજારના ભાવ સાથે અતિવૃષ્ટિને કારણે થયેલ નુકસાન જેવા પ્રશ્નો ઊભા થશે. ગુજરાતનાં ખેડૂત સંગઠનો પણ હાલ સક્રિય ભૂમિકામાં નથી, તેથી આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને આગળ વધી રહી છે. આ માત્ર ખેડૂતનો જ નહીં, પણ ખેડૂત પરિવારોના સભ્યો સીધો સાથે જોડાયેલો પ્રશ્ન છે અને આ પરિવારો સુરત, અમદાવાદ, રાજકોટ જેવાં મોટાં શહેરોમાં પણ વસે છે, જેથી આખા રાજ્યમાં તેની અસર પડવાની શક્યતા છે."

"2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને અમરેલી અને ગીર સોમનાથમાં બહોળા પ્રમાણમાં સમર્થન મળ્યું હતું, જેનું એક કારણ કૉંગ્રેસે ઉપાડેલા ખેડૂતોના મોટા પ્રશ્નો હતા. જે હવે કૉંગ્રેસ પાસેથી ખસીને આમ આદમી પાર્ટી તરફ આવી રહ્યા છે, તેથી આમ આદમી પાર્ટીને ખેડૂતોના પ્રશ્નોના મુદ્દાઓ ઉઠાવવાનો ફાયદો ચોક્કસ મળશે."

આમ આદમી પાર્ટીની સક્રિયતાથી કૉંગ્રેસને નુકસાન થશે?

બોટાદ માર્કેટિંગ યાર્ડ કોટન, આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન, કોને ફાયદો, કોંગ્રેસ, આપ, ભાજપ સરકાર, અજય નાયક, દીપલ ત્રિવેદી, નરેશ વારિયા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બોટાદ માર્કેટિંગ યાર્ડનો (તસવીરમાં) મુદ્દો આપને સૌરાષ્ટ્રમાં પગપેસારો કરવામાં મદદ કરશે કે કેમ તેવી નિષ્ણાતોમાં ચર્ચા

આમ આદમી પાર્ટીની સક્રિયતા અંગે નિષ્ણાતોમાં અલગ-અલગ મત પ્રવર્તે છે.

નરેશ વરિયા માને છે કે, "તેનાથી કૉંગ્રેસને નુકસાન જશે. આમ આદમી પાર્ટીને ગત સ્થાનિક સ્વરાજથી લઈને 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં લોકોનું સમર્થન મળ્યું હતું. મૂળ લડાઈ કૉંગ્રેસ-ભાજપ કરતાં કૉંગ્રેસ અને 'આપ' વચ્ચે છે. શાસનવિરોધી મત કૉંગ્રેસ અને 'આપ' વચ્ચે વહેંચાશે. કૉંગ્રેસ આવા મુદ્દાઓને લઈને નિષ્ક્રિય છે અને તેને સમર્થન પણ મળતું નથી. ઉપરાંત આમ આદમી પાર્ટીના આ મુદ્દાને ઉઠાવ્યા બાદ કૉંગ્રેસને વધુ નુકસાન જશે."

ઘેડ બચાવો પદયાત્રા વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, "આમ આદમી પાર્ટી સંગઠનથી લઈને મુદ્દાઓને સુધી ભાજપની કૉપી કરે છે, તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ સ્થાનિક મુદ્દાઓનું બારીક નિરીક્ષણ કર્યું છે. ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતમાં તે પ્રદૂષણ અને શિક્ષણના મુદ્દાને લઈને કામ કરી શકે છે અને તેમની સભાઓ યથાવત્ છે, તેનો ફાયદો આમ આદમી પાર્ટીને મળવાનો છે. સરકારની છબી ખરડાઈ છે. હવે તેનું મતમાં કેટલું રૂપાંતર થાય તે જોવાનું છે. ગોપાલ ઇટાલિયાની સભાઓમાં ભીડ જોવા મળી રહી છે, એટલે કહી શકાય કે સરકાર સામેનો રોષ દેખાઈ રહ્યો છે."

વરિષ્ઠ પત્રકાર અજય નાયક જણાવે છે કે, "આ (બોટાદની ઘટના) માત્ર એક બહાનું છે. ખેડૂતો શાંતિપૂર્વક તેમનાં ધરણાં કે પ્રદર્શન કરે તે આવકાર્ય છે, પણ હિંસાત્મક પ્રવૃત્તિઓ ગુજરાત જેવા રાજ્ય માટે યોગ્ય નથી."

"ખેડૂતોને અન્યાય થતો હોય કે સમસ્યા હોય, પણ તેમાં રાજકીય નેતાઓનો હસ્તક્ષેપ મહત્ત્વનો બની જતો હોય છે અને તેના કારણે મૂળ મુદ્દો ભુલાઈ જતો હોય છે. આ કિસ્સામાં જે નેતાઓ સામે FIR થઈ છે, તેનાથી મુદ્દો સાઇડલાઇન થશે અને ખેડૂતો ત્યાંના ત્યાં જ રહી જશે."

વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટીના કારણે જ ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી."

તેમણે કહ્યું હતું કે, "કૉંગ્રેસની રેલીઓમાં પણ લાખો લોકો આવે છે, પણ ભીડ હોવા છતાં કૉંગ્રેસને સીટ ન હતી મળી, જેમ બિહારમાં જોવા મળ્યું હતું. નોટબંધી કે જીએસટી વિરુદ્ધ લોકોમાં રોષ હતો, પણ ભાજપવિરોધી વોટમાં તેની કોઈ ખાસ અસર થઈ ન હતી."

તેમણે કહ્યું "ભાજપના મતદારો વફાદાર છે. આથી, મને લાગે છે કે આમ આદમી પાર્ટીને આ ઘટના પછી કોઈ ફાયદો થવાનો નથી, કૉંગ્રેસને તો બિલકુલ ફાયદો થવાનો નથી અને આડકતરી રીતે કૉંગ્રેસના વોટ વહેંચે તો ફાયદો ભાજપને જશે."

આંદોલનથી આપની જમીન ગુજરાતમાં તૈયાર થશે?

બોટાદ માર્કેટિંગ યાર્ડ કોટન, આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન, કોને ફાયદો, કોંગ્રેસ, આપ, ભાજપ સરકાર, અજય નાયક, દીપલ ત્રિવેદી, નરેશ વારિયા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "બોટાદની ઘટના એ ખેડૂતોના અસલ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. લોકશાહીમાં સરકારે લોકોની ધડકન સાંભળવી જોઈએ, પણ લોકોએ આ રીતે આંદોલનનો રસ્તો અપનાવવો પડે તે ખરેખરમાં દર્શાવે છે કે લોકશાહી વાઇબ્રન્ટ (સક્રિય) નથી. જ્યાં સુધી લોકો હડતાળ કે આંદોલન ન કરે ત્યાં સુધી તેમને કોઈ સાંભળતું નથી. આ એક બેદરકાર વહીવટી તંત્રની નિશાની છે."

તેઓએ ઉમેર્યું હતું કે, 'આવી ઘટનાથી પાર્ટીનું મોરલ બૂસ્ટઅપ થાય છે, પણ તેનાથી પાર્ટીને કેટલી મદદ મળશે તે નક્કી નથી. જોકે, સ્થાનિક સ્વરાજના સંદર્ભે વાત કરતાં કહી શકાય કે આ બનાવ હજુ પ્રિ-મેચ્યોર છે. ડાયરેક્ટ ફાયદો થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. ઘણા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે, પણ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓને અરેસ્ટ કેમ નથી કર્યા તે એક સવાલ છે."

"ઉપરાંત, આમ આદમી પાર્ટીને બિરદાવવી પડે કે તેઓ ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવી રહી છે, પણ આ ઘટનાથી ભાજપને કોઈ રાજકીય નુકસાન નહીં જાય સાથે જ કૉંગ્રેસને કોઈ ફાયદો થવાનો નથી. 'આપ'ના બધા નેતાઓમાં લીડરશિપ ક્વૉલિટી છે, પણ તે એક ખાલી જગ્યામાં ભરવામાં સફળ થઈ રહી નથી."

'ઇકોઝોન આંદોલન' તેમજ 'ઘેડ બચાવો પદયાત્રા' વિશે વાત કરતાં અજય નાયકે કહ્યું કે, તેનો લાભ માત્ર કેટલાંક વિસ્તારમાં થઈ શકે, પણ સમગ્ર ગુજરાતમાં તેનો લાભ થઈ શકે નહીં. આ ઘટના પછી આમ આદમી પાર્ટીને જોઈએ તેવું માઇલેજ મળે તેવું મને નથી લાગતું."

રાજુ કરપડા વિશે વાત કરતાં અજય નાયક કહે છે કે, "તેમનું પ્રભુત્વ માત્ર એક તાલુકા પૂરતું છે કે નહીં તે એક સવાલ છે. તેમની નેતાગીરી કેવો વળાંક લેશે તે સમય બતાવશે, હાલ ધારણા કરવી અયોગ્ય રહેશે."

તેઓ કહે છે કે, "આમ આદમી પાર્ટીનું ફોકસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ છે. તેના આધારે ખ્યાલ આવશે કે આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં કેવું પ્રદર્શન કરશે અને તેમને આ મુદ્દાને લઈને કેટલો ફાયદો થશે."

અજય નાયક જણાવે છે કે "ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હજુ પણ કેટલાંક પૉકેટ્સમાં જ છે. પરંતુ બીજી તરફ કૉંગ્રેસ તદ્દન સુષુપ્ત અવસ્થામાં છે અને કૉંગ્રેસનું વર્તન આખી ઘટનામાં 'કોઈ લાગતું-વળગતું નથી' તેવું છે. આ એવા મુદ્દા છે, જે કૉંગ્રેસ ખરેખર છોડી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન