42 વર્ષના બૉડી બિલ્ડરનું મૃત્યુ, ફક્ત શાકાહારી ખોરાક ખાઈને બૉડી બિલ્ડિંગમાં સફળતા કેવી રીતે મેળવી હતી

ઇમેજ સ્રોત, Varinder Ghuman/FB
સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર 3'માં જોવા મળેલા પંજાબના જાણીતા બૉડી બિલ્ડર વરિંદરસિંહ ઘુમનનું નિધન થયું છે. તેઓ માત્ર 42 વર્ષના હતા. અમૃતસરની એક ખાનગી હૉસ્પિટલમાં સર્જરી દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.
બીબીસીના પંજાબી સંવાદદાતા પ્રદીપ શર્મા મુજબ વરિંદર ઘુમન ગુરદાસપુર જિલ્લાના રહેવાસી હતા. તેમનો જન્મ ગુરદાસપુરના તલવંડી જુગલા ગામમાં થયો હતો. 1988માં તેઓ જલંધરના કાઈ નગર (મૉડલ હાઉસ)માં આવીને વસ્યા હતા.
તેમણે લાયલપુર ખાલસા કૉલેજમાંથી એમબીએ કર્યું હતું. તેમના પિતાનું નામ ઉપ્પિતિંદર સિંહ છે. તેમનાં માતાનું અવસાન થયું છે.

ઇમેજ સ્રોત, Varinder Ghuman/FB
વરિંદરના ભાઈ ભગવંતસિંહનું પણ એક વર્ષ અગાઉ નિધન થયું હતું.
વરિંદરના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો સામેલ છે જેમાં બે દીકરા અને એક દીકરી છે.
ગામવાસીઓએ કહ્યું કે ગુરુવારે તેઓ ખભાની સર્જરી કરાવવા માટે અમૃતસરની ફોર્ટિસ હૉસ્પિટલે ગયા હતા. સાંજે લગભગ છ વાગ્યે સમાચાર મળ્યા કે તેઓ મૃત્યુ પામ્યા છે.
વરિંદરસિંહ ઘુમન ખેતીવાડી અને ડેરી ફાર્મિંગ સાથે સંકળાયેલા હતા.
બૉડી બિલ્ડિંગ પ્રત્યે ઝનૂન

ઇમેજ સ્રોત, Varinder Ghuman/FB
વરિંદરસિંહને બાળપણથી જ બૉડી બિલ્ડિંગનો શોખ હતો અને તેમણે પોતાના ઘરની નજીક એક જિમ પણ શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2024માં એક ખાનગી યુટ્યૂબ ચેનલને આપેલી મુલાકાતમાં વરિંદરે જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણ શાકાહારી છે અને નામધારી પરિવારમાંથી હોવાના કારણે તેઓ ઈંડાં પણ નથી ખાતા.
તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના 10 લાખથી વધુ ફૉલોઅર છે.
વરિંદરે 2009માં 'મિસ્ટર ઇન્ડિયા'નો ખિતાબ જીત્યો હતો. તેમણે બૉડી બિલ્ડિંગમાં એશિયન સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ત્યાર પછી 2012માં પંજાબી ફિલ્મ 'કબડ્ડી વન્સ અગેન' દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.
ત્યાર બાદ તેમણે કેટલીક પંજાબી અને હિંદી ઉપરાંત દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
પરંતુ, ફિલ્મોની વાત કરીએ તો તેઓ કહેતા કે તેઓ પોતાની જાતને ફિલ્મી પડદા માટે યોગ્ય નથી માનતા. તેમણે કહ્યું કે કેટલાય ડાયરેક્ટરોએ તેમને વજન ઘટાડવા માટે કહ્યું હતું, પરંતુ તેઓ પોતાની અંદરના ઍથ્લીટને છોડવા માગતા ન હતા.
'લોકો મને બૉડી બિલ્ડર તરીકે યાદ કરે'

ઇમેજ સ્રોત, Varinder Ghuman/FB
તેમણે કહ્યું કે, "હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરું છું અને હું બે-ચાર ફિલ્મો ઓછી કરીશ તો પણ મને કોઈ ફરક નહીં પડે. મને આ રમતમાં પણ એટલી જ પ્રસિદ્ધિ મળી છે જેટલી ફિલ્મોમાં. હું જ્યાં સુધી જીવીત છું, ત્યાં સુધી આ મારી ઓળખ રહેશે. મારી ઇચ્છા છે કે મૃત્યુ પછી પણ લોકો મને એક એથ્લીટ અને બૉડી બિલ્ડર તરીકે ઓળખે."
જૂન 2025માં એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે રાજકારણમાં આવવાની ઇચ્છા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ વિકાસકેન્દ્રિત રાજનીતિ કરવા માંગે છે.
પોતાના કપડાં વિશે વાત કરતા તેમણે કહ્યું કે મુંબઈ અને જલંધરમાં એવા ડિઝાઇનરો છે જેઓ તેમના શરીર મુજબ કપડાં તૈયાર કરે છે. તેમના અંતિમ સંસ્કાર જલંધરમાં કરવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












