ગુજરાત : 'મને ખબર નથી તે યુક્રેન કેવી રીતે પહોંચ્યો', મોરબીના સાહિલનાં માતાએ શું કહ્યું?

સાહિલ માજોઠી, રશિયાની સેના વતી લડ્યો, મોરબીનો યુવાન કેવી રીતે રશિયા પહોંચ્યો, હસીના માજોઠી, ફારુક, સાહિલ માજોઠીના પરિવારજનો અને પાડોશીઓ શું કહે છે, રશિયાની સેનામાં ભારતીયો વિદેશ મંત્રાલય, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર,

ઇમેજ સ્રોત, Hasina majothi

ઇમેજ કૅપ્શન, સાહિલ
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા, મોરબીથી
    • લેેખક, રાજેશ આંબલિયા
    • પદ, બીબીસી સહયોગી

રશિયાની સેના વતી લડી રહેલા ગુજરાતી યુવકે યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાના સમાચારથી મોરબીમાં ચર્ચા જામી છે.

મળતી માહિતી પ્રમાણે, આ યુવકનું નામ સાહિલ માજોઠી છે. ગુજરાત એટીએસે સાહિલનાં માતા હસીના તથા મામા ફારૂક માજોઠીની પૂછપરછ કરી હતી.

મોરબીના કાલિકા પ્લૉટ વિસ્તારમાં લોકો સાહિલના ઘરની બહાર ટોળે વળીને માજોઠી પરિવાર વિશે ચર્ચા કરતા જણાય છે.

આમાંથી બહુ થોડા લોકો માજોઠી પરિવાર કે તાજેતરના ઘટનાક્રમ અંગે મીડિયા સાથે વાત કરવા માટે તૈયાર હતા. જોકે, મોટા ભાગના લોકોનું કહેવું હતું કે "માજોઠી પરિવાર લોકોની સાથે ખાસ હળતો-મળતો ન હતો."

મંગળવારથી સાહિલ માજોઠીનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે કથિત રીતે પોતાની આપવીતી જણાવે છે.

વાઇરલ વીડિયોમાં સાહિલ માજોઠી શું કહે છે?

સાહિલ માજોઠી, રશિયાની સેના વતી લડ્યો, મોરબીનો યુવાન કેવી રીતે રશિયા પહોંચ્યો, હસીના માજોઠી, ફારુક, સાહિલ માજોઠીના પરિવારજનો અને પાડોશીઓ શું કહે છે, રશિયાની સેનામાં ભારતીયો વિદેશ મંત્રાલય, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર,

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અબ્દુલ માજોઠી

વાઇરલ વીડિયોમાં કથિત રીતે સાહિલ માજોઠી રશિયન સેનામાં કેવી રીતે પહોંચ્યા અને પહેલી ઑક્ટોબરે કેવી રીતે લડાઈના મોરચે પહોંચ્યા, તેના વિશેની વિગતો આપતા જણાય છે.

સાહિલ જણાવે છે કે 'ડ્રગ્સના કેસમાં રશિયાની પોલીસે તેની ધરપકડ કરી હતી, એ પછી રશિયન અદાલતે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી.'

'જોકે, રશિયાની સરકારે સાહિલને ઑફર કરી કે જો તે રશિયન સેનામાં જોડાય જાય તો તેની સજા માફ કરી દેવામાં આવશે અને સેનામાં સેવા બદલ તેને પગાર ચૂકવવામાં આવશે.'

'22-વર્ષીય સાહિલે સરકારની ઑફર સ્વીકારી લીધી અને રશિયાની સેનામાં જોડાઈ ગયો. 16 દિવસની ટૂંકી તાલીમ બાદ સાહિલને પહેલી ઑક્ટોબરના રોજ તેને યુદ્ધમોરચે મોકલી દેવામાં આવ્યો હતો.'

'લડાઈ મોરચે ત્રણેક દિવસ રહ્યા બાદ સાહિલ અને તેના કમાન્ડર વચ્ચે બોલાચાલી થઈ હતી, એ પછી સાહિલે યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું.'

એટીએસના (ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ) અધિકારીએ બીબીસી સાથેની વાતચીતમાં ડ્રગ્સ-સંબંધિત કેસમાં સાહિલની ધરપકડ અને સાત વર્ષની સજા થઈ હોવાની પુષ્ટિ કરી હતી.

સાહિલના પરિવારજનોને ટાંકતા એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સાહિલ કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે રશિયા ગયો હતો અને ધરપકડ પછી પરિવાર સાથે તેનો કોઈ સંપર્કો નહોતો રહ્યો.

'સાહિલ હોશિયાર વિદ્યાર્થી હતો'

સાહિલ માજોઠી, રશિયાની સેના વતી લડ્યો, મોરબીનો યુવાન કેવી રીતે રશિયા પહોંચ્યો, હસીના માજોઠી, ફારુક, સાહિલ માજોઠીના પરિવારજનો અને પાડોશીઓ શું કહે છે, રશિયાની સેનામાં ભારતીયો વિદેશ મંત્રાલય, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર,

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, આસિફ કાદર માજોઠી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બુધવારે માજોઠી પરિવારના મોટા ભાગના પાડોશીઓએ મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું. સાહિલનાં કૌટુંબિક મામા અબ્દુલ્લા માજોઠીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

"હસીનાનો (સાહિલનાં માતા) પરિવાર ભણેલોગણેલો છે. સાહિલ સ્કૂલમાં ભણતો ત્યારથી હોશિયાર વિદ્યાર્થી હતો. લગભગ અઢી વર્ષ અગાઉ કમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણવા ગયો એ પહેલાં સાહિલ સિરામિકની ફૅક્ટરીમાં કામ પણ કરતો હતો."

"એ પછી શું થયું એની મને ખબર નથી, હવે મીડિયા દ્વારા માહિતી મળી રહી છે કે તેણે યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ સમાચાર બહાર આવ્યા, એ પછી એટીએસ હસીના અને ફારુકને પૂછપરછ માટે લઈ ગઈ છે."

એટીએસે બીબીસીને જણાવ્યું હતું કે પૂછપરછ બાદ ભાઈ-બહેનને ઘરે જવા દેવામાં આવશે.

માલસામાનની ગાડી ચલાવીને ગુજરાન ચલાવનાર અબ્દુલ્લે જણાવ્યું હતું કે હસીનાના નિકાહ મોહમ્મદ હુસૈન સાથે થયા હતા.

તેમણે કહ્યું, "જોકે, પહેલા સંતાન – સાહિલના જન્મ બાદ દંપતીએ તલાક લઈ લીધા. એ પછી હસીના કાલિકા પ્લૉટ વિસ્તારમાં ભાઈ ફારૂક સાથે રહે છે. ફારૂક કારમાં મોરબી અને માળિયાની વચ્ચે મુસાફરોને લાવવા-મૂકવાનું કામ કરે છે."

"હસીનાના પિતા શમસુદ્દીન હયાત નથી, તેઓ પાલી નગરપાલિકામાં (રાજસ્થાનનું નગર) સરકારી કર્મચારી હતા. હસીનાનાં માતા હુરબાઈને પાલી મ્યુનિસિપાલિટીનું પેન્શન મળે છે, જેના કારણે પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ થઈ રહે છે."

મને ખબર નથી તે યુક્રેન કેવી રીતે પહોંચ્યો – સાહિલનાં માતા

સાહિલ માજોઠી, રશિયાની સેના વતી લડ્યો, મોરબીનો યુવાન કેવી રીતે રશિયા પહોંચ્યો, હસીના માજોઠી, ફારુક, સાહિલ માજોઠીના પરિવારજનો અને પાડોશીઓ શું કહે છે, રશિયાની સેનામાં ભારતીયો વિદેશ મંત્રાલય, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર,

ઇમેજ સ્રોત, Hasina majothi

સાહિલનાં માતા હસીનાએ બીબીસી સાથે ફોન ઉપર વાત કરી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચ અભ્યાસ માટે સાહિલ રશિયા ગયો હતો, પરંતુ અમુક જ મહિનામાં રશિયાની પોલીસે તેને પકડી લીધો હતો.

હસીનાના કહેવા પ્રમાણે, "સાહિલ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે, તે કમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણવા માટે રશિયા ગયો હતો. ભણવાની સાથે તે ખાવા-પીવાનો સામાન પણ ડિલિવર કરતો હતો. જોકે એપ્રિલ-2024માં કોઈકે ખાવાના સામાનની સાથે ડ્રગ્સનું પૅકેટ પણ મૂકી દીધું અને મારા દીકરાને ડિલિવરી માટે આપ્યું."

"પોલીસે તેને પકડી લીધો અને તેની ઉપર આરોપનામું દાખલ કર્યું. તે દોષિત ઠર્યો અને સજા થઈ, એ પહેલાં છ મહિના ડિટેઇન રહ્યો હતો."

હસીનાએ ઉમેર્યું હતું કે સાહિલને બચાવવા માટે તેમના પરિવારે રશિયામાં એક વકીલ કર્યો હતો. તેમણે કહ્યું, "મને નથી ખબર કે તે યુક્રેન કેવી રીતે પહોંચી ગયો. વાઇરલ વીડિયો જોયા પછી જ મને તેના વિશે ખબર પડી."

'ભણીગણીને માતાનાં સપનાં સાકાર કરવાં હતાં'

સાહિલ માજોઠી, રશિયાની સેના વતી લડ્યો, મોરબીનો યુવાન કેવી રીતે રશિયા પહોંચ્યો, હસીના માજોઠી, ફારુક, સાહિલ માજોઠીના પરિવારજનો અને પાડોશીઓ શું કહે છે, રશિયાની સેનામાં ભારતીયો વિદેશ મંત્રાલય, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર,

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, કાસમ સુમરા

સાહિલના અન્ય એક સંબંધી આસિફ કાદર માજોઠીએ બીબીસીને જણાવ્યું હતું કે લગભગ અઢી વર્ષ પહેલાં સાહિલે ભારત છોડી દીધું હતું એ પછી તે દેશમાં પરત ફર્યો ન હતો, જોકે, તે પોતાનાં માતા સાથે સંપર્કમાં હતો.

સાહિલે રશિયા જતાં પહેલાં વર્ષ 2018માં મોરબીની ખાનગી શાળામાં વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. શિક્ષકોનું કહેવું છે કે સાહિલ સરેરાશ વિદ્યાર્થી હતો. એ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતો.

સાહિલ જ્યારે આ શાળામાં ભણતો, ત્યારે પ્રિન્સિપાલ રહેલા શિક્ષકે નામ ન છાપવાની વિનંતી સાથે બીબીસીને જણાવ્યું, "સાહિલ તેનાં માતાનાં સપનાં સાકાર કરવાં માગતો હતો."

પાડોશીઓના કહેવા પ્રમાણે, હસીના એક ખ્રિસ્તી સખાવતી સંસ્થા માટે કામ કરે છે, જે કાલિકા પ્લૉટ વિસ્તારનાં બાળકોને ભણતર ઉપરાંત આરોગ્ય સેવા મળી રહે તે માટે અહીં એક કેન્દ્ર ચલાવે છે.

સાહિલ જે સમાજના છે, તેના આગેવાન કાસમ સુમરાએ આ મામલે ભારત સરકારની દખલની માગ કરી છે.

કાસમ સુમરાએ કહ્યું, "એવા અનેક સાહિલ હશે કે જેઓ ભણવા કે કામ કરવા માટે રશિયા ગયા હશે અને તેમને યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યા હોય. અનેક સાહિલને ફસાવીને યુદ્ધમાં ઝોંકી દેવામાં આવ્યા છે. અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે સાહિલ તથા તેના જેવા કામ કરવા ગયેલા અન્ય યુવાનોને ભારત પરત લાવવામાં આવે."

સુમરા કહે છે કે સાહિલનાં આત્મસમર્પણના સમાચાર બહાર આવ્યા કે તરત જ તેમણે આ અંગે સાહિલના મામાને સતર્ક કર્યા હતા.

સુમરાએ ઉમેર્યું હતું, "સાહિલ કમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણવા માટે રશિયા ગયો હતો, પરંતુ ખર્ચ કાઢવા માટે ડિલિવરી એજન્ટ તરીકે પણ કામ કરતો હતો. સાહિલના પરિવારજનોને તેની સામેના આરોપો અંગે વાકેફ કરવામાં આવ્યા હતા."

ગત મહિને ભારતના વિદેશ મંત્રાલયે મીડિયાના સવાલોના જવાબમાં કહ્યું હતું કે રશિયાની સેનામાં લડી રહેલાં ભારતીયોને પરત મોકલવા માટે રશિયાની સરકાર મુક્ત કરવામાં આવે. વિદેશ મંત્રાલય અસરગ્રસ્ત ભારતીય નાગરિકોના પરિવારજનો સાથે સંપર્કમાં છે.

અમદાવાદથી રૉક્સી ગાગડેકર છારાના ઇનપુટ્સ સાથે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન