અમદાવાદ : 'રાતે પાર્ટીઓ કરે છે', યુવકયુવતીઓને લોકો ભાડે ઘર કે પીજી આપવા કેમ તૈયાર નથી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતનાં અનેક નાનાં શહેરો અને ગામોમાંથી યુવાનો અને યુવતીઓ અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં અભ્યાસ અથવા સરકારી પરીક્ષાની તૈયારીઓ માટે આવીને રહેતાં હોય છે.
આવાં યુવાનો અને યુવતીઓને ઘર ભાડે મળવા અથવા પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા માટે જગ્યા શોધવા ઘણા મુશ્કેલ હોય છે.
અને અમદાવાદમાં હાલમાં જ એએમસીએ જાહેર કરેલી નવી એસઓપી આવા યુવક-યુવતીઓની મુશ્કેલીઓ વધી શકે છે.
અમદાવાદમાં પીજી માટે શું નવા નિયમો જાહેર કરાયા?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પેઇંગ ગેસ્ટ માટે જાહેર કરેલી એસઓપી અનુસાર હવે રહેણાક સોસાયટીમાં પીજી ચલાવવું હશે, તો સોસાયટીનું એનઓસી તેમજ પોલીસ વૅરિફિકેશન કરાવવાનું રહેશે.
જો કોઈ પીજી સંચાલકો આ એસઓપીનું પાલન કરશે નહીં, તો એએમસી દ્વારા પગલા લેવામાં આવશે.
આ એસઓપી બાદ પીજી માલિકોને ડર છે કે મોટાભાગની સોસાયટીઓ દ્વારા તેમને પીજી ચલાવવા માટેની પરવાનગી આપવામાં આવશે નહીં.
સોસાયટીનાં એનઓસી વગર ચાલતાં 385 પીજી સંચાલકોને એએમસીએ નોટિસ પાઠવી છે.
ગુજરાત રાજ્યના 'આર્થિક પાટનગર' તરીકે ઓળખાતા અમદાવાદમાં રાજ્યનાં અલગ-અલગ ગામો અને શહેરોમાંથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ યુવકો અને યુવતીઓ અભ્યાસ માટે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અથવા તો નોકરી કરવા માટે શહેરમાં આવતાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ યુવાનો અને યુવતીઓ ભણતા હોય ત્યારે તો હૉસ્ટેલમાં રહી શકે, પરંતુ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવે છે, તેઓ પીજી (પેઇંગ ગેસ્ટ) અથવા તો ફ્લૅટ ભાડે રાખીને રહેતા હોય છે.
કેટલીક સોસાયટીમાં નિયમ બનાવવામાં આવી રહ્યા છે કે પીજી માટે ભાડે આપવામાં આવશે નહીં તો કેટલીક સોસાયટી દ્વારા તો એવો પણ નિયમ બનાવવામાં આવે છે કે એકલા યુવાનો અને યુવતીઓને ઘર પણ ભાડે આપવામાં આવશે નહીં.
સોસાયટીના લોકોનું પણ કહેવું છે કે એકલાં રહેતાં યુવાનો અને યુવતીઓ તેમના અજાણ્યા મિત્રોને પણ ઘરે બોલાવે છે, જે ક્યારેક સુરક્ષા માટે જોખમી બની જાય છે. તેમજ મોડી રાત સુધી પાર્ટી કરીને અવાજ કરે છે.
એકલાં રહેતાં યુવાનો અને યુવતીઓ એવું માને છે કે તેમને તેમના ગમતા વિસ્તારમાં ઘર મળતું નથી અથવા તો શોધવા માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડે છે.
કેટલાક પ્રોફેશનલ પીજી પણ બની રહ્યાં છે, પરંતુ તે થોડાં મોંઘાં હોવાથી બધાને પરવડે તેમ નથી.
અમદાવાદમાં રહેતાં એકલાં યુવાનો અને યુવતીઓનું શુ કહેવું છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી અમદાવાદમાં રહેતાં હેતલ રાજકોટથી પોસ્ટ ગ્રૅજ્યુએશનનો અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યાં હતાં.
હેતલ ભણતાં હતાં ત્યારે તો બે વર્ષ યુનિવર્સિટીની હૉસ્ટેલમાં રહ્યાં હતાં. હાલ તેઓ એક વર્ષથી નોકરી શરૂ કરી, ત્યારથી ફ્લૅટ ભાડે લઈને રહે છે.
ભાડે ફ્લૅટ શોધવામાં પડતી તકલીફ અંગે વાત કરતાં હેતલ કહે છે, "અમે ચાર છોકરીઓ ફ્લૅટમાં ભાડે રહીએ છીએ. અમે 20 કરતાં વધારે ફ્લૅટ જોવા ગયાં હતાં. દરેક જગ્યા પર એક જ જવાબ મળતો કે 'એકલાં યુવક-યુવતીઓને ઘર નથી આપતાં, પરિવાર હોય તો જ આપીએ છીએ.' હાલ એક જગ્યા પર મને એક ઘર ભાડે મળ્યું છે. આ સોસાયટીને કાયમી કોઈ ને કોઈ તકલીફ જ રહે છે."
હેતલ કહે છે, "સોસાયટીના લોકો તમને હંમેશાં એવી રીતે જ જજ કરે છે કે તમે અહીંયા ભણવા કે નોકરી માટે નહીં, પરંતુ એકલાં રહેવાં અને ફરવાં માટે જ આવ્યા છીએ."
"અમને અમારો કોઈ મિત્ર લેવા કે મૂકવા આવે, તો સોસાયટીના લોકોને લાગે છે કે બધા જ તમારા બૉયફ્રેન્ડ છે. સોસાયટીમાં પરિવાર સાથે રહેતા લોકોનાં બાળકો ભલે રાત્રે બહાર જાય પણ અમે કામથી પણ બહાર જઈએ, તો સોસાયટીના લોકો ફરિયાદ કરે છે."
હેતલ વધુમાં કહે છે કે "સોસાયટીમાં રહેતા પરિવારમાં કોઈના ઘરે જન્મદિવસ કે કંઈ હોય અને અવાજ થાય તો વાંધો નહીં, પરંતુ અમારે ત્યાં વરસમાં એક વાર પણ રાતે થોડો વધારે અવાજ આવે તો તરત જ ફરિયાદ કરે છે."
"અમને ભાડું આપીને પણ સન્માનપૂર્વક રહેવા દેતા નથી. આ માત્ર મારી જ સમસ્યા નથી, પણ મારી જેમ એકલી રહેલી મારી બધી જ બહેનપણીઓને એક યા બીજી રીતે સહન કરવું જ પડે છે. દરેક સોસાયટી આવા નિયમો બનાવશે, તો બહારથી ભણવા અને નોકરી કરવા આવેલા અમારા જેવા લોકોને ક્યાં જશે?
ઘાટલોડિયામાં એક પીજીમાં રહેતા ગૌતમે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "હું જે પીજીમાં રહું છું ત્યાં કેટલાક આસપાસના લોકો સારા છે. પરંતુ કેટલાક લોકો તો અમને હંમેશાં શંકાની નજરથી જ જોતા હોય છે. તેમને લાગે છે કે છોકરાઓ તો વ્યસની જ હોય છે. સોસાયટીના લોકો પીજી માટે રોજ નવા નિયમો બનાવતા હોય છે."
પીજી સંચાલકનું શું કહેવું છે?
અમદાવાદમાં નવરંગપુરા, નારણપુરા અને સેટેલાઇટ વિસ્તારમાં પીજી ચલાવતા નયન આહીરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "સોસાયટીઓનું સંચાલક મંડળ પીજી ચલાવવા માટે પરમિશન આપતું જ નથી, એએમસી દ્વારા જે એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવામાં આવી છે તેનાથી હવે જે નાનાં-નાનાં પીજી ચાલે છે તે બંધ થઈ જશે."
"નાના પીજી વિદ્યાર્થીઓને આઠથી સાડા આઠ હજારમાં રહેવાનું, જમવાનું અને ચા-નાસ્તો આપે છે. પ્રોફેશનલ પી જી બનવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ આવા પ્રોફેશનલ પીજી 12 હજારથી શરૂ થતાં હોય છે, જેથી મિડલ ક્લાસને પોષાય તેવા નથી હોતા."
નયન આહીર વધુમાં જણાવે છે, "જે સોસાયટીઓ પીજીને પરવાનગી નથી આપતી, એ સોસાયટીઓમાં છોકરા કે છોકરીઓ ભાડે રહેવા માંગે, તો પણ એમને આપતા નથી. હજારો છોકરા-છોકરીઓ અમદાવાદમાં ભણવા કે નોકરી માટે આવે છે તે રહેશે ક્યાં?"
સોસાયટીના ચૅરમૅનો શું કહે છે?

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL/BBC
શહેરમાં રહેણાકની કેટલીક સોસાયટીઓમાં પીજી માટે કે એકલાં છોકરા-છોકરીઓને ઘર ભાડે ન આપવા તે અંગેન ઠરાવ કર્યા છે.
જે સોસાયટીઓમાં ઠરાવ નથી થયા, તેવી સોસાયટીઓમાં સમયાંતરે એકલાં રહેતાં છોકરા-છોકરીઓ કે પીજીમાં રહેતા ભાડૂઆતો સાથેના પ્રશ્નો સામે આવતા હોય છે.
ગોતાની એક સોસાયટીના ચૅરમૅન ગૌતમભાઈ રાવતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "અમારી સોસાયટીમાં એકલા છોકરા છોકરીઓને ઘર ભાડે ન આપવાનો બહુ પહેલાંથી જ ઠરાવ કરેલો છે. એકલાં છોકરા-છોકરીઓને ઘર ભાડે આપવામાં પ્રશ્નો ઊભા થતાં હોવાથી આ નિર્ણય કરેલો છે. જે હું ચૅરમૅન બન્યો તે પહેલાંનો જ નિયમ છે."
હિતેશ રાણા ગોતા અને જગતપુર વિસ્તારની 200 જેટલી સોસાયટીઓનાં ઍસોસિયેશનના પ્રમુખ છે. હિતેશ રાણા કહે છે:
"સોસાયટીમાં ચાલતાં પીજીમાં ચોક્કસ છોકરા-છોકરીઓ હોતાં નથી અને તે બદલાતાં રહે છે. કેટલાક એક મહિના માટે, કેટલાક બે મહિના માટે, તો કેટલાક લાંબો સમય માટે પણ આવે છે. નવા-નવા લોકો આવતા હોવાથી સોસયટીમાં સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે."
"આ સિવાય ફ્લૅટની ક્ષમતા પાંચ લોકો રાખવાની હોય, તેમાં પીજી સંચાલકો 10 લોકોને રાખે છે, જેને કારણે સોસાયટીમાં પાણીના કે અન્ય સુવિધાઓ અંગે પ્રશ્નો ઊભા થતા હોય છે."
"કેટલાક લોકો પાર્ટીઓ કરે છે. પીજી ચલાવવા માટે ન આપવું તે મને વ્યાજબી લાગે છે, પરંતુ મારા ધ્યાનમાં એવી પણ સોસાયટીઓ છે કે જેમને ઠરાવ કર્યા છે કે એકલાં છોકરા-છોકરીઓને ઘર ભાડે આપવા નહીં, જે ખોટી વાત છે."
હિતેશ રાણા વધુમાં કહે છે, "હજારો છોકરા-છોકરીઓ તેમના ગામથી ભણવા કે કારકિર્દી બનાવવા માટે અમદાવાદમાં આવે છે. આ યુવક યુવતીઓ પણ આપણાં જ સમાજનો ભાગ છે. તેમને સમાજમાં નહીં રાખો તો તે છેવાડાની જગ્યાઓ પર રહેવા જશે. ત્યાં તેમની સાથે કોઈ અણબનાવ બને કે તેમને કોઈ હેરાન કરે તેવા કિસ્સા પણ બની શકે છે."
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી) તરફથી મળેલી માહિતી અનુસાર, છેલ્લાં પાંચ વર્ષમાં સરેરાશ ચારથી પાંચ અરજીઓ હૉસ્ટેલના બિ લ્ડિંગના પ્લાનની મંજૂરી માટે આવતી, જે મંજૂર થતી.
જોકે, વર્ષ 2025-26માં શહેરમાં 15 હોસ્ટેલ બિલ્ડિંગના પ્લાન અપ્રૂવલ માટે આવેલા છે. જેમાં શૈક્ષણિક સંસ્થા, સામાજિક સંસ્થા અને ખાનગી ડેવલપર દ્વારા હોસ્ટેલના બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે.
અગામી વર્ષો દરમિયાન વધુ હોસ્ટેલ બિલ્ડિંગના પ્લાન બાંધકામની મંજૂરી માટે આવે તેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ જણાવ્યું હતું, "શહેરની અલગ-અલગ સોસાયટીઓ કે પછી રહેણાક વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ (PG) એકમો ચાલતાં હોય છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ તે અંગે ગાઇડલાઇન આપવામાં આવી છે."
"અમદાવાદ શહેરમાં 401 જેટલા પેઇંગ ગેસ્ટ (PG) એકમો ચાલી રહ્યાં છે. જેમાં 385 પેઇંગ ગેસ્ટ (PG) એકમોને નોટિસ આપી છે. સોસાયટીની એનઓસી (નૉ-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) અને પોલીસ એનઓસી મેળવવાની હોય છે."
"જો, આ પુરાવા રજૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં એનઓસી વિના ચાલતાં પેઇંગ ગેસ્ટ (PG) સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."
લીગલ જાણકારોનું શુ કહેવું છે?

ઇમેજ સ્રોત, gujarathighcourt.nic.in
સોસાયટીઓમાં ચાલતા પીજી અંગે ચાલતા વિવાદ અંગે વાત કરતાં લીગલ રિપોર્ટિંગ કરતા વરીષ્ઠ પત્રકાર નિકુંજ સોની કહે છે, "સોસાયટીઓમાં ચાલતા પીજીને લઈને કોઈ નિયમો કે ગાઇડલાઇન ન હતી. જેને કારણે સોસાયટીઓ અને પીજી સંચાલકો વચ્ચે થતા વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચતા હતા."
"તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં સોસાયટી અને પીજી સંચાલકોની અરજીમાં એએમસીને પીજી અંગે નિયમો બનાવવા કહ્યું હતું, એટલે એએમસીએ એસઓપી જાહેર કરી છે."
પીજીના પ્રશ્નો અંગે વાત કરતાં નિકુંજ સોની કહે છે કે ,"પીજીમાં ચોક્કસ લોકો હોતા નથી. બદલાતા રહે છે જેથી સોસાયટીના લોકો સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ વૅરિફિકેશન કરાવવાનું ફરજિયાત કર્યું તે ખૂબ જ સરસ નિયમ છે. સોસાયટીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાયદા અનુસાર સોસાયટી પીજી ચલાવવા માટે ઘર ભાડે આપવું નહીં, તે પ્રકારના ઠરાવ સોસાયટી કરી શકે છે.
પીજીના માલિકનું પોલીસ વૅરિફિકેશન થતું હતું, પરંતુ તેમાં રહેનારા લોકોનું પોલીસ વૅરિફિકેશન થતું નથી. પરંતુ જે લોકો ઘર ભાડે રાખીને રહે છે તે તો પોલીસ વૅરિફિકેશન કરાવે છે. પરંતુ કેટલાક સોસાયટીઓ એકલા છોકરા છોકરીઓને ઘર આપતા નથી જે ખોટી વાત છે."
નિકુંજ સોનીએ પણ એ વાતને ટેકો આપ્યો હતો કે જે પીજી માટેના જે અલગ જ બિલ્ડિંગ બને છે તે મોંઘા હોય છે, જે ભણતા કે નવા-નવા રૂ. 15 થી 20 હજારમાં નોકરી લાગેલાં યુવક-યુવતીઓને પરવડે તેવાં નથી.












