ઘરમાં મહત્તમ કેટલું સોનું રાખી શકાય, સોનાની ખરીદીમાં વર્તમાન ટ્રેન્ડ શું છે?

સોનું

ઇમેજ સ્રોત, Getty Images

સોનાના ભાવ અત્યારે ઝડપભેર વધી રહ્યા હોવા છતાં લોકો તહેવારની આ સીઝનમાં સોનાના ઘરેણાં અને અસલી સોનું ખરીદી રહ્યા છે.

ભારતમાં દિવાળી વેળાએ સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે ત્યારે સોનાને વારસા અને પરંપરાનું પ્રતીક પણ માનવામાં આવે છે.

થોડા દિવસ પહેલાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ રૂ. 75,000 હતો, જે હવે રૂ. 1,20,000ને પાર કરી ગયો છે.

સોનાના ધંધાર્થીઓ અને માર્કેટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સોનાનો ભાવ બે લાખ રૂપિયા થવાની આશા છે અને એ કારણસર લોકો સોનું ખરીદી રહ્યા છે.

સવાલ એ છે કે એક વ્યક્તિ પોતાના ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકે? આ બાબતે ભારતીય કાયદો શું કહે છે? ઘરમાં સોનું રાખવા સંબંધે સરકારને દિશાનિર્દેશ કયા છે?

1. તમે ઘરમાં કેટલું સોનું રાખી શકો?

ભારત સરકારના નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘરમાં સોનું કે આભૂષણ રાખવાની કોઈ મર્યાદા નથી. શરત એટલી જ છે કે તે વારસા સહિતના આવકના યોગ્ય સ્રોત વડે ખરીદવામાં આવ્યું હોવું જોઈએ.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસના જણાવ્યા અનુસાર, જાહેર કરેલી આવક, મુક્તિ પ્રાપ્ત આવક (જેમ કે કૃષિની આવક), "યોગ્ય ઘરેલુ બચત" અથવા સ્પષ્ટ સ્રોતોમાંથી મેળવેલી કાયદેસરની વારસાગત સંપત્તિમાંથી ખરીદેલું સોનું કરપાત્ર નથી.

નિયમોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઘરની તલાશી દરમિયાન મળેલો સોનાના દાગીનાનો જથ્થો નિર્ધારિત મર્યાદાથી ઓછો હોય તો પણ અધિકારીઓ તેને જપ્ત કરી શકતા નથી.

ટૅક્સ નિષ્ણાત વકીલ કમલ આનંદ કહે છે, "કોઈ પણ વ્યક્તિ તેની આવક અનુસાર ગમે તેટલું સોનું ખરીદી શકે છે અથવા રાખી શકે છે, પરંતુ પૂછવામાં આવે ત્યારે તેમણે તેનો સ્રોત જાહેર કરવો પડે છે. જરૂરી હોય અને વિનંતી કરવામાં આવે તો તમે બિલ અને રસીદો બતાવી શકો છો."

2. એક મહિલા કેટલું સોનું રાખી શકે?

દેશના નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ, એક વિવાહિત મહિલા 500 ગ્રામ સુધી સોનું અને એક અપરિણીત મહિલા 250 ગ્રામ સુધી સોનું રાખી શકે છે.

પરિણીત અને અપરિણીત બન્ને પ્રકારના પુરુષો 100-100 ગ્રામ સોનું રાખી શકે છે.

કમલ આનંદ કહે છે, "કોઈ દરોડા કે પૂછપરછ દરમિયાન મહિલાઓ તથા પુરુષો બન્નેએ સોનાની આ સૂચિત માત્રાનો પુરાવો આપવો જરૂરી નથી. ભારતમાં પરણેલી મહિલાને 500 ગ્રામ સોનું રાખવાની છૂટ છે. એ માટે તેને હેરાન કરી શકાય નહીં."

3. સોનું ખરીદવાનો વર્તમાન ટ્રેન્ડ શું છે?

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના પ્રવક્તા સુરિંદર મહેતાનું કહેવું છે કે આ વખતે નવરાત્રી અને દશેરા દરમિયાન સોનાના બિસ્કિટ અને સિક્કા મોટા પ્રમાણમાં વેચાયા હતા.

તેમના જણાવ્યા મુજબ, ઘરેણાની માગ ઘટી રહી છે, પરંતુ સોનામાં રોકાણ વધી રહ્યું છે. લોકો ઘરેણાં ઓછાં અને બિસ્કિટ તથા સિક્કા વધારે ખરીદી રહ્યા છે. હાલ લોકો માર્કેટમાંથી એક કે બે ગ્રામના સોનાના સિક્કા વધારે ખરીદી રહ્યા છે.

પંજાબના ફિરોઝપુરમાં શિવમ જ્વેલર્સના સંચાલક શિવમ વર્મા જણાવે છે કે અત્યારે લોકો શુદ્ધ સોનું વધારે માગી રહ્યા છે.

બરનાલા સ્થિત મિત્તલ જ્વેલર્સના માલિક અમનદીપ મિત્તલના જણાવ્યા મુજબ, આ વર્ષે સોનાની કિંમતમાં લગભગ 60 ટકા વધારો થયો છે.

તેઓ કહે છે, "અગાઉ લોકો સોનું વેચવા આવતા હતા, પરંતુ આજકાલ કોઈ સોનું વેચતું નથી. લોકો સોનાના બિસ્કિટ ખરીદી રહ્યા છે."

4. સોનાને સંભાળવું એક પડકાર છે?

સોનાના ભાવ ઝડપભેર વધી રહ્યા છે ત્યારે બહાર જતી વખતે તેના દાગીના પહેરવા કે સોનું ઘર પર રાખવું તેને પણ એક પડકાર તથા ચિંતાનો વિષય ગણવામાં આવે છે.

સુરિંદર મહેતા કહે છે, "સોનાના ભાવ વધી રહ્યા છે ત્યારે ઘરેણામાં રોકાણ કરવાનો કોઈ અર્થ નથી, એવું બધાને લાગે છે, કારણ કે ભાવ સતત વધતા રહેશે તો તમે ઘરેણાં પહેરીને બહાર નહીં જઈ શકો, પણ તમારી પાસે સોનાના બિસ્કિટ હશે તો તેમણે સોનાનો ભાવ નહીં ચૂકવવો પડે. તેઓ બિસ્કિટ અને સિક્કાને ગમે ત્યારે વેચી કે ઍક્સચેન્જ કરી શકશે."

પટિયાલાનાં રહેવાસી ડૉ. અર્ચના ગુપ્તા પણ દિવાળીના પ્રસંગે સોનું ખરીદી રહ્યાં છે.

તેઓ કહે છે, "હું દિવાળી માટે થોડા ઘરેણાં ખરીદવાની છું. સોનું રાખવું થોડું મુશ્કેલ છે. તેની સલામતીની ચિંતા કાયમ રહે છે. જોકે, આજકાલ બૅન્કોમાં લૉકર્સ આસાનીથી ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરી શકાય."

રોપડના રહેવાસી ગુરમીત સિંહના કહેવા મુજબ, "જૂના જમાનામાં સોનું રાખવાની સમસ્યા હતી. સોનું આજે પણ કિંમતી ચીજ છે, પરંતુ હવે આપણે અમુક હદ સુધી બૅન્કોનાં લૉકર્સ પર ભરોસો કરી શકીએ છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન