આ પાંચ ભૂલોના કારણે તમારો ક્રૅડિટ સ્કોર તળિયે પહોંચી શકે, કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
આજે કોઈ પણ પ્રકારની લોન લેવી હોય કે ક્રૅડિટ કાર્ડ જોઈતું હોય તો સૌથી પહેલાં ગ્રાહકનો ક્રૅડિટ સ્કોર જોવામાં આવે છે. ક્રૅડિટ સ્કોર નીચો હોય અથવા શૂન્ય હોય તો લોન મેળવવામાં તકલીફ પડી શકે અને લોન મંજૂર થાય તો ઊંચો વ્યાજદર ભરવો પડી શકે છે.
હોમ લોન, પર્સનલ લોન અથવા કોઈ પણ પ્રકારનું ઋણ આપતી વખતે બૅન્કો કે નાણાકીય એજન્સીઓ તમારો ક્રૅડિટ સ્કોર જોવાનો આગ્રહ રાખે છે.
મજબૂત ક્રૅડિટ સ્કોર રાખવો એ મુશ્કેલ નથી. પરંતુ કેટલીક ભૂલોના કારણે ક્રૅડિટ સ્કોર ખરાબ થઈ શકે જેને સુધારવા માટે અલગથી પગલાં લેવાં પડે છે.
અહીં ક્રૅડિટ સ્કોર શું છે, તે કઈ રીતે ખરાબ થઈ શકે અને કઈ ભૂલો તમારી ક્રૅડિટ હિસ્ટ્રીને બગાડી શકે તેની વાત કરી છે.
ક્રૅડિટ સ્કોર કેટલો હોવો જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં સિબિલ એ જાણીતી ક્રૅડિટ સ્કોર એજન્સી છે. આ ઉપરાંત ઇક્વિફૅક્સ, ઍક્સપિરિયન જેવી એજન્સીઓ પણ ક્રૅડિટ સ્કોર તૈયાર કરે છે.
ભારતમાં કોઈ પણ વ્યક્તિની ક્રૅડિટ કેટલી છે તેના માટે સિબિલ ક્રૅડિટ સ્કોર આપે છે જે 300થી 900 સુધી હોય છે.
ફાઇનાન્સ કંપની બજાજ ફિનસર્વની વેબસાઈટ પ્રમાણે 300 કે 300થી નીચો સિબિલ સ્કોર હોય તો તે બહુ નબળો ગણાય. તેનો અર્થ એવો થયો કે પર્સનલ લોન મોટા ભાગે નહીં મળે.
300થી 550 સુધીનો સિબિલ સ્કોર પણ નબળો ગણાય. તેમાં પણ પર્સનલ લોન મંજૂર થવાના ચાન્સ ઘટી થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
551થી 620 સુધીનો સ્કોર હોય તો લોન મળી શકે, પરંતુ વ્યાજનો દર વધારે હશે.
621થી 700 સુધીનો સ્કોર હોય તો તે ઠીકઠાક ગણાશે. 701થી 749 વચ્ચેનો સિબિલ સ્કોર હોય તો વધુ સારી શરતે અને વાજબી વ્યાજદરે લોન મળી શકે છે. 750થી ઉપરનો સ્કોર મજબૂત ગણાશે અને નીચા વ્યાજે ઝડપથી લોન મળી શકે છે.
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર વિનોદ ફોગલાએ કહ્યું કે "300થી 549 સુધીનો સિબિલ સ્કોર બહુ નબળો કહેવાય, આવા લોકોને લોન મેળવવામાં મુશ્કેલ પડી શકે. જ્યારે 550થી 649 સુધીનો સ્કોર હોય તો મર્યાદિત ક્રૅડિટ મળી શકે, પરંતુ તેમાં વ્યાજનો દર ઊંચો રહેશે. 650થી 749 સુધીનો સિબિલ સ્કોર તો તેને ઠીકઠાક સારો સ્કોર કહી શકાય અને લોન મળવાની શક્યતા સારી રહે છે."
તેઓ કહે છે, "750થી ઉપરનો સિબિલ સ્કોર સારો ગણાય અને તમે અનુકૂળ શરતો પર લોન મેળવી શકો છો. સિબિલ સ્કોર અથવા ક્રૅડિટ સ્કોર મજબૂત હશે તો એકથી વધુ બૅન્કો તમને લોન આપવા તૈયાર થઈ જશે."
હવે એ પાંચ ભૂલોની વાત કરીએ જેનાથી ક્રૅડિટ સ્કોર ખરાબ થાય છે.

ક્રૅડિટનો વધારે પડતો ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
તમને મળતી મોટા ભાગની ક્રૅડિટ વાપરી નાખવાની ટેવ હોય તો તેનાથી ક્રૅડિટ સ્કોરને નેગેટિવ અસર થશે અને સ્કોર ગબડી શકે છે. ધારો કે તમારા ક્રૅડિટ કાર્ડની લિમિટ એક લાખ રૂપિયાની છે અને તમે દર મહિને નિયમિત રીતે 80 ટકા ક્રૅડિટનો ઉપયોગ કરી નાખો છો. આનાથી તમારો ક્રૅડિટ સ્કોર ઘટશે. નિષ્ણાતો કહે છે કે ક્રૅડિટના વપરાશનું પ્રમાણ 30થી 40 ટકા સુધી રાખો. તેનાથી વધારે ક્રૅડિટનો વપરાશ ટાળો.
અમદાવાદસ્થિત ઇન્વેસ્ટર પૉઇન્ટના સ્થાપક જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે "તમે નિયમિત રીતે ક્રૅડિટ કાર્ડનું બિલ ચૂકવી દેતા હોવ અને પેમેન્ટને લગતી કોઈ સમસ્યા ન હોય, તો પણ ક્રૅડિટનો વધુ પડતો વપરાશ તમારા ક્રૅડિટ સ્કોરને અસર કરશે. કારણ કે તે દર્શાવે છે કે તમે નાણાકીય દબાણમાં છો અને ક્રૅડિટ લેવાની જરૂર પડે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ઓછી ક્રૅડિટ વાપરો."

પેમેન્ટ કરવાનું ચૂકી જાવ અથવા મોડું કરો

ઇમેજ સ્રોત, Getty Images
ક્રૅડિટનો વપરાશ નીચો રાખવો જરૂરી છે એવી જ રીતે તમારા પેમેન્ટને નિયમિત રાખવા પણ જરૂરી છે.
જયદેવસિંહ ચુડાસમા કહે છે કે, "તમે એક વખત સમયસર પેમેન્ટ કરવાનું ચૂકી જશો તો પણ ક્રૅડિટ સ્કોર ઘટશે. એટલે કે તમારા ઈએમઆઈ સમયસર ભરો અને ક્રૅડિટ કાર્ડનું બિલ પણ સમયમર્યાદામાં ચૂકવી દો. કોઈ પણ વ્યક્તિનો ક્રૅડિટ સ્કોર તૈયાર કરવામાં આવે ત્યારે તેની પેમેન્ટ હિસ્ટ્રીને 35 ટકા જેટલું મહત્ત્વ આપવામાં આવે છે. એક વખત પણ મોડું પેમેન્ટ થાય તો સ્કોર સીધો 50 પૉઇન્ટ ઘટી જાય છે."
વારંવાર પેમેન્ટમાં વિલંબ થાય અથવા પેમેન્ટ ચૂકી જાવ તો ક્રૅડિટ સ્કોરમાં મોટું ગાબડું પડશે કારણ કે આવી વ્યક્તિને ક્રૅડિટ આપવામાં જોખમ હોય છે એવું માનવામાં આવે છે.
વિનોદ ફોગલા કહે છે, "તમે ક્રૅડિટ કાર્ડના બિલનું મિનિમમ પેમેન્ટ કરીને ડિફોલ્ટ ટાળતા હશો તો પણ ક્રૅડિટ સ્કોરને નુકસાન થશે."
તેઓ કહે છે, "અનસિક્યૉર્ડ લોનના કારણે તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે. કારણ કે ક્રૅડિટ કાર્ડ અથવા પર્સનલ લોનમાં સમયસર પેમેન્ટ કરવામાં ન આવે તો સિબિલને અસર થાય અને ભવિષ્યમાં લોન મળવામાં મુશ્કેલી પડી શકે છે.

વારંવાર લોનની ઇન્કવાયરી કરો

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક વખત કોઈ વ્યક્તિની લોનની અરજી એક બૅન્કમાંથી રિજેક્ટ થાય તો તે બીજી જગ્યાએ અરજી કરે છે. કેટલાક લોકો ત્રણ-ચાર જગ્યાએ એક સાથે લોનની અરજી કરે છે, જે નુકસાનકારક છે.
જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, "તમે બહુ ટૂંકા ગાળામાં એકથી વધારે લોન માટે ઇન્કવાયરી કરો તો તેનાથી પણ ક્રૅડિટ સ્કોર ઘટી શકે છે. પર્સનલ લોન, ક્રૅડિટ કાર્ડ કે પછી હોમ લોન માટે ટૂંકા ગાળામાં અરજીઓ કરવામાં આવે તો તે દર્શાવે છે કે તમારી પાસે રૂપિયાની અછત છે અને તમે ઉછીના નાણાં પર આધારિત છો. તેથી લોન કે ક્રૅડિટ કાર્ડ માટે વારંવાર બિનજરૂરી પૃચ્છા કરવાનું ટાળો."
ક્રૅડિટ માટે ટૂંકા ગાળામાં ઇન્કવાયરી કરવાના બદલે દરેક લોન અથવા ક્રૅડિટ કાર્ડ વચ્ચે ચારથી છ મહિનાનો ગાળો રાખો.

ક્રૅડિટ હિસ્ટ્રી બહુ ટૂંકા ગાળાની હોય

ઇમેજ સ્રોત, Getty Images
ક્રૅડિટ સ્કોર નક્કી કરતી વખતે તેનું સાતત્ય અને સમયગાળો બંને જોવામાં આવે છે. બહુ ટૂંકા ગાળાનો ક્રૅડિટ ઇતિહાસ હોય તો તે અસર કરી શકે. તેનાથી વિપરિત લાંબા ગાળાની ક્રૅડિટ હિસ્ટ્રી હોય તો તે તમારી વિશ્વસનીયતા દેખાડે છે. ઘણી વખત સિક્યૉર્ડ અને અનસિક્યૉર્ડ બંને પ્રકારની લોનનો ઇતિહાસ હોય તો ક્રૅડિટ સ્કોર સુધરી શકે છે.
વિનોદ ફોગલાએ જણાવ્યું કે, "વધુમાં વધુ એક કે બે ક્રૅડિટ કાર્ડ રાખો. પાંચ-સાત ક્રૅડિટ કાર્ડ રાખશો તો તે તમારી ક્રૅડિટ હિસ્ટ્રીને ખરાબ કરી શકે છે."

ક્રૅડિટ રિપોર્ટની ભૂલો ધ્યાનમાં લીધી ન હોય

ઇમેજ સ્રોત, Getty Images
ઘણી વખત ક્રૅડિટ રિપોર્ટમાં ભૂલો હોય છે અથવા તેમાં ખોટી માહિતી આપવામાં આવેલી હોય છે. ક્યારેક તમારા ક્રૅડિટ રિપોર્ટમાં એવું દેખાડવામાં આવે કે તમે લોનનો હપતો ચૂકી ગયા છો અથવા ક્રૅડિટ કાર્ડનું બિલ સમયસર નથી ભર્યું.
આવું થાય તો તમે સિબિલ કે બીજા ક્રૅડિટ બ્યૂરોને જાણ કરીને તેનું ધ્યાન દોરી શકો છો.
પહેલી વખત લોન લેનારાઓ માટે સ્પષ્ટતા

ઇમેજ સ્રોત, Getty Images
નાણા મંત્રાલયે તાજેતરમાં કહ્યું કે પહેલી વખત બૅન્કમાંથી ઋણ લેતા હોય તેમના માટે મિનિમમ ક્રૅડિટ સ્કોર ફરજિયાત નથી. આના કારણે એવા લોકોને રાહત મળશે તેઓ હોમ લોન અથવા બીજી કોઈ પણ લોન લેવા માંગે છે, પરંતુ તેમની કોઈ ક્રૅડિટ હિસ્ટ્રી નથી.
સંસદના ચોમાસું સત્રમાં રાજ્યકક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે "પહેલી વખત કોઈએ લોન માટે અરજી કરી હોય તો તેમનો ક્રૅડિટ સ્કોર શૂન્ય છે અથવા ઓછો છે એવું કારણ આપીને બૅન્ક લોનની અરજી રિજેક્ટ કરી ન શકે."
તેમણે એવું પણ કહ્યું હતું કે "આરબીઆઈએ લોન અરજીઓ માટે કોઈ મિનિમમ ક્રૅડિટ સ્કોર નિર્ધારિત નથી કર્યો."
જોકે, વાસ્તવમાં ક્રૅડિટ સ્કોર ખરાબ હોય તો લોન મેળવવી મુશ્કેલ બની જાય છે અથવા તો વધારે ઊંચો વ્યાજ ચૂકવવાની તૈયારી રાખવી પડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












