ગુજરાત : સરહદ ઓળંગીને પાકિસ્તાનથી તરુણ પ્રેમી યુગલ કચ્છમાં કેમ આવી ચડ્યું?

ઇમેજ સ્રોત, Kutch (East) Police
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
પહલગામમાં સહેલાણીઓ પર એપ્રિલ, 2025 માં ચરમપંથીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે.
આ બે પાડોશી દેશો વચ્ચે હાલ ભલે કડવાશભર્યા સંબંધો હોય, પરંતુ બુધવારે એક એવી ઘટના બની જે ઇશારો કરે છે કે પ્રેમને કોઈ સરહદો નડતી નથી અને જરૂર પડે તો પ્રેમ સરહદો ઓળંગી પણ જાય છે.
કચ્છના મોટા રણમાં ખડીર ટાપુ પર ધોળાવીરા ગામ નજીકના રતનપર ગામના લોકોને બુધવારે સવારે અજાણ્યાં તરુણ-તરુણી દેખાયાં.
તપાસ કરતાં પોલીસને પ્રાથમિક રીતે જાણવા મળ્યું કે આ યુગલ 'પોતાના પ્રેમને ખાતર' પાકિસ્તાન છોડી ભારતમાં 'શરણ' માટે આવી ચડ્યું છે.
લગભગ 16 વર્ષનાં આ કિશોર અને કિશોરી ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરીને, પાણી ભરેલા કચ્છના રણને ચીરી ત્રણેક દિવસની સફર બાદ તેમના ગામથી પચાસેક કિલોમીટર દૂર કચ્છના સીમાડે પહોંચી ગયાં, એ આશાએ કે તેમના 'પ્રેમને અહીં નકારવામાં નહિ આવે.'
પાકિસ્તાનના થરપારકરથી આ કપલ કેમ ભાગ્યું?

ઇમેજ સ્રોત, Kutch (East) Police
હાલ તો પોલીસે તેમની સામે કોઈ ગુનો નોંધ્યો નથી અને તેમની પૂછપરછ કરી રહી છે, પરંતુ આ તરુણ કપલને આવનારા દિવસોમાં ગુપ્તચર વિભાગ સહિત ભારતની વિવિધ અજેન્સીઓની પૂછપરછનો સામનો કરવો પડશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે.
પાકિસ્તાનથી આવેલાં છોકરો અને છોકરી સગીર હોવાથી બીબીસી ગુજરાતી તેમની ઓળખ છતી કરી શકતું નથી.
કચ્છ (પૂર્વ) પોલીસના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસપી) સાગર બાગમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ કપલ પાસે કોઈ આધાર-પુરાવા નથી, પરંતુ તેઓ કહે છે કે તેમની ઉંમર સોળેક વર્ષ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
સાગર બાગમારે કહ્યું "તેઓ કહે છે કે તેઓ પાકિસ્તાનના થરપારકર જિલ્લાના એક ગામના રહીશ છે અને ભીલ સમાજના છે. આ ગામ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી દસેક કિલોમીટર દૂર પાકિસ્તાન તરફ આવેલું છે."
"પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ એક-બીજાના પ્રેમમાં છે, પરંતુ છોકરીના પરિવારને આ સંબંધ મંજૂર નથી. આ બાબતે છોકરાના પરિવાર સાથે છોકરીના પરિવારને ઝઘડો પણ થયો હતો. પરિવારે તેમના સંબંધનો અસ્વીકાર કરતા આ કપલે ભારત ભાગી આવવાનું નક્કી કર્યું અને ત્રણ કે ચાર દિવસ પહેલાં તેમનાં ગામમાંથી ભાગી છૂટ્યાં."
ખાસ કરીને પાકિસ્તાન તરફના લોકો રસ્તો ભૂલી જતા સરહદ ઓળંગી કચ્છ પહોંચી જવાના બનાવો દર વર્ષે બનતા રહે છે. પરંતુ એસપીએ કહ્યું કે આ કિસ્સામાં એવું બન્યું નથી.
એસપી સાગર બાગમારેએ ઉમેર્યું, "આ તરુણ-તરુણી તેમનાં ગામમાંથી ભાગ્યાં બાદ ભારતની સરહદ તરફ આગળ વધ્યાં. તેઓ કહે છે કે તેઓ રસ્તો ભટકી જવાથી ભારત નથી આવી ચડ્યાં, પરંતુ તેઓ ભારત જ આવવા ઇચ્છતાં હતાં અને તેટલા માટે સરહદ ઓળંગી કચ્છ પહોંચી ગયાં."
કપલે રણનો વિસ્તાર કેવી રીતે કાપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
સાગર બાગમારે બીબીસી સાથે વધારે વાત કરતાં જણાવ્યું કે સરહદ ઓળંગી દુર્ગમ રણ વીંધી કપલ સરહદથી ચાલીસેક કિલોમીટર ખડીર ટાપુ પર પહોંચી ગયું.
ગત મહિને ભારે વરસાદને કારણે કચ્છના મોટા રણમાં અત્યારે ઘણું પાણી ભરેલું છે તેમ છતાં બંને આ રણના પૂર્વ કાંઠે આવેલા ખડીર ટાપુ સુધી પહોંચવામાં કેવી રીતે સફળ રહ્યાં તેની માહિતી અપાતાં એસપીએ કહ્યું:
"પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે જયારે તેઓ તેમના ગામમાંથી નીકળી ગયાં, ત્યારે પોતાની સાથે પીવાનું પાણી અને ભોજન લીધાં હતાં. તેઓ એમ પણ કહે છે કે રણમાં પાણી ભરાયેલું હોવાથી તેમને કેટલાક અંતર સુધી પાણીમાં તરવું પણ પડ્યું હતું."

ઇમેજ સ્રોત, Getty Images
"તેમની અટકાયત કર્યા બાદ અમે તેમની દાક્તરી તાપસ કરાવી લીધી છે અને ડૉક્ટરોએ પણ એવો અભિપ્રાય આપ્યો છે કે આ તરુણ-તરુણીને તેમની સફર દરમિયાન તરવું પણ પડ્યું હશે."
ખડીર ટાપુ પર પહોંચી તરુણ-તરુણી રતનપર ગામની સીમમાં પ્રવેશ્યાં ત્યારે બુધવારે સવારે 11 વાગ્યાની આજુબાજુ રાતનપરના કેટલાક લોકોની નજર તેમના પર પડી ગઈ.
એસપીએ કહ્યું કે તરુણ-તરુણી સિંધી બોલતા હોવાથી રતનપરના લોકોને જણાયું કે આ છોકરો અને છોકરી કચ્છનાં નથી.
સાગર બાગમારે કહ્યું, "આ છોકરો-છોકરી બહારના જાણતા સ્થાનિક લોકોએ તેમની હાજરીની પોલીસને જાણ કરી. ત્યાર બાદ અમારા ખડીર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન છોકરા અને છોકરીએ કહ્યું કે તેઓ પાકિસ્તાનના થરપારકર જિલ્લાનાં છે.
પાકિસ્તાનનાં આ તરુણ કપલનું હવે શું થશે?

ઇમેજ સ્રોત, Reuters
માન્ય વિઝા વગર ભારતની હદમાં પ્રવેશવું એ ભારતના ધ ફૉરેનર્સ ઍક્ટ, 1946 હેઠળ એક ગુનો બને છે અને જો કોર્ટમાં આવો ગુનો સાબિત થાય તો પાંચ વર્ષ સુધીની જેલની સજા કે પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ કે બંને થઇ શકે છે. પરંતુ એસપીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે હજુ સુધી આ તરુણો સામે કચ્છ (પૂર્વ) પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી.
તેમણે કહ્યું, "હાલ તો ખડીર પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ નોંધ કરીને આ છોકરા અને છોકરીને પૂછપરછ માટે ડેટાઇન કરાયાં છે. પ્રાથમિક પૂછપરછ પછી અમે તેમને ભુજમાં આવેલ જોઇન્ટ ઇન્ટેરોગેશન સેન્ટરને સોંપી દઈશું જેથી ભારતની વિવિધ એજન્સીઓ તેમની પૂછપરછ કરી શકે."
સરહદ ઓળંગી કચ્છમાં આવી જતા પાકિસ્તાની નાગરિકો કે માનતા પાકિસ્તાની નાગરિકોને ગુનો નોંધાયા પહેલા કચ્છના જિલ્લામથક ભુજમાં આવેલ જોઇન્ટ ઇન્ટેરોગેશન સેન્ટર (સંયુક્ત પૂછપરછ કેન્દ્ર)માં અટકાયતમાં રાખવામાં આવતા હોય છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જો તેમને કોર્ટ સજા કરે તો સામાન્ય રીતે કચ્છ કે જામનગરની જેલમાં રાખવામાં આવતા હોય છે અને સજા પૂરી થતા ફરી તેમને જોઇન્ટ ઇન્ટેરોગેશન સેન્ટરમાં રખાય છે અને પાકિસ્તાન આવી વ્યક્તિના નાગરિત્વની પુષ્ટિ કરે ત્યાર પછી તે વ્યક્તિને પાકિસ્તાન પાછી મોકલી દેવાય છે.
અહીં એ નોંધનીય છે કે તાજેતરનાં વર્ષોમાં ભારતમાંથી બે પુરુષોએ પાકિસ્તાનમાં રહેતી મહિલાઓને મળવા જવા માટે કચ્છ આવી આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવાના પ્રયાસો કર્યાં હતા પરંતુ બંને પકડાઈ ગયા હતા.
2024માં જમ્મુ કાશ્મીરના એક પુરુષે પાકિસ્તાનના મુલતાનમાં રહેતી એક મહિલાને મળવા જવા માટે કચ્છ સરહદ ઓળંગવાણી કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેને કચ્છના પશ્ચિમ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલ ખાવડા ગામેથી પકડી લીધો હતો.
તે જ રીતે 2020માં મહારાષ્ટ્ર રાજ્યના ઓસ્માનાબાદ જિલ્લાની એક કૉલેજનો વિદ્યાર્થી પાકિસ્તાનમાં રહેતી તેની ગર્લફ્રૅન્ડને મળવા માટે સરહદપાર કરવાના ઇરાદે મોટરસાઇક્લ લઈને મહારાષ્ટ્રથી છેક કચ્છના રણમાં આવી ચડ્યો હતો. પરંતુ આંતરાષ્ટ્રીય સરહદથી તે દોઢેક કિલોમીટર દૂર હતો ત્યારે સરહદની ચોકી કરી રહેલા ભારતના બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોએ તેને પકડી લીધો હતો.
બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












