ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, આગામી 24 કલાકમાં હવામાન કેવું રહેશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ તાપમાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વાવાઝોડું

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, છેલ્લા ચોવીસ કલાકમાં સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ હળવો વરસાદ થયો છે. (પ્રતીકાત્મક તસવીર)

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ હળવો વરસાદ થયો છે, જ્યારે કચ્છમાં મોટા ભાગે હવામાન સૂકું રહ્યું છે. રાજ્યમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી.

દેશભરમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે જેના કારણે વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુરથી સાઉથવેસ્ટ ચોમાસાની વિદાયની લાઈન પસાર થાય છે.

આગામી ચોવીસ કલાકમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે.

આ દરમિયાન શક્તિ વાવાઝોડાનો જે અંશ બાકી રહ્યો હતો, તે લો પ્રેશરમાં ફેરવાઈ ગયો છે. તેની સાથે સંલગ્ન સાઇક્લોનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ છે અને હવે વેસ્ટ-સેન્ટ્રલ અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે. આગામી ચોવીસ કલાકમાં તે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે એવું હવામાન વિભાગનું કહેવું છે.

તાપમાનમાં કેટલો ફેરફાર થશે

વીડિયો કૅપ્શન, ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું, બંગાળની ખાડીમાં હલચલથી ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે?

લેટેસ્ટ બુલેટિન પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાન કે લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે, જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

હવે કઈ જગ્યાએ વરસાદ પડશે

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ તાપમાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

10મી ઑક્ટોબર, શુક્રવારે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદસ્થિત હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ગુજરાતના બાકીના ભાગોમાં સૂકું હવામાન રહેશે.

11 ઑક્ટોબર પછી આગામી ચાર દિવસ સુધી ગુજરાતના તમામ ભાગોમાં મુખ્યત્વે સૂકું હવામાન રહે તેવી શક્યતા છે.

બેવડી સિઝનનો અનુભવ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ તાપમાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વાવાઝોડું

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, ભારતમાંથી કયાં રાજ્યોમાંથી ચોમાસાની વિદાશ શરૂ થઈ ગઈ છે તેની તસવીર.

ખાનગી હવામાન સમાચાર સંસ્થા સ્કાયમૅટના અહેવાલ પ્રમાણે રાજસ્થાન અને ગુજરાતમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી જશે. તેના કારણે દિવસે તાપમાન વધશે જ્યારે રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. ગુજરાતમાં હવે થોડા દિવસ આવી બેવડી સિઝન અનુભવાય તેવી આગાહી કરવામાં આવી છે.

ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે.

આ દરમિયાન ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં આ વર્ષે વરસાદ ઘણો સારો રહ્યો છે જેમાં સરેરાશ વરસાદની સામે 118 ટકા વરસાદ પડી ગયો છે. કચ્છમાં સૌથી વધારે 148 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં 108 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 117 ટકા અને ઉત્તર ગુજરાતમાં 120 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે. સાઉથ ગુજરાતમાં સરેરાશની તુલનામાં 123 ટકા વરસાદ પડ્યો છે.

બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન