'પહેલાં અહીં મારું ખેતર હતું, હવે દરિયો છે', ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો કેમ ચિંતામાં છે?

ખંભાત દરિયા પર્યાવરણ આબોહવા પરિવર્તન જમીન ખેડૂત ખેતી રોજગારી જમીનનું ધોવાણ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ખંભાત પાસે આવેલા વડગામના ખેડૂત ઝીણાભાઈ ગોહિલ જણાવે છે કે તેની 15 એકર જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ.
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા, ખંભાતથી
    • પદ, બીબીસી સંવાદદાતા

"હાલમાં હું જ્યાં ઊભો છું, તે પહેલાં મારું ખેતર હતું. હાલ અહીં દરિયાનું પાણી આવી ગયું છે. દરિયાની સપાટી વધવાને કારણે મારી 15 એકરથી વધુ જમીન જતી રહી છે, જે જમીન બચી છે તેનાથી મારું ગુજરાન ચાલે છે."

આ શબ્દો છે ખંભાત પાસે આવેલા વડગામના ખેડૂત ઝીણાભાઈ ગોહિલના. તેઓ દરિયાની સપાટી વધવાને કારણે પરેશાન છે.

પર્યાવરણ નિષ્ણાતોના મત પ્રમાણે ખંભાતનો દરિયો વર્ષે 3થી 4 કિલોમીટરની ઝડપે શહેર તરફ આવી રહ્યો છે.

ખંભાતના અખાતમાં અનેક સ્થળોએ દરિયો આગળ આવી જવાને કારણે અનેક ગામોમાં ખેડૂતો અને માછીમારોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ ઘણા લોકોનું માનવું છે કે ખંભાત પાસે દરિયો સદીઓ પહેલાં અહીંથી દૂર જતો રહ્યો હતો પરંતુ હવે તે કુદરતી રીતે જ્યાંથી જતો રહ્યો હતો ત્યાં પરત આવી રહ્યો છે.

પર્યાવરણના નિષ્ણાતો માને છે કે આ આબોહવા પરિવર્તનની અસર છે.

હાલમાં સોશિયલ મીડિયા પર દરિયાની સપાટી વધવાને કારણે ખંભાત શહેર તરફ દરિયો આવી ગયો હોય તે પ્રકારનાં દૃશ્યો વાઇરલ થયાં હતાં. આ દૃશ્યોમાં દરિયાની વધતી સપાટીને કારણે જમીન ધસી પડતી હોય તે પ્રકારનાં દૃશ્યો પણ વાઇરલ થયાં હતાં.

નિષ્ણાતોના મત પ્રમાણે, ખંભાતના દરિયાની આ અસર વધી રહેલા પ્રદૂષણને કારણે જોવા મળી રહી છે. તેઓ એમ પણ કહે છે કે ખંભાતના અખાતમાં કાદવ અને કીચડને પાર કરીને દરિયો શહેર તરફ આવી રહ્યો છે.

ખંભાતની આસપાસ કેવી પરિસ્થિતિ સર્જાઈ છે?

ખંભાત દરિયા પર્યાવરણ આબોહવા પરિવર્તન જમીન ખેડૂત ખેતી રોજગારી જમીનનું ધોવાણ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ધોવાણ થયેલા દરિયાકાંઠાની એક તસવીર.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખંભાતની આ સ્થિતિ જાણવા માટે બીબીસી ગુજરાતીની ટીમે દરિયાકાંઠે આવેલા વડગામની મુલાકાત લીધી હતી.

આ ગામ દરિયા કિનારાનું છેલ્લું ગામ છે. ખંભાતના અખાતની સામે ભાવનગર આવેલું છે અને ગામથી થોડે અંતરે ખંભાત શહેર આવેલું છે.

વડગામના લોકોએ અમને જણાવ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સેંકડો એકર જમીન દરિયામાં ગરકાવ થઈ ચૂકી છે.

જ્યાં એક સમયે ખેતી થતી હતી, તે ખેતરોમાં આજે દરિયાનું પાણી હિલોળા લે છે.

ખેડૂતો દરિયામાં ગરકાવ થયેલી પોતાની જમીનને દૂરથી જોઈને અફસોસ વ્યક્ત કરવા સિવાય કશું કરી શકતા નથી. કેટલાક ખેડૂતો એવા પણ છે જેમની સંપૂર્ણ જમીન દરિયામાં ગઈ હોવાથી તેઓ ખેતમજૂરી કરવા મજબૂર થયા છે.

ગામના ખેડૂત ઝીણાભાઈ ગોહિલની જમીન પણ દરિયામાં ગરકાવ થઈ ગઈ છે.

બીબીસી ગુજરાતીએ જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું, "મારી 15 એકર જમીન દરિયામાં જતી રહી છે. જે બાકી જમીન છે ત્યાં પણ દરિયાનાં મોજાં આવી જાય છે. દરેક ભરતી વખતે થોડી-થોડી જમીન દરિયામાં જતી દેખાય છે."

ઝીણાભાઈ કહે છે કે આ પ્રક્રિયા છેલ્લાં બે વર્ષથી ચાલી રહી છે.

આ વિશે જણાવતા તેઓ કહે છે, "દરિયો જમીનને અથડાય છે. ભેખડ ધસી પડે છે. છેલ્લાં બે વર્ષથી આમ ચાલ્યા કરે છે. અમને બીજું કામ કરતાં આવડતું નથી, માટે અમારે હવે શું કરવું તે સમજાતું નથી."

વડગામની જમીનની ત્રણ બાજુએ દરિયો છે. આ ગામની સીમમાં આવેલાં ઘણાં ખેતરો પણ ઝીણાભાઈના ખેતરની માફક દરિયામાં ગરકાવ થઈ ગયાં છે.

વીડિયો કૅપ્શન, Gujarat નો એ દરિયો જે સતત આગળ વધી ખેતરો ગળી રહ્યો છે, લોકોને ચિંતા છે કે શહેર સુધી પહોંચી જશે દરિયો

વડગામના એક આગેવાન લખમણસિહ રાઉલે બીબીસી ગુજરાતીની ટીમને એ ખેતરોની મુલાકાત કરાવી જ્યાં દરિયાનું પાણી આવી ગયું હોય.

વડગામના દરિયાકાંઠે એક મંદિર છે તેની પાસેના અનેક વિસ્તારની જમીનો હાલ દરિયાનાં પાણીમાં છે.

લખમણસિંહ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં કહે છે, "ગયા વર્ષ સુધી અહીં ખેતી થતી હતી. આ ખેતરોમાં મગફળીનો મબલક પાક થતો હતો. હવે અહીં માત્ર દરિયો જ દેખાય છે. દરેક ભરતી વખતે મોજાંની ઊંચાઈ વધી જાય છે અને કાંઠાં તોડીને દરિયો જમીનની અંદર આવી જાય છે."

માછીમારો પણ છે પરેશાન

ખંભાત દરિયા પર્યાવરણ આબોહવા પરિવર્તન જમીન ખેડૂત ખેતી રોજગારી જમીનનું ધોવાણ બીબીસી ગુજરાતી ગુજરાત માછીમારી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ખંભાતના ધોવાણ થયેલા કિનારાની તસવીર

વડગામની સાથે બીબીસી ગુજરાતીએ ખંભાતના આખોલ ગામની મુલાકાત લીધી.

થોડાં વર્ષો પહેલાં આ ગામના પાદરે પાણીના અનેક પાટા બનાવવામાં આવ્યા હતા. જેમાં ઝિંગા, લેપટા વગેરે થકી પગડિયા માછીમારી કરીને કેટલાક લોકો પોતાનું ગુજરાન ચલાવતા હતા.

પગડિયા એ માછીમારી છે, જેમાં ઓટ સમયે માછીમારો દરિયામાં આગળ સુધી જાય છે ત્યારે તે માટીમાં લાકડીમાં ખોપીને તેના આધારે જાળ પાથરે છે. જ્યારે પાણી અંદર સુધી આવે, ત્યારે માછલીઓ અને અન્ય દરિયાઈ જીવો પણ અંદર સુધી આવે છે.

હાલમાં પરિસ્થિતિ એવી છે કે દરિયાની સપાટી મીઠા પાણીના આ પાટા તોડીને ખારું પાણી તેની અંદર આવી ગયું છે.

આ વિસ્તારમાં કામ કરી રહેલી એક સરકારી કંપનીએ થોડા સમય પહેલાં આખોલ ગામની નજીક એક હેલિપૅડ બનાવ્યું હતું. તેના માટે ખાસ રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો.

આ ગામના પૂર્વ સરપંચ નરેન્દ્રભાઈ મકવાણાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "સરપંચ તરીકે મારા કાર્યકાળમાં આ રસ્તો બન્યો હતો. જે હવે દરિયાના પાણીથી ધોવાઈ ગયો છે. હેલિપૅડ અહીંથી 3થી 4 કિલોમીટર દૂર હતું. જે એકાદ વર્ષથી તૂટી ગયું છે. હવે ત્યાં માત્ર દરિયાનું પાણી છે."

પગડિયા માછીમારી કરતા લોકોએ હવે આ પરિસ્થિતિને કારણે ફરજિયાત બોટ લેવી પડી છે. કારણકે દરિયાના પાણીનું સ્તર વધી જતાં બોટ વગર અહીં માછીમારી થઈ શકતી નથી.

ગામના એક માછીમાર કૌશિક મકવાણાએ બીબીસી ગુજરાતીને આ વિશે જણાવ્યું, "મારે હાલ બોટ ખરીદવી પડી છે. પરંતુ જેની પાસે બોટ નથી કે બોટ ખરીદવાની સ્થિતિ નથી તેવા લોકો હવે બેરોજગાર થઈ ગયા છે. હવે તેમણે બીજાં ગામોમાં નોકરી કે મજૂરી કરવા જવું પડે છે."

શું કહેવું છે સરકારનું, નિષ્ણાંતોનું?

ખંભાત દરિયા પર્યાવરણ આબોહવા પરિવર્તન જમીન ખેડૂત ખેતી રોજગારી જમીનનું ધોવાણ બીબીસી ગુજરાતી ગુજરાત ખંભાત નગરપાલિકા ચેતવણી બોર્ડ

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ખંભાતના દરિયામાં ઠેરઠેર આ પ્રકારે ચેતવણીનાં બોર્ડ મારેલાં જોવા મળે છે.

પર્યાવરણવાદીઓ આ પરિસ્થિતિ પાછળ આબોહવા પરિવર્તનને જવાબદાર ગણે છે.

આ વિશે વાત કરતાં જિયૉલૉજિસ્ટ ડૉ. જયેન્દ્ર લખમાપારકરે કહ્યું કે ખંભાતમાં દરિયો અંદર આવવાનાં બે કારણો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે આ કારણો સમજાવતા કહ્યું, "એક તો દરિયાનો ડાયનેમિક્સ બદલાવ છે. કારણકે તેની ઊર્જા વધી રહી છે. સામાન્ય રીતે ચોમાસાના સમય દરમિયાન દરિયામાં જે તોફાનો ઉદ્ભવે છે તેના કારણે દરિયાની ઊર્જા વધી જાય છે. બીજું ખંભાતના અખાતમાં દરિયાનાં મોજાં ઘણાં ઊંચાં હોય છે."

"આ મોજાં ચોમાસા દરમિયાન વધી જાય છે. જેના કારણે દરિયામાં ધોવાણ થાય છે. ખાસ કરીને ચોમાસામાં તેમાં વધારો થાય છે."

આ વિશે વાત કરતાં ખંભાત નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહ કહે છે કે "છેલ્લા પાંચ-છ મહિનાથી ધોવાણ વધી ગયું છે. દરિયાનું સ્તર વધી રહ્યું છે. તે અંગેના બોર્ડ અનેક જગ્યાએ ચેતવણીના ભાગરૂપે મૂકવામાં આવ્યાં છે."

"હું માનું છું આ સામાન્ય પ્રક્રિયા છે. દરિયો અમુક દાયકા બાદ પોતાની દિશા બદલતો હોય છે. પરંતુ તેનાથી ખંભાતને કોઈ મોટું નુકસાન થાય તેવું લાગતું નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન