ગુજરાતનો દરિયો ગરમ કેમ થઈ રહ્યો છે? તેની મનુષ્યો પર શી અસર થઈ રહી છે?

આબોહવા પરિવર્તન, દરિયાની સપાટીનું ગરમ થવું, જળવાયુ પરિવર્તન, માછીમારો, માછલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

હિંદ મહાસાગર ખૂબ ઝડપથી ગરમ થઈ રહ્યો છે, વર્ષ 1951થી 2015ના સમયગાળા દરમિયાન હિંદ મહાસાગરના તાપમાનમાં દર દસ વર્ષે 0.15 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાયો છે.

લોકસભામાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનૉલૉજી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આપેલી માહિતી પ્રમાણે હિંદ મહાસાગરનો ઉષ્ણકટિબંધીય ભાગ તેમ જ અરબી સમુદ્રનો ઉત્તર ભાગ ગરમ થઈ રહ્યો છે.

સમુદ્રો ગરમ થવાને કારણે ભારતના કાંઠે આવેલા દરિયામાં મરીન હિટ વેવ્ઝ (દરિયાના પાણીમાં ફેલાતાં ગરમીનાં મોજાં)ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર આબોહવા પર પડી રહી છે. દરિયાના તટીય પ્રદેશોમાં રહેતા લોકો પર એની સીધી અસર પડી રહી છે.

ગુજરાત રાજ્યમાં 1600 કિલોમીટરથી લાંબો દરિયાકાંઠો છે અને ભારતના દરિયાકાંઠાની લંબાઈ 7,500 કિલોમીટરથી વધારે છે અને કરોડો લોકો દરિયાઈ પટ્ટી પર રહે છે જ્યાં આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગની અસર વધારે રહેવાની શક્યતા હોય છે.

વિશ્વભરના મહાસાગરો એ આબોહવાનું નિયમન કરે છે. તે વાતાવરણમાં રહેલી ગરમી શોષી લે છે અને દુનિયાનો અડધા જેટલો ઑક્સિજન ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત તે હવામાનની પેટર્નને પણ ચલાવે છે. સમુદ્રો ગરમ થવા લાગે ત્યારે કાર્બન ડાયૉક્સાઇડ શોષી લેવાની તેની ક્ષમતામાં ઘટાડો થાય છે. એટલે કે આ ગૅસ વાતાવરણમાં જ રહે છે અને પૃથ્વી વધારે ગરમ થાય છે.

હિંદ મહાસાગર અને અરબી સમુદ્રનું તાપમાન કેટલું વધ્યું છે?

આબોહવા પરિવર્તન, દરિયાની સપાટીનું ગરમ થવું, જળવાયુ પરિવર્તન, માછીમારો, માછલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રશાંત મહાસાગરના ભૂમધ્ય રેખા નજીકના પાણીની સપાટી પરનું તાપમાન અસાધારણ રીતે વધી જાય તે ઘટનાને હવામાનની ભાષામાં અલ નીનો કહે છે

ભારતના દક્ષિણ છેડે હિંદ મહાસાગર, પશ્ચિમ કાંઠે અરબી સમુદ્ર અને પૂર્વ કાંઠે બંગાળની ખાડી આવેલ છે. કન્યાકુમારી પાસે આ ત્રણેયનો સંગમ થાય છે.

ભૂમધ્યરેખા પર આવેલ માલ્દિવ્ઝથી ઉત્તર તરફ આવેલ હિંદ મહાસાગરના ભાગને અરબી સમુદ્ર કહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પાકિસ્તાન વગેરેના કાંઠાના સમુદ્રને અરબી સમુદ્રનો ઉત્તર ભાગ કહેવાય છે.

જયારે માલ્દિવ્ઝ તરફના ભાગને અરબી સમુદ્રનો દક્ષિણ ભાગ કહેવાય છે. બીજી રીતે કહીએ તો અરબી સમુદ્ર હિંદ મહાસાગરનો ઉત્તર ભાગ છે જે ઉષ્ણકટિબંધમાં આવેલ છે. અરબી સમુદ્રના આ કાંઠે વસ્તીગીચતા પણ વધારે છે.

ડૉ. સિંહે લોકસભામાં આપેલ માહિતી અનુસાર છેલ્લાં સિત્તેર વર્ષમાં બંને સમુદ્રના સી સરફેસ ટૅમ્પરેચર એટલે કે દરિયાના પાણીની સપાટી પરના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે.

તેમણે માહિતી આપતા કહ્યું, "ઍન્હાન્સડ રિકન્સ્ટ્રકટેડ સી સરફેસ ટેમ્પરેચર (ERSSTv4 ) પર આધારિત એક અનુમાન મુજબ 1951થી 2015ના સમયગાળા દરમિયાન ઉષ્ણકટિબંધીય હિંદ મહાસાગરના તાપમાનમાં દર દાયકે 0.15 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો."

"તે જ રીતે 1982થી 2019ના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રના સી સરફેસ ટેમ્પરેચરનો ટ્રેન્ડ સૂચવે છે કે તાજેતરના દાયકાઓમાં તેના ઉત્તર ભાગમાં દરિયાની સપાટી પરના પાણીના તાપમાનમાં વાર્ષિક 1.5 ડિગ્રી જેટલો અસામાન્ય વધારો નોંધાયો છે. દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં 0.75 ડિગ્રી સેલ્સિયસ સુધીનો અસામાન્ય વધારો નોંધાયો છે."

દરિયો કેમ ગરમ થઈ રહ્યો છે અને આબોહવા પર તેની શી અસર પડે છે?

આબોહવા પરિવર્તન, દરિયાની સપાટીનું ગરમ થવું, જળવાયુ પરિવર્તન, માછીમારો, માછલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના દરિયાકાંઠાની લંબાઈ 7500 કિલોમીટરથી વધારે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગરમ થઈ રહેલા સમુદ્રથી દરિયામાં મરીન હિટવેવ એટલે કે દરિયામાં ફેલાતાં ગરમીનાં મોજાંના દિવસોમાં વધારો થઈ રહ્યો છે. આ ઝડપથી વધી રહેલી ગરમીને કારણે ઉત્તર અરબી સમુદ્ર અને ભારતના પશ્ચિમ કાંઠે આવેલ દક્ષિણ-પૂર્વ (અગ્નિ) અરબી સમુદ્રમાં મરીને હિટવેવના સમય (આવૃત્તિ)માં દાયકા દીઠ લગભગ 20 દિવસના વધારાનો ટ્રેન્ડ જોવાઈ રહ્યો છે. જે 1980ના દાયકાથી મરીન હિટવેવના દિવસો (આવૃત્તિ)માં કેટલાય ગણો વધારો સૂચવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ભારતીય હવામાન ખાતાના અમદાવાદ ખાતેના હવામાન કેન્દ્રના વડા અશોકકુમાર દાસે કહ્યું કે દરિયાની સપાટી પરના પાણીના તાપમાનની હવામાન પર પણ ઊંડી અસર જોવા મળે છે.

અશોકકુમાર દાસના કહેવા પ્રમાણે દરિયાની સપાટી પરના પાણીનું તાપમાન વધી રહ્યું છે તેનો અર્થ એ થાય કે વધારે પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું છે અને તેથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. વળી, એવા પણ પુરાવા મળ્યા છે કે વાતાવરણ પણ ગરમ થઈ રહ્યું છે અને પરિણામે વાતાવરણની ભેજ સંગ્રહવાની ક્ષમતા પણ વધી રહી છે.

ડૉ. સિંહે આપેલી માહિતી પ્રમાણે ગ્લોબલ વૉર્મિંગ માટે માનવીય પ્રવૃત્તિઓ ઉપરાંત કુદરતી કારણો પણ જવાબદાર છે. લાંબી હિટવેવ ડૉમિનન્ટ કલાયમેટ મોડ (વાતાવરણનો મુખ્ય પ્રકાર) સાથે સંકળાયેલી છે.

તેઓ કહે છે કે, ઇન્ડિયન ઓશન બેસિન (હિંદ મહાસાગરના તટપ્રદેશ)માં અનુભવતા ગરમીના મોજાંવાળા દિવસો માટે અલ નીનોનો અંત તરફનો ભાગ પ્રભાવ પાડતું સૌથી મોટું પરિબળ છે જેનો ફાળો સિત્તેરથી 80 ટકા હોય છે.

પ્રશાંત મહાસાગરના ભૂમધ્ય રેખા નજીકના પાણીની સપાટી પરનું તાપમાન અસાધારણ રીતે વધી જાય તે ઘટનાને હવામાનની ભાષામાં અલ નીનો કહે છે. અલ નીનોના સમયમાં ભારતીય ઉપખંડ પર અસાધારણ ગરમી અને ઓછો વરસાદ પડવાની સંભાવના રહે છે.

દાસનું કહેવું છે કે વાતાવરણનું તાપમાન વધતા તેની ભેજ સંગ્રહવાની ક્ષમતા ઑટોમૅટિક રીતે વધે છે. આ એક ભૌતિક પ્રક્રિયા છે અને તેનું પરિણામ એ આવે છે કે પહેલાંની જેમ હવે ઝરમર ઝરમર વરસાદના દિવસોના બદલે થોડી જ કલાકોમાં અતિ ભારે વરસાદના દિવસોમાં વધારો થયો છે. આને કારણે જ અતિવિષમ આબોહવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવો ધોધમાર વરસાદ ક્યાં અને ક્યારે પડશે તેની આગાહી કરવી મુશ્કેલ જણાય છે.

સમુદ્રો માત્ર માનવ દ્વારા પેદા કરવામાં આવતો કાર્બન ડાયૉક્સાઇડ જ નથી શોષી લેતા પરંતુ તે 90 ટકા જેટલી વધારાની ગરમી પણ શોષી લે છે. જ્યારે દરિયાની જળસપાટી ગરમ થવા લાગે છે ત્યારે આ વ્યવસ્થા જોખમાય છે.

આબોહવા પરિવર્તનને કારણે વધારે વાવાઝોડાં તીવ્ર બની રહ્યાં છે?

આબોહવા પરિવર્તન, દરિયાની સપાટીનું ગરમ થવું, જળવાયુ પરિવર્તન, માછીમારો, માછલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરબી સમુદ્રમાં આવાં છ વાવાઝોડાં ચોમાસા પહેલાં અને પાંચ ચોમાસા પછી સર્જાયાં હતાં.

ગરમ થઈ રહેલા સમુદ્રો અને વાતાવરણમાં વધી રહેલી ગરમી દુનિયાભરમાં વાવાઝોડાંની સંખ્યામાં વધારો કરી રહી છે એવું ચોક્કસ ન કહી શકાય પરંતુ તેના કારણે વાવાઝોડાં વધારે તીવ્ર બને છે, પવનની ગતિ પણ વધે છે અને અતિભારે વરસાદ પડવાની સંભાવનામાં વધારો થાય છે.

પૃથ્વીય વિજ્ઞાન મંત્રાલય દ્વારા 2020માં પ્રકાશિત કરાયેલ 'ભારતીય પ્રદેશ પર આબોહવા પરિવર્તનની અસરનું મૂલ્યાંકન" નામના રિપોર્ટમાં હિંદ મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડા અંગે માહિતી આપવામાં આવી છે.

આ રિપોર્ટના પાના નંબર 169 પર નોંધવામાં આવ્યું છે કે 1950 પહેલાંના દાયકાઓની સરખામણીએ 1951થી 2018 દરમિયાનના દાયકાઓમાં વાવાઝોડાંની વાર્ષિક સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

રિપોર્ટ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંમાં પ્રતિ દાયકાએ 0.26 ટકાનો અને સમગ્ર ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાંમાં પ્રતિ દાયકે 0.23 ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ આ દાયકાઓ દરમિયાન તીવ્ર વાવાઝોડાંની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર બંગાળની ખાડીમાં આવાં તીવ્ર વાવાઝોડાંની સંખ્યામાં 49 ટકાનો અને અરબી સમુદ્રમાં 52 ટકાનો વધારો નોંધાયો છે.

આ રિપોર્ટના પાના નંબર 162 પર જણાવ્યા અનુસાર 1981-2018ના ગાળામાં અરબી સમુદ્રમાં 11 અને બંગાળની ખાડીમાં 37 વાવાઝોડાં સર્જાયાં અને તે અતિ તીવ્ર વાવાઝોડાંમાં ફેરવાયાં હતાં.

અરબી સમુદ્રમાં આવાં છ વાવાઝોડાં ચોમાસા પહેલાં અને પાંચ ચોમાસા પછી સર્જાયાં હતાં. બંગાળની ખાડીમાં આવાં નવ વાવાઝોડાં ચોમાસા પહેલાં અને 28 ચોમાસા પછી ઉદ્ભવ્યાં હતાં.

ચોમાસા પછીની ઋતુ(ઑક્ટોબર-ડિસેમ્બર)માં ઉત્તર હિંદ મહાસાગર બેસિનમાં આવાં વાવાઝોડાંની સંખ્યામાં 105 ટકા જેટલો તીવ્ર વધારો નોંધાયો છે. અવલોકનો મુજબ ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં અતિ તીવ્ર વાવાઝોડાંની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે અન્ય એક ચિંતાજનક બાબત એ છે કે અરબી સમુદ્રમાં 2000થી 2018 દરમિયાન સર્જાયેલાં 11 વાવાઝોડાંમાંથી છ વાવાઝોડાં વધારે તીવ્ર બન્યાં હતાં.

આ વધારા પાછળનાં કારણો વિશે થયેલ સંશોધનોની ઉપલબ્ધ માહિતી અનુસાર એ બાબતે સર્વસંમતિ છે કે અરબી સમુદ્રમાં ચોમાસા પછી સર્જાતાં વાવાઝોડાંમાં વધારા માટે માનવીય પ્રવૃત્તિઓને કારણે દરિયાની સપાટીના પાણીના તાપમાનમાં થયેલો વધારો કારણભૂત છે તેમ મધ્યમકક્ષાના વિશ્વાસ સાથે કહી શકાય.

ગરમ થઈ રહેલા પાણીની દરિયાઈ જીવસૃષ્ટિ પર શું અસર થઈ રહી છે?

આબોહવા પરિવર્તન, દરિયાની સપાટીનું ગરમ થવું, જળવાયુ પરિવર્તન, માછીમારો, માછલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આબોહવા પરિવર્તન અને સમુદ્ર સપાટીના વધતા તાપમાનને કારણે માછીમારોને બેવડો માર પડી રહ્યો હોવાનું માછીમાર આગેવાનો જણાવી રહ્યા છે.

ગરમ સમુદ્ર અને હિટવેવ દરિયાઈ જીવસૃષ્ટિને અસર કરે છે અને વિવિધ દરિયાઈ પ્રજાતિઓને અસર પહોંચાડી શકે છે. આ ઉપરાંત ગરમ થતી જળસપાટીને કારણે ખોરાકી શૃંખલા એટલે કે ફૂડ ચેઇન પર પણ અસર થઈ શકે છે.

ગોવા સ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફી એટલે કે રાષ્ટ્રીય સમુદ્રશાસ્ત્ર સંસ્થાના જૈવિક સમુદ્રશાસ્ત્ર વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. મંગુશ ગૌન્સ કહે છે કે દરિયાઈ સપાટી પરનું વધતું તાપમાન અને માનવીય પ્રવૃત્તિઓ દરિયાઈ જીવસૃષ્ટિને ખોરવી નાખે તેવી ભીતિ છે.

તેમના કહેવા પ્રમાણે અન્ય મહાસાગરોની સરખામણીએ હિંદ મહાસાગર વધારે ઝડપથી ગરમ થઈ રહ્યો છે. દરિયાઈ સપાટીનું તાપમાન વધવાથી દરિયાના પાણીમાં સ્તરીકરણ થઈ શકે છે જેમાં સપાટી પરનું ગરમ પાણી અને સપાટી નીચેનું ઠંડું પાણી એવા ભાગ પડી જાય છે. જો આ ગરમ પાણીને ધકેલી ઠંડા પાણીને સપાટી પર લાવવાની કોઈ સિસ્ટમ ન બને તો ઠંડા પાણીમાં રહેલ પોષકતત્ત્વો ઉપર આવી શકતાં નથી. તેની વિપરીત અસર માછલીઓ સહિતની સામુદ્રિક જીવસૃષ્ટિ પર પડે છે.

તેમણે કહ્યું કે પ્રદૂષણના કારણે પણ દરિયાઈ જીવસૃષ્ટિ પર અવળી અસર પડી શકે છે. આ દરિયાઈ જીવસૃષ્ટિ દુનિયામાં પેદા થતા કુલ ઑક્સિજનમાંથી 15 ટકા ઑક્સિજન બનાવે છે.

ડૉ. ગૌન્સ ઉમેરે છે કે માણસો દ્વારા ફેલાવતા સામુદ્રિક પ્રદૂષણના કારણે દરિયામાં પોષકતત્ત્વોની માત્ર વધી જાય છે અને તેથી શેવાળ જેવી વનસ્પતિઓ મોટા પાયે ઊગી નીકળે છે. જો તેને ખાનારા જીવ પૂરતા પ્રમાણમાં ન હોય તો આવી વનસ્પતિ છેવટે દરિયાને તળિયે જમા થાય છે. તેનું વિઘટન કરી પોષકદ્રવ્યોમાં રૂપાંતર કરવા માટે બૅક્ટેરિયાને લાંબો સમય લાગે છે. પરંતુ આ પ્રક્રિયા કરવા માટે બૅક્ટેરિયા સમુદ્રના પાણીમાં રહેલા ઑક્સિજનના મોટા જથ્થાનો ઉપયોગ કરી લે છે. પરિણામે, પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રા ઘટે છે જે માછલીઓ માટે ઘાતક નીવડે છે.

ડૉ. ગૌન્સના કહેવા પ્રમાણે સામાન્ય રીતે આવી ઘટનાઓ ચોમાસાની ઋતુ બાદ નોંધાતી હોય છે અને તેને કારણે માછીમારોને મોટું નુકસાન થઈ શકે છે.

દરિયાની સપાટી ગરમ થવાને કારણે માછલીઓની અનેક પ્રજાતિ પર ખરાબ અસરો પડી શકે છે.

નેચર જર્નલના એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, "અનેક થિયરીઓ સંકેત આપે છે કે બદલાતી પરિસ્થિતિઓ સાથે જલદીથી અનુકૂળતા સાધી ન શકવાને કારણે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં રહેતી માછલીઓની સંખ્યામાં 2050 સુધીમાં 14થી 39 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. અનેક પ્રજાતિઓ પર જોખમ પણ સર્જાયું છે."

તેના કારણે માછીમારોની આજીવિકા પર પણ સીધી અસર થઈ શકે છે.

માછીમારો પર શું અસર પડી રહી છે?

આબોહવા પરિવર્તન, દરિયાની સપાટીનું ગરમ થવું, જળવાયુ પરિવર્તન, માછીમારો, માછલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દરિયાની સપાટીના વધી રહેલા તાપમાન અંગે બીબીસીએ એક અહેવાલ 2022માં પ્રકાશિત કર્યો હતો.

આ અહેવાલમાં એ સામે આવ્યું હતું કે અનેક માછીમારો દિવસો સુધી દરિયામાં ફરતા રહે છે પરંતુ તેમના હાથમાં એકપણ માછલી આવતી નથી.

મુંબઈના માછીમારોને એક જમાનામાં દરિયામાં માછલી પકડવા માટે 1.2થી 1.8 માઇલ સુધી જવું પડતું હતું પરંતુ હવે તેઓ કહે છે કે તેમને 30-40 કિલોમીટર દૂર સુધી જવું પડે છે.

આબોહવા પરિવર્તન અને સમુદ્ર સપાટીના વધતા તાપમાનને કારણે માછીમારોને બેવડો માર પડી રહ્યો હોવાનું માછીમાર આગેવાનો જણાવી રહ્યા છે.

માછીમાર અધિકાર સંઘર્ષ સમિતિ કચ્છ અને સૌરાષ્ટ્ર કાંઠાના માછીમારોના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા છે.

માછીમાર અધિકાર સંઘર્ષ સમિતિના નેતા ભરત પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "પહેલાં કચ્છના અખાત વિસ્તારમાં ટનના હિસાબે પોમ્ફ્રેટ (પાપલેટ) માછલી મળતી હતી. પરંતુ પ્રદૂષણ અને દરિયાના પાણીના તાપમાનમાં વધારો થવાને કારણે છેલ્લાં દસ-પંદર વર્ષથી માછીમારોને હવે આ માછલી વર્ષે 20 કિલો જેટલી પણ મળતી નથી કારણ કે માછલીઓ અન્ય જગ્યાએ જતી રહી છે."

નૅશનલ ફિશવર્કર્સ ફોરમના સચિવ ઉસ્માન ગણી શેરસિયા ઉમેરે છે કે આબોહવા પરિવર્તનના કારણે માછીમારીની સિઝનમાં પણ દોઢેક મહિના જેટલો ઘટાડો થયો છે.

તેઓ કહે છે કે, "સામાન્ય રીતે કચ્છમાં ઑગસ્ટ મહિના પછી વરસાદ પડતો ન હતો. પરંતુ પાછલાં પાંચેક વર્ષથી પરિસ્થિતિ બદલી છે અને કચ્છ તેમ જ ગુજરાતમાં સપ્ટેમ્બરના અંત અને ઑક્ટોબર સુધી વરસાદ પડે છે."

"તેથી, માછીમારો પહેલી ઑગસ્ટના બદલે 15 સપ્ટેમ્બર પછી માછીમારીની સિઝનની શરૂઆત કરે છે અને તે રીતે સિઝનમાં દોઢેક મહિનાનો ઘટાડો થયો છે."

"આ ઉપરાંત, કચ્છમાં માછલી પકડી તેને સૂકવી અને પછી વેચવાની પરંપરા છે. પરંતુ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં વરસાદ પડવાથી માછીમારો તેમની માછલી સૂકવી શકતા નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.