ભારતના જે સમુદ્રમાં પડનાર કોઈ જીવિત બચતું નથી, તેમાં 26 કલાક સુધી તરીને આ યુવાન કેવી રીતે બચ્યો?

- લેેખક, સિરાજ
- પદ, બીબીસી તામિલ સંવાદદાતા
તારીખ 20-21 સપ્ટેમ્બર, 2025, સમય હતો બપોરે 1:15નો.
શિવમુરુગન નામનો એક યુવાન કન્યાકુમારીથી 16 નોટિકલ માઇલ (અંદાજે 29 કિમી) દૂર ભયાનક દરિયાઈ લહેરો વચ્ચે દક્ષિણ હિંદ મહાસાગરમાં તરી રહ્યો હતો. તેઓ તેમના મિત્રો અને ભાઈ સાથે માછલી પકડવા ગયા હતા અને હોડીમાંથી સમુદ્રમાં પડી ગયા હતા તેને પાંચ કલાક વીતી ગયા હતા.
શિવમુરુગને બીબીસીને જણાવ્યું કે, "મારી આંખ સામે લગભગ એકાદ નોટિકલ માઇલ દૂર કેટલીક હોડીઓ મને શોધી રહી હતી. મારું ગળું સમુદ્રના પાણીને કારણે સોજાઈ ગયું હતું અને હું મદદ માટે જોરથી બૂમ પણ પાડી શકું તેમ નહોતો. અમાસની રાત હતી એટલે તેઓ પણ મને જોઈ શકતા નહોતા. થોડી વાર પછી એ હોડી પણ કાંઠે પહોંચી ગઈ. હું હજુ તરી રહ્યો હતો."
35 વર્ષીય શિવમુરુગન તિરુનેલવેલી જિલ્લાના કુડનકુલમ પાસેના કિનારાના ગામ ચેટ્ટીકુલમના રહેવાસી છે.
ગત મહિનાની 20 તારીખે શિવમુરુગન કન્યાકુમારીના ચિન્નામુત્તમના જાણીતા દરિયાકાંઠેથી માછલી પકડવા માટે ગયા હતા. તેમની સાથે તેમના 16 મિત્રો અને ભાઈઓ હતા અને તેઓ મોટરબોટમાં માછલી પકડવા માટે ગયા હતા. તેઓ લપસીને સમુદ્રમાં પડી ગયા અને પછી તેમને 26 કલાકે બચાવી શકાયા.
કન્યાકુમારીનાં માછીમાર અને લેખિકા પૉલીન કહે છે કે, "જ્યારે શિવમુરુગન વિશે અમે જાણ્યું અને તેમને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે અમને લાગ્યું કે તેમના બચવાની કોઈ સંભાવના નથી. આવું એટલા માટે છે, કારણ કે જો તમે દક્ષિણ મહાસાગરમાં લાપતા થઈ જાઓ તો, જીવિત પાછા ફરવું દુર્લભ મનાય છે."
કુલાચલ મરીન પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "જેવી જ અમને શિવમુરુગનના લાપતા થયા હોવાની ખબર મળી અમે તેને બચાવવાના પ્રયાસ શરૂ કરી દીધા, પરંતુ તેઓ ન મળ્યા. કૂથનકુઝી ગામના અમુક માછીમારો જ્યારે માછલી પકડવા માટે દરિયામાં ગયા ત્યારે તેમણે તેમને બચાવી લીધા અને 22 સપ્ટેમ્બરે તેઓ તેને કિનારા પર લઈ આવ્યા."
ખરેખર શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના બન્યાનાં બે અઠવાડિયાં પહેલાં જ શિવમુરુગને માછલી પકડવાનું શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શિવમુરુગન કહે છે, "અમે સામાન્ય રીતે માછલી પકડવા માટે ચેટ્ટીકુલમથી વહેલી સવારે બે વાગ્યે નીકળીએ છીએ અને સાંજે સાડા ચારે ચિન્નમુત્તમથી નીકળીએ છીએ. 20 સપ્ટેમ્બરે અમે ગયા, જાળ પાથરી, માછલીઓ પકડી અને સાંજે છ વાગ્યે પાછા ફરી રહ્યા હતા."
તેઓ કહે છે કે, "રાત્રે આઠ વાગ્યે પેશાબ કરવા માટે હું હોડીની એક તરફ ગયો. છેલ્લે મેં જોયું ત્યારે અમે કન્યાકુમારીના કિનારાથી લગભગ 15 નોટિકલ માઇલ દૂર હતા. અચાનક એક મોટું મોજું હોડી સાથે ટકરાયું અને હોડી હચમચી ગઈ અને હું લપસી પડ્યો. હું તરીને સપાટી પર આવ્યો અને મેં બૂમ પાડી, પરંતુ હોડીના એંજિનના અવાજને કારણે કોઈએ કંઈ સાંભળ્યું નહીં."
"જ્યારે હું દસ-15 મિનિટ સુધી પાછો ન ફર્યો ત્યારે મારો ભાઈ બહાર આવીને મને શોધવા લાગ્યો. તેને અહેસાસ થઈ ગયો કે શું થયું છે. તેણે સૌને બોલાવ્યા, જીપીએસથી હોડીનો રસ્તો જોયો, હોડી પાછળની દિશામાં ફેરવી અને મનો શોધ્યો. પરંતુ ત્યાં સુધીમાં સમુદ્રનાં મોજાં મને લગભગ એકાદ નોટિકલ માઇલ દૂર ખેંચી ગયાં હતાં."
શિવમુરુગન કહે છે, "આવા વિશાળ મહાસાગરમાં અમાસની રાતમાં તેઓ મને શોધી ન શક્યા અને ડીઝલની સમસ્યાને કારણે પાછા ફરી ગયા. તેઓ પછી ફરી કેટલીક હોડીઓ સાથે આવ્યા અને મને શોધ્યો. મેં હોડીઓની લાઇટને જોઈ, હાથ હલાવ્યા, બૂમો પાડી પણ તેઓ મને જોઈ કે સાંભળી શક્યા નહીં."
શિવમુરુગનનું કહેવું છે કે તેમના મોંમા વધુ પ્રમાણમાં સમુદ્રનું પાણી જવાને કારણે ઘા પડી ગયા હતા અને સતત મોજાં ટકરાવાને કારણે તેમનો ચહેરો છોલાઈ ગયો હતો. આંખમાં ખારું પાણી જવાને કારણે તેમને અતિશય બળતરા થતી હતી.
તેઓ કહે છે, "જે રાત્રે હું સમુદ્રમાં તરી રહ્યો હતો ત્યારે કોઈ પ્રકારનો પ્રકાશ નહોતો. મારા મગજમાં માત્ર એ જ ખ્યાલ હતો કે હું કોઈ પણ રીતે કિનારે પહોંચી જાઉં. મને ચિંતા થતી હતી કે મને કંઈ થઈ જશે તો મારા પરિવારનું શું થશે. મેં મારું વજન ઓછું કરવા માટે જે ટી-શર્ટ પહેર્યું હતું એ પણ ઉતારી દીધું હતું જેથી કરીને હું સરળતાથી તરી શકું."
તેઓ કહે છે, "થોડી વારમાં મને આખા શરીરે કોઈ કીડાએ ડંખવાનું શરૂ કરી દીધું. આ જેલીફિશ જેવાં કીડાં હતાં. મારા ગામલોકો પાસેથી મેં સાંભળ્યું હતું કે જો તેને થોડા સમય સુધી ચોંટેલા રહેવા દેવામાં આવે તો એ ચામડીમાં કાણાં પાડી દે છે. મેં એક-એક કરીને તેને પકડ્યા અને સાથે-સાથે હાથપગ હલાવતા રહીને મારે તરતા પણ રહેવાનું હતું. હું ડૂબી જતો અને જાતે જ સપાટી પર આવી જતો હતો. 21 સપ્ટેમ્બરે મેં જ્યારે સવારનો સૂરજ જોયો ત્યારે મને આશા જાગી કે ગમે તેમ કરીને હું કિનારે પહોંચી જઈશ."
'દક્ષિણ મહાસાગર અતિશય ખતરનાક છે'

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, શિવમુરુગનની સફર ખરેખર ખતરનાક હતી. તેઓ જેવા તરીને કિનારા બાજુ જવાનો પ્રયત્ન કરતા કે તરત જે હવા અને સમુદ્રી મોજાં તેમને બીજી દિશામાં ધકેલી દેતાં. તેમને ટેકા માટે પણ લાકડા જેવી કોઈ ચીજ મળતી નહોતી. અંતે તેમણે તરીને કિનારે પહોંચવાનો પ્રયાસ છોડી દીધો.
તેઓ કહે છે, "ઠંડીને કારણે મારા પગ ખોટા પડી ગયા હતા. અંધારું છવાઈ ગયું હતું ત્યારે મારા શરીરનાં તમામ ઊર્જા અને સાહસ પૂર્ણ થઈ ગયાં હતાં. મને સમજાયું કે લોકો કેમ કહે છે કે દક્ષિણ મહાસાગરમાં જનારા લોકોમાંથી કોઈ પાછું ફરતું નથી. હું હવે વધુ પીડા સહન કરી શકતો નહોતો. આથી, મેં આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. એ સમયે મને ખ્યાલ નહોતો કે મારા ગામમાં લોકોએ મને મૃત જાહેર કરી દીધો હતો અને મારો પરિવાર રોઈ રહ્યો હતો."
શિવમુરુગન કહે છે, "મેં ડૂબવાની કોશિશ કરી પણ હું મારો શ્વાસ રોકી શક્યો નહીં અને વારંવાર ઉપર આવી જતો હતો. આથી, મેં વધુ દરિયાનું પાણી પી લીધું. જ્યારે મને લાગ્યું કે આ વખતે હું ડૂબી જઈશ તો મને પ્રકાશ ફેલાતો જોવા મળ્યો."
લેખિકા અને માછીમાર પૉલીન કહે છે કે, "શિવમુરુગનનું બચી જવું એક ચમત્કાર છે. માછલી પકડવામાં મેં 50 વર્ષ ગાળ્યાં છે એ અનુભવથી હું કહું છું કે દક્ષિણ મહાસાગર બીજા સમુદ્રો કરતાં ઘણો ખતરનાક છે."
તામિલનાડુનો દક્ષિણી સમુદ્ર અપેક્ષાકૃત ઘણો અલગ છે. ત્યાં જોરદાર પવન ચાલે છે, વાતાવરણ સારું નથી હોતું. તેના કારણે મોજાં પણ અતિશય ઊંચાં હોય છે. આવા સમુદ્રમાં પડેલી વ્યક્તિ 26 કલાક સુધી જીવિત રહે એ દુર્લભ વાત છે.
સમુદ્રની અતિશય ઠંડી શરીરને ઓગાળી દે છે. શરીરનાં અંગો સુન્ન થઈ જાય છે અને આગળ તરી શકતા નથી. આપણું શરીર થાકી જાય છે અને સમુદ્રનું પાણી પેટમાં જવાનું શરૂ થઈ જાય છે. શરીરમાં પાણીની કમી થઈ જાય છે.
પૉલીન કહે છે, "ઊંડા પાણીનાં મોજાંને કારણે તમે ગમે તેટલું તરવાની કોશિશ કરો, કિનારે પહોંચી શકાતું નથી. જો કોઈ સહારો મળી જાય તો તેને પકડીને જીવિત રહી શકાય છે. પણ 24 કલાક સુધી તરતા રહેવું ખૂબ મુશ્કેલ છે."
દરિયાના પાણીમાં પડવાથી થતી સમસ્યાઓ

ઇમેજ સ્રોત, Getty Images
દરિયાનું પાણી ખારું હોય છે. જ્યારે માણસ દરિયાનું પાણી પીએ છે, ત્યારે માનવ શરીરના કોષો પાણી અને મીઠું બંનેને શોષી લે છે. માણસની કિડની ફક્ત એવો પેશાબ ઉત્પન્ન કરી શકે છે કે, જે મીઠા પાણી કરતાં ઓછું ખારું હોય. તેથી, દરિયાનું પાણી પીવાથી પાણીમાં રહેલા વધારાના મીઠાને દૂર કરવા માટે, તમારે પીવા કરતાં વધુ પાણી પેશાબ દ્વારા બહાર કાઢવું પડશે. આખરે, તમે ડિહાઇડ્રેશનથી મૃત્યુ પામી શકો. તેથી, દરિયાનું પાણી પીવાલાયક નથી.
તેવી જ રીતે, જ્યારે તમે ઠંડા પાણીમાં હોવ છો (15°Cથી નીચેનું કોઈ પણ તાપમાન), ત્યારે તમારું શરીર એક આઘાતની સ્થિતિમાં આવી જાય છે. ત્યારે તમે તમારા શ્વાસ અને હલનચલન પરનું નિયંત્રણ ગુમાવી દો છો. ઠંડા પાણીમાં જવાથી થતા આંચકાને લીધે તમારા હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ઝડપથી વધી શકે છે, જેનાથી હૃદયરોગનો હુમલો થઈ શકે છે.
બ્રિટનની રૉયલ નૅશનલ લાઇફબોટ ઇન્સ્ટિટ્યૂશન (RNLI) અનુસાર "પાણીમાં કોઈ પણ પ્રકારના તણાવમાં આવ્યા વિના તરતા રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે , અને ધીમે ધીમે શ્વાસ લેવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. તરતી વખતે સ્થિરતા જાળવવા માટે તમારા હાથ અને પગ ફેલાવો, અને જો તમારા પગ ડૂબી જાય અથવા તમારું આખું શરીર તરતું ન પણ હોય, પણ તમારે તમારા માથાને પાછળ નમાવીને ચહેરાને ઉપર તરફ રાખીને પાણીની ઉપર રહેવું જોઈએ,"
શિવમુરુગને સમજાયું કે તેણે જે પ્રકાશ જોયો તે હોડીનો હેડલાઇટમાંથી આવતો હતો અને આગળ શું થયું તેનું વર્ણન કર્યું.
"મેં મારી બધી શક્તિ એકઠી કરી અને મારા હાથ હલાવ્યા. તેમણે મને જોયો. તેમણે હોડી મારી તરફ ફેરવી. હું તેમની તરફ લગભગ 30 મિનિટ સુધી તરતો રહ્યો. મને યાદ નથી કે મને કોણે દરિયામાંથી ઉપાડ્યો અને ત્યારે તેઓ શું વાત કરી રહ્યા હતા. ચા અને બિસ્કિટ ખાધા પછી હું મારી આંખો ખોલી શક્યો. તે કૂથનકુઝી ગામના અરુલપ્પનની હોડી હતી. તેઓ અને તેમની માછીમારોની ટીમ દરિયામાં ફેલાયેલી જાળ પાછી લેવા આવ્યા હતા."
દરિયામાંથી બચાવી લેવાયેલા શિવમુરુગનને કિનારે પહોંચ્યા પછી તબીબી સારવાર આપવામાં આવી.
શિવમુરુગન પરિણીત છે અને તેમને શિવરદેશ નામનો પાંચ વર્ષનો પુત્ર છે.
"છેલ્લા એક મહિનામાં, મેં એક પણ વાર દરિયામાં પગ મૂક્યો નથી. મારા દીકરા અને આખા પરિવારે મને કહ્યું છે કે હવે દરિયામાં ન જાઓ. હું હજુ પણ શાંતિથી સૂઈ શકતો નથી. મારી સાથે આવું બન્યું પછી, મારો ભાઈ કામ માટે વિદેશ ગયો."
શિવમુરુગન કહે છે કે, "ઘણી વાર હું કિનારે ઊભો રહીને સમુદ્ર તરફ જોઉં છું. મને હજુ પણ તે રાતે જોયેલો સમુદ્ર યાદ આવે છે, મારા શરીર પર જેલીફિશ અને માથાની આસપાસ આગિયા તરતા હતા. જ્યાં સુધી હું એ દૃશ્ય ભૂલી ન જાઉં ત્યાં સુધી હું દરિયાના પાણીમાં મારો પગ નહીં મૂકું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












