ટાપુ પર ફરવા ગયેલું જહાજ મહિલાને ભૂલી ગયું, એકલાં અટવાયેલાં મહિલાનું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લાના લેમ
- પદ, બીબીસી સંવાદદાતા
ઑસ્ટ્રેલિયાના અધિકારીઓને અહીં ગ્રેટ બેરિયર રીફના એક ટાપુ પર 80 વર્ષીય મહિલા સુઝાન રીસનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ એક ક્રુઝ જહાજના કારણે આ ટાપુ પર ફસાયેલાં હતાં.
સુઝાન રીસ શનિવારે કોરલ ઍડવેન્ચરર ક્રુઝ જહાજ પર પોતાના સાથી પ્રવાસીઓ સાથે કેર્ન્સથી 250 કિમી દૂર ઉત્તરમાં લિઝર્ડ ટાપુ પર પગપાળા ટૂર કરવા ગયાં હતાં. જોકે, આકરો તડકો હોવાના કારણે તેમણે રસ્તામાં બ્રેક લેવાનો નિર્ણય લીધો અને પોતાના જૂથથી અલગ થઈ ગયાં હોય એવું લાગે છે.
એ બાદ કોઈએ તેમની દરકાર ન કરી. બધા પ્રવાસીઓ ક્રુઝ પર પાછા આવી ગયા છે કે નહીં તે સુનિશ્ચિત કર્યા વગર ચાલક દળે ક્રુઝને રવાના કરી દીધું. એ બાદ તેમણે પ્રવાસીઓની ગણતરી કરી ત્યારે જાણવા મળ્યું કે એક પ્રવાસી ઓછા છે. તેથી તેઓ ક્રુઝને ફરી ટાપુ પર લાવ્યા અને શોધખોળ આદરી.
પરંતુ કોઈ ફાયદો ન થયો. મૃતક મહિલાનાં પુત્રી કેથરિને ટ્રાવેલ એજન્સીની ટીકા કરતાં કહ્યું કે, "આ બધું કાળજી ન રાખવાના કારણે અને કૉમન સેન્સના અભાવના કારણે થયું."
આખી ઘટના શું હતી?

ઇમેજ સ્રોત, Coral Expeditions
ન્યૂ સાઉથ વેલ્સનાં વતની સુઝાન રીસે ગયા અઠવાડિયે એક ક્રુઝ જહાજ પર આખા ઑસ્ટ્રેલિયાની 60 દિવસની સફર શરૂ કરી હતી. તેઓ કોરલ ઍડ્વેન્ચરની ક્રુઝમાં સવાર હતાં.
આ સફરનો ખર્ચ હજારો ડૉલરમાં હોય છે. તેમાં ક્રુઝ જહાજમાં સફર ઉપરાંત ટાપુઓ પર આખો દિવસ ફરવાનું, હાઇકિંગ અને સ્નૉર્કલિંગ જેવી પ્રવૃત્તિઓ સામેલ હોય છે.
સુઝાન આ ટાપુ પર સૌથી ઊંચાઈએ આવેલી જગ્યા કૂક્સ લુક પર જવા માટે ટ્રૅકિંગ ટીમમાં જોડાયાં હતાં, પરંતુ તેઓ થાકી ગયાં હોવાથી જૂથથી અલગ થઈ ગયાં.
સુઝાનનાં દીકરી કેથરિને જણાવ્યું કે, "પોલીસે અમને કહ્યું કે અત્યંત ગરમીના કારણે મારી માતા થાકેલાં અને બીમાર હતાં. તેમણે કોઈ પણ સુરક્ષા વગર તેમને ક્રુઝ જહાજ પર પરત મોકલી દીધાં. તેઓ ક્રુઝ સુધી પહોંચ્યા છે કે નહીં તે જોયા વગર તેમણે જહાજ રવાના કરી દીધું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેથરિને કહ્યું કે, "આ બધાની વચ્ચે મારી માતાનું મૃત્યુ થયું હશે."
સૂર્યાસ્તના સમયે ક્રુઝ જહાજ રવાના થઈ ગયું, થોડી વાર પછી ચાલક દળને જાણ થઈ કે એક મહિલા ગુમ છે. તેઓ તેમને શોધવા પાછા ટાપુ પર આવ્યા.
તેમને શોધવા માટે એક મોટું શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું. પરંતુ રવિવારે સવારે શોધકાર્ય બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા. એ પછી સવારે એક હૅલિકૉપ્ટર આવ્યું અને તેને સુઝાનનો મૃતદેહ મળી આવ્યો.
ઑસ્ટ્રેલિયન સમુદ્ર સુરક્ષા ઑથૉરિટી (એએમએસએ)એ જણાવ્યું કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. ક્રુઝ જહાજ ડાર્વિન પહોંચશે ત્યારે ચાલક દળની પૂછપરછ કરવામાં આવશે.
એએમએસએના પ્રવક્તાએ જણાવ્યું કે જહાજના કૅપ્ટને શનિવારે સ્થાનિક સમય પ્રમાણે રાતે 11 વાગ્યે ચાલક દળને સૌથી પહેલા ચેતવ્યા કે એક પ્રવાસી મહિલાનો કોઈ પત્તો નથી.
અધિકારીઓએ કહ્યું કે આ મામલાની તપાસ માટે તેઓ અન્ય એજન્સીઓ સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે તેઓ કૉમર્શિયલ જહાજ પર પ્રવાસીઓ અને ચાલક દળની સુરક્ષાને ગંભીરતાથી લે છે.
'હેલિકૉપ્ટરને શોધખોળ કરતા જોયું'

ઇમેજ સ્રોત, Getty Images
કોરલ એક્સપિડિશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર માર્ક ફિફિલ્ડે જણાવ્યું કે તેમના કર્મચારીઓએ મહિલાના પરિવારનો સંપર્ક કર્યો છે અને આ દુ:ખની ઘડીમાં તેમને મદદ કરી રહ્યા છે.
ફિફિલ્ડે જણાવ્યું કે, "આ ઘટનાની તપાસ ચાલુ છે. જે કંઈ થયું તેનાથી અમે બહુ દુ:ખી છીએ. અમારી સંવેદનાઓ મહિલાના પરિવાર સાથે છે."
ગયા અઠવાડિયે ટાપુ નજીક સફર કરતાં એક મહિલા ટ્રેસી આયરિસે ઑસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન (એબીસી)ને જણાવ્યું કે તેમણે શનિવારે મધરાતે એક હેલિકૉપ્ટરને સ્પૉટલાઇટનો ઉપયોગ કરીને ટાપુના રસ્તાની શોધ કરતા જોયું હતું.
તેમણે જણાવ્યું કે લગભગ સાત લોકો ટૉર્ચ લઈને ટાપુ પર શોધખોળ કરતા હતા.
પરંતુ તેમણે કહ્યું કે રવિવારે સવારે એક હેલિકૉપ્ટર આવ્યું અને મૃતદેહ મળી આવ્યા પછી સવારે ત્રણ વાગ્યે શોધખોળ બંધ કરવામાં આવી.
પ્રવાસ માટે મહિલાએ ભારે ખર્ચ કર્યો

ઇમેજ સ્રોત, Supplied
આયરિશે જણાવ્યું કે, "સ્વર્ગ જેવી દેખાતી જગ્યા પર આવી ઘટના બની તે બહુ દુ:ખદ છે. આવું ન થયું હોત, તો આ તેમના માટે બહુ ખુશીનો સમય હોત."
કોરલ ઍડ્વેન્ચર કેટરર્સ કંપનીની વેબસાઇટ પ્રમાણે આ જહાજમાં ચાલક દળના 46 સભ્યોની સાથે 120 ગેસ્ટના રહેવાની વ્યવસ્થા છે.
કંપનીનું લક્ષ્ય તેમને ઑસ્ટ્રેલિયાના દરિયાકિનારાથી દૂરના ક્ષેત્રમાં લઈ જવાનું છે, જ્યાં તેઓ પ્રવાસીઓને નાની હોડીઓમાં દિવસ દરમિયાન ફરવા લઈ જાય છે.
ક્વિન્સલૅન્ડ પોલીસનું કહેવું છે કે, "મહિલાના મોતની તપાસ માટે એક અધિકારી નિયુક્ત કરવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












