વિશ્વના પાંચ દેશો જે રહેવા માટે સૌથી આરામદાયક અને શ્રેષ્ઠ માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty
- લેેખક, લિંડસે ગેલોવે
- પદ, બીબીસી ન્યૂઝ
ઓછા ખર્ચે રહેવાની સગવડ, જીવંત સંસ્કૃતિ અને કારકિર્દીની તકોના કારણે ઘણા વિદેશી નાગરિકો એશિયાના દેશો તરફ આકર્ષાઈ રહ્યા છે.
2025ના ઇન્ટરનૅશનલ ઍક્સપૅટ ઇનસાઇડર સર્વેમાં 172 દેશોના દશ હજારથી વધુ લોકોને વિદેશમાં તેમના જીવન વિશેના અનુભવો પૂછવામાં આવ્યા હતા.
ઍક્સપૅટ એટલે એવા લોકો જેઓ પોતાનો દેશ છોડીને વિદેશમાં ઘણા લાંબા સમય સુધી કામ કરવા અથવા વસવાટ માટે જાય છે.
આ સર્વેમાં જાણવા મળ્યું કે પર્સનલ ફાઇનાન્સનો સીધો સંબંધ તેમની ખુશી સાથે છે. તેના કારણે એશિયાના દેશોને વધારે ફાયદો મળે છે.
વિદેશીઓ માટે દુનિયાભરમાં ટૉપ 10 મનપસંદ દેશો (2025)
વિદેશીઓ કામ કરવા અને રહેવા માટે જે દેશોને પસંદ કરે છે તે ટોપ 10 દેશો આ મુજબ છે.
- પનામા
- કોલંબિયા
- મેક્સિકો
- થાઇલૅન્ડ
- વિયેતનામ
- ચીન
- યુનાઇટેડ આરબ અમીરાત
- ઇન્ડોનેશિયા
- સ્પેન
- મલેશિયા
દુનિયાના ટોચના 10 દેશોમાંથી પાંચ દેશ - થાઇલૅન્ડ, વિયેતનામ, ચીન, ઇન્ડોનેશિયા અને મલેશિયા વિદેશમાં વસનારાઓની પ્રથમ પસંદગી બન્યા છે.
આ વર્ષે ચીને છલાંગ લગાવી છે. 2024માં ચીન 19મા સ્થાને હતું, પરંતુ હવે છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. 'વર્કિંગ લાઇફ' અને 'ક્વૉલિટી ઑફ લાઇફ'માં સુધારો થવાથી આ અસર જોવા મળી છે.
મલેશિયા પહેલી વખત ટૉપ ટેનમાં આવ્યું છે, જ્યારે વિયેતનામ પાંચમા ક્રમે છે. ખાસ કરીને પર્સનલ ફાઇનાન્સમાં તેનો દેખાવ સારો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે આ ત્રણ દેશોમાં રહેતા વિદેશીઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમને આ દેશોમાં જીવન આકર્ષક કેમ લાગે છે, તથા આ દેશોમાં કેવા પડકારોનો સામનો કરવો પડે છે.
વિદેશીઓ માટે ચીન એક શાનદાર દેશ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પર્સનલ ફાઈનાન્સ, કારકિર્દીની તકો, સારો પગાર અને જૉબ સિક્યૉરિટીમાં સારા રિઝલ્ટના કારણે ચીન આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. જોકે, દરેક શહેરમાં વસનારાઓના અનુભવ અલગ-અલગ હોઈ શકે છે.
ડચ ઍક્સપૅટ અને ટ્રાવેલ બ્લૉગર ક્રિસ ઓબરમેન કહે છે કે "શાંઘાઈ વિદેશી નાગરિકો માટે શાનદાર જગ્યા છે. અહીં ઘણા આંતરરાષ્ટ્રીય ગ્રૂપ, બાર, કંપનીઓ અને એવી જગ્યાઓ છે જ્યાં ઍક્સપૅટ સમય વીતાવે છે. બેઇજિંગમાં પરંપરાગત ચાઇનીઝ સંસ્કૃતિ જોવા મળે છે, પરંતુ અહીં ઍક્સપૅટ સમુદાય બહુ નાનો છે."
બેલ્જિયમના ઍક્સપૅટ વાઉટર માયૂર હૉંગ કૉંગ અને શેન્ઝેન બંને જગ્યાએ રહ્યા છે. બંને જગ્યા પર તેમનો અનુભવ એકદમ અલગ હતો.
તેઓ કહે છે, "હૉંગ કૉંગ એક જીવંત અને વ્યસ્ત શહેર છે. ત્યાં દરેક વયના લોકો માટે શૉપિંગ, સ્વાદિષ્ટ ભોજન અને મનોરંજનના ઘણા વિકલ્પો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકીય ફેરફારો થવા છતાં આ શહેર આજે પણ સુવિધાજનક અને પ્રવાસીઓ માટે આરામદાયક છે."
દક્ષિણ-પૂર્વ ચીનમાં આવેલા શેનઝેન શહેરને ચીનની 'ટેક રાજધાની' ગણવામાં આવે છે, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને સ્વચ્છ રસ્તા જોવા મળે છે.
માયૂર કહે છે કે અહીં નોકરીની ઘણી તકો છે અને પરિવહન વ્યવસ્થા સરળ છે. તમારે એકલાં સફર કરવી હોય તો ઈ-બાઇક લઈ શકો છો. મોટા ભાગના રસ્તા પર સાઇકલ ચલાવવા માટે અલગ ટ્રૅક બનાવેલો છે.
ચીનમાં રહેનારા વિદેશીઓ અહીંના ઝડપી પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઑનલાઇન ખરીદીની સગવડના વખાણ કરે છે.
ઓબરમેન જણાવે છે કે, "તમે કંઈ ખરીદો અને તેને પાછું આપવા માગતા હોવ તો તેને માત્ર દરવાજા પર રાખી દો. તેઓ આવીને લઈ જશે. આવી સુવિધાઓથી સમય બચે છે."
જોકે, અહીં ખુશ રહેવા માટે બાંધછોડ પણ કરવી પડે છે.
ઓબરમેન કહે છે કે "ચીનમાં બધું અત્યંત ઝડપથી બદલે છે. પછી તે કામ અંગે બૉસનો નિર્ણય હોય કે પ્લમ્બર સાથે એપૉઈન્ટમેન્ટ હોય, જે ગમે ત્યારે આવી જશે."
અહીં રેસ્ટોરન્ટ્સ વહેલી ખુલે છે અને વહેલી બંધ થાય છે, તેથી કોઈ એક જગ્યા કે ચીજ પ્રત્યે લગાવ ન રાખો તો સારું.
મેન્ડેરિન ભાષા શીખવાથી અહીં જીવન આસાન બની જાય છે.
ઓબરમેન કહે છે, "તમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈને કહો કો બહુ સ્વાદિષ્ટ ખાવાનું બન્યું છે, અથવા કંપનીમાં કોઈને કહો કે તમે બહુ સારું કામ કરો છો, તો ચાઇનીઝ અને વિદેશીઓ વચ્ચેની દીવાલ તરત તૂટી જાય છે. લોકો ઝડપથી તમારી સાથે જોડાય છે. મેં આઠ મહિના પછી ચાઇનીઝ ભાષા શીખવાનું શરૂ કર્યું, મારે વહેલી શરૂઆત કરવાની જરૂર હતી."
મલેશિયાઃ દરેક ધર્મના સમન્વયનો દેશ

ઇમેજ સ્રોત, Getty Images
મલેશિયા આ વર્ષના લિસ્ટમાં 10મા નંબર પર છે. પર્સનલ ફાઇનાન્સ, હાઉસિંગ અને ભાષાના મામલે તેને બહુ સારા ગુણ મળ્યા છે. અહીં સામાન્ય રીતે અંગ્રેજી બોલવામાં આવે છે જેના કારણે નવા લોકો આકર્ષાય છે.
ઑસ્ટ્રેલિયાના નાગરિક ક્રિસ્ટીન રેનૉલ્ડ્સ કહે છે કે, "અહીં આવીને હળીમળી જવું આસાન છે."
અમેરિકન લેખિકા કિર્સ્ટન રકુઆ પોતાના બ્લૉગ 'સૅન્ડ ઇન માઈ કર્લ્સ'માં લખે છે, "મલેશિયામાં સાંસ્કૃતિક વૈવિધ્ય અદ્ભુત છે. તમે એક હિંદુ મંદિરમાં ઊભા હોવ, નજીકમાંથી બૌદ્ધ મંદિરમાંથી આવતી ધૂપની સુગંધ અનુભવી શકો અને સાથે સાથે મસ્જિદમાંથી નમાજનો અવાજ પણ સાંભળી શકો છો. દુનિયામાં બીજે ક્યાંય આવો સાંસ્કૃતિક સુમેળ જોવા નહીં મળે."
આ દેશમાં જીવનધોરણનો ખર્ચ પરવડે તેવો છે. આવાસ, આરોગ્ય અને પરિવહન સુવિધાઓ સસ્તી છે, તેના કારણે જીવનધોરણ સુધરે છે.
રેનૉલ્ડ્સ કહે છે કે અહીં જિમ અને પૂલથી સજ્જ લક્ઝરિયસ એપાર્ટમેન્ટ સસ્તામાં મળે છે. વીકેન્ડમાં તમે દરિયાકિનારે અને જંગલોમાં ઘૂમી શકો છો. બોર્નિયોમાં ઉરાંગઉટાંગ જોઈ શકો અને માત્ર 50 પાઉન્ડમાં વિમાનથી થાઈલૅન્ડ જઈ શકો છો.
આ દેશમાં કામકાજ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન હોવાથી વિદેશીઓ તેને પસંદ કરે છે.
બેંગકોકમાં આઈ ફરાબ ઝબેર, અનંતારા દેસારુ કોસ્ટ રિસોર્ટ એન્ડ વિલાનાં જનરલ મેનેજર છે. તેઓ કહે છે, "મલેશિયા વ્યાપારને ગંભીરતાથી લે છે. સાથે સાથે તે તમને આરામ અને પોતાની રુચિ માટે સમય પણ આપે છે. આ એવી જગ્યા છે જ્યાં તમે મહેનતથી કામ કરી શકો છો. ત્યાર બાદ સંસ્કૃતિ, પ્રકૃતિ અને નવી શોધથી ભરી જિંદગીનો આનંદ માણી શકો છો."
ડિજિટલ પ્રોફેશનલો માટે પણ મલેશિયા એક પસંદગીનો દેશ છે. અહીંના વિઝા સરળતાથી મળે છે, વાઈ-ફાઈ કનેક્ટિવિટી સારી છે જેથી કો-વર્કિંગ સ્પેસ રિમોટ વર્કિંગને સરળ બનાવે છે.
જે લોકો લાંબા સમય સુધી અહીં રહેવા માગતા હોય, તેઓ 'મલેશિયા માય સેકન્ડ હોમ' પ્રોગ્રામનો હિસ્સો બની શકે છે.તેમાં વિદેશમાં આવક મેળવનારાઓને ટૅક્સમાં મોટી રાહત મળે છે.
વિયેતનામઃ ઓછો ખર્ચ, સરળ જીવન

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે વિયેતનામ પણ દુનિયાના ટોચના પાંચ મનપસંદ દેશોમાં સામેલ છે. પર્સનલ ફાઇનાન્સ ઇન્ડેક્સમાં તે પ્રથમ ક્રમે છે જેની સીધી અસર જીવનધોરણ પર પડે છે.
અહીં રહેવાનો ખર્ચ બહુ ઓછો આવે છે, જેના કારણે વિદેશીઓ તેના પ્રત્યે આકર્ષાય છે.
અમેરિકાના નાગરિક નૉર્મન બોર ગયા વર્ષે ત્રણ મહિના સુધી દા નાંગમાં રહેતા હતા. તેઓ ફરીથી અહીં આવવાનું વિચારે છે. તેઓ કહે છે કે "સમુદ્રથી ત્રણ બ્લૉક દૂર એક સ્ટુડિયો ઍપાર્ટમેન્ટનું માસિક ભાડું માત્ર 360 ડૉલર છે. આ ઉપરાંત અહીં ખાણીપીણી અને પરિવહન સસ્તામાં પડે છે."
વિયેતનામમાં સ્થાનિક લોકો અને વિદેશથી આવેલા નિવાસીઓ સાથે સમુદાય બનાવવો આસાન છે.
હો ચી મિન્હ સિટીમાં દોઢ વર્ષથી રહેતા આયુષી ટંડન પોતાનો બ્લૉગ ચલાવે છે. તેઓ કહે છે, "પડોશીઓ, સ્થાનિક દુકાનદારો અને સડકના કિનારે બેસીને સામાન વેચતા લોકો તમારો સહારો બની જાય છે. તેનાથી એક એવો સમુદાય રચાય છે, જેના વિશે મોટા ભાગના વિદેશીઓને શરૂઆતમાં કોઈ કલ્પના નથી હોતી."
તેઓ કહે છે કે "હો ચી મિન્હ સિટી ઉપરથી વ્યસ્ત અને અવ્યવસ્થિત લાગે છે, પરંતુ તેની લય સમજી લો તો જીવન આસાન બની જાય છે. જોકે, અહીં સામાન્ય કામ માટે પણ જે પેપરવર્ક કરવું પડે, તેને થોડુંક સુધારવાની જરૂર છે."
ટંડન કહે છે, "ફોન પ્લાન શરૂ કરવો હોય કે વિઝા લંબાવવો હોય તો સમય લાગે છે. તે જૂની સિસ્ટમ જેવું લાગી શકે છે. પરંતુ એક વખત તમે તેને સ્વીકારી લો, તો બધું બરાબર થઈ જાય છે."
તેઓ કહે છે કે "વિયેતનામના હવામાનને અનુકૂળ થવામાં થોડો સમય લાગે છે. પુસ્તકો, કપડાં અને ઈલેક્ટ્રૉનિક ચીજોને ફૂગ અને કાટથી બચાવવા માટે ખાસ ધ્યાન રાખવું પડે છે."
વિયેતનામનું 'કૉફી કલ્ચર' અહીંના જીવનનો એક મહત્ત્વનો ભાગ છે.
આયુષી ટંડન સાઈગૉન નદી પાર હોડીની મુસાફરીને યાદ કરે છે, જ્યાં તેઓ એવી જગ્યાઓ પર ગયા જ્યાં ભાગ્યે જ કોઈ પર્યટક જાય છે.
તેઓ કહે છે, "નાની નાની શેરીઓમાં આવેલી કૉફી શૉપ્સ અને સ્થાનિક ફૂડ સ્ટૉલે આ શહેર સાથે મારો નિકટનો નાતો જોડી દીધો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












