પુખ્ત વયના લોકો માટે બ્રેસ્ટ મિલ્ક પીવું શું ફાયદાકારક છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બ્રેસ્ટ મિલ્ક, દૂધ, પોષણક્ષમ આહાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સોફિયા બેટ્ટીઝા
    • પદ, ગ્લોબલ હેલ્થ રિપોર્ટર, બીબીસી વર્લ્ડ સર્વિસ

બોલચાલની ભાષામાં આને 'પ્રવાહી સોનું' કહેવામાં આવે છે. કેટલાક નિષ્ણાતો તો તેને 'જાદુઈ શક્તિઓ'નો સ્ત્રોત પણ કહે છે.

વૈજ્ઞાનિકો સહમત છે કે નવજાત શિશુઓના વિકાસ માટે માતાનું દૂધ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે બાળકોને જરૂરી પોષણ અને ઍન્ટિૂૉડીઝ પૂરું પાડે છે.

પરંતુ કેટલાક પુખ્ત વયના લોકો પણ આ સુપરફૂડની વિવિધ સંભાવનાઓ પર ભરોસો કરી રહ્યા છે.

જેમ્સન રિટેનોર ત્રણ બાળકોના પિતા છે અને જ્યારે તેમની પાર્ટનર મેલિસા સ્તનપાન કરાવતી હતી ત્યારે તેમણે પહેલી વાર બ્રેસ્ટ મિલ્ક પીધું હતું.

તેણે બીબીસીને કહ્યું, "મેં પહેલી વાર શેકમાં બ્રેસ્ટ મિલ્કને ભેળવ્યું હતું. જોકે તેમને એ થોડું વિચિત્ર લાગ્યું."

જેમ્સનને માતાના બ્રેસ્ટ મિલ્કમાં ત્યારે રસ પડ્યો કે જ્યારે તેણે યુટ્યુબ વિડિઓમાં આ દૂધ પીવાના ફાયદાઓ વિશે સાંભળ્યું. આ વિડિઓમાં એક બૉડીબિલ્ડરે બ્રેસ્ટ મિલ્કના ફાયદા સમજાવ્યા હતા.

જેમ્સન માટે તેના જીવનસાથીનું સ્તનનું દૂધ પીવું એ રોજિંદી આદત બની ગઈ છે. તે દરરોજ 450 ગ્રામ જેટલું માતાનું દૂધ પીવે છે.

તેમણે કહ્યું, "હું મારા જીવનના શ્રેષ્ઠ તબક્કામાં છું. તે મને સ્નાયુઓ બનાવવામાં મદદ કરી રહ્યું છે. આઠ અઠવાડિયાંમાં મારું વજન ઘટી રહ્યું છે જ્યારે સ્નાયુમાં પાંચ ટકાનો વધારો થયો છે."

જેમ્સન કહે છે કે તેમને યાદ નથી કે તેમના આહારમાં માતાનું દૂધ ઉમેર્યા પછી તેઓ બીમાર પડ્યા હોય કે શરદી પણ થઈ હોય.

તે કહે છે, "મારે બાળકની જેમ મોટો થવું છે, મારે બાળકની જેમ સૂવું છે, તેથી મેં બાળક જેવો આહાર લેવાનું નક્કી કર્યું. મને સારું લાગે છે, હું વધારે સારો દેખાઉં છું."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બ્રેસ્ટ મિલ્ક, દૂધ, પોષણક્ષમ આહાર

બ્રેસ્ટ મિલ્કની ઑનલાઇન ખરીદી જોખમી

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વૈજ્ઞાનિકો કહે છે કે એવા કોઈ પુરાવા નથી કે માતાનું દૂધ પુખ્ત વયના લોકો માટે ફાયદાકારક છે.

પરંતુ નિષ્ણાતો કહે છે કે તે ફાયદાકારક હોઈ શકે છે અને આના પુરાવા પણ છે.

"તેમાં ઘણું પ્રોટીન હોય છે," સાન ડિએગો સ્થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ખાતે હ્યુમન મિલ્ક ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડિરેક્ટર ડૉ. લાર્સ બોડે કહે છે. "તે બાળકના સ્નાયુઓનો ઝડપથી વિકાસ કરવામાં મદદ કરે છે, અને બૉડીબિલ્ડરો પણ આમ જ ઇચ્છતા હોય છે."

"બૉડીબિલ્ડર્સ પોતાના શરીર પ્રત્યે ખૂબ જ સભાન હોય છે. તેથી તેમાં કોઈ વાત તો હોવી જ જોઈએ. પરંતુ આપણે તેની પાછળનું વિજ્ઞાન જાણતા નથી."

પરંતુ ડૉ. બોડ હજુ પણ સાવચેતી રાખવાની સલાહ આપે છે કારણ કે હ્યુમન મિલ્ક ( માનવ દૂધ) ઘણીવાર એવા ઑનલાઇન સ્ત્રોતોમાંથી ખરીદવામાં આવે છે જે શંકાસ્પદ હોય છે.

ડૉ. બોડે ચેતવણી આપી હતી કે, "આ દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું નથી હોતું અને તે સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. તે HIV અથવા હેપેટાઇટિસ જેવા રોગોનું વાહક પણ બની શકે છે."

માતાનું દૂધ વ્યક્તિના આહાર અને સામાન્ય સ્વાસ્થ્ય માટે પણ સારું છે. સાથે સાથે તે ઘણા ચેપનું વાહક પણ બની શકે છે.

સ્ત્રીઓ એવા વાતાવરણમાં સ્તનપાન કરાવતી હોય છે કે જે સંપૂર્ણપણે રોગમુક્ત નથી હોતું, તેથી દૂધમાં પણ આ ચેપ લાગવાનું જોખમ રહેલું છે.

2015 માં યુ.એસ. માં નૅશનવાઇડ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઑનલાઇન ખરીદેલા બ્રેસ્ટ મિલ્કનાં 101 નમૂનાઓમાંથી 75 ટકામાં હાનિકારક જંતુઓ હતા. એટલું જ નહીં, 10 ટકા નમૂનાઓમાં ગાયના દૂધના ફૉર્મ્યુલાની ભેળસેળ હતી.

જ્યારે જેમ્સન તેની પાર્ટનર મેલિસાથી અલગ થઈ ગયો, ત્યારે તેને માતાનું દૂધ મળવાનું બંધ થઈ ગયું. પછી તેણે તેને ઑનલાઇન ખરીદવાનું નક્કી કર્યું.

તેમણે કહ્યું કે તેમને ભેળસેળના જોખમો વિશે કંઈ જાણ નથી.

જેમ્સને કહ્યું, "હું આ ઇન્ટરનેટ પરથી ખરીદતો હતો. જોકે મેં ફેસબુક દ્વારા તપાસ કરી અને તે મને સામાન્ય લાગ્યું. તેથી મેં તેને ઑર્ડર કરવાનું નક્કી કર્યું."

વૈજ્ઞાનિક માહિતીનો અભાવ તેમને કોઈ મુશ્કેલી ઊભી કરતો નથી કારણ કે તેઓ કહે છે કે તેમનો પોતાનો અનુભવ ફાયદાકારક રહ્યો છે.

તેમના માટે જે સકારાત્મક ન હતું તે એ હતું કે તેમને મળેલા કેટલાક ખરાબ અનુભવો.

તેઓ કહે છે, "લોકો ચોક્કસપણે મને આશ્ચર્યથી જોતા હતા, કારણ કે આપણું મન માને છે કે આ દૂધ બાળકો માટે છે. પરંતુ તે એટલું વિચિત્ર નથી જેટલું લોકો વિચારે છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બ્રેસ્ટ મિલ્ક, દૂધ, પોષણક્ષમ આહાર

હ્યુમન મિલ્ક (માનવ દૂધ) પર સંશોધન કરતી ડૉ. મેઘન આઝાદ કહે છે, "હું ક્યારેય પુખ્ત વયના લોકોને માતાનું દૂધ પીવાની ભલામણ કરીશ નહીં."

"મને નથી લાગતું કે તે પીવામાં કોઈ નુકસાન છે. પરંતુ પુખ્ત વયના લોકો માતાનું દૂધ પીવું એ બાળકો માટે જોખમી હોઈ શકે છે જેમને તેની જરૂર હોય છે. બાળકોને માતાનું દૂધ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે."

ડૉ. બોડ એમ પણ માને છે કે જો હ્યુમન મિલ્ક (માનવ દૂધ) વધારે હોય તો તેને નફા માટે વેચવાને બદલે જરૂરિયાતમંદ બાળકોને પૂરું પાડવું જોઈએ.

તેમણે કહ્યું, "આપણી પાસે નબળાં બાળકોની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું દૂધ પણ નથી. માતાના દૂધમાં એવા ગુણધર્મો છે જે બાળકોને અનેક રોગોથી બચાવે છે."

ડૉ. આઝાદ એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે જો સંઘર્ષ કરતી માતાઓ માને છે કે માતાનું દૂધ વેચીને પૈસા કમાઈ શકાય છે, તો આ વલણ જોખમી વર્તનને પ્રોત્સાહન આપી શકે છે.

જોકે, જેમ્સન પોતાને દોષિત માનતા નથી.

તેઓ કહે છે, "લોકોએ મારા પર બાળકોને ભૂખે મરવાનો આરોપ લગાવ્યો છે. પણ એવું નથી કે હું હૉસ્પિટલોની બહાર ઊભો રહીને માતાઓને તેમનું બધું દૂધ આપવાનું કહી રહ્યો છું!"

તેમનો દાવો છે કે ઓછામાં ઓછી 100 મહિલાઓએ બ્રેસ્ટ મિલ્ક વેચવા માટે તેમનો સંપર્ક કર્યો છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બ્રેસ્ટ મિલ્ક, દૂધ, પોષણક્ષમ આહાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુખ્ત વયના લોકો જો બ્રેસ્ટ મિલ્ક ખરીદે તો એ વાત બાળકો માટે નુકસાનકારક હોઈ શકે છે
બીબીસી ગુજરાતી, ગુજરાત, બ્રેસ્ટ મિલ્ક, દૂધ, પોષણક્ષમ આહાર

હ્યુમન મિલ્ક (માનવ દૂધ) પર હજુ સુધી બહુ સંશોધન થયું નથી.

ડૉ. આઝાદ કહે છે, "જે લોકો સંશોધન માટે ભંડોળ પૂરું પાડે છે તેઓ લાંબા સમય સુધી માતાના દૂધ અંગે વિચારતા નથી કારણ કે તેઓ તેને સ્ત્રીઓ માટેનો બિનજરૂરી મુદ્દો માને છે. આ વસ્તુઓને જોવાની એક પિતૃસત્તાક રીત છે."

જોકે, આમાં બદલાવ આવી રહ્યો છે.

પુખ્ત વયના લોકો દ્વારા માતાનું દૂધ પીવાના જોખમો વચ્ચે, કેટલાંક પરિબળો એવાં છે જે પુખ્ત વયના લોકોને માતાનું દૂધ પીવાથી ફાયદા પહોંચાડે છે. સંધિવા, હૃદય રોગ, કૅન્સર, ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રોમ જેવા રોગોમાં તેના ફાયદાઓ પર સંશોધન ચાલી રહ્યું છે.

ડૉ. આઝાદ હ્યુમન મિલ્ક (માનવ દૂધ) માંથી મળતા ઓલિગોસેકરાઇડ્સના સંભવિત સ્વાસ્થ્ય લાભો અંગે ઉત્સાહિત છે. આ હ્યુમન મિલ્ક (માનવ દૂધ)માં જોવા મળતા પ્રીબાયોટિક ફાઇબર્સ છે.

પુખ્ત વયના લોકો આ ફાયબરને પચાવી શકતા નથી. પરંતુ તે બાળકોમાં ફાયદાકારક આંતરડાના બૅક્ટેરિયા વિકસાવવામાં મદદ કરી શકે છે.

"સંશોધકો એ શોધી રહ્યા છે કે શું ઓલિગોસેકરાઇડ્સ આંતરડાના બળતરાવાળા પુખ્ત વયના લોકોને ફાયદો પહોંચાડી શકે છે," ડૉ. આઝાદ કહે છે.

"આપણે જાણીએ છીએ કે સ્વાસ્થ્યના ઘણા પાસાઓ માટે માઇક્રોબાયોમ મહત્ત્વપૂર્ણ છે. આપણે આંતરડાના માઇક્રોબાયોમને કેવી રીતે વધુ સુધારી શકીએ અને તેના અન્ય કયા ફાયદા થઈ શકે તે જોઈ શકીએ છીએ. માતાનું દૂધ આ સંદર્ભમાં ઘણી આશા આપે છે."

ઉંદરો પરના 2021 ના અભ્યાસમાં ડૉ. બોડે શોધી કાઢ્યું કે HMO એથરોસ્ક્લેરોસિસના વિકાસને ઘટાડે છે, ધમનીઓમાં અવરોધ કે જે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક જેવી ઘાતક બિમારી તરફ દોરી જાય છે.

તેઓ કહે છે, "કૃત્રિમ સંયોજનોમાંથી બનેલી અને માનવ શરીરને આપવામાં આવતી મોટાભાગની દવાઓની તુલનામાં માનવ દૂધમાંથી મળતા સંયોજનો વધુ સુરક્ષિત અને અસરકારક હોય છે."

જોકે આમાં નોંધપાત્ર સંભાવના જ રહેલી છે, ક્લિનિકલ ડેટા હજુ પણ દુર્લભ છે.

ડૉ. બોડ કહે છે કે જો ક્લિનિકલ અભ્યાસો સારાં પરિણામો આપે છે તો આ સંયોજનો હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકને રોકવામાં મદદ કરી શકે છે. દર વર્ષે લાખો લોકો હાર્ટ ઍટેક અને સ્ટ્રોકને કારણે મૃત્યુ પામે છે.

ડૉ. બોડે કહ્યું, "કલ્પના કરો કે જો આનાથી હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકથી થતા મૃત્યુમાં ઘટાડો થાય તો તે કેટલો મોટો વિકાસ કહેવાશે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બ્રેસ્ટ મિલ્ક, દૂધ, પોષણક્ષમ આહાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.