તમે જે મેકઅપ કરો છો, તે કેટલો સુરક્ષિત છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નાઝનીન મોટામેડી
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
પ્રમાણિકપણે કહેજો.....તમે છેલ્લે ક્યારે મેકઅપ પ્રોડક્ટની ઍક્સપાયરી ડેટ ચકાસી હતી? શું ઍક્સ્પાયર થઈ ગયેલાં સૌંદર્યપ્રસાધનો વાપરવાથી તમારી ત્વચા કે આરોગ્યને કોઈ નુકસાન થાય?
તમે મેકઅપ બ્રશને કેટલી વાર ધોવો છો? શું તમે ક્યારેય કોઈ ફ્રૅન્ડનો મસ્કરા વાપર્યો છે અથવા તો દુકાનમાં લિપસ્ટિકનું ટ્રાયલ કર્યું છે?

તમારી મેકઅપ કિટની કઈ ચીજમાં સૌથી વધુ બૅક્ટેરિયા એકઠા થયેલા હોય છે – મસ્કરા, આઈલાઇનર, સ્પન્જ કે બ્રશ?
મને લાગે છે કે હું મારા મેકઅપ બ્રશને સાફ કરવાની બાબતમાં કે ઍક્સ્પાયરી ડેટ ચકાસવાની બાબતમાં બહુ ધ્યાન નથી આપતી એટલે મેં આ બધી ચીજો લંડનની મેટ્રોપોલિટન યુનિવર્સિટીના સંશોધનકર્તાના માઇક્રોસ્કૉપમાં દેખાડવાનો નિર્ણય લીધો.
સ્કૂલ ઑફ હ્યુમન સાયન્સિસમાં બાયૉસાયન્સિઝનાં સિનિયર લેક્ચરર ડૉ. મારિયા પિલર બોતેઈ-સૅલોની દેખરેખમાં અભ્યાસ હાથ ધરાયો. ડૉ. મારિયાએ 70થી વધુ ઍક્સ્પાયર થયેલાં ઉત્પાદનોની તપાસ હાથ ધરી.
જેમાં આઈલાઇનર, મસ્કરા, લિપ ગ્લૉસ, લિપસ્ટિક, ફાઉન્ડેશન, મેકઅપ બ્રશ અને મારાં સહિત બીજા સ્પંજને લૅબમાં ચકાસવામાં આવ્યાં.
આ નમૂનાઓને ઍગર પ્લેટમાં રાખીને ઇનક્યૂબેટ કરવામાં આવ્યા, જેથી કરીને તેની તપાસ થઈ શકે.

મારા મેકઅપમાં અગર પ્લેટો ઉપર આશ્ચર્યજનક રીતે ખાસ્સા પ્રમાણમાં બૅક્ટેરિયા હતા. ડૉ. બોતેઈ સૅલોએ કહ્યું, "તમારી આઈ પેન્સિલ સૌથી વધુ ગંદી હતી, જેમાં તમારાં મેકઅપના અન્ય સામાનની સરખામણીએ વધુ પ્રમાણમાં બૅક્ટેરિયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. બોતેઈએ શક્યતા વ્યક્ત કરી હતી કે મારી પેન્સિલ ઉપર ત્વચામાંથી બૅક્ટેરિયા આવ્યા હોય, જેમાં સ્ટૅફિલોલોકસ (એક પ્રકારના બૅક્ટેરિયા) પણ સામેલ હતા. તેની પાછળનું કારણ એ હતું કે આઈ પેન્સિલએ આંખોના સંપર્કમાં આવે છે.
મેં સ્વીકાર્યું કે સામાન્ય રીતે મારી મેકઅપ કિટ બાથરૂમમાં હોય છે અને ઘણી વખત તેનો વપરાશ કર્યા વગર અમુક મિનિટો માટે મારી આઈલાઇનરને ઢાંકણ વગર મૂકી રાખું છું.
ડૉ. બોતેઈ સૅલોએ જણાવ્યું, "આ આદત કારણભૂત હોય શકે છે. પેન્સિલે હવામાંથી ભેજ ગ્રહણ કર્યો, જેના કારણે માઇક્રોબિયલની (સુક્ષ્મજીવો) સંખ્યામાં વૃદ્ધિ થાય છે. અમને બ્રશ, સ્પંજ તથા મસ્કરા જેવા અન્ય નમૂનાઓમાં પણ સ્ટૅફિલોકોકસ મળી આવ્યા હતા."
સ્ટૅફિલોકોકસને કારણે – થોડી બળતરા, કંજક્ટિવાઇટિસ, એરિસિપેલસ (ચામડીસંબંધિત ચેપ) અમને ઇમ્પેટિગો (ચામડીનો ચેપ) તથા ગંભીર ઇન્ફેક્શન જેવી બીમારીઓ થઈ શકે છે.
મેં અનેક વખત આઈલાઇનરનો ઉપયોગ કર્યો તેમ છતાં મને આમાંની કોઈ પણ બીમારી કેમ ન થઈ?
ડૉ. બોતેઈ સૅલોએ જણાવ્યું, "જો તમારી ત્વચાની સ્થિતિ સારી હોય અને સલામત હોય તો તેમને કશું નહીં થાય, પરંતુ જો તમને કોઈ ઘાવ, ચીરો કે ઈજા થયા હોય તો બૅક્ટેરિયા અહીંથી પ્રવેશીને તમને નુકસાન પહોંચાડી શકે છે."
"જો વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા નબળી હશે તો આ બાબત ચિંતાનું કારણ બની શકે છે."

શું તમે મેકઅપ કરતાં પહેલાં હાથ ધોવો છો? હાથમાં અનેક પ્રકારના હાનિકારક કીટાણુ હોય છે. યોગ્ય સ્વચ્છતાના અભાવે તે સૌંદર્ય પ્રસાધનોમાં પ્રવેશી જાય તેનું જોખમ રહે છે. જ્યારે તમે તરત જ આઈશૅડો, લિપબામ કે ફાઉન્ડેશન લગાડો, ત્યારે આ પ્રકારે બૅક્ટેરિયા ફેલાવાની શક્યતા રહે છે.
ડૉ. બોતેઈ સૅલોએ ચોંકાવનારું તારણ આપ્યું. તેમણે જણાવ્યું, "કેટલાંક ઉત્પાદનોમાં અમને એંટરોબૅક્ટર ક્લોકે મળી આવ્યા, જે સમાન્ય રીતે આંતરડામાં મળી આવતા બૅક્ટેરિયા છે."
આનો મતલબ એ થયો કે યોગ્ય રીતે હાથ સાફ નહીં કરવાથી અથવા તો ટૉઇલેટના છાંટા ઉડવાથી તેમાં મળનાં અંશ પણ મળી આવ્યા.
તપાસમાં બહાર આવ્યું છે કે ટૉઇલેટને ફ્લશ કરવાથી એરોસોલાઇઝ્ડ ટીપાં ઉડવાની શક્યતા રહે છે, જે અમુક સેકંડોમાં બે મીટરની ઊંચાઈએ પહોંચી જાય છે. એરોસોલાઇઝ્ડ, ટીપાંમાં ઘણી વખત સંક્રામક વાઇરસ હોય છે.
આ ટીપાંની સાથે એંટરોબૅક્ટર પણ સંપર્કમાં આવે તેવી શક્યતા હોય છે.
એંટરોબૅક્ટરની અમુક પ્રજાતિઓ ચિંતાજનક છે, કારણ કે તે પેશાબમાં ચેપ, શ્વાસસંબંધિત ચેપ, ઑસ્ટિયોમાઇલટિસ (હાડકાંનો ચેપ) તથા એંડોકાર્ડિટિસ (હૃદય સાથે સંકળાયેલો ચેપ) માટે કારણભૂત હોય શકે છે.

અગાઉના અભ્યાસોમાં બહાર આવ્યું છે કે ઈ.કોલાઈ (એશેરિશિયા કોલાઈ-મળને કારણે વિકાસ પામતો એક પ્રકારનો બૅક્ટેરિયા) મેકઅપનાં ઉત્પાદનો ઉપર જીવિત રહી શકે છે. આ બાબત ચિંતાજનક છે, કારણકે, આ ઉત્પાદનોનો ઉપયોગ ચહેરા ઉપર તથા આંખ પાસે કરવામાં આવે છે.
મેટ્રોપોલિટન યુનિવર્સિટીની તપાસ ટીમને કૉસ્મેટિક ઉત્પાદનોમાં કૅંડિડા નામનું ફંગસ પણ મળી આવી હતી. જો આ ફંગસ ચામડીમાં પ્રવેશ કરે તો યોનિ કૅંડિડિઆસિસ (યોનિમાં થનારા ચેપ) કે થ્રશ (મોંમાં થતું ફંગલ ઇન્ફૅક્શન) માટે કારણભૂત બની શકે છે.
બ્રિટનના બર્મિંઘમમાં ઍસ્ટન યુનિવર્સિટીમાં લગભગ 500 જેટલાં પ્રતિષ્ઠિત કૉસ્મેટિક ઉત્પાદનો ઉપર વધુ સંશોધન હાથ ધરવામાં આવ્યું. જેમાં બહાર આવ્યું હતું કે તેમાંથી 79-90 % કૉસ્મેટિક ઉત્પાદનોમાં કોઈ ને કોઈ પ્રકારનાં પરોપજીવી, બૅક્ટેરિયા કે ફંગસ હતાં.
જેમાં ઓછા જોખમી પ્રકારના બૅક્ટેરિયાથી લઈને સંભવતઃ ઘાતક પ્રકારના ઈ. કોલાઈનો પણ સમાવેશ થતો હતો. અભ્યાસના મુખ્ય સંશોધક ડૉ. અમરીન બશીરે જણાવ્યું :
"કૉસ્મેટિક પ્રોડક્સ તથા ઉપકરણો (બ્રશ વગેરે) ઉપર બૅક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે, એવું જાણવા મળે છે, પરંતુ એ જરૂરી નથી કે તે ઇન્ફૅક્શન મોટું જોખમ ઊભું કરે."
"ચેપને લાગવા માટે એક માર્ગની જરૂર હોય છે, જેમ કે ઘાવ, ઇજા કે ખોરાક મારફતે. આ બધી ચીજવસ્તુઓની નિયમિત સાફસફાઈ કરવી, તેમને કીટાણુરહિત કરવી, ઍક્સ્પાયરી ડેટ જતી રહે એટલે તેનો ચીજોનો ઉપયોગ ન કરવો, કોઈપણ સંભવિત જોખમને ઘટાડી દે છે."

દરેક ઉત્પાદનમાં અમુક સંરક્ષક તત્ત્વો ઉમેરવામાં આવ્યા હોય છે, તે કેટલા સમય સુધી સક્રિય રહીને સુક્ષ્મજીવોને અસરકારક રીતે વિકસતા અટકાવી શકે છે, તે ઍક્સ્પાયરી ડેટ દ્વારા જાણવા મળે છે.
જે ઉત્પાદનોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, તે બગડવાની શક્યતા વધુ હોય છે, કારણ કે બૅક્ટેરિયા તથા ફંગસને તેમાં વિકસવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે છે.
એક વખત પ્રોડક્ટનું પૅકેજિંગ ખોલવામાં આવે, એટલે પ્રોડક્ટના આધારે ત્રણથી લઈને 12 મહિનાની અંદર તેને વાપરી નાખવા માટે ભલામણ કરવામાં આવે છે.
ડૉ. બશીરના કહેવા પ્રમાણે, "જો કોઈ કૉસ્મેટિક્સ પર કોઈ ઍક્સ્પાયરી ડેટ ના હોય, તો તેને ત્રણ મહિના પછી અથવા તો કદાચ ખરાબ થઈ ગયું છે, એવું લાગે એટલે તેને ફેંકી દેવી જોઈએ, જેથી કરીને ઇન્ફૅક્શન ફેલાવાનું જોખમ ઘટાડી શકાય."
"જો વપરાશકર્તાને કોઈ મેકઅપ પ્રોડ્કટની ઍક્સ્પાયરી ડેટ અંગે ખબર ન હોય, તો તેની જગ્યાએ નવું ઉત્પાદન વાપરવું જ સારો વિકલ્પ છે."

મેટ્રોપોલિટન યુનિવર્સિટીના સંશોધન મુજબ, મસ્કરા અને લિક્વિડ ફાઉન્ડેશનએ હાનિકારક બની જનાર અથવા તો સુક્ષ્મજીવોની વિવિધતાવાળા ઉત્પાદનોમાં વધુ જોવા મળે છે.
લિક્વિડ ફાઉન્ડેશન લગાડવા માટે ઉપયોગમાં લેવાતાં બ્રશ અને સ્પંજમાં હાનિકારક બૅક્ટેરિયા સૌથી વધુ જોવા મળે છે.
ડૉ. બોતેઈ સૅલોના કહેવા પ્રમાણે, "સ્પંજ અને બ્રશ જેવાં ઉત્પાદનોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, એટલે તેમાં સુક્ષ્મજીવો વિકસવાની શક્યતા સૌથી વધુ હોય છે. અમે ઍક્સપાયરી ડેટ જતી રહી હોય તે પ્રકારનાં મૅકઅપ ઉત્પાદનો તથા વપરાશમાં લીધેલી ચીજવસ્તુઓનો અભ્યાસ કર્યો હતો, જેના આધારે આ તારણ કાઢ્યું હતું."
ડૉ. બોતેઈ સૅલો સંભવિત જોખમથી બચવા માટે કેટલાંક સૂચનો કરે છે, જેમ કે :
મેકઅપ કરતાં પહેલાં હાથ ધોવા જોઈએ
- દુકાનોમાં ટેસ્ટરનો ઉપયોગ ન કરો, કારણ કે તમારી પહેલાં પ્રોડ્કટનું ટ્રાયલ કરનારે હાથ સાફ ન પણ કર્યા હોય
- સ્પંજ અને બ્રશ જેવી ચીજોને નિયમિત રીતે ગરમ પાણી તથા સાબુથી સાફ કરો, એ પછી તેને સારી રીતે સૂકવો. આ માટે કોઈ મોંઘા ઉપાયો કરવાની જરૂર નથી.
- બૅક્ટેરિયા તથા ઍરોસોલના સંપર્કમાં ન આવે તે માટે તેમને અલગ બૅગમાં રાખો અને હવામાં સૂકાઈ જવા દો.
- મેકઅપની પ્રોડ્ક્ટ્સને રાખવા માટે બાથરૂમ સૌથી ખરાબ જગ્યા છે, કારણ કે ત્યાં ભેજ અને અંધકાર હોય છે.
- લિક્વિડ ફાઉન્ડેશન, મસ્કરા તથા આઈલાઇનરનાં ઢાંકણ બંધ કરીને રાખવા જોઈએ, જેથી કરીને હવામાં રહેલાં કીટાણુ અને ધૂળના કણો આ ચીજો ઉપર જામી ન જાય.
- ઍક્સ્પાયરી ડેટ ઉપર ખાસ ધ્યાન આપો. દરેક મેકઅપ પ્રોડક્ટ ઉપર નોટ ચીપકાવી દો, જેથી કરીને ક્યારે તેને ફેંકી દેવાની છે, તેના વિશે ધ્યાન રહે.
- તમારી મેકઅપ કિટ અન્યોની સાથે શૅર ન કરો
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












