'ભૂકંપ પહેલાં હાથી ઊંચે ચડી ગયા', પ્રાણીઓને કુદરતી હોનારતનો સંકેત કેવી રીતે મળી જાય?

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, MPI-AB

    • લેેખક, નોર્મન મિલર
    • પદ, બીબીસી ફ્યુચર

હાલમાં મ્યાનમાર અને થાઇલૅન્ડના ભૂકંપે વિનાશ વેર્યો છે અને અનેક લોકોનાં મોત થયાં છે. ભૂકંપની આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ શું પશુ-પંખીઓને પહેલેથી આફતનો અણસાર આવી જાય છે?

કુદરતી આફતો વખતે પ્રાણીઓના ચેતવણીનો સંકેત આપતા વર્તનની વાતો વિશ્વભરના લોકો સહસ્રાબ્દીઓથી કરતા રહ્યા છે. સવાલ એ છે કે પ્રાણી-પક્ષીઓ દ્વારા આપવામાં આવતા આવા સંકેતોનો ઉપયોગ તોળાઈ રહેલી આફતો વિશે ચેતવણી આપવા માટે થઈ શકે?

2004માં ઇન્ડોનેશિયા નજીક સમુદ્રની અંદર થયેલા 9.1ની તીવ્રતાના ભૂકંપથી સર્જાયેલી સુનામીને લીધે હિન્દ મહાસાગરના દરિયાકાંઠા વિસ્તારમાંના સમુદાયોનો લગભગ સફાયો થઈ ગયો હતો. તેમાં એક ડઝનથી વધુ દેશોના કમસેકમ સવા બે લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. જંગી મૃત્યુઆંક પાછળની એક હકીકત એ છે કે એ સમુદાયોને સુનામીની કોઈ ચેતવણી મળી ન હતી.

દરિયામાં ભરતી અને ભૂકંપ સેન્સર જેવી સ્થાનિક માનવસર્જિત ચેતવણી પ્રણાલીઓ કોઈ સ્પષ્ટ ચેતવણી આપવામાં નિષ્ફળ રહી હતી.

પૂરતી સારસંભાળના અભાવે કેટલાંક સેન્સર્સ કામ જ કરતાં ન હતાં, જ્યારે દરિયાકાંઠાના ઘણા વિસ્તારોમાં સુનામી સાયરન ચેતવણી વ્યવસ્થા જ ન હતી. આડેધડ સંદેશાવ્યવહાર વડે પણ કોઈ ચેતવણી આપી શકાઈ ન હતી. ઘણા ટેક્સ્ટ મૅસેજ ભયગ્રસ્ત વિસ્તારોમાંના મોબાઇલ ફોન સુધી પહોંચ્યા જ ન હતા અથવા કોઈએ વાંચ્યા ન હતા.

તેમ છતાં દરિયાઈ પાણીના 30 ફૂટ ઊંચા ધસમસતાં મોજાં સમગ્ર તટવિસ્તારમાં ફરી વળ્યાં તેની મિનિટો, કલાકો પહેલાં કેટલાંક પ્રાણીઓને તોળાઈ રહેલા જોખમનો ખ્યાલ આવી ગયો હતો અને તેમણે ભાગી છૂટવાના પ્રયાસ કર્યા હતા.

એ ઘટનાના સાક્ષીના જણાવ્યા મુજબ, હાથીઓએ ઊંચાણવાળા વિસ્તારો ભણી દોટ મૂકી હતી, ફ્લેમિંગો પક્ષીઓ નીચાણવાળા વિસ્તારમાંના તેમના માળા છોડીને ઊડી ગયાં હતાં અને કૂતરાં ઘરની બહાર નીકળવાં તૈયાર ન હતાં.

બીબીસી ગુજરાતી ન્યૂઝ વૉટ્સઍપ લિંક
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

બિલાડી, બકરી જેવાં પ્રાણી ભૂકંપ અગાઉ ઊંચા સ્થળે જતાં રહે છે?

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનામી અને ધરતીકંપ પહેલાં બિલાડી, ગાય, બકરી અને પક્ષીઓ ઊંચી જગ્યાએ ખસી જતા હોવાનું માનવામાં આવે છે

થાઇલૅન્ડના બેંગ કોય નામના દરિયાકાંઠાના ગામના લોકોએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠા નજીક ચરી રહેલી ભેંસોના કાન અચાનક ઊંચા થઈ ગયા હતા અને સુનામી ત્રાટક્યાની થોડી મિનિટ પહેલાં જ ભેંસોનું આખું ટોળું દોડીને નજીકની ટેકરી પર પહોંચી ગયું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંયુક્ત રાષ્ટ્રસંઘના ડિઝાસ્ટર રિસ્ક સામેના આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના સલાહકાર જૂથના ભૂતપૂર્વ સભ્ય અને હવે બૉનની જર્મન ડેવલપમૅન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સંશોધક તરીકે કાર્યરત ઇરિના રાફલિયાનાએ કહ્યું હતું કે, "સુનામી અને ધરતીકંપ પહેલાં ગાય, બકરી, બિલાડી અને પક્ષીઓને ઊંચા સ્થળે જતાં જોયાં હોવાનું બચી ગયેલા લોકોએ પણ જણાવ્યું હતું. જેઓ બચી શક્યા એ પૈકીના ઘણા લોકો પણ પ્રાણીઓ સાથે ઊંચા સ્થળે આશરો લેવા દોડી ગયા હતા."

ઇરિના કહે છે કે 2010માં સુમાત્રા નજીક સમુદ્રમાં ધરતીકંપને લીધે સર્જાયેલી સુનામીમાં મેન્તાવાઈ ટાપુ પર લગભગ 500 લોકો માર્યા ગયા હતા. અહીં પણ, હાથી જેવાં કેટલાંક પ્રાણીઓએ જાણે કે તેમને ઘટનાની આગોતરી જાણ હોય તેવી રીતે પ્રતિક્રિયા આપી હતી. તેના થોડા દિવસ પહેલાં ટોંગામાં જાન્યુઆરીમાં જ્વાળામુખી ફાટ્યાના બે દિવસ પહેલાં કાચબાએ પણ આવું વર્તન કર્યું હતું.

નિયમિત રીતે કુદરતી આફત આવતી હોય તેવા ઘણા વિસ્તારોમાં ચેતવણીની કોઈ વ્યવસ્થા જ નથી. વર્લ્ડ મેટ્રિયોલૉજિકલ ઑર્ગેનાઇઝેશનને 2017માં જાણવા મળ્યું હતું કે આફત ત્રાટકવાનું જોખમ ધરાવતા વિશ્વના આશરે 100 દેશમાં કુદરતી આપદા સામે ચેતવણીની કોઈ વ્યવસ્થા નથી.

જોકે આફતો પહેલાંના પ્રાણીઓના વર્તન વિશેના આ અહેવાલો પછી કેટલાંક સંશોધકો આ દિશામાં વૈજ્ઞાનિક રીતે ગંભીર સંશોધન કરવા પ્રેરાયા છે.

એક રસપ્રદ સવાલ થાય છે કે પ્રાણીઓ માણસો માટે કુદરતી આફતની ચેતવણી પ્રદાન કરતી પ્રણાલી બની શકે કે નહીં?

વિનાશકારી ભૂકંપ પહેલાં પશુઓએ શહેર છોડ્યું

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, CHAIDEER MAHYUDDIN/Getty

ઇમેજ કૅપ્શન, કેટલાક અહેવાલો અનુસાર 2004ના હિંદ મહાસાગરની સુનામી પહેલા હાથીઓ ઊંચી જમીન તરફ જતા રહ્યા હતા.

કુદરતી આફત પહેલાંનાં પ્રાણીઓના અસામાન્ય વર્તનનો સૌથી પહેલો નોંધાયેલો સંદર્ભ ઈસવી પૂર્વે 373નો છે.

એ સમયે ગ્રીક ઇતિહાસકાર થ્યુસિડાઈડસે નોંધ્યું હતું કે, "વિનાશકારી ભૂકંપ પહેલાં ઉંદરડા, કૂતરાં, સાપ અને નીલ જેવાં પ્રાણીઓ હેલિસ શહેર છોડીને જતાં રહ્યાં હતાં."

એક અન્ય અહેવાલ મુજબ, "1805માં નેપલ્સમાં થયેલા ધરતીકંપ પહેલાં બળદ, ઘેટાં, કૂતરાં અને હંસ એક સાથે જોરશોરથી અવાજ કરવાં લાગ્યાં હતાં, જ્યારે સાનફ્રાન્સિસ્કોમાં 1906માં ભૂકંપ થયો તેની થોડી જ વાર પહેલાં ગભરાઈને અશ્વો નાસી છૂટ્યાં હતાં."

અનેક પ્રકારની તોળાઈ રહેલી કુદરતી આફતની ભાળ આધુનિક ટેકનૉલૉજી વડે પણ મેળવવાનું મુશ્કેલ છે. દાખલા તરીકે, ધરતીકંપના સેન્સર્સ, ધરતી ધ્રુજાવતા આંચકાના ગૂંચળામાં લપેટાઈ જાય છે.

વિશ્વસનીય આગાહી કરવા માટે પૂર્વવર્તી સંકેત જરૂરી હોય છે અને વૈજ્ઞાનિકોને હજુ સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી, જે ભૂકંપ પહેલાં સતત જોવા મળે. તેથી કેટલાક વૈજ્ઞાનિકોમાં પ્રાણીઓની વર્તણૂક જેવા ચેતવણીના જુનવાણી સંકેતોને ધ્યાનમાં લેવાનું વલણ દેખાય છે.

સૌથી મહત્ત્વપૂર્ણ અભ્યાસ પૈકીનો એક પાંચ વર્ષ પહેલાં જર્મનીની મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ઑફ એનિમલ બિહેવિયરની માર્ટિન વિકેલસ્કીની આગેવાની હેઠળની ટીમે હાથ ધર્યો હતો.

મધ્ય ઇટલીના ભૂકંપનું જોખમ ધરાવતા માર્ચેસ પ્રદેશના એક ખેતરમાં ગાય, ઘેટાં અને કૂતરાં વગેરે જેવાં પ્રાણીઓની હિલચાલની બાયોલૉગિંગ તરીકે ઓળખાતી પૅટર્ન રેકૉર્ડ કરવાનો સમાવેશ આ અભ્યાસમાં થાય છે.

તેમાં દરેક પ્રાણીના શરીર પર ચિપ્સ સાથેના કૉલર્સ ફીટ કરવામાં આવ્યા હતા અને તેના દ્વારા ઑક્ટોબર, 2016 તથા એપ્રિલ 2017 દરમિયાન દર થોડી મિનિટે સેન્ટ્રલ કમ્પ્યુટરને પ્રાણીઓની હિલચાલની માહિતી મળતી હતી.

એ સમયગાળા દરમિયાન, સત્તાવાર આંકડા મુજબ, તે પ્રદેશમાં ભૂકંપના 18,000થી વધુ આંચકા નોંધાયા હતા. તેમાં 0.4ની તીવ્રતાના નાના આંચકાથી માંડીને 4 કે તેથી વધુની તીવ્રતાના ડઝનેક આંચકા અને નોર્સિયાના 6.6ની તીવ્રતાના વિનાશક ભૂકંપના આંચકાનો સમાવેશ થાય છે.

20 કલાક પહેલાં પ્રાણીઓના વર્તનમાં ફેરફાર

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, Bernard Friel/Getty

ઇમેજ કૅપ્શન, 1906ના સાન ફ્રાન્સિસ્કો ભૂકંપ પહેલા ઘોડાઓ ગભરાટમાં ભાગી ગયા હોવાનું કહેવાય છે

સંશોધકોને મળેલા પુરાવા મુજબ, ધરતીકંપના 20 કલાક પહેલાં પ્રાણીઓના વર્તનમાં ફેરફાર શરૂ થયો હતો. ખેતરમાં મૉનિટરિંગ હેઠળના પ્રાણીઓ 45 મિનિટથી વધુ સમય સુધી સામૂહિક રીતે 50 ટકા વધારે સક્રિય હતાં, ત્યારે સંશોધકોએ 4.0થી વધુની તીવ્રતા સાથેના ધરતીકંપની આગાહી કરી હતી. આ રીતે કરવામાં આવેલી જોરદાર ભૂકંપની આઠમાંથી સાત આગાહી સાચી પડી હતી.

2020માં આ અભ્યાસનાં તારણ બહાર પાડવામાં આવ્યાં ત્યારે માર્ટિન વિકેલસ્કીએ કહ્યું હતું કે, "પ્રાણીઓ તોળાઈ રહેલા ભૂકંપના કેન્દ્રથી જેટલાં નજીક હતાં તેટલો વહેલો બદલાવ તેમના વર્તનમાં થયો હતો. તોળાઈ રહેલા ભૂકંપના કેન્દ્રમાં વારંવાર ભૌતિક ફેરફાર થાય અને વધતા અંતર સાથે તે નબળા પડે ત્યારે આવું થવું અપેક્ષિત હોય છે."

સિસીલીમાં માઉન્ટ એટનાના જ્વાળામુખીના ઢોળાવ પરના ટેગ કરેલા બકરાઓની હિલચાલને મૉનિટર કરવાનો એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે એટના ખાતેનો જ્વાળામુખી ક્યારે ફાટશે તેનો આગોતરો ખ્યાલ પ્રાણીઓને આવી ગયો હતો.

હવે લંડન સાઉથ બૅંક યુનિવર્સિટીમાં કાર્યરત બિહેવિયરલ ઇકોલૉજિસ્ટ રશેલ ગ્રાન્ટને પણ દક્ષિણ અમેરિકાના આવા પ્રયોગમાં સમાન પરિણામ મળ્યું હતું. તેમણે પેરુવિયન એન્ડીસના યાનાગાચા નેશનલ પાર્કમાં મોશન-ટ્રિગર કેમેરાના ઉપયોગ વડે પ્રાણીઓની હિલચાલનું બાયોલૉગિંગ કર્યું હતું. એ સમયગાળામાં કોન્ટામાનામાં 2011માં થયેલા 7.0ની તીવ્રતાના ભૂકંપનો સમાવેશ થાય છે.

ભૂકંપ પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે?

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, Christian Ziegler/MPI-AB

ઇમેજ કૅપ્શન, વૈજ્ઞાનિક માર્ટિન વિકેલસ્કીએ બકરાઓને એ માટે ટૅગ કર્યા છે કે શું તેઓ માઉન્ટ એટના પર જ્વાળામુખી ફાટી નીકળે છે તે શોધી શકે છે.

રશેલ ગ્રાન્ટે તેમના 2015ના અભ્યાસપત્રમાં જણાવ્યું હતું કે, "કૅમેરા ટ્રેપ પર રેકૉર્ડ કરાયેલા પ્રાણીઓની સંખ્યામાં ભૂકંપના આશરે 23 દિવસ પહેલાં ઘટાડો શરૂ થયો હતો. ભૂકંપના આઠ દિવસ પહેલાં તે વેગીલો બન્યો હતો. ભૂકંપના 10, 6, 5, 3 અને બે દિવસ પહેલાં એકેય પ્રાણીની હિલચાલ નોંધાઈ ન હતી, જે અસાધારણ વાત છે."

ભૂકંપના બે સપ્તાહ પહેલાંથી સ્થાનિક પ્રાણીઓના વર્તનમાં શું ફેરફાર થતા હોય છે તેના નિર્ણાયક પુરાવા રશેલ ગ્રાન્ટને મળ્યા હતા. કોન્ટામાનાના ભૂકંપના આઠ દિવસ પહેલાં મોટી હિલચાલ જોવા મળી હતી, જે યોગાનુયોગે પરિદૃશ્યમાંથી પ્રાણીઓના અદૃશ્ય થઈ જવાના બીજા તબક્કાની શરૂઆત હતી.

ધરતીકંપ પહેલાં વાતાવરણમાં જોવા મળતો ઇલેક્ટ્રોમૅગ્નેટિક વિક્ષેપ તોળાઈ રહેલા ભૂકંપનો, જે પ્રાણીઓ અનુભવી શકે છે તે, સંકેત હોઈ શકે કે કેમ એ બાબતે વિજ્ઞાનીઓ હવે સંશોધન કરી રહ્યા છે.

ધરતીકંપ પહેલાં ઊંડી ખડકોમાં જોરદાર તણાવ સર્જાય છે. ઇલેક્ટ્રૉનિક ચાર્જ સર્જતા તે તણાવને પૉઝિટિવ હોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ અત્યંત મોબાઇલ ઇલેક્ટ્રૉનિક ચાર્જના વાહકો પૃથ્વીના પોપડામાંથી તેની સપાટી સુધી ઝડપભેર પહોંચી જતા હોય છે.

સપાટી પર પહોંચીને તે હવાના અણુઓને આયનાઇઝ કરે છે. સમગ્ર વિશ્વમાં ભૂકંપ પહેલાં આવું આયનીકરણ નોંધાયું છે. આ પૉઝિટિવ હોલ્સનો પ્રવાહ આગળ વધવાની સાથે અલ્ટ્રા-લો ફ્રિકવન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો પણ ઉત્પન્ન કરે છે, જે એક વધુ એક સંકેત હોય છે અને કેટલાંક પ્રાણીઓ તે સંકેત સમજી જાય છે.

પ્રાણીઓ કેવી રીતે ધરતીકંપ પહેલાનાં સંકેતો સમજી શકે છે?

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images

કૉન્વેન્ટ્રી યુનિવર્સિટી ખાતે ફિઝિકલ જ્યોગ્રાફી અને નેચરલ હેઝાર્ડ્ઝના ઍસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત મૅથ્યુ બ્લેકેટે કહ્યું હતું કે, "ભૂકંપ પહેલાંના સંકેતોની વૈજ્ઞાનિક રીતે યોગ્ય નોંધ લેવામાં આવી નથી." જોકે, કેટલાક વિજ્ઞાનીઓ એવું માને છે કે પ્રાણીઓએ કુદરતી આપદા વખતે સલામત સ્થળે ચાલ્યાં જવાની વ્યવસ્થા વિકસાવી હોય તે શક્ય છે.

મૅથ્યુ બ્લેકૅટે કહ્યું હતું કે, "પ્રાણીઓ ધરતીકંપ પહેલાંના દબાણના તરંગોને પામી શકતા હશે. ખડકો સંકોચાવાનું શરૂ થાય ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં થતા ફેરફારોનો તાગ તેઓ મેળવી શકતા હશે. પ્રાણીઓમાં પણ ઘણું લોખંડી તત્ત્વ હોય છે, જે ચુંબકત્વ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે."

પૉઝિટિવ હોલ્સ ભૂકંપ પહેલાં કેટલાંક ઝેરી રસાયણોનું સર્જન કરી શકે છે. દાખલા તરીકે, તે પાણીના સંપર્કમાં આવે તો ઑક્સિડેશન રિએક્શન શરૂ કરી શકે છે, જે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. ચાર્જ વાહકો અને માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થના રજકણ વચ્ચેની રાસાયણિક પ્રતિક્રિયાઓ ઓઝોન જેવી અપ્રિય પ્રોડક્ટ્સનું નિમિત્ત બની શકે છે.

ગુજરાતમાં 2001માં થયેલા 7.7ની તીવ્રતાના ધરતીકંપના ઘણા દિવસ પહેલાં 100 ચોરસ કિલોમીટર વિસ્તારની ઉપરના કાર્બન મોનોક્સાઇડના પ્રમાણમાં જોરદાર વધારો થયાનું ઉપગ્રહોના ધ્યાનમાં આવ્યું હતું. એ પ્રદેશ આખરે ભૂકંપનું કેન્દ્ર બન્યો હતો. વિજ્ઞાનીઓ સૂચવે છે કે ભૂકંપનું દબાણ વધવાની સાથે ખડકો વચ્ચેની તાણ વધતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ ધરતીમાંથી બહાર ફેંકાઈ શકે છે.

પ્રાણીઓ વિકસિત સંવેદનાત્મક 'ઉપકરણો' સાથે

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images

ઘણાં પ્રાણી અત્યંત વિકસિત સંવેદનાત્મક 'ઉપકરણો'થી સજ્જ હોય છે, જે શ્રેણીબદ્ધ કુદરતી સંકેતોને પામી શકતા હોય છે. તેથી કેટલાંક પ્રાણી ધરતીકંપની પૂર્વવર્તી સંકેતોને પામી જતા હોય તે ચોક્કસ શક્ય છે. તેઓ અપ્રિય રસાયણિક ગંધ વડે, નીચા આવર્તન તરંગો વડે અથવા તેમની ચામડી કે પીછાંમાં આયોનાઇઝ્ડ હવાની અનુભૂતિ મારફત તેઓ એ સંકેતો મેળવી શકે.

ભૂકંપનું અનુમાન કરવાનું અત્યંત મુશ્કેલ છે ત્યારે આ તારણો સંદર્ભે સવાલ થાય કે માણસ પ્રાણીના અવલોકન દ્વારા ભૂકંપની આગાહી વાસ્તવમાં કરી શકે?

2020ના અભ્યાસ પત્રમાં વિકેલસ્કી અને તેમના સાથીઓએ ઇટલીમાંના તેમના સંશોધનના આધારે પ્રાણીઓની હિલચાલ પર નજર રાખતા સ્થળોનો ઉપયોગ કરીને ભૂકંપની આગોતરી ચેતવણીના પ્રણાલીનો પ્રોટોટાઇપ બનાવ્યો હતો.

તેમના અનુમાન મુજબ, ભૂકંપના ઉદ્ભવ કેન્દ્ર પરની સપાટી પરના ખેતરમાંનાં પ્રાણીઓ 18 કલાક પછી શું થશે તે જાણી શકે છે. ભૂકંપના કેન્દ્રથી 10 કિલોમીટર દૂર રહેલાં પ્રાણીઓના આઠ કલાક પછી, જ્યારે 20 કિલોમીટર દૂર રહેલાં પ્રાણીઓ વધુ આઠ કલાક પછી તે જાણી શકે છે. તેમણે કહ્યું હતું કે, "આ તારણ સાચું હોય તો તે સૂચવી શકે કે આગામી બે કલાકમાં ભૂકંપ થશે."

એ માટે સંશોધકોએ વિશ્વના ભૂકંપની શક્યતા ધરાવતા વિવિધ પ્રદેશોમાં અનેક પ્રાણીઓ પર લાંબા ગાળા સુધી નજર રાખવી પડશે.

ચીનની ક્વેક એલર્ટ સિસ્ટમ

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, Kivi Kuaka

ઇમેજ કૅપ્શન, કિવી કુઆકા પ્રોજેક્ટ પક્ષીઓને જીપીએસ ટ્રેકર્સ સાથે ફિટ કરે છે જેથી તેઓ કુદરતી જોખમોને કેવી રીતે પ્રતિભાવ આપે તે જોઈ શકાય

દરમિયાન ચીન તેના નાનિંગ ખાતેના અર્થક્વેક બ્યુરોમાં ક્વેક એલર્ટ સિસ્ટમ બનાવી લીધી છે. તેમાં ધરતીની અત્યંત નજીક રહેતાં પ્રાણીઓ, ખાસ કરીને ધરતીકંપની સંભાવનાવાળા વિસ્તારોમાંના ખેતરોમાં રહેતા સાપના વર્તનનું અવલોકન કરવામાં આવે છે.

સાપની સંવેદનાત્મક પ્રણાલી અત્યંત શક્તિશાળી હોય છે. તે તેમના પર્યાવરણમાંની નાનામાં નાની હિલચાલને ઝડપથી પામી જતા હોય છે. આ સાપ તથા અન્ય પ્રાણીઓના વર્તનમાં અચાનક આવેલા પરિવર્તનની નોંધ લઈને સત્તાવાળાઓએ 1975માં આખું હાઇચંગ શહેર ખાલી કરાવ્યું હતું અને થોડી જ વારમાં ત્યાં ધરતીકંપ થયો હતો. સત્તાવાળાઓના આ પગલાંને કારણે અસંખ્ય લોકોના જીવ બચ્યા હતા.

નેનિંગ બ્યુરોના તત્કાલીન ડિરેક્ટર જિઆંગ વેઇસોંગે ચાઇના ડેઇલી અખબારને 2006માં કહ્યું હતું કે, "પૃથ્વી પરના તમામ જીવોમાં સાપ ધરતીકંપ પ્રત્યે સૌથી વધારે સંવેદનશીલ હોય છે. ધરતીકંપ થવાનો હોય ત્યારે સાપ, કડકડતી ઠંડી હોય તો પણ, તેમના દરમાંથી બહાર નીકળી જતા હોય છે."

પ્રાણીઓને માત્ર ધરતીકંપની જ નહીં, પરંતુ બીજા પર્યાવરણ સંબંધી જોખમોની આગોતરી જાણની પણ થઈ જતી હોય છે. પ્રાકૃતિક જોખમોની ભાળ મેળવવામાં પક્ષીઓ સૌથી વધુ સક્ષમ હોય છે.

અચાનક ઉડાન ભરીને 700 કિલોમિટર દૂર ગયા

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, R Lorrilliere/Kivi Kuaka

ઇમેજ કૅપ્શન, કિવી કુઆકા પ્રોજેક્ટ પક્ષીઓની હિલચાલ પર નજર રાખે છે કે શું તેમનું વર્તન સુનામી જેવા જોખમો સામે ચેતવણી આપી શકે છે.

અમેરિકામાં વારબ્લર નામના ગાતા પંખીની હિલચાલ પર નજર રાખતા વિજ્ઞાનીઓએ 2014માં ઇવેક્યુએશન માઇગ્રેશન તરીકે ઓળખાતી એક ચોંકાવનારી ઘટના નોંધી હતી. પૂર્વ ટેનેસીના કમ્બરલેન્ડ પર્વતમાંના પોતાના સંવર્ધન સ્થળેથી આ વારબ્લર્સ અચાનક ઉડાન ભરીને 700 કિલોમીટર દૂર ગયાના થોડા સમય પછી એ વિસ્તારમાં 80થી વધુ ચક્રવાત ત્રાટક્યા હતા. તેમાં 35 લોકો માર્યા ગયા હતા અને એક અબજ ડૉલરથી વધારેનું નુકસાન થયું હતું.

તેનો સંકેત સ્પષ્ટ છે. પક્ષીઓ 400 કિલોમીટર દૂરથી આવી રહેલા ટ્વિસ્ટર્સને પામી ગયા હતા. તેનું કારણ ઇન્ફ્રાસાઉન્ડ છે. ઇન્ફ્રાસાઉન્ડ એટલે કે લો ફ્રિકવન્સી અવાજને માણસો સાંભળી શકતા નથી, પરંતુ તે સમગ્ર પ્રકૃતિમાં મોજૂદ હોય છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલે ખાતે વન્યજીવન જીવવિજ્ઞાની તરીકે કાર્યરત હેન્રી સ્ટ્રેબીએ એ વખતે કહ્યું હતું કે, "ચક્રવાતી તોફાનનો અવાજ એટલો મોટો હોય છે કે તે હજારો કિલોમીટર દૂર સુધી પહોંચતો હોય છે. આ વાત હવામાનશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓ દાયકાઓથી જાણે છે. તીવ્ર તોફાનનો ઇન્ફ્રાસાઉન્ડ જે ફ્રિકવન્સી પર આગળ ધપતો હોય છે તે માત્ર પક્ષીઓ જ સાંભળી શકે છે."

ઇન્ફ્રાસાઉન્ડમાંની ભિન્નતા શોધવાની પણ એક પદ્ધતિ હોય છે અને સ્થળાંતર કરતાં પક્ષીઓ તેનાથી જ્ઞાત હોવાને કારણે જ વિશાળ સમુદ્ર પર પાર કરતી વખતે તોફાનોને ખાળી શકે છે, એવું માનવામાં આવે છે. પૅસિફિક સમુદ્રમાં હાલ ચાલી રહા કિવી કુઆકા અભ્યાસમાં આ સંબંધે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જાન્યુઆરી, 2021માં શરૂ કરવામાં આવેલા એક પ્રોજેક્ટમાં ફ્રાન્સના નૅશનલ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીની એક ટીમ સામેલ છે. તેઓ પાંચ અલગ-અલગ પ્રજાતિનાં 56 પક્ષીઓને જીપીએસ ટ્રૅકર્સથી સજ્જ કરીને સમુદ્ર પરના તેમના પ્રવાસ માર્ગ પર નજર રાખે છે.

આ પક્ષીઓ ઊડતાં હોય ત્યારે માર્ગમાં આવતાં કુદરતી સંકટોને કેવી રીતે પાર કરે છે તેના સંકેતો જીપીએસ ટ્રૅકર મારફત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને મળે છે.

પક્ષીઓ પરનાં ટૅગ્ઝ હવામાન સંબંધી માહિતી પણ એકત્ર કરે છે અને સમગ્ર પેસિફિકમાં આબોહવા મોડેલિંગ તથા હવામાનની આગાહીની બહેતર બનાવવામાં મદદરૂપ થાય છે.

સુનામી જેવી જોખમી કુદરતી આપદા પૂર્વે વાસ્તવિક તરંગોથી અલગ પ્રકારની ખાસ ઇન્ફ્રાસાઉન્ડ પેટર્ન સર્જાતી હોય છે. પક્ષીઓનું વર્તન આવી કુદરતી આપદાઓ વિશે ચેતવણી આપી શકે કે કેમ તેનો અભ્યાસ પણ કિવી કુઆકા પ્રોજેક્ટમાં કરવામાં આવશે.

ફ્રાન્સિયાઝના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ચક્રવાત અથવા સુનામીના નિકટવર્તી આગમનની માહિતી મેળવવાની અર્લી વૉર્નિંગ સિસ્ટમમાં પક્ષીઓના યોગદાનની ચકાસણી કરવાનો છે.

ઇન્ફ્રાસાઉન્ડમાં થતા ફેરફારોને પક્ષીઓ અનુભવી શકે છે

બીબીસી ગુજરાતી ભૂકંપ ધરતીકંપ પ્રાણી સંવેદના હાથી બિલાડી ગાય અર્થક્વેક ચેતવણી

ઇમેજ સ્રોત, Jordon R. Beesley/US Navy/Getty

ઇમેજ કૅપ્શન, 2004ની સુનામી પછી સુમાત્રા, ઇન્ડોનેશિયા ઉપર ઉડતું યુએસ નેવી હેલિકૉપ્ટર

ટોંગામાં તાજેતરમાં જ્વાળામુખી ફાટ્યો તેના થોડા કલાક પછી, પેસિફિકમાંના ફ્રાન્સના હવામાન બલૂન્સે તેનો ઇન્ફ્રાસાઉન્ડ વેવ નોંધ્યો હતો.

જીપીએસ ટૅગ ધરાવતાં પક્ષીઓએ તે ઇન્ફ્રાસાઉન્ડ વેવ સંબંધે કોઈ પ્રતિક્રિયા આપી હતી કે કેમ તેની માહિતી આ ટીમ મેળવી રહી છે.

લિવરપૂલ યુનિવર્સિટી ખાતે મરીન બાયોલૉજિસ્ટ તરીકે કાર્યરત સામન્થા પેટ્રિક પણ, પક્ષીઓ જે ઇન્ફ્રાસાઉન્ડ વડે કુદરતી જોખમોનો આગોતરો તાગ મેળવે છે અને તેમાં સપડાવાનું ટાળી શકે છે તેનો અભ્યાસ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે "ઇન્ફ્રાસાઉન્ડમાં થતા ફેરફારોને પક્ષીઓ અનુભવી શકે છે, એવું આપણે કહી શકીએ." આલ્બાસ્ટ્રોસ નામનું પક્ષી ઉંચા કે નીચા ઇન્ફ્રાસાઉન્ડને પામી શકે છે કે કેમ તેનો અભ્યાસ સામન્થા હાલ કરી રહ્યાં છે.

કુદરતી આપત્તિની આગાહી કરવા માટે પ્રાણીઓમાંની અર્લી વૉર્નિંગ સિસ્ટમ સક્ષમ વિકલ્પ છે તેવું બધા નિષ્ણાતો માનતા નથી. આ સિસ્ટમ મદદરૂપ થતી હોય તો પણ માત્ર પ્રાણીઓની હિલચાલથી મળી શકે તેટલી માહિતી પૂરતી નથી. પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવા માટે લોકોએ અનેક અર્લી વૉર્નિંગ સંકેતો પર આધાર રાખવો પડશે.

આપણે હજુ સુધી પ્રાણીઓ સાથે વાત કરતાં શીખ્યા નથી, પરંતુ તેઓ તેમના વર્તન વડે જે ચેતવણી આપે છે તેના પર ધ્યાન આપવાનો સમય આવી પહોંચ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.