ઇન્કમટૅક્સથી લઈને UPI પેમેન્ટ સુધી, પહેલી એપ્રિલથી આ છ મોટા ફેરફાર લાગુ થશે

ઇમેજ સ્રોત, Getty Images
નાણાકીય વર્ષ 2024-25નો આજે છેલ્લો દિવસ છે અને મંગળવારે પહેલી એપ્રિલ, 2025થી નવું નાણાકીય વર્ષ શરૂ થશે.
નાણાકીય આયોજન, બૅન્કિંગ અને પેન્શન સહિતના મામલે આ દિવસ મહત્ત્વનો છે, કારણ કે પહેલી તારીખથી મહત્ત્વના ફેરફારો લાગુ થવાના છે.
નવા નાણાકીય વર્ષમાં આવકવેરાના સ્લૅબ બદલાશે, જેથી ચોક્કસ મર્યાદામાં આવક ધરાવતા લોકોએ ઓછો ટૅક્સ ચૂકવવાનો આવશે, મોબાઇલથી યુપીઆઈ પેમેન્ટમાં સુરક્ષા વધી જશે અને પેન્શનની યોજનામાં પણ ફેરફાર થશે.
કરોડો કરદાતાઓ, સિનિયર સિટિઝન્સ, બૅન્ક ગ્રાહકો અને યુપીઆઈથી પેમેન્ટ કરતા લોકોને આ ફેરફારો લાગુ થશે.
પહેલી એપ્રિલ, 2025થી કઈ કઈ ચીજો બદલાશે તેની યાદી અહીં આપી છે.

ઇન્કમટૅક્સના નવા સ્લૅબ લાગુ

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતના કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્કમટૅક્સના નવા સ્લૅબ જાહેર કરીને અનેક કરદાતાઓને સુખદ આશ્ચર્ય આપ્યું હતું.
આવકવેરાના નવા સ્લૅબ પહેલી એપ્રિલથી લાગુ થવાના છે, જેમાં 12 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને નવી વ્યવસ્થા હેઠળ કોઈ આવકવેરો ભરવો નહીં પડે.
આ ઉપરાંત પગારદાર વર્ગને 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ લાભ મળશે. તેથી પગારદાર વર્ગના લોકોને વાર્ષિક 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર ટૅક્સ ભરવો નહીં પડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૅક્સ-ફ્રી આવકની મર્યાદા વધારવા ઉપરાંત ટૅક્સના સ્લૅબમાં પણ ફેરફાર થયો છે જે આ મુજબ છે.

બૅન્કમાં મિનિમમ બૅલેન્સના નવા ધોરણો

ઇમેજ સ્રોત, Getty Images
પહેલી એપ્રિલથી બૅન્કોમાં મિનિમમ બૅલેન્સ માટે કેટલા રૂપિયા રાખવા તેના નિયમો બદલાઈ રહ્યા છે.
એસબીઆઈ, (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા) પંજાબ નેશનલ બૅન્ક, કેનરા બૅન્ક સહિતની બૅન્કો આ ફેરફાર કરવા જઈ રહી છે. જે ખાતેદારો પોતાના એકાઉન્ટમાં લઘુતમ બૅલેન્સ નહીં રાખી શકે, તેમને પેનલ્ટી કરવામાં આવશે.
બૅન્ક એકાઉન્ટ શહેરી, અર્ધ શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં આવેલું છે તેના આધારે મિનિમમ બૅલેન્સની રકમ નક્કી થશે.
આ ઉપરાંત એક મહિના પછી, એટલે કે પહેલી મેથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનો ખર્ચ પણ વધી જશે. રિઝર્વ બૅન્કે એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની બૅન્કોને મંજૂરી આપી છે.
દર મહિને એટીએમમાંથી ફ્રી વિડ્રોઅલની સંખ્યા ઘટાડવામાં આવી છે. ખાસ કરીને બીજી બૅન્કનું એટીએમ વાપરવામાં આવે ત્યારે કૉસ્ટ વધી જશે.
તમે દર મહિને બીજી બૅન્કના એટીએમમાંથી માત્ર ત્રણ વખત નાણા ઉપાડી શકશો. ત્યાર પછી દરેક ટ્રાન્ઝેક્શન માટે 20થી 25 રૂપિયાની ફી ભરવી પડશે.
જીએસટીના નવા નિયમો લાગુ

ઇમેજ સ્રોત, Getty Images
પહેલી એપ્રિલથી જીએસટીમાં પણ નવા નિયમો લાગુ થવાના છે. હવેથી જીએસટી પૉર્ટલ પર મલ્ટી-ફેક્ટર ઑથેન્ટિકેશન (એમએફએ) જોવા મળશે, જેથી કરીને કરદાતાઓની સુરક્ષા વધશે.
જીએસટીમાં 180 દિવસથી વધારે જૂના ન હોય તેવા બેઝ ડૉક્યુમેન્ટ માટે જ ઈ-વે બિલ જનરેટ થઈ શકશે.
જે લોકો ટીડીએસ માટે GSTR-7 ફાઇલ કરતા હશે, તેઓ મહિનાઓને ટાળી નહીં શકે તથા ક્રમનો ભંગ કરીને તેને ફાઇલ નહીં કરી શકે.
આ ઉપરાંત પ્રમૉટર્સ અને ડાયરેક્ટરોએ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન માટે જીએસટી સુવિધા કેન્દ્રની મુલાકાત લેવી પડશે.
યુનિફાઇડ પેન્શન સ્કીમના નિયમોમાં ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારે ઑગસ્ટ 2024માં યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેનો અમલ પહેલી એપ્રિલ 2025થી થવાનો છે. તેનાથી કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને ફાયદો થવાની શક્યતા છે.
જે લોકોએ કેન્દ્ર સરકારમાં ઓછામાં ઓછા 25 વર્ષની સર્વિસ પૂરી કરી હોય, તેમને છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50 ટકા જેટલું પેન્શન મળશે.
આના કારણે તેઓ રિટાયર થયા પછી પણ નાણાકીય સુરક્ષા જાળવી શકશે.
યુપીઆઈ પેમેન્ટ વધુ સુરક્ષિત બનશે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) પેમેન્ટ લોકપ્રિય બન્યું છે અને દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા કરોડોમાં છે, પરંતુ ઘણા લોકો યુપીઆઈ સાથે મોબાઇલ નંબર લિંક કર્યા પછી તે નંબર ઇનઍક્ટિવ થઈ જાય, ત્યારે તેને અપડેટ કરાવતા નથી હોતા. તેના કારણે સુરક્ષાને લઈને મોટી સમસ્યા પેદા થઈ શકે છે.
નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી છે, જે પહેલી એપ્રિલથી લાગુ થશે.
તે મુજબ તમારો મોબાઇલ નંબર ઘણા સમયથી ઈનઍક્ટિવ હોય અથવા ઉપયોગમાં લેવાતો ન હોય, અને આ નંબર યુપીઆઈ સાથે લિંક થયેલો હોય તો પહેલી એપ્રિલ અગાઉ તમારી બૅન્કને આ જાણકારી અપડેટ કરાવી દો. આવું કરવામાં નહીં આવે તો યુપીઆઈ પેમેન્ટનું ઍક્સેસ બંધ કરી દેવાશે.
ટૂંકમાં 1 એપ્રિલ, 2025થી બૅન્ક અને થર્ડ પાર્ટી યુપીઆઈ પ્રોવાઈડર્સ જેવા કે ફોનપે, ગૂગલપે વગેરે એ ઇનઍક્ટિવ મોબાઇલ નંબરો દૂર કરવા માટે ચોક્કસ નિયમો પાળવા પડશે.
ટેલિકોમ વિભાગની ગાઇડલાઇન પ્રમાણે કોઈ મોબાઇલ નંબરનો લાંબા સમયથી ઉપયોગ થતો ન હોય તો 90 દિવસ પછી તે નંબર નવા યૂઝરને આપી શકાશે.
એટલે કે જે નંબર પર કોઈ કોલ, મૅસેજ અથવા ડેટા સર્વિસ ત્રણ મહિનાથી બંધ હશે તે નંબર બીજાને ફાળવાઈ શકે છે.
જો આવો નંબર યુપીઆઈ પેમેન્ટ માટે લિંક કરાવેલો હોય તો સુરક્ષાનું જોખમ પેદા થઈ શકે અને નાણાકીય ગરબડ થઈ શકે છે. તેથી નવો નિયમ નિયમ લાવવામાં આવ્યો છે.
સેબીએ પણ નિયમોમાં ફેરફાર કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
પહેલી એપ્રિલથી સેબી સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) લૉન્ચ કરવાનું છે, જેને મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ (પીએમએસ) વચ્ચે રાખવામાં આવ્યા છે. તેમાં ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.
છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા 10 હજાર કરોડ રૂપિયાથી વધારે ઍસેટ અંડર મૅનેજમેન્ટ (એયુએમ)નું સંચાલન કરતી ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ જ આવા ફંડ લૉન્ચ કરી શકશે.
તેવી જ રીતે કોઈ એએમસી દ્વારા ન્યૂ ફંડ ઑફર (એનએફઓ) લાવવામાં આવો તો યુનિટ ઍલોટ કર્યાની તારીખથી 30 દિવસની અંદર તમામ ફંડનું રોકાણ કરવાનું રહેશે.
જો ફંડને ક્યાંય રોકવામાં નહીં આવે તો એએમસી નવું ફંડ નહીં મેળવી શકે અને રોકાણકારોને પેનલ્ટી વગર ઍક્ઝિટ કરવાની સુવિધા આપવી પડશે.
આ ઉપરાંત અલગ-અલગ ક્રૅડિટ કાર્ડ કંપનીઓના રિવૉર્ડ પૉઇન્ટ માળખામાં ફેરફાર થવાના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












