"દીવાલ તોડીને ઘરમાં ઘૂસ્યા અને મને માર માર્યો" ગુજરાતનો પાડોશી વિસ્તાર જ્યાં મહિલાઓને ડાકણ કહીને જીવ પણ લઈ લેવાય છે

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ધોંડીબાઈ
    • લેેખક, રેણુકા કલ્પના
    • પદ, બીબીસી માટે

"શું ખૂટે છે, બાઈ,"

"મહિલામાં શું ખૂટે છે? મહિલામાં શું કમી છે?"

ગામમાં ડાકણ જાહેર કરવામાં આવેલાં 45 વર્ષનાં સુગીબાઈ વસાવે(નામ બદલ્યું છે)નો સવાલ ખરેખર એટલો સામૂહિક હતો કે તેને ભિલોરીમાંથી બીજી કોઈ ભાષામાં અનુવાદિત કરવાની જરૂર ન હતી.

સુગીબાઈના સવાલોની હારમાળા શરૂ થાય છે, "મહિલા ઉદરમાં ગર્ભનું પોષણ કરે છે. બાળકને જન્મ આપે છે. સંતાનને સ્તનપાન કરાવે છે. તેમ છતાં મહિલા પર કલંક કેવી રીતે લગાવી શકાય?"

દિવસ પસાર થતો જાય છે તેમ તેમ સાતપુડા પર્વતમાળામાં આદિવાસી શૈલીના વાંસની બનેલી સુગીબાઈની ઝૂંપડીમાં અંધારું છવાતું જાય છે.

ચૂલાના ધુમાડા અને ચંદ્રના ઝાંખા પ્રકાશમાં, માથે કપડું નાખીને બેઠેલાં સુગીબાઈનો આકાર જ દેખાય છે.

મહિલા પર અત્યાર સુધી થતા રહેલા અત્યાચારનો જવાબ આ 'આદિમ બાઈ' માંગતા હતા.

તેમની ઝૂંપડીમાં વીજળી નથી. મહારાષ્ટ્રના નંદુરબારના અક્કલકુવા તાલુકામાં આવેલા તેમના ગામમાં છે. ઘરની સામે જ આવેલા હૅન્ડપમ્પમાંથી પાઇપ કાઢી નાખવામાં આવ્યો હોવાને કારણે તેઓ એ પાણી પણ વાપરી શકતાં નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુગીબાઈ કહે છે, "થાંભલા પરથી વીજળી લઈએ તો રાતે કોઈ આવીને વાયર કાપી નાખે છે. રાતે વાયર જોડીએ તો જૂનો ઝઘડો ફરી શરૂ થવાનો ભય લાગે છે. તેથી અમે રાત્રે અંધારામાં જ બેસીએ છીએ."

તેમની બાજુમાં બેઠેલો તેમનો દીકરો મરાઠી બોલી શકે છે અને તેમની દીકરી હિન્દી બોલી શકે છે. એ બન્ને માતાની વાતમાં સૂર પુરાવે છે.

આ 'ભાનગડ' એટલે પાંચ વર્ષ પૂર્વે તેમના પર લગાવવામાં આવેલું ડાકણ હોવાનું કલંક. જેમણે તેમને ડાકણ ઠેરવ્યાં છે તેઓ તેમના પોતાના કુળના, સગાસંબંધી જ છે.

એ પરિવારની એક મહિલાની દાઢમાં જોરદાર દુખાવો થતો હતો. તે ખૂબ પીડાતી હતા. તેનું આળ સુગીબાઈ પર આવ્યું.

સુગીબાઈ ડાકણ છે, તે માણસને ખાઈ જાય છે, દુષ્ટ કાર્યો કરે છે એવું કહેવામાં આવ્યું હતું. એ સમયથી ગામમાં કંઈપણ ખરાબ થાય ત્યારે દોષનો ટોપલો સુગીબાઈ પર ઢોળવામાં આવે છે.

બાધા રાખી, ડાકણની પરીક્ષા આપી અને જ્ઞાતિ પંચાયતની બેઠકમાં કેફિયત પણ રજૂ કરી, પરંતુ કશું કામ આવ્યું નહીં.

પરિસ્થિતિ એટલી વકરી કે જેમણે સુગીબાઈ પર ડાકણ હોવાનું આળ મૂક્યું હતું તે લોકો એક દિવસ તેમનો જીવ લેવા માટે ઝૂંપડીએ ધસી આવ્યા હતા.

સુગીબાઈ પાછલા દરવાજેથી ભાગી ગયાં હતાં. ઑગસ્ટ 2021ની એ કાળી રાત તેમણે તેમનાં સંતાનો સાથે જંગલમાં છુપાઈને વિતાવવી પડી હતી.

સુગીબાઈ કહે છે, "એક વખત તેઓ માચીસ લઈને આવ્યા હતા. મારી ઝૂંપડીને ઘેરી લીધી હતી. મને લાગ્યું કે હવે બધું ખતમ થઈ ગયું છે, પણ અચાનક ભારે વરસાદ શરૂ થયો અને આગ લાગી શકી નહીં."

પ્રચંડ ત્રાસ, એકલતા અને ગામ, પંચ, પીયર કે પોલીસ વહીવટીતંત્ર કોઈના તરફથી કોઈ મદદ નહીં.

સુગીબાઈ કહે છે, "બધું એટલું અસહ્ય હતું કે અમે પતિ-પત્નીએ અમારા ત્રણ પુત્રો અને બે પુત્રીઓ સાથે સામૂહિક આત્મહત્યાનો વિચાર કર્યો હતો."

દરેક વિસ્તારમાં એક ડાકણ?

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઝૂંપડીની બહાર ઊભેલાં સુગીભાઈ

સાતપુડાના પર્વતીય વિસ્તારોમાં જીવ મુઠ્ઠીમાં લઈને બેઠેલી અનેક મહિલાઓના ચહેરા અને તેમની કથાઓનો ફ્લેશબૅક સુગીબાઈની વાતો સાંભળીને મારી નજર સામે તરવરવા લાગ્યો.

23 વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં, ધડગાંવ તાલુકાના માંડોવી ખુર્દ ગામમાં કેલીબાઈ પટલેની તેઓ ડાકણ હોવાની શંકાને કારણે હત્યા કરવામાં આવી હતી.

2003ની એ ઘટના પછી જ ડાકણ પ્રથા પ્રકાશમાં આવી હતી અને તેની વિરુદ્ધમાં સાતપુડામાં સૌપ્રથમ આંદોલન થયું હતું.

એ દરમિયાન અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા ડાકણ પ્રથાના વિરોધમાં સંમેલન તથા સંવાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગે પણ કેટલીક કામગીરી હાથ ધરી હતી.

ડાકણ પ્રથાને ખતમ કરવાના કેટલાક પ્રયાસો સરકાર અને વહીવટીતંત્રે કર્યા. પછી 2013માં મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

એ કાયદાની છઠ્ઠી અને સાતમી અનુસૂચિ મુજબ, કોઈ વ્યક્તિ મેલીવિદ્યા કરીને પ્રાણીઓને આવતું દૂધ અટકાવે છે, જેનાથી રોગ ફેલાય છે, કોઈને ખાઈ જાય છે, મેલીવિદ્યા કરે છે એવું કહીને કોઈ વ્યક્તિને માર મારવો, તેને નગ્ન કરીને સરઘસ કાઢવું કે તેના રોજિંદા કાર્યો પર પ્રતિબંધ મૂકવો એ ગુનો છે.

આવો ગુનો કરનારને સાત વર્ષ સુધીની કેદ અને રૂ. 50,000 સુધીના દંડની જોગવાઈ તે કાયદામાં કરવામાં આવી છે.

તેમ છતાં માત્ર સાતપુડાના ભીલ અને પાવરા આદિવાસી સમુદાયમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના ગડચિરોલી, પાલઘર અને દેશના ઝારખંડ તથા આસામ જેવા રાજ્યોમાં પણ ડાકણ પ્રથા આજે જીવંત છે.

કોઈપણ સ્ત્રીને ડાકણ કહી શકાય છે. ગામમાં કોઈનું મોત થાય, કોઈ બીમાર પડે, પાકમાં કે પ્રાણીઓને નુકસાન થાય આવું કોઈ પણ કારણ એ માટે પૂરતું છે.

ડાકણ હોવાની શંકાને કારણે એ મહિલાને માર મારવામાં આવે છે. સ્મશાનની રાખ ખાવાની ફરજ પાડવામાં આવે છે. માનવ પેશાબ પીવા અને ચહેરો કાળો કરવા જેવા અત્યાચાર કરવામાં આવે છે. તેને ગામમાંથી હાંકી કાઢવામાં આવે છે અને તેની હત્યા પણ થઈ શકે છે.

આજ સુધીમાં કેટલી મહિલાઓને ડાકણ જાહેર કરવામાં આવી છે, કેટલી મહિલાઓએ તે અન્યાયને સ્વીકાર્યો છે, કેટલી મહિલાઓ પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો છે, કેટલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કેટલી મહિલાઓની હત્યા કરવામાં આવી છે અને કેટલા આરોપીઓને સજા કરવામાં આવી છે, તેનો કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી.

નંદુરબારની જ વાત કરીએ તો તેના પ્રત્યેક ગામમાં જ નહીં, પરંતુ દરેક વિસ્તારમાં એક મહિલાને ડાકણ જાહેર કરવામાં આવે છે, એવું કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય, એવું આ પ્રદેશમાં કાર્યરત અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકરો કહે છે.

ડુંગરમાં છૂટાછવાયાં છ-સાત ઘરનો એક વિસ્તાર હોય છે. તેને પાડા કહેવામાં આવે છે અને આવા છ-સાત પાડાવાળા વિસ્તારને એક ગામ કહેવામાં આવે છે.

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના રાજ્ય મહાસચિવ વિનાયક સાવલે કહે છે, "અમારાં જેવાં સંગઠનો અથવા તો પોલીસ સુધી આવી ઘટનાઓમાંથી વધુમાં વધુ દસ ઘટનાઓની વાત પહોંચે છે."

ભૂવાઓનું વર્ચસ્વ

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પર્વતોમાં સૂકોભઠ્ઠ રોડ એ પોતીબાઈના ગામ તરફ દોરી જાય છે

ધાડગાંવની ભૂરીબાઈ પવાર (નામ બદલ્યું છે) જેવી મહિલાઓ 60 વર્ષની વયે હતાશામાં પોતાના પીયર પાછી ફરે છે અને કેટલીક બેઘર બની જાય છે.

જે મહિલા માટે આવું શક્ય ન હોય તે રાજીબાઈ વસાવે(નામ બદલ્યું છે)ની માફક નર્મદા ખીણના દુર્ગમ વિસ્તારમાં જઈને આત્મહત્યા કરે છે. ડાકણ જાહેર કરવામાં આવેલી સ્ત્રીની દીકરીએ પણ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ બની છે.

સુગીબાઈના જણાવ્યા મુજબ, 20 વર્ષ પહેલાં તેમના જ ગામની એક અન્ય સ્ત્રીને ડાકણ જાહેર કરવામાં આવી ત્યારે તે સ્ત્રી તેના પીયર ભાગી ગઈ હતી, પણ સુગીબાઈએ આ બધાની સામે લડવાનું નક્કી કર્યું.

સુગીબાઈ કહે છે, "મને ખબર છે કે હું ડાકણ નથી. તેથી જ હું ભૂવા પાસે જવા તૈયાર થઈ હતી." ભુવા પાસે જવા-આવવાનો તમામ ખર્ચ ડાકણ જાહેર કરવામાં આવેલી સ્ત્રીએ જ કરવો પડે છે.

સુગીબાઈ ઉમેરે છે, "એ મહિલા ભુવા વૈરા અને કોંડુલા ગામમાં હતી. દાઢના દુખાવાને ડાકણ સાથે કોઈ સંબંધ નથી, એવું તેમણે કહ્યું હતું, પણ મારા પર આક્ષેપ કરનારાઓને તે સ્વીકાર્ય ન હતું. તેથી તેઓ મને ગૌરા ગામમાં એક ભૂવીબાઈ પાસે લઈ ગયા હતા."

આદિવાસી સમાજમાં મહિલા ભૂવાઓનું પ્રમાણ ઓછું છે અને લોકોને તેમના પર વિશ્વાસ પણ ઓછો છે. તેમની સ્થિતિ પુરુષ ભૂવા જેવી અટલ નથી. કંઈ ખોટું થાય કે ત્રાસ વધે તો મહિલા ભૂવાને પણ ડાકણ જાહેર કરી શકાય છે.

સુગીબાઈએ કહ્યું, "ગૌરાના ભૂવા પાસે એક ભારે પથ્થર હતો. એ ઉંચકવાનું નાટક ભૂવો કરતો હોય છે. એ પથ્થર ઊપડી જાય તો સ્ત્રી ડાકણ છે એવું જાહેર કરે. ડાકણની શક્તિને કારણે પથ્થર ઊંચકી શકાયો એવું ભૂવો કહે છે."

સુગીબાઈને શંકા છે કે આ ત્રીજા ભૂવાએ જ તેમનામાંથી ડાકણ કાઢી હશે.

આ જ રુલ્યા ભૂવાએ 2024ના એપ્રિલમાં 45 વર્ષની એક મહિલા પોતીબાઈ વસાવે (નામ બદલ્યું છે) ડાકણ હોવાનો સીધો આરોપ મૂક્યો હતો. એ સમયે પોલીસે તેની ધરપકડ કરી હતી.

ધડગાંવ તાલુકાના પોતીબાઈના ગામ સુધી પહોંચવા માટે અમારે કાચા રસ્તે ડુંગર ઓળંગવા પડ્યા હતા અને એટલા જ ડુંગર આગળ પણ દેખાતા હતા.

ઘાટના રસ્તાઓ પરથી મુસાફરી કરતી વખતે મેં ઘણા બાળકોને હોળીના પ્રસંગ નિમિત્તે મોહાનો દારૂ વેંચતા જોયા હતા.

સત્ય, જે ખોટું સાબિત થઈ ન શકે

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રુલ્યા નામના એક શ્રદ્ધાળુ કે જેઓ ગૌરા ગામનાં છે, ડાકણ છે કે નહીં તે જોવા માટે તેઓ પથ્થર લઈને બેસેલા છે.

પોતીબાઈના ઘરની બાજુમાં રહેતા એક પરિવારના 24 વર્ષીય યુવાનનું એક મહિનાની બીમારી બાદ અવસાન થયું હતું.

200 કિલોમીટર દૂર ગુજરાતના સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એ બેભાન અવસ્થામાં હતો ત્યારે તેના પરિવારજનો અહીંના ભૂવા પાસેથી જુવારના દાણા લઈને ગયા હતા.

ભૂવાએ તે દાણા ચોક્કસ સમ-વિષમ પેટર્નમાં ગોઠવ્યા હતા અને જણાવ્યું હતું કે એક ડાકણ બાળકનો જીવ લઈ રહી છે.

એ મહિલાનું સીધું નામ લેવાને બદલે ભૂવાએ એવો સંકેત આપ્યો હતો કે એ મહિલાનો પતિ નબળો છે, તેને બે સંતાન છે અને તેનું ઘર પાક્કું, પણ સાદું છે.

આખું ગામ જાણતું હતું કે પોતીબાઈના પતિ ગંભીર ડિપ્રેશનથી પીડાઈ રહ્યા છે. તેમનાં પર પહેલાથી જ શંકા હતી. શંકાને ભૂવાએ મજબૂત બનાવી હતી.

ખોટું સાબિત ન કરી શકાય તે સત્ય એવું માનીને બધાએ તે સ્વીકારી લીધું.

દીકરાના મૃત્યુના સમાચાર સુરતથી આવ્યા કે તરત જ ગામલોકોનું મોટું ટોળું પોતીબાઈના ઘર તરફ ધસી ગયું હતું.

એ ઘટનાને યાદ કરતાં પોતીબાઈ કહે છે, "કોઈએ મારા વાળ ખેંચ્યા, મને જમીન પર પછાડી દીધી અને મને લાત મારવાનું શરૂ કર્યું. બીજાએ મારા માથામાં માર માર્યો. તેના જખમ હજુ સુધી છે."

"એ પૈકીના એકે મારી સાડી ફાડી નાખી હતી અને ભીડમાંથી એક માણસ આવીને મારા પર બેસી ગયો હતો અને મારા અંગોને સ્પર્શ કરવા લાગ્યો હતો," આટલું કહીને પોતીબાઈ અટકી ગયાં. આગળ શું થયું એ તેઓ કહી શકે તેમ ન હતાં.

તેમણે ફક્ત એટલું જ જણાવ્યું હતું કે બાઈ ડાકણ હોય તો તેને મારી જ નાખવી જોઈએ, એવી વાતો ભીડ કરી રહી હતી.

"છેવટે તેઓ મને ગામની બહાર ખેંચી ગયા હતા અને મારા મોટા દીકરાને ધમકી આપી હતી કે તારી માતાને ઘરમાં લઈ જઈશ તો તને પણ મારી નાખીશું અને તારા ઘરને આગ ચાંપી દઈશું," પોતીબાઈએ કહ્યું.

પીયર જવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો. લગભગ સાત મહિના પછી પ્રકરણ શાંત થયું ત્યારે તેઓ ગામમાં પાછા ફર્યાં હતાં.

વચ્ચેના સમયગાળામાં ગામના નિયમ મુજબ એક બેઠક યોજાઈ હતી. તેમાં પોતીબાઈના પરિવારજનો, તેમને ડાકણ જાહેર કરનારા લોકો અને ગામના કેટલાક વડીલો હાજર હતા.

પંચે સૂચવ્યું હતું કે ડાકણ કાઢવાના ખર્ચની ભરપાઈ તરીકે રૂ. 500 ચૂકવો અને મામલો થાળે પાડો. એ પછી પણ ડાકણ ગણાવીને પોતાના હેરાન કરવામાં નહીં આવે તેની ખાતરી પોતીબાઈને ન હતી.

એ ઉપરાંત એવી શક્યતા પણ હતી કે પોતીબાઈ ખરેખર ડાકણ હોવાને કારણે આટલા ઓછા પૈસામાં મામલો થાળે પાડ્યો છે. તેથી પોતીબાઈના મોટાભાઈએ પોલીસ કેસ કરવાનો નિર્ણય કર્યો હતો.

તેમની ફરિયાદ બાદ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ એ ત્રણેય જામીન પર મુક્ત છે.

ડાકણ કરતાં વધારે ડર કાયદાનો

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી

પોતીબાઈના ઘરની સામે આવેલું ખેતર ઓળંગો એટલે તરત જ આરોપીઓનું ઘર આવે.

પોતીબાઈને ડાકણ ગણાવનાર પરિવાર હવે શું માને છે એ સમજવા માટે અમે તેમની સાથે વાત કરી હતી.

આરોપીના પરિવારના એક દીકરાએ કહ્યું હતું, "ગામમાં કોઈ એકલું કશું કરી શકતું નથી. ગામમાં બધાએ કહ્યું એટલે અમે તેમને ડાકણ કહ્યાં. પોલીસમાં ફરિયાદ થઈ પછી ગામના લોકોએ અમારું જ નામ આગળ ધર્યું."

તેની સાથે થોડી વાત કર્યા પછી ખબર પડી કે એ છોકરાએ માસ્ટર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કર્યો છે અને તે બાળકોના શિક્ષણ માટે કાર્યરત એક સામાજિક સેવા સંસ્થામાં કામ કરે છે. ડાકણનું અસ્તિત્વ હોય છે કે કેમ, એ પ્રશ્નનો તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.

તેણે કહ્યું, "જે થયું તે થઈ ગયું. અમે ઇચ્છીએ છીએ કે તેઓ બધું ભૂલી જાય અને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લે, પરંતુ પોતીબાઈ કોઈનું સાંભળતાં નથી."

"ઊલટાનું તેઓ એમ કહે છે કે તેઓ ડાકણ છે અને માણસને ખાઈ જાય છે. તેથી તેમના ઘર પાસેથી પસાર થશો નહીં."

તેમના મનમાં કાયદાનો ડર સ્પષ્ટ દેખાતો હતો. તે ભય ડાકણની ભીતિ કરતાં મોટો હતો.

પોતીબાઈના જણાવ્યા મુજબ, આરોપીઓ જામીન પર મુક્ત થયા એ પછી ગામમાં બીજીવાર પંચાયતની બેઠક યોજાઈ હતી.

પંચે જણાવ્યું હતું કે ફરિયાદ પાછી ખેંચી લો અને મામલો સમેટી લો. એ પછી પોતીબાઈ પર ડાકણ હોવાનો આરોપ ફરી મૂકવામાં આવશે તો આરોપી પરિવારને રૂ. 15-20,000નો દંડ ફટકારવામાં આવશે.

પોતીબાઈના પરિવારને ડાકણ કહીને અપમાનિત કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે તો પણ તેમણે એટલો જ દંડ ભરવો પડશે, એમ પણ પંચે જણાવ્યું હતું.

ન્યાયનું સમાધાન

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી

પોતીબાઈ ઉમેરે છે, "ક્યારેક દારૂ પીધા પછી આજે પણ તેઓ મને ડાકણ કહે છે. મને ગાળો આપે છે. લોકો મારી સામે વાત કરતા નથી, પણ પાણી ભરવા જાઉં ત્યારે અન્ય મહિલાઓ દૂર થઈ જાય છે. ગામમાં ક્યાંય બેસવા જાઉં ત્યારે ગૂસપૂસ કરે છે."

તેમના જ ગામના એક પાડામાં એક મહિલાને ડાકણ જાહેર કરવામાં આવી હતી.

તેની વાત કરતાં તેઓ કહે છે, "ગામમાં એક મહિલાનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું, પરંતુ તેને ડાકણ ખાઈ ગઈ હોવાનું જણાવીને ગામમાંથી એક મહિલાને હાંકી કાઢવામાં આવી હતી."

"જેને ડાકણ જાહેર કરવામાં આવી હતી તે મહિલાના પરિવાર તથા જેમણે તેના પર આરોપ મૂક્યો હતો તેમની વચ્ચે સમાધાન થયું હતું અને એ મહિલાને તેના પીયર મોકલી આપવામાં આવી હતી."

મહિલાનો પરિવાર નક્કી કરે તો જ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ પંચ સમક્ષ વાટાઘાટ કરનાર આરોપીઓ અને મહિલાના પરિવાર બંનેને ફાયદો થતો હોય તો મહિલાને અન્યાય થાય તેનો વાંધો હોતો નથી.

વિનાયક સાવલે કહે છે, "ડાકણ પ્રથા બાબતે પંચની સંવેદનશીલતા કેટલી? તેઓ ડાકણ હોવામાં માને છે? શું તેઓ ગામમાં શાંતિ જળવાઈ રહે એટલા માટે આવા નિર્ણયો લે છે અને સૌથી વધુ મહત્ત્વનું એ કે પંચમાં મહિલાઓ સમાવિષ્ટ હોય છે કે નહીં? આ બધા સવાલોના જવાબ સ્પષ્ટ છે."

પોતીબાઈના કહેવા પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારત સરકારના કાયદાની ભીતિ અનુભવતા આદિવાસીઓને તેની અગવડતાનો અનુભવ છે. તેથી તેમને જૂની પંચ વ્યવસ્થા જ વધારે સારી લાગે છે.

"ડાકણ કાઢતા લોકોને પંચે મોટો દંડ ફટકારવો જોઈએ," એવું તેઓ કહે છે ત્યારે તેમના મોટાભાઈ ઉમેરે છે, "પંચે નહીં, કાયદામાં તેની જોગવાઈ થવી જોઈએ."

પોતે ડાકણ નથી તેની પોતીબાઈને ખાતરી હતી, પણ ડાકણોનું અસ્તિત્વ હોય છે કે તે ફક્ત અંધશ્રદ્ધા છે એ વિશે કોઈ નક્કર અભિપ્રાય ન હતો.

ઊંડા મૂળ ધરાવતી માન્યતા

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી

રાયસિંઘ પડવી આદિવાસી છે. તેઓ અક્કલકુવા તાલુકાની વાડીબાર જિલ્લા પરિષદ શાળામાં શિક્ષક છે.

તેમના કહેવા મુજબ, ડાકણનું અસ્તિત્વ હોવાની માન્યતા આદિવાસીઓના મનમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી છે.

તેમની સાથે વાત કરતાં મને સમજાયું કે આદિવાસી ભાષામાં 'અંધશ્રદ્ધા' જેવો કોઈ શબ્દ જ નથી.

રાયસિંઘ કહે છે, "પેઢીઓથી ચાલતી આવેલી આ માન્યતાને હું આટલાં વર્ષો પછી પણ આજે સંપૂર્ણપણે નકારી શક્યો નથી." રાયસિંગ છેલ્લાં બે વર્ષથી સ્થાનિક સ્તરે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિમાં કાર્યરત છે.

તેઓ ઉમેરે છે કે તેમણે ડાકણ વિશેની અનેક કથાઓ બાળપણથી જ દાદા-દાદી પાસેથી સાંભળી છે. ગામમાં આવેલી બહારની મહિલા પર કોઈ વિશ્વાસ કરતું નથી.

રાયસિંઘ કહે છે, "ગામમાં એક દુર્લભ પક્ષી હોય છે. તે રાત્રે માણસની જેમ જ ચીસો પાડે છે. પક્ષીનું સ્વરૂપ લઈને ડાકણ રાતે ઝાડ પર બેસે છે, બળદને ખાઈ જાય છે અને માણસને મારી નાખે છે. આવી અનેક વિચિત્ર દંતકથાઓ છે."

"મહિલાઓને ડાકણ જાહેર કરવાનું પ્રમાણ હવે ઘટ્યું છે, પરંતુ પહેલાંની જેમ હવે કોઈ મહિલાને ખુલ્લેઆમ ડાકણ જાહેર કરતું નથી."

"પહેલાં આખું ગામ તેની અવગણના કરતું હતું. હવે તેને ફક્ત એ પાડામાં જ પરેશાન કરવામાં આવે છે. બાકીનું ગામ કાયદાના ડરથી ભાગ્યે જ કશું બોલે છે," એવું રાયસિંગ કહે છે. તેઓ માને છે કે 23 વર્ષમાં આટલું જ બદલાયું છે.

તેઓ ઉમેરે છે, "બીજો ફેરફાર એ છે કે હવે આમાં પણ રાજકારણ ઘૂસી ગયું છે. બીજા રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરને નીચે ખેંચવો હોય તો તેના પરિવારની કોઈ મહિલાને ડાકણ જાહેર કરવી સરળ માનવામાં આવે છે."

તેમના જણાવ્યા મુજબ, વિધવાઓ અને એકલી મહિલાઓની જમીન હડપવા માટે તેમના નજીકના સંબંધીઓ જ તેમને ડાકણ ગણાવે છે, પણ જેને ડાકણ જાહેર કરવામાં આવી છે એવી કોઈ મહિલાએ અમને આવું સ્પષ્ટ જણાવ્યું ન હતું.

ગેરસમજનું પંચનામું

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડાકણપ્રથા વિરોધી સંવાદયાત્રા કે જેનું આયોજન અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ કર્યું હતું

કાઠીનાં 35 વર્ષનાં ધોંડીબાઈ રાઉત(નામ બદલ્યું છે)ની પીડાનું કારણ તેમની બીમારી હતી.

જાન્યુઆરી 2025માં તેમના પર ડાકણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને માર મારવામાં આવ્યો હતો. એ પછી અઢી મહિના પીયરમાં રહ્યા બાદ, એક અઠવાડિયા પહેલાં જ તેઓ ગામમાં પાછા ફર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

હવે તેમને ચિંતા છે કે ગામ તેમની અવગણના કરશે, લોકો તેમને હેરાન કરશે. તેઓ કહે છે, "મને ટેન્શન છે."

તેમના પિતરાઈ દીયરની દીકરી સતત બીમાર રહે છે. તેને સિકલ સેલ એનિમિયા નામની બીમારી છે.

એવું કહેવામાં આવે છે કે ધોંડુબાઈ જાદુટોણા વડે તેને ખાઈ રહ્યાં છે. નવમી જાન્યુઆરીની સવારે તેઓ ઘરે એકલાં હતાં ત્યારે તેમના દીયરે તેમને લાત અને લાડકી વડે જોરદાર માર માર્યો હતો.

તેઓ કહે છે, "મારા દીયર મને ગામમાં માર મારતા તેમની દીકરીના ઘર સુધી ઘસડી ગયા હતા. તેમણે માંગણી કરી હતી કે અમારા ઘરમાં જે બગડ્યું છે તે વ્યવસ્થિત કરી દે. હું કોઈક રીતે તેમની ચુંગાલમાંથી છટકીને મારા ઘરે ભાગી આવી હતી."

"તેમનો દીકરો મોટો પથ્થર લઈને મારી પાછળ દોડ્યો હતો. તેમનો આખો પરિવાર ભીંત તોડીને અમારા ઘરમાં ઘૂસ્યો હતો. મને માર માર્યો અને હું બેભાન થઈ ગઈ ત્યારે હું મરી ગઈ છું એમ માનીને તેઓ ચાલ્યા ગયા હતા," ધોંડીબાઈ કહે છે.

તેમના શરીર પર મારના નિશાન હજુ પણ દેખાય છે. તેના ઘા પણ તાજા છે.

તેમની હાલત એટલી ખરાબ હતી કે તેમણે જ્ઞાતિ પંચાયત છોડીને સીધા મોલગી ગ્રામીણ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું અને પોલીસ ફરિયાદ કરવી પડી હતી.

પોલીસને આપેલા નિવેદનમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે આરોપીઓએ તેમના કપડાં ફાડી નાખ્યાં હતાં.

આટલી વિગત હોવા છતાં તેમની પાસેની એફઆઈઆરમાં અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરોધી કાયદાનો ઉલ્લેખ ન હતો.

માત્ર હુમલા અને છેડતીનો કેસ જ દાખલ કરવામાં આવ્યો હતો. અઢી મહિનામાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ધોંડીબાઈના પરિવારજનો કહે છે, "શરૂઆતમાં તેઓ કાયદાનો ઉલ્લેખ કરવા તૈયાર ન હતા. આખરે સરકારી વકીલની સલાહ લઈશું, એમ કહીને અમને રવાના કર્યા હતા." એ કાયદાની નોંધ બાદમાં કરવામાં આવી હતી.

એકંદરે એવું લાગે છે કે અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરોધી કાયદા બાબતે પોલીસની સમજ ખૂબ જ મર્યાદિત છે.

2024માં ઘડગાંવ પોલીસ સ્ટેશન અંતર્ગત ડાકણ સંબંધી ગુનાના નવ કેસ નોંધાયા હતા. તેની વિગત માંગવામાં આવી ત્યારે પોલીસ ઇન્સપેક્ટર રાજેન્દ્ર જગતાપે જણાવ્યું હતું કે પુરાવાના અભાવે ચાર્જશીટમાંથી અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરોધી કાયદાનો ઉલ્લેખ કાઢી નાખવો પડ્યો હતો.

પોલીસ માને છે કે ગામમાં થતા ઝઘડાઓમાં બદલો લેવા માટે આદિવાસીઓ આ કાયદાનો ઉપયોગ કરે છે.

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, યહા મોગીના, આદિવાસીઓના દેવ

આ વિસ્તારના એક પોલીસ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, "ઝઘડાને કારણે કોઈને માર મારવામાં આવે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 115 (2) લાગુ પડે છે. તે બિન-દખલપાત્ર ગુનો બને છે. પછી પાઠ ભણાવવા, બદલો લેવા માટે તેઓ ડાકણ કહેવામાં આવ્યાનો દાવો કરે છે."

અભણ આદિવાસીઓને કાયદા વિશે આટલી માહિતી ક્યાંથી હોય, એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અરજી લખનાર અથવા પોલીસ અધિકારી તેમને તેનો ખ્યાલ આપે છે.

તેમણે કહ્યું હતું, "અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરોધી કાયદો ધ્યાનપૂર્વક વાંચો તો કલમ 2(સી) અને બી મુજબ એ જોવું પડે છે કે જેને ડાકણ કહેવામાં આવી છે તે મહિલા ઘરે અઘોરી પૂજા કરે છે કે નહીં, તેના ઘરમાં તેની સામગ્રી છે કે નહીં અને કોઈએ તેને આવા કામ કરતી લોકોએ જોઈ છે કે નહીં."

તેમના જણાવ્યા મુજબ, પોલીસ પંચનામું કરવા ઘટનાસ્થળે જાય ત્યારે આવી કોઈ સામગ્રી મળતી નથી. તેનાથી ગુનો સાબિત થતો નથી.

નંદૂરબારનાં જિલ્લા કલેક્ટર ડૉ. મિતાલી સેઠીએ બીબીસીને કહ્યું હતું, "ડાકણ ગણાવીને થતા ઉત્પીડનની ઘણી ફરિયાદો પોલીસમાં નોંધાય છે, પરંતુ વાસ્તવિક ગુનાઓ કરતાં પ્રાપ્ત થતી ફરિયાદોની સંખ્યા ઘણી ઓછી હોય છે."

કોઈ મહિલા ડાકણ છે એમ કહીને માર મારવો તે ખૂબ જ ગંભીર બાબત છે, પરંતુ હિંસાની તીવ્રતા, પોલીસ સુધી જે વાત પહોંચે છે તેના કરતાં નિશ્ચિતપણે વધારે હશે, એવું તેમણે જણાવ્યું હતું.

વહીવટીતંત્રે જિલ્લા સ્તરે અંધશ્રદ્ધા વિરોધી સમિતિની રચના કરી છે. તેમની બેઠકો નિયમિત યોજાય છે. મળેલી ફરિયાદોની તેમાં ચર્ચા કરવામાં આવે છે.

ડૉ. સેઠીએ કહ્યું હતું, "ફરિયાદ ન કરી શકે એમ હોય તેવી મહિલાઓને વિવિધ સંગઠનો અને સંસ્થાઓ મદદ કરે છે. મહિલાઓ પરના અત્યાચારની ફરિયાદો તેમના માધ્યમથી જ અમારા સુધી પહોંચે છે. પોલીસને ફરિયાદ મળે કે તરત જ કાર્યવાહી કરવામાં આવે છે."

તેમણે ઉમેર્યું હતું કે વહીવટીતંત્ર જાગૃતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ નંદુરબારના જિલ્લા કલેક્ટર તરીકેની તેમની છ મહિનાની કામગીરીમાં તેમણે જોયું છે કે જાગૃતિના વીડિયોઝથી સ્થાનિક આદિવાસીઓને વાત ગળે ઉતરતી નથી.

ડૉ. સેઠીએ કહ્યું હતું, "જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હવે આ માટે સ્થાનિક સ્તરે એક વિભાગની રચના કરવામાં આવશે. એ વિભાગ દ્વારા સ્થાનિક લોકોમાં આદિવાસી ભાષાના માધ્યમથી જ જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. ખાસ કરીને આશ્રમ શાળાના 14થી 18 વર્ષની વયના બાળકો માટે તે વીડિયો હોય છે."

તેમણે એવી ખાતરી પણ આપી હતી કે ડાકણ પ્રથાના પીડિતોના પુનર્વસન માટે વહીવટીતંત્ર પગલાં લેશે. જિલ્લામાં વૃદ્ધો, ટ્રાન્સજેન્ડર્સ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા તેમને મદદ કરી શકાય કે કેમ તે દિશામાં પણ વહીવટીતંત્ર કામ કરશે.

તેમના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પોલીસ માટે પણ જાગૃતિ સત્રો યોજવામાં આવશે. માત્ર કાયદા વિશેની માહિતી જ નહીં, પરંતુ મહિલાઓ સામેના પૂર્વગ્રહો દૂર કરવાની દિશામાં પણ કામ કરવામાં આવશે.

આખરે જવાબદારી કોની?

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી

અંધશ્રદ્ધા નિવારણ સમિતિના કાર્યકર વિનાયક સાવલેના મતાનુસાર, ડાકણના મુદ્દે પોલીસ તંત્ર અસમક્ષમ જ નહીં, પરંતુ સંવેદનહિન પણ છે.

"એ ઉપરાંત વહીવટીતંત્રને શિક્ષણ તથા આરોગ્ય વ્યવસ્થા પોતાના મુદ્દા લાગતા નથી. તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. સામાન્ય આદિવાસીઓમાં લાંબા સમય સુધી જનજાગૃતિ અભિયાન ચલાવવું પડશે એ સાચું, પણ આ માટેના સંસાધનો બહુ ઓછાં છે ત્યારે વધુ કેટલી મહિલાઓ પીડાતી રહેશે?" એવો સવાલ વિનાયક સાવલે કરે છે.

તેમના જણાવ્યા મુજબ, આ બધી સમસ્યાઓમાં આજ સુધી ડાકણ પ્રથાને મોટાભાગે અવગણવામાં આવી છે, એક એવી સમસ્યા બની રહી છે, જેની જવાબદારી કોઈ લેતું નથી.

અંધારામાં બેઠેલાં સુગીબાઈના કિસ્સામાં પણ એવું જ જોવા મળે છે. સ્થાનિક પોલીસે કોઈ જવાબ ન આપતાં સુગીબાઈએ 2021માં નંદુરબાર પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી.

સલૂનમાં કામ કરતો સુગીબાઈનો પુત્ર કહે છે, "કોર્ટમાં અમારા વતી લડતા સરકારી વકીલ, આરોપીના વકીલના હાથ નીચે કામ કરનાર સહાયક છે."

મહારાષ્ટ્ર, નંદુરબાર, અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ગામડાંઓ, બીબીસી ગુજરાતી

સુગીબાઈ માને છે કે કાયદામાં સુધારો થવો જોઈએ અને મહિલાઓને ડાકણ કહીને હેરાન કરનારાઓને છ મહિનાથી એક વર્ષ સુધીની સજા નિશ્ચિત થવી જોઈએ.

સુગીબાઈના કેસની તારીખ ઘણા દિવસોથી આવી નથી. તેમના પર આરોપ મૂકનારા લોકો એક દિવસ જેલમાં રહીને જામીન પર છૂટી ગયા છે. તેથી સુગીબાઈનો પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે.

સુગીબાઈનાં મોટા પુત્રી, 27 વર્ષનાં અર્ચના (નામ બદલ્યું છે) કહે છે, "અમે ક્યાંય બહાર જઈએ અને એ લોકો ક્યારે અમને મારશે તે નક્કી નથી હોતુ."

"અમે રાત્રે દરવાજો બંધ કરી, ફાનસ ઓલવી, મોબાઇલ સાયલન્ટ કરીને બેસીએ છીએ. કોઈનો ફોન આવે તો ધીમા અવાજમાં વાત કરીએ છીએ. અમારો અવાજ સાંભળીને કોઈ ફરીથી અમને મારવા આવશે, એવો ડર લાગે છે," અર્ચના કહે છે.

માતાને ડાકણ ગણાવવામાં આવે તો તેનું કલંક દીકરી પર પણ લાગે છે. માતાએ દીકરીને જન્મથી જ મેલીવિદ્યા શીખવી હશે, એવું માનવામાં આવે છે. તેથી પોતાને પણ ભવિષ્યમાં ડાકણ કહેવામાં આવશે, એ અર્ચના સારી રીતે જાણે છે.

અર્ચના માને છે કે આ બધી ચિંતા પાછળ છોડીને ઓછામાં ઓછું એક દિવસ દિલથી હસવું જોઈએ.

"માતાનું જીવન તો વીતી ગયું, પણ અમારું શું?" અર્ચનાના આ સવાલે સુગીબાઈની ઝૂંપડીના અંધારને ચીરી નાખ્યો.

એ નંદુરબારમાં તેના જેવી ઘણી યુવતીઓનો સવાલ હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.