'જોતજોતામાં ઇમારતો પડવા લાગી, લાગ્યું કે પથ્થરોનો વરસાદ થઈ રહ્યો છે,' મ્યાનમારના ભૂકંપ પીડિતોની આપવીતી

મ્યાનમાર, થાઇલેન્ડ, ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, રેચલ હેગન
    • પદ, બીબીસી સંવાદદાતા

મ્યાનમાર અને થાઇલૅન્ડમાં આવેલા ભૂકંપ બાદ ત્યાંના લોકોમાં ભયનો માહોલ છે. એમના શબ્દોમાં ભૂકંપનો ભય અને આંચકો સ્પષ્ટપણે અનુભવી શકાય છે.

શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપથી બંને દેશોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી.

અત્યાર સુધીમાં મ્યાનમારમાં 1000 કરતાં વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને સેંકડો ઘાયલ થયા છે.

મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનમાં રહેતી એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે, "હું હળવી ઊંઘમાંથી જાગ્યો હતો, ત્યારે જ ઇમારત ભારે ધ્રૂજવા લાગી હતી. ભૂકંપના આંચકા ખૂબ જ જોરદાર હતા અને લગભગ ચાર મિનિટ સુધી ચાલુ રહ્યા હતા."

તેમણે કહ્યું, "ભૂકંપના આંચકા ત્રણથી ચાર મિનિટ સુધી ચાલુ રહ્યા. મને મારા અન્ય મિત્રો તરફથી સતત સંદેશા મળી રહ્યા હતા. પછી મને ખ્યાલ આવ્યો કે ભૂકંપ ફક્ત યાંગોનમાં જ આવ્યો નથી. દેશના અન્ય ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.

મ્યાનમારની સાથે, થાઇલૅન્ડ અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. થાઇલૅન્ડના પાટનગર બૅંગ્કોકમાં ભૂકંપના તીવ્ર આંચકાને કારણે 30 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ અને ત્યાં કામ કરતા 43 કામદારો કાટમાળમાં ફસાઈ ગયા.

ઇમારતો ધ્રૂજવા લાગી અને લોકો શેરીઓ તરફ દોડી ગયા, એ સમયે લોકો ખૂબ જ ડરી ગયા. ઘણી ઇમારતોની છત પર બનેલા સ્વિમિંગ પુલનું પાણી રસ્તાઓ પર વહેતું જોવા મળ્યું.

અચાનક જમીન ધ્રૂજવા માંડી

મ્યાનમાર, થાઇલેન્ડ, ભૂકંપ

ઇમેજ સ્રોત, STR/AFP via Getty Images

બૅંગ્કોકમાં રહેતાં સિરીન્યા નકુતાએ ન્યૂઝ એજન્સી રૉયટર્સને જણાવ્યું કે, "હું મારાં બાળકો સાથે મારા ઍપાર્ટમેન્ટમાં હતી. પહેલા તો જોરદાર ધ્રુજારી અનુભવાઈ અને પછી જમીન ખૂબ જ ધ્રૂજવા લાગી. મેં સીડી પરથી વસ્તુઓ પડવાના જોરદાર અવાજો સાંભળ્યા. એવું લાગ્યું કે અમારા પર પથ્થરોનો વરસાદ થઈ રહ્યો છે. મેં મારાં બાળકોને ઝડપથી બહાર નીકળવાનું કહ્યું અને અમે ઉપરના માળેથી દોડી ગયાં."

થાઇલૅન્ડના બાંગ સુઈ જિલ્લાના ડેપ્યુટી પોલીસ વડા વોરાફટ સુખટાઈએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે એક ટાવર બ્લૉક ધરાશાયી થયો હતો અને તેઓ લોકોની ચીસો સાંભળી શકતા હતા.

તેમણે કહ્યું, "જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. લોકો જોરથી મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. અમારો અંદાજ છે કે ભૂકંપમાં સેંકડો લોકો ઘાયલ થયા હશે. પરંતુ અમે હજુ પણ આવા લોકોને શોધી રહ્યા છીએ."

ભૂકંપથી થયેલા ભારે વિનાશને ધ્યાનમાં રાખીને, નાયપીડો જનરલ હૉસ્પિટલને માસ કૅઝુઅલ્ટી એરિયા જાહેર કરવામાં આવ્યો છે.

ઘણા લોકો હૉસ્પિટલની બહાર સ્ટ્રેચર પર પડેલા જોવા મળ્યા હતા, તેમજ ઘણા લોકોને સલાઇન આપવામાં આવી રહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મદદ માટે અપીલ

મ્યાનમાર, થાઇલેન્ડ, ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં લશ્કરી શાસક હોસ્પિટલની મુલાકાતે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મ્યાનમારમાં 2021થી લશ્કરી શાસન છે. લશ્કરી શાસને આંતરરાષ્ટ્રીય મદદ માટે અપીલ કરી છે.

લશ્કરી શાસન સામાન્ય રીતે આવી અપીલ કરતું નથી. તેમણે દેશના તમામ છ વિસ્તારોમાં કટોકટી જાહેર કરી છે.

લશ્કરી શાસનના વડા મિન આંગ હ્લેઇંગ નેપીડો હૉસ્પિટલની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. તેમણે વિદેશી મદદ માટે અપીલ કરી છે.

તેમણે કહ્યું, "અમે શક્ય તેટલી વધુ મદદ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ."

લશ્કરશાસિત મ્યાનમારમાંથી માહિતી મેળવવામાં મુશ્કેલીઓ છે. અહીં ઇન્ટરનેટ એક્સેસ પ્રતિબંધિત છે. સંદેશાવ્યવહાર લાઇનો ઠપ થઈ ગઈ હોય તેવું લાગે છે.

આ કારણે બીબીસી ઘટનાસ્થળે કામ કરતી સહાય એજન્સીઓનો સંપર્ક કરી શક્યું નથી.

થાઇલૅન્ડની રાજધાની બૅંગ્કોકમાં મેટ્રો અને રેલવે સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

સ્થાનિક રહેવાસી સુઝસાન્ના વારી-કોવેક્સે કહ્યું, "હું એક રેસ્ટોરાંમાં બિલની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક જમીન ધ્રૂજવા લાગી."

"પહેલા મને લાગ્યું કે માત્ર હું જ આવું અનુભવી રહી છું, પણ પછી મેં જોયું કે બધા આસપાસ જોઈ રહ્યા હતા. અમે તરત જ ત્યાંથી ભાગી ગયાં."

અન્ય એક મહિલા, દેવોરા પનામાસે કહ્યું કે તેઓ પોતાનો ફોન ચેક કરી રહ્યાં હતાં ત્યારે અચાનક તેમની ખુરશી પલટી ગઈ.

તેમણે કહ્યું, "હું મારા રિક્લાઇનરમાં હતી પણ અચાનક તે ખૂબ જ ઝડપથી ધ્રૂજવા લાગ્યું. પછી તે પલટી ગયું અને મારું માથું ટેબલ સાથે અથડાયું."

મ્યાનમારમાં ઇમારતો ધરાશાયી થઈ રહી હતી

મ્યાનમાર, થાઇલેન્ડ, ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભૂકંપમાં ઇમારતો પત્તાના મહેલની માફક પડી ગઈ હતી

બૅંગ્કોકમાં રહેતા બીબીસી પત્રકાર બુઇ થુએ જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા એક દાયકામાં આટલો મોટો ભૂકંપ આવ્યો નથી.

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી સોશિયલ મીડિયા પર આવી રહેલી તસવીરોમાં ઇમારતો ધરાશાયી થતી દેખાઈ રહી છે.

જેમાં ઐતિહાસિક રૉયલ પૅલેસનો એક ભાગ પણ શામેલ હતો. આ 90 વર્ષ જૂની ઇમારત તૂટી રહી હોય તેવું લાગે છે.

આ શહેરને યાંગોન સાથે જોડતા મુખ્ય રસ્તાનો એક ભાગ સંપૂર્ણપણે ફાટી ગયો છે.

યુએસ જિયૉલૉજિકલ સર્વેએ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે ભૂકંપમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી શકે છે. ભૂકંપને કારણે મોટા પાયે વિનાશ થવાની શક્યતા છે.

થાઇલૅન્ડમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ યુએસ જિયૉલૉજિકલ સર્વેક્ષણ પ્રમાણે હજારો લોકો મૃત્યુ પામ્યા હોવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.