ખીલ ચહેરા પર કેમ થાય છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો?

ઇમેજ સ્રોત, Getty Images
ચહેરા પરની ખીલ એક એવી સમસ્યા છે જે ચહેરા પર ડાઘ તો છોડી જ જાય છે, પરંતુ તમારા માનસ પર પણ મોટો પ્રભાવ પાડે છે.
ઘણી વાર તો લોકો ખીલને કારણે એટલા પરેશાન થઈ જાય છે કે તણાવ અને હતાશાનો ભોગ બને છે.
ખીલ એ ત્વચાની સામાન્ય સ્થિતિ છે જે મોટાભાગના લોકોને જીવનમાં અમુક તબક્કે અસર કરે છે.
ખીલથી ફોલ્લીઓ થાય, તૈલી ત્વચા થાય અને ક્યારેક સ્પર્શ કરતા પીડાદાયક ત્વચાનું કારણ પણ બને છે.
ખીલ મોટેભાગે ક્યારે થાય છે અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો શું છે? ઘરગથ્થુ ઉપચાર કેટલા અસરકારક છે? જાણીએ આ અહેવાલમાં...
ચહેરા પર ખીલ કેમ થાય છે?

બ્રિટિશ આરોગ્ય વિભાગ અનુસાર, ગમે તે અવસ્થામાં ખીલ થઈ શકે છે. પરંતુ 11 થી 30 વર્ષની વયના 95 ટકા લોકો કોઈને કોઈ માત્રામાં ખીલથી પ્રભાવિત થાય છે.
ખીલ સામાન્ય રીતે 25 વર્ષની વયે અદ્દશ્ય થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે 3 ટકા લોકોમાં 35 વર્ષથી વધુ વયે પણ ખીલ રહી જાય છે. તેમજ તમારા પરિવારમાં માતાપિતા બંનેને ખીલ હોય તો તમને પણ ખીલ થવાની સંભાવના વધી જાય છે.
જૂનાગઢના ત્વચા અને વાળના નિષ્ણાંત એમ.ડી. સ્કીન ડૉ. શ્યામ માંકડિયા કહે છે, "ખીલ થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. મુખ્ય કારણ હૉર્મોનમાં આવેલા ફેરફારો છે. કિશોરાવસ્થામાં પ્રવેશ કરતી વખતે થતા હૉર્મોનના ફેરફારને કારણે ચહેરા પરની તૈલી ગ્રંથિઓમાંથી તેલનો સ્રાવ વધી જાય છે. એને લીધે ગ્રંથિઓ મોટી થાય છે અને તેના કારણે ખીલ થાય છે."
ખીલના પ્રકાર અને નુકસાન
ડૉ. શ્યામ માંકડિયા અનુસાર, ખીલના મુખ્યત્વે ચાર પ્રકારો છે.
- દાણાવાળા ખીલ – શરૂઆતમાં આવા ખીલ થાય છે જેને તબીબી ભાષામાં કોમેડોન્સ કહે છે. આ ખીલ સફેદ કે કાળા રંગના હોય છે.
- લાલ રંગની ફોલ્લીઓ
- પરૂવાળી ફોલ્લીઓ – સારવાર ન થાય તો ડાઘા રહી જાય
- મોટાં ગુમડાં જેવા ખીલ – સારવાર ન થાય તો ડાઘા રહી જાય કે ચહેરા પર ખાડા પડી જાય, આગળ જતાં ચહેરો કદરૂપો થઈ શકે
ખીલ થાય તો શું ધ્યાન રાખવું?
ડૉ. માંકડિયા અનુસાર, પહેલી તકેદારી પાણીની માત્રાની છે. ખીલ થતા હોય તો દિવસમાં ત્રણથી ચાર લિટર પાણી પીવું જોઈએ. જો પાણી વધારે લેવાય તો ખીલ ઓછા થાય છે.
બીજી તકેદારી એ રાખી શકાય કે ખોરાકમાં તેલનું પ્રમાણ ઓછું કરવું, ચોકલેટ, ચીઝ, પનીર જેવી ડેરી પ્રોડક્ટનું સેવન ઓછું કરવું અને સામે લીધા શાકભાજી, ખાટા ફળોનું પ્રમાણ વધારવું જોઈએ, જેથી ચહેરા પર નિખાર સારો આવે.
ખીલ નિયંત્રણ માટેના ઘરેલુ ઉપાયો
બ્રિટિશ આરોગ્ય વિભાગ અનુસાર, ખીલની સારવારમાં કેટલાક ઘરેલુ ઉપાયોથી પણ ફર્ક પડી શકે છે.
- ચહેરા પરના અસરગ્રસ્ત વિસ્તારોને દિવસમાં બે વારથી વધુ ન ધોવો. વારંવાર ધોવાથી ત્વચામાં બળતરા થઈ શકે છે અને લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે.
- ખીલથી અસરગ્રસ્ત વિસ્તારને હળવા સાબુ અથવા ક્લિંઝર અને હૂંફાળા પાણીથી ધોવો. કારણ કે ખૂબ ગરમ અથવા ઠંડુ પાણી ખીલને વધુ ખરાબ કરી શકે છે.
- કાળા દાણા અથવા સ્ક્વિઝ સ્પૉટને સાફ કરવાનો પ્રયાસ કરવો નહીં. એમ કરવાથી સ્થિતિ વધુ ખરાબ થાય અને કાયમી ડાઘનું કારણ બની શકે છે.
- વધુ પડતા મૅકઅપ અને કૉસ્મેટિક્સનો ઉપયોગ કરવાનું ટાળવું.
- તૈલી મેકઅપ, સ્કિનકૅર અને સનકૅર ઉત્પાદનો ટાળવા, ઘણીવાર આવા ઉત્પાદનોને 'કોમેડોજેનિક' તરીકે લેબલ કરવામાં આવે છે.
- પાણી-આધારિત નોન-કોમેડોજેનિક ઉત્પાદનોનો ઉપયોગ કરો, કારણ કે તેનાથી તમારી ત્વચાના છિદ્રો અવરોધિત થાય તેવી શક્યતા ઓછી રહે છે.
- સૂતા પહેલા મૅકઅપને સંપૂર્ણપણે દૂર કરવો.
- નિયમિત કસરતથી તમારા ખીલમાં સુધારો ભલે ન આવે પરંતુ તેનાથી તમારો મૂડ સુધરશે અને તમારા આત્મસન્માનમાં વધારો થઈ શકે છે. કસરત કરી લીધા પછી શક્ય તેટલી વહેલી તકે સ્નાન કરી લેવું કારણ કે પરસેવો તમારા ખીલમાં બળતરાનો ઉમેરો કરી શકે છે.
- વાળ નિયમિતપણે ધોઈ લેવા અને વાળને તમારા ચહેરા પર ન આવવા દેવા.
ખીલની સારવાર શું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખીલને મટાડી શકાતા નથી, પરંતુ તેને સારવારથી નિયંત્રિત કરી શકાય છે. ફોલ્લીઓની સારવાર માટે કેટલીક ક્રીમ, લોશન અને જેલ ઉપલબ્ધ છે.
જો તમને હળવા ખીલ થાય તો તબીબી સલાહ લેવી.
ખીલ માટે બેન્ઝોઈલ પેરોક્સાઇડની ઓછી સાંદ્રતા ધરાવતા ઉત્પાદનોની ભલામણ કરવામાં આવી શકે છે, પરંતુ સાવચેતી રાખવી કારણ કે તે કપડાંને બ્લીચ કરી શકે છે.
જો ભારે ખીલ હોય અથવા છાતી અને પીઠ પર ખીલ દેખાય તો તેની સારવાર એન્ટીબાયોટીક્સ અથવા ભારે ક્રીમથી કરવાની જરૂર પડી શકે છે અને તે માટે ત્વચા વિશેષજ્ઞની સારવાર લેવી.
ડૉ. શ્યામ માંકડિયા કહે છે, "ઘણા કિસ્સામાં ચહેરા પર ખાડા પડી જાય પછી અમારી પાસે સારવાર માટે લોકો આવે છે. આ સ્થિતિમાં સારવાર લાંબી અને મોંઘી થઈ જાય છે."
"સારવારનો પહેલો હિસ્સો પ્રિવેન્શનનો છે. એટલે કે ડાયટમાં ધ્યાન રાખવામાં આવે છે, હાઈડ્રેશનમાં ધ્યાન આપવામાં આવે છે. સારવારના બીજા ભાગમાં દવા આપવામાં આવે છે. ખીલ માટે કિન્ડામાઇસિન, બિન્જેલપ્રોક્સાઈડ જેવી દવાઓ આપવામાં આવે છે."
"એનાથી આગળનું પગલું કેમિકલ પિલીંગનું છે. એ પિલીંગને ચહેરા પર લગાડવામાં આવે છે જેથી ચહેરા પર ખાડા ન રહે. એના પછીનું ત્રીજું ચરણ લૅસર ટ્રિટમૅન્ટનું છે. ખાડા હોય તો ડર્મારૉલર અને સીઓ લૅસર ટ્રિટમૅન્ટ પણ કરી શકાય."
બ્રિટિશ આરોગ્ય વિભાગ અનુસાર, ખીલની સારવાર 3 મહિના સુધી ચાલી શકે છે એટલે રાતોરાત કે તત્કાલ પરિણામની અપેક્ષા ન રાખવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












