જૂનાગઢના ભવનાથ મેળાના મૃગીકુંડમાં સ્નાન બાદ નાગા સાધુઓ ખરેખર 'અદૃશ્ય' થઈ જાય છે?

જૂનાગઢનો ભવનાથ મેળો, ધાર્મિક મેળો, જૂનાગઢ, ગુજરાત, કુંભમેળો, નાગા બાવા, નાગા સાધુ, રવેડી, ગિરનાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, WikiMedia/Creative Commons/Kutchimadu

ઇમેજ કૅપ્શન, જૂનાગઢના ભવનાથના મેળામાં રવેડી બાદ મૃગીકુંડમાં સ્નાન કરીને નાગા સાધુઓ અદૃશ્ય થઈ જતા હોવાની લોકવાયકા છે
    • લેેખક, વિક્રમ મહેતા
    • પદ, બીબીસી ગુજરાતી

શિવરાત્રિના દિવસે શાહી સ્નાન સાથે પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભમેળો સમાપ્ત થયો, પરંતુ આ કુંભમેળાનું નાનું સ્વરૂપ કહી શકાય તેવો ભવનાથનો મેળો દર વર્ષે જૂનાગઢમાં યોજાય છે.

કુંભમેળામાં જેમ શાહી સ્નાનનું માહાત્મ્ય છે, એ જ રીતે શ્રદ્ધાળુઓ માટે ભવનાથના મૃગીકુંડમાં સ્નાનનું પણ મહત્ત્વ છે.

જોકે આ ભવનાથના આ મેળા સાથે એક એવી માન્યતા કે લોકવાયકા જોડાયેલી છે કે શિવરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન માટે આવતા નાગા સાધુઓ ડૂબકી માર્યા બાદ અહીંથી 'અદૃશ્ય' થઈ જાય છે.

બીબીસીએ આ મામલે નાગા સાધુઓના અખાડા અને ઇતિહાસકારો તથા વૈજ્ઞાનિક પ્રમાણોને આધારે જ વિવિધ માન્યતાઓનાં તથ્યો ચકાસીને લોકજાગૃતિનાં કાર્યો કરતાં કર્મશીલો પાસેથી જાણવા પ્રયાસ કર્યો કે ભવનાથના મેળામાં શિવરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ નાગા સાધુઓ ખરેખર 'અદૃશ્ય' થાય છે?

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ભવનાથ અને મૃગીકુંડની કહાણી અને માન્યતાઓ

જૂનાગઢનો ભવનાથ મેળો, ધાર્મિક મેળો, જૂનાગઢ, ગુજરાત, કુંભમેળો, નાગા બાવા, નાગા સાધુ, રવેડી, ગિરનાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhavin parekh

ઇમેજ કૅપ્શન, ગિરનારની ગોદમાં આવેલું ભવનાથ શિવમંદિર

ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના દિવસે યોજાતો ભવનાથનો મેળો દર વર્ષે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. ભારતીય પંચાંગ પ્રમાણે મહા વદ અગિયારસથી મહા વદ અમાસ સુધી યોજાતા આ મેળામાં ભારતભરમાંથી સાધુસંતો આવે છે.

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો દર વર્ષની પરંપરા અનુસાર યોજાતો રહ્યો છે. સૌરાષ્ટ્રનાં જે મુખ્ય શિવાલયો છે એમાં ભવનાથ પણ એક પૌરાણિક મહત્ત્વ ધરાવતું શિવાલય છે.

ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે. નાનું શિવલિંગ 'સ્વયંભૂ' પ્રગટ થયેલું હોવાનું અને મોટા શિવલિંગની સ્થાપના 'મહાભારતકાળની' હોવાની માન્યતા છે.

'જૂનાગઢ અને ગિરનાર' પુસ્તકમાં ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે, 'સ્કંદપુરાણના પ્રભાસખંડના 77મા અધ્યાયમાં રૈવત, કુમુદ અને ઉજ્જય'ત નામના ત્રણ ૫ર્વતો હોવાનું કહેવામાં આવ્યું છે. '

પુરાણકાર વિશેષમાં કહે છે કે, 'પૃથ્વીના પશ્ચિમ ભાગમાં સમુદ્રની પાસે રેવતાચળ વગેરે પર્વતો છે તે જગ્યાએ ગિરનાર ક્ષેત્ર આવેલું" છે. ત્યાં દામોદર નામનું તીર્થ છે... ભવનાથ મહાદેવ છે. તેની પાસે ઉજ્જયત નામનો મોટો પર્વત છે, તે જગ્યાએ સુવર્ણરેખા નામની નદી છે.'

ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડની પણ આવી જ પૌરાણિક કથા છે.

'ગિરનારનો ઇતિહાસ' પુસ્તકમાં ઇતિહાસકાર ડૉ. પ્રદ્યુમન ખાચર લખે છે, "'ગિરનાર માહાત્મ્ય' અને 'સ્કંદપુરાણ'ના વર્ણન મુજબ હિંદુઓનું પવિત્રમાં પવિત્ર સ્થળ ગિરનાર અથવા વસ્ત્રાપથ છે. જે વિસ્તારમાં ઘણા અગણિત દેવી દેવતાઓ સમાઈ જાય છે. 'ભવનાથ મહાદેવનું "સ્કંદપુરાણ'માં વર્ણન કરવામાં આવ્યું છે."

અલબત્ત, આ કથાનક બાબતે પુરાણકાર અસ્પષ્ટ હોવાનું અને ભવનાથના પ્રાગટ્યની કથા મિશ્રિત હોવાનું પણ ઇતિહાસકાર નોંધે છે.

આ સિવાય કાન્યકુબ્જ દેશના ચંદ્રવંશી રાજા ભોજ અને મૃગકન્યાની દંતકથા પણ જાણીતી છે.

ભવનાથના મેળામાં નાગા સાધુઓ શું કરે છે?

જૂનાગઢનો ભવનાથ મેળો, ધાર્મિક મેળો, જૂનાગઢ, ગુજરાત, કુંભમેળો, નાગા બાવા, નાગા સાધુ, રવેડી, ગિરનાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, WikiMedia/Creative Commons/Kutchimadu

'ગુજરાતના લોકોત્સવો અને મેળાઓ' પુસ્તકમાં લખાયું છે એ પ્રમાણે ભવનાથનો મેળો ગુજરાતના અગત્યના મેળાઓમાંનો એક ગણવામાં આવે છે.

ભવનાથનો મેળો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે યોજાય છે.

ભવનાથ મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની મહાપૂજા થાય છે.

મહાપૂજાનાં દર્શન કરવા આસપાસના વિસ્તારોમાંથી સાધુ, સંતો, નાગા સાધુઓ મોટી સંખ્યામાં ઊમટી પડે છે.

મેળા દરમિયાન સંતો સત્સંગ કરે છે. નાગા સાધુઓના હાથમાં લાકડી-તલવાર, શરીરે ભભૂત ચોપડેલી હોય છે.

મહાશિવરાત્રિના રોજ થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નાગા સાધુઓનું સરઘસ નીકળે છે.

જૂનાગઢના ભવનાથના મેળામાં નીકળતી નાગા સાધુઓની રવેડી

જૂનાગઢનો ભવનાથ મેળો, ધાર્મિક મેળો, જૂનાગઢ, ગુજરાત, કુંભમેળો, નાગા બાવા, નાગા સાધુ, રવેડી, ગિરનાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભવનાથના મેળામાં નીકળતી નાગા સાધુઓની રવેડી શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે

ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિના રોજ રાત્રે નવ વાગ્યેથી જટાધારી ભભૂતધારી નાગા સાધુઓનું આ સરઘસ હોય છે.

શિવરાત્રિની રાત્રે 10 વાગ્યાના સુમારે ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દશનામી પંથ અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે.

સરધસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ગુરુ દત્તાત્રેયની હોય છે.

ત્યાર બાદ અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં સરઘસ ફરે છે.

નાગા સાધુઓના તલવાર, ભાલા, પટ્ટાબાજીના અને લાકડીના અજાયબ ખેલ જોવા લોકો મોટી સંખ્યામાં ઊમટી પડતા હોય છે.

આ સરઘસ ફરતું ફરતું છેલ્લે ભવનાથ મંદિરના બીજે દરવાજેથી બાજુમાં આવેલા મૃગીકુંડ પાસે આવે છે.

ત્યાર બાદ નાગા સાધુઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારાફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભમેળામાં શાહી સ્નાનનું મહત્ત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્ત્વ આસ્થાળુઓમાં છે.

મૃગીકુંડમાં સ્નાન કર્યા પછી નાગા સાધુઓ ક્યાં જાય છે?

જૂનાગઢનો ભવનાથ મેળો, ધાર્મિક મેળો, જૂનાગઢ, ગુજરાત, કુંભમેળો, નાગા બાવા, નાગા સાધુ, રવેડી, ગિરનાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૃગીકુંડમાં સાધુઓ 'અદૃશ્ય' થઈ જતા હોવાની વાયકા અનેક વર્ષોથી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અહીંથી સ્નાન કર્યા બાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપૂજા કરવામાં આવે છે.

એમ કહેવાય છે કે મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ કેટલાક સાધુઓ 'અદૃશ્ય' થઈ જાય છે. દર વર્ષે ચર્ચાનું કેન્દ્ર બનતા આ સવાલની પાછળનું ખરું કારણ જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયત્ન કર્યો હતો.

શ્રીપંચ દશનામ અખાડાના થાણાપતિ બુદ્ધગિરિબાપુ બીબીસી ગુજરાતીને કહે છે, "હું પાંત્રીસ વર્ષથી સંન્યાસ સાથે જોડાયેલો છું. શિવરાત્રી દરમિયાન ઘણા મહાત્માઓનાં દર્શન થાય છે. ગિરનાર સિદ્ધ સંતોની ભૂમિ છે. સિદ્ધ સંતો જાહેર જીવનમાં જોવા પણ મળતા નથી. તેઓ ક્યા રૂપમાં હોય છે તેની કોઈને ખબર હોતી નથી."

તેમણે વધુમાં કહ્યું, "હજારો નાગા સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરવા જાય છે ત્યારે હજારો લોકોની હાજરી હોય છે, એમના પર કૅમેરાની પણ નજર હોય છે, પરંતુ આજ સુધી જાણી નથી શકાયું કે આખરે તેઓ ક્યાં જાય છે."

તેમણે ઉમેર્યું, "હજુ સુધી આ રહસ્ય આટલાં વર્ષ થયાં છતાં પણ અકબંધ છે. અમે પણ આ રહસ્ય જાણી શક્યા નથી."

શિવરાત્રીના મેળામાં દર વર્ષે હાજરી પૂરાવતા હંસગિરિબાપુ બીબીસી ગુજરાતીને જણાવે છે, "ગિરનારને હિમાલયોનો પિતા કહેવામાં આવે છે. 'સ્વયંભૂ શિવાલય' પૌરાણિક છે. ગિરનાર અને શિવરાત્રીનો મેળો મહાઊર્જાનું કેન્દ્ર છે. જે સાધુસંતો પ્રકૃતિનાં પાંચ તત્ત્વોથી પર થઈ ગયા હોય એવા સાધુઓ માટે આ શક્ય છે."

"જોકે સમયના પ્રભાવે આવેલાં પરિવર્તનોને કારણે આવા સાધુઓ સાવ ઓછા થઈ ગયા છે. અત્યારે આવા સાધુઓ બહુ જૂજ જોવા મળે છે."

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ઇતિહાસ પ્રોફેસર ડૉ. વિશાલ જોશી મૃગીકુંડના ઇતિહાસ અને પૌરાણિક મહત્ત્વ અંગે બીબીસી ગુજરાતીને જણાવે છે, "જૂનાગઢનાં તમામ ક્ષેત્રો દેવીક્ષેત્રો છે. દાદા મેકરણથી માંડીને સ્વામી વિવેકાનંદની ગિરનાર તપોભૂમિ રહી છે. એક એવી માન્યતા છે કે તમામ સિદ્ધ સંતોને ભવનાથના મેળામાં આવવું પડે છે. જૂનાગઢનાં તમામ ક્ષેત્રો દૈવીક્ષેત્રો છે. સ્કન્દપુરાણ, રામાયણના કિષ્કિન્ધાકાંડ અને બાલકાંડ તેમજ મહાભારતનાં વનપર્વમાં આ તીર્થક્ષેત્રોનો ઉલ્લેખ થયેલો છે."

"એક સમયે જૂનાગઢ પાસે દરિયો હતો. મૃગીકુંડ એક સમયે બહુ મોટો હતો. એની આસપાસ ચાર મોટાં તળાવ હતાં. એક સમયે મૃગીકુંડમાંથી સોનરખ નદી વહેતી હતી. જોકે પછી પ્રાકૃતિક આપદાને કારણે એનો વિસ્તાર ઓછો થતો ગયો. મૈત્રક અને અનુમૈત્રક સુધી સાધુસંતો માટે જ મૃગીકુંડમાં પ્રવેશ હતો. મૃગીકુંડમાં દેવી સ્વરૂપે સંતો આવીને અદૃશ્ય થઈ જવાની માન્યતાનું રહસ્ય હજી જાણી શકાયું નથી."

સાધુઓના 'અદૃશ્ય' થવાની વાત 'ઉપજાવી કાઢેલી અને ખોટી'

જૂનાગઢનો ભવનાથ મેળો, ધાર્મિક મેળો, જૂનાગઢ, ગુજરાત, કુંભમેળો, નાગા બાવા, નાગા સાધુ, રવેડી, ગિરનાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, WikiMedia/Creative Commons/Kutchimadu

ઇમેજ કૅપ્શન, ભવનાથ મંદિર પાસેના મૃગીકુંડમાં સ્નાન કરી રહેલા નાગા સાધુ

જોકે, આ માન્યતાઓને વિજ્ઞાન અને તર્કની એરણે ચકાસતાં લોકો પણ છે.

વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા મૃગીકુંડમાં નાગા સાધુઓના 'અદૃશ્ય' થવાની વાતને બિલકુલ અતાર્કિક અને ખોટી માને છે.

તેઓ બીબીસી ગુજરાતીને કહે છે, "આ બિલકુલ ઉપજાવેલી અને ખોટી વાત છે. આ વાતમાં બિલકુલ તથ્ય નથી. અમે આટલાં વર્ષો સુધી ફિલ્ડ પર કામ કર્યું છે. આવા કોઈ પણ ચમત્કારમાં તથ્ય હોતું નથી."

અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ અને રેશનાલિસ્ટ અશ્વિન કારિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "અંધશ્રદ્ધા અને વિજ્ઞાનના પાયા વગરની કથિત ચમત્કારની વાતો આપણા મનમાં એટલી હદે પેસી ગઈ છે કે એને દૂર કરવી પણ મુશ્કેલ છે. અંધશ્રદ્ધા લોકમુખે વેગ પકડતી જતી હોય છે."

અશ્વિન કારિયા વધુમાં જણાવે છે, "નાગા સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા પછી 'અદૃશ્ય' થઈ જાય છે એ વાત માત્ર માન્યતા છે. શક્ય છે કે નાગા સાધુઓ વારાફરતી એકસાથે બહાર આવતા ન હોય. કોઈ સાધુ પહેલાં બહાર આવે, કોઈ પછી. આ કારણે નાગા સાધુઓનો સાચો આંકડો બહાર આવી ન શકે. નાગા સાધુઓની કોઈ ગણતરી થતી હોય તે પ્રકારની કોઈ વ્યવસ્થા નથી એટલે આ માત્ર એક માન્યતા જ કહી શકાય કે જેનો હકીકત સાથે સંબંધ નથી."

લોકવાયકાઓ અને માન્યતાઓ કેવી રીતે રચાય છે તે વિશે ઇતિહાસકાર ડૉ. પ્રદ્યુમ્ન ખાચર કહે છે, "દરેક ધાર્મિક સ્થળ સાથે કેટલીક વાયકાઓ જોડાયેલી હોય છે. દા.ત., સૌરાષ્ટ્રની કેટલીક જગ્યાઓ વિશે એમ કહેવાય છે કે જે-તે જગ્યાનું પગેરું છેક જૂનાગઢ સુધી પહોંચે છે. એમાં હકીકત કેટલી છે એ સંશોધનનો વિષય છે."

તેઓ વધુમાં કહે છે, "આ પ્રકારની વાયકાઓને વેગ આપવામાં લોકોની ધાર્મિક માન્યતા અને શ્રદ્ધા કામ કરતી હોય છે. મૃગીકુંડમાં સાધુઓ 'અદૃશ્ય' થઈ જતા હોવાની વાયકા અનેકો વર્ષોથી છે. આવી વાયકા પાછળ ધાર્મિક અને વ્યક્તિગત શ્રદ્ધા મુખ્ય પરિબળ છે. જલન માતરીના એક શેર પ્રમાણે શ્રદ્ધાનો જ્યારે વિષય હોય ત્યારે પુરાવાઓ ગૌણ બની જાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.