જૂનાગઢ: ભવનાથના મહાશિવરાત્રીના મેળાની શરૂઆત કોણે કરી હતી અને રવેડી કેમ કાઢવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
જો નાસિક, હરિદ્વાર, પ્રયાગરાજ કે ઉજ્જૈન ખાતે યોજાતા કુંભમેળા એ દર ચાર-છ કે બાર વર્ષે યોજાતું ધાર્મિક કે આધ્યાત્મિક આકર્ષણ છે, તો જૂનાગઢમાં યોજાતો ભવનાથનો મેળો એ વાર્ષિક આયોજન છે.
પાંચ દિવસ સુધી ચાલતો આ મેળાવડો હિંદુ પંચાંગ પ્રમાણે મહા મહિનાની નોમથી શરૂ થાય છે અને અમાસ સુધી લંબાય છે અને શિવરાત્રિના દિવસે પૂર્ણ થાય છે.
'ગિરનાર શિવરાત્રિ કુંભમેળા' તરીકે ઓળખાતા આ લોકોત્સવમાં સામેલ થવા માટે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી ભાવિકો, સાધુસંતો અને પર્યટકો ઊમટી પડે છે.
અહીંની રાવટીઓમાં 'ભજન અને ભોજન'નો સમન્વય થાય છે. શિવરાત્રિની રાત્રે નીકળતી રવેડી અને તેમાં નાગા સાધુઓનાં કરતબો તરફ લોકો કુતૂહલપૂર્વક ખેંચાઈ આવે છે.
જાણકારોના કહેવા પ્રમાણે, સમયની સાથે ગિરનારની તળેટીમાં યોજાતા આ પરંપરાગત મેળાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે.

મેળાની મધ્યમાં ભવનાથ

'ભવ' એટલે જે ઘટી રહ્યું છે તે અથવા તો જે કંઈ સર્જિત છે તે અને તેના ભગવાન એટલે 'ભવનાથ.'
ગુજરાતના તત્કાલીન સેન્સસ સુપરિન્ટેન્ડન્ટ આર. કે. ત્રિવેદીએ વર્ષ 1961માં યોજાયેલી વસતિગણતરીમાં ગુજરાત અંગેનો અહેવાલ સેન્સસ ઑફ ઇન્ડિયા (ખંડ-2: ભાગ : 7-બ) સંપાદિત કર્યો છે.
જેમાં તેઓ લખે (પેજ 222-223) છે કે વિક્રમ સંવત મુજબ, મહા મહિનાની નોમના દિવસે (સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં) ભવનાથના મંદિરે નવી ધજા ચઢાવવામાં આવે છે, જે ગિરનારની તળેટીમાં આવેલું છે. પાસેથી જ ગિરનાર ચઢવા માટેનાં પગથિયાં શરૂ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીંથી લગભગ અઢી કિલોમીટર દૂરથી સુવર્ણરેખા નદી પસાર થાય છે. આ પૌરાણિક શિવલિંગ સ્વયંભૂ (આપોઆપ પ્રગટ થયેલું) હોવાની કિંવદંતી પણ ટાંકવામાં આવી છે.
રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા 'ગુજરાતના લોકોત્સવો અને મેળા'ના નામથી પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં આપવામાં આવેલી વિગતો (પૃષ્ઠ 12-13) પ્રમાણે, જૂનાગઢ જિલ્લામાં વર્ષ દરમિયાન 11 જેટલા નોંધપાત્ર મેળા ભરાય છે, જેમાંથી ભવનાથનો મેળો એક છે.
પુસ્તકમાં ભવનાથ સંદર્ભે સ્કંદ પુરાણને ટાંકતા એક દંતકથા ટાંકવામાં આવી છે, જે મુજબ એક સમયે શિવ અને પાર્વતી તેમના હવાઈરથમાં પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે પાર્વતીનું દિવ્ય ઘરેણું ભવનાથ મંદિર પાસે પડ્યું હતું, જેથી તે 'વસ્ત્રપૂત ક્ષેત્ર' તરીકે ઓળખાય છે.
ભવનાથના મેળાની શરૂઆત

આમ તો ભવનાથનો મેળો મહા મહિનાની અગિયારસથી અમાસ સુધીનો હોય છે, પરંતુ ભવનાથની તળેટીમાં લોકોત્સવની શરૂઆત નવી ધજા ચઢાવવાથી જ શરૂ થઈ જાય છે.
સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરમાંથી હજારો લાખોની સંખ્યામાં લોકો આ તહેવારમાં સામેલ થવા માટે ઉમટી પડે છે. રાજ્ય સરકાર દ્વારા પણ વિશેષ બસો દોડાવવામાં આવે છે, જેથી કરીને ભાવિકોના ધસારાને પહોંચી શકાય.
આ સિવાય જૂનાગઢથી તળેટી સુધી પહોંચવા માટે પણ વધારાની બસસેવાઓનું આયોજન કરવામાં આવે છે.
જૂનાગઢસ્થિત ઇતિહાસના પ્રાધ્યાપક ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે 'જૂનાગઢનો ઇતિહાસ' નામથી પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે એક પ્રકરણ લીલી પરિક્રમા (પૃષ્ઠ 123-134) વિશે લખ્યું છે. તેઓ લખે છે:
'આમતો મેળાઓ 200-250 વર્ષથી યોજાતા હોવાના ઉલ્લેખ મળે છે, પરંતુ તેને 'મેળા' એવું નામ નહોતું મળેલું. વેદકાળ અને મૌર્યકાળમાં આ પ્રકારના મેળાવડા થતા.'
ડૉ. ખાચરનું આકલન છે કે ભવનાથનો મેળો દોઢેક સદીથી પ્રચલિત થયો છે અને તેનું કદ વધ્યું છે. લગભગ દોઢસો વર્ષ પૂર્વેનાં લખાણોમાં ભવનાથના મેળાનો ઉલ્લેખ મળી આવે છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. ખાચર લખે છે, 'ઈ.સ. 1822માં અંગ્રેજ સૈન્યઅધિકારી કર્નલ ટોડ અને વર્ષ 1869માં જૅમ્સ બર્જેસે ગિરનારનો આછેરો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેઓ મેળા અંગે કશું કહેતા નથી. જો એ સમયમાં મોટાપાયે મેળો ભરાતો હોત, તો તેનો ચોક્કસથી ઉલ્લેખ કર્યો હોત.'
ડૉ. ખાચરનું અનુમાન છે કે 150થી 200 વર્ષ પહેલાં માત્ર સાધુ-સંતો શિવરાત્રીના દિવસે આવતા હશે અને સામાન્ય જનતા તેમાં નોંધપાત્ર સંખ્યામાં ભાગ લેતી નહીં હોય, ઉપરાંત રાજસત્તા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવતી હોય.
જૂનાગઢના તત્કાલીન પત્રવ્યવહારને ટાંકતા ડૉ. ખાચર લખે છે કે ભવનાથના મેળામાં આવનાર પાસેથી એક આનાનો 'મુંડકા વેરો' લેવામાં આવતો. જેમાંથી, સરકારી નોકર, બ્રાહ્મણ, ચારણ અને માંગણને મુક્તિ હતી, પરંતુ કેટલાક લોકો આ માફીનો ગેરલાભ લેતા. જેના ઉપર ધ્યાન આપવા તત્કાલીન દીવાને તાકિદ કરી હતી.
નવાબ મહાબત ખાન તૃતીયના સમયમાં ભવનાથના મેળાની વ્યવસ્થા સુધરવા લાગી હતી. અલગ-અલગ પ્રકારની રમત-ગમત, જાદુ અને મનોરજંનના ખેલ થતાં તથા તેના ભાવ નક્કી રહેતા, જેથી લોકો તેને મુક્તપણે માણી શકતા.
આ સિવાય ભવનાથ તથા બોરદેવીના મંદિરને લોટ, અડદ, ઘી તથા મીઠા જેવું સીધું પણ રાજભંડારમાંથી આપવામાં આવતું.
વર્ષ 1919ના મેળામાં પાંચ દિવસ દરમિયાન 57 હજાર જેટલા લોકો ઊમટી પડ્યા હતા. તેમાં દલિતો માટે અલગ બ્લૉક હોવાના ઉલ્લેખ પણ મળે છે.
વચ્ચે કોઈક-કોઈક વર્ષે ચેપી બીમારી, મોંઘવારી, દુકાળ કે યુદ્ધ જેવા કારણોસર ભવનાથનો મેળો ન યોજાયો હોવાનો ઉલ્લેખ પણ મળે છે.
ભવનાથના મેળાનું બદલાયેલું સ્વરૂપ

સ્વતંત્રતા પછી ભારે અનિશ્ચિતતા બાદ જૂનાગઢમાંથી નવાબી શાસનનું પતન થયું અને ભારત સરકારને અધીન આવ્યું.
ત્યારે તત્કાલીન વહીવટદાર એસ. ડબલ્યુ. શિવેશ્વરકરે જાહેર કર્યું હતું કે 'સરકાર બિનસાંપ્રદાયિક હોવાથી મેળાને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ અનાજની મદદ નહીં કરવામાં આવે. જે કોઈ જાત્રાએ આવે તેઓ પોતાનું રૅશન સાથે લેતા આવે, જેથી તેમને અગવડ ન પડે.'
ડૉ. ખાચરે ઉપરોક્ત નિર્દેશનો ઉલ્લેખ તેમના પુસ્તકમાં 'ભવનાથનો મેળો' સંબંધિત પેટાપ્રકરણમાં કર્યો છે.
આર. કે. ત્રિવેદી તેમના પુસ્તકમાં લખે છે કે મેળામાં લગભગ એક લાખ લોકો ઉમટી પડે છે. જેઓ વાસણ, રમકડાં, બીડી-સિગારેટ, કપડાં વગેરે ચીજવસ્તુઓની ખરીદી કરે છે. રાજ્ય સરકાર દ્વારા મચ્છરોનો ઉપદ્રવ ન ફેલાય તે માટે ડીડીટીનો છંટકાવ કરાવવામાં આવે છે.
ડૉ. હસુતાબહેન સેદાણી તેમનાં પુસ્તક 'ગુજરાતની લોકસંસ્કૃતિ' (વર્ષ 1994) પુસ્તકમાં ભવનાથના મેળા દરમિયાન ત્રણ લાખ લોકો ઊમટી પડતાં હોવાનું નોંધે છે.
રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કૉર્પોરેશનની સાથે મળીને પીવાના પાણી, વાહનવ્યવહાર, આરોગ્ય અને વ્યવસ્થાપન સંબંધિત જવાબદારીઓ સંભાળવામાં આવે છે.
આશ્રમો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા 'રાવટી'ઓ બાંધવામાં આવે છે, જ્યાં હજારો લોકો રાત્રે આશરો લઈ શકે છે અને ચોવીસેય કલાક ચા ઉપરાંત 'ભજન અને ભોજન' ચાલતાં રહે છે. શિવરાત્રિ અનુસંધાને ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
તાજેતરનાં વર્ષો દરમિયાન ભવનાથના મેળામાં 10થી 15 લાખ લોકો આવતા હોવાના અહેવાલ છે.
રવેડી કોણ કાઢે અને ક્યારે કાઢે?

ઇમેજ સ્રોત, Getty Images
લોકવાયકા છે કે ગિરનારની ગુફાઓમાં કેટલાક નાગા સાધુઓ વસવાટ કરે છે, જેઓ શિવરાત્રિની રવેડીમાં સામેલ થાય છે. અન્યથા આ નાગા સાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં રહે છે તેના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ય નથી. ન તે વિશે કોઈ જાણકારો પાસે સ્પષ્ટ માહિતી છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ નાગા સાધુઓ મેળામાં સામેલ થાય છે.
ખાસ કરીને જૂનાગઢ તથા આસપાસના સાધુઓ શિવરાત્રિની મધ્યરાત્રિએ યોજાતી 'રવેડી'માં સામેલ થાય છે.
આ સાધુઓ ઘોડાં, ગાડીઓ, બગ્ગીઓ અને હાથીઓ ઉપર બેસીને શંખનાદ સાથે વાજતે-ગાજતે સરઘસ સ્વરૂપે મૃગી કૂંડમાં સ્નાન કરવા માટે નીકળે છે, જે 'રવેડી' તરીકે ઓળખાય છે.
રવેડીમાં અલગ-અલગ અખાડાના મહામંડલેશ્વર, મંડલેશ્વર અને સેંકડો-હજારો સાધુઓ સામેલ થાય છે. જેઓ માર્ગમાં અંગકસરતના દાવ કરે છે. ભભૂત લગાવેલા શરીર અને લાંબા વાળ સાથે તલવારબાજી અને લઠદાવ દેખાડે છે.
જૂનાગઢમાં શિવરાત્રિ દરમિયાન શાહી સ્નાનનું નેતૃત્વ પંચદશનામ જૂના અખાડા કરે છે. આ સિવાયના અખાડાના કેટલાક સાઘુઓ પણ તેમાં સામેલ થાય છે.
તંત્ર દ્વારા આયોજનને સુગમ બનાવવા માટે અલગ-અલગ 13 જેટલી કમિટીઓ બનાવવામાં આવે છે, જેમાં સાધુ-સંત સમાજના પ્રતિનિધિઓ પણ સામેલ હોય છે. જરૂર પડ્યે રુટની લંબાઈ અને કલાકોમાં ફેરફાર કરવામાં આવે છે.
નાગા સાધુઓ બૅન્ડવાજા સાથે વાજતે-ગાજતે નીકળે છે. તાજેતરનાં વર્ષોમાં ડી.જે. પણ જોવા મળે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













