દિલ્હી રમખાણોનાં પાંચ વર્ષ: શું પીડિતોને ન્યાય મળ્યો, ગુનેગારોને સજા મળી?

દિલ્હી રમખાણોના પાંચ વર્ષ, દોષિત, ગુનેગાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં થયેલાં રમખાણો દરમિયાન શાદાબ આલમ જેલમાં ગયા હતા, ચાર વર્ષ બાદ કોર્ટે તેમને છોડી મૂક્યા
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

નવી દિલ્હીમાં થયેલાં સૌથી ખરાબ રમખાણોને પાંચ વર્ષ વીતી ગયાં છે. આ દરમિયાન રમખાણોને લગતા 80 ટકાથી વધુ કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે.

2020માં દિલ્હીમાં થયેલાં કોમી રમખાણો છેલ્લા ત્રણ દાયકામાં રાજધાનીમાં જોવા મળેલાં સૌથી ભયંકર રમખાણો હતાં.

તે વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ચાર દિવસ સુધી ચાલેલી હિંસામાં 53 લોકોનાં મોત થયાં હતાં. જેમાં 40 મુસ્લિમો અને 13 હિન્દુઓ હતા.

દિલ્હી પોલીસે કેટલાક કર્મશીલો અને વિદ્યાર્થી નેતાઓ ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામ અને 16 અન્ય લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે કહ્યું હતું કે આ લોકોએ 2019માં લાવવામાં આવેલા વિવાદાસ્પદ નાગરિકતા કાયદા સામે મહિનાઓ સુધી ચાલેલાં વિશાળ વિરોધપ્રદર્શનોની આડમાં રમખાણોની યોજના બનાવી હતી.

આ તોફાનોમાં સેંકડો ઘાયલ થયા હતા અને ઘણી દુકાનો અને ઘરો પણ બાળી નાખવામાં આવ્યાં હતાં.

પોલીસે રમખાણો સંબંધિત 758 કેસ નોંધ્યા હતા અને બે હજારથી વધુ લોકોની ધરપકડ કરી હતી.

દિલ્હી રમખાણોના પાંચ વર્ષ, દોષિત, ગુનેગાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, શાદાબ આલમના પિતાનું નામ દિલશાદ અલી છે

પાંચ વર્ષ પછી હજુ ઘણા કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.

છેલ્લા બે મહિના દરમિયાન બીબીસીએ આ 758 કેસોને તપાસ્યા છે અને 126 કોર્ટના નિર્ણયોનું વિશ્લેષણ કર્યું છે.

પોલીસના ડેટા અને બીબીસીનું વિશ્લેષણ દર્શાવે છે કે જે કેસોમાં કોર્ટે નિર્ણયો આપ્યા છે તેમાં 80% થી વધુ કેસોમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો અથવા ડિસ્ચાર્જ થયા છે.

ડઝનબંધ આદેશોમાં કોર્ટે પોલીસ તપાસની આકરી ટીકા કરતા કહ્યું હતું કે "તેમણે 'બેદરકારીથી' અથવા 'પૂર્વનિર્ધારિત રીતે' ચાર્જશીટ દાખલ કરી હતી."

વધુમાં એમ પણ કહ્યું હતું કે પોલીસે આરોપીઓને 'ખોટી રીતે ફસાવ્યા', 'બનાવટી' નિવેદનો તૈયાર કર્યાં અને 'ઘટનાની સંપૂર્ણ તપાસ' ન કરી.

બે આદેશોમાં ન્યાયાધીશે કહ્યું કે તેઓ પોતાને એમ કહેવાથી 'રોકી' શકતા નથી કે જ્યારે ઇતિહાસ રમખાણો પર નજર નાખશે તો જોશે કે 'યોગ્ય તપાસ કરવામાં તપાસ એજન્સીની નિષ્ફળતા' થી 'લોકશાહીના મૂળભૂત આધારને નુકસાન પહોંચશે'.

દિલ્હી રમખાણોના પાંચ વર્ષ, દોષિત, ગુનેગાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પોલીસે બે વીડિયોના આધારે ડિસેમ્બર 2020માં આરોપી સંદીપ ભાટીની ધરપકડ કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

24 ફેબ્રુઆરી, 2020 ના રોજ શાદાબ આલમે તેઓ જ્યાં કામ કરતા હતા તે દવાની દુકાનના ધાબા પર આશરો લીધો હતો. એ સમયે ઉત્તર-પૂર્વ દિલ્હીની શેરીઓમાં રમખાણો ફેલાયાં હતાં.

પોલીસે આગચંપીનાં કારણે તેમને દુકાન બંધ કરવાનું કહ્યું હતું.

તેમણે કહ્યું."અચાનક પોલીસ આવી અને અમારામાંથી કેટલાકને તેમની સાથે વાનમાં લઈ ગઈ."

જ્યારે તેમણે પોલીસને પૂછ્યું કે તેમને શા માટે લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસે કહ્યું કે તેઓ રમખાણોમાં સામેલ છે.

પોલીસે આ કેસમાં તેમના સહિત અન્ય 10 લોકો પર આરોપ મૂક્યા હતા.

પરંતુ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં કોર્ટે પોલીસની તપાસની ટીકા કરી બધાને નિર્દોષ છોડી મૂક્યા.

કોર્ટે કહ્યું છે કે "સાક્ષીઓનાં નિવેદનો 'બનાવટી' હોઈ શકે છે, અને આ દુકાનને મોટા ભાગે હિન્દુ ટોળા દ્વારા બાળી નાખવામાં આવી હતી. પોલીસે ઘટના સમયે ત્યાં હાજર હોવા છતાં એ દિશામાં કેસની તપાસ કરી નથી."

પોલીસે બીબીસીના ઇમેઇલ્સ અથવા રૂબરૂમાં વાત કરવાના પ્રયાસોનો જવાબ આપ્યો ન હતો.

ગત એપ્રિલમાં દાખલ કરાયેલા એક અહેવાલમાં પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે બધી તપાસ "વિશ્વસનીય, ન્યાયી અને નિષ્પક્ષ" રીતે કરવામાં આવી છે.

33 વર્ષીય પીએચડી કરતાં ગુલ્ફિશા ફાતિમા પણ લગભગ પાંચ વર્ષથી ટ્રાયલ અને જામીન વિના જેલના સળિયા પાછળ છે. આ કેસમાં અન્ય અગિયાર કેદીઓ પણ જેલમાં બંધ છે.

ગુલ્ફિશાના પિતા સૈયદ તસ્નિફ હુસૈન કહે છે, "જ્યારથી તે જેલમાં ગઈ છે ત્યારથી અમે દરેક સુનાવણી વખતે આશા રાખીએ છીએ કે તેને જામીન મળશે."

પરંતુ ભારતના આતંકવાદ વિરોધી કાયદા- યુએપીએ હેઠળના આરોપોમાં જામીન મેળવવા મુશ્કેલ હોય છે.

તેઓ કહે છે, "ક્યારેક મને ડર લાગે છે કે હું તેને જોઈ શકીશ કે તે પહેલાં જ હું મરી જઈશ."

જેલમાંથી છૂટીને બહાર આવવું

દિલ્હી રમખાણોના પાંચ વર્ષ, દોષિત, ગુનેગાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ધરપકડના ચાર મહિના બાદ સંદીપ ભાટીને જામીન મળ્યા

કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા લોકો માટે પણ આ પ્રક્રિયા સરળ ન હતી.

શાદાબ કહે છે કે "પોલીસ અમને લઈ ગઈ એ પછી તેમણે અમારાં નામ પૂછ્યાં અને માર માર્યો. ધરપકડ કરાયેલા બધા જ લોકો મુસ્લિમ જ હતા."

શાદાબે કોર્ટ સમક્ષ પોતાનો મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો જેમાં ત્રણ ઇજાઓ દર્શાવવામાં આવી હતી.

શાદાબના પિતા દિલશાદ અલી બહાર કેસ સંભાળી રહ્યા હતા.

તેઓ યાદ કરતાં કહે છે કે "આ બધું કોવિડ-19 દરમિયાન થયું હતું. લૉક-ડાઉન હતું. અમને કંઈ ખબર પડતી ન હતી."

બે વાર તેમના જામીન નકારવામાં આવ્યા તે પછી જેલમાં લગભગ 80 દિવસ વિતાવ્યા અને આખરે તેમને જામીન મળ્યા.

તેમનો પરિવાર હવે આ યાતના માટે વળતર માંગે છે.

દિલશાદ કહે છે, "કંઈ સાબિત થયું નહીં. અમે કંઈ કર્યું જ નહતું. પરંતુ અમારો ઘણો સમય અને પૈસા આમાં ખર્ચાયા. જો પોલીસે તેમના પુત્ર સામે ખોટો કેસ કર્યો હોય તો તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ."

વીડિયો કૅપ્શન, Delhi Riots : રમખાણોનાં પાંચ વર્ષ: શું પીડિતોને ન્યાય મળ્યો, ગુનેગારોને સજા મળી?

પોલીસની ટીકાઓ સાથે નિર્દોષ છૂટકારો એવા કિસ્સાઓમાં પણ થયો છે જ્યાં હિન્દુઓ પણ આરોપી હતા.

જાન્યુઆરીમાં કોર્ટે સંદીપ ભાટીને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમના પર રમખાણો દરમિયાન એક મુસ્લિમ વ્યક્તિને ખેંચીને માર મારવાનો આરોપ હતો.

પોલીસે ભાટીને ગુનેગાર બતાવવા માટે બે વીડિયો રજૂ કર્યા હતા. પરંતુ કોર્ટમાં તેમના વકીલોએ કહ્યું કે પોલીસે તેમના ક્લાયન્ટને ફસાવવા માટે એક અધૂરી ક્લિપ રજૂ કરી હતી.

આખા વીડિયોમાં ભાટી મુસ્લિમ વ્યક્તિને માર મારવાને બદલે બચાવતા જોવા મળે છે.

કોર્ટે કહ્યું કે પોલીસે 'સાચા ગુનેગારો'ને શોધવાને બદલે તેને 'ફસાવવા' માટે વીડિયોની 'હેરાફેરી' કરી છે. તેમણે દિલ્હી પોલીસ કમિશનરને આ કેસમાં તપાસ અધિકારી સામે યોગ્ય પગલાં લેવા પણ કહ્યું.

જ્યારે બીબીસીએ ભાટીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ ચાર મહિના જેલમાં રહ્યા પછી તેમની આ 'આકરી પરીક્ષા' વિશે ચર્ચા કરવા માંગતા નથી.

શું છે વધુ વિગતો?

દિલ્હી રમખાણોના પાંચ વર્ષ, દોષિત, ગુનેગાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુલ્ફિશાના પિતા સૈયદ તન્સિફ હુસૈન

એપ્રિલ 2024 માં દિલ્હી પોલીસે 758 કેસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો.

જે 111 કેસમાં ચુકાદો આવ્યો હતો તેમાંથી 80%થી વધુ આરોપીઓને કાં તો નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અથવા છોડી મૂકવામાં આવ્યા હતા.

ફક્ત 19 કેસોમાં જ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ભારતના માહિતી અધિકાર કાયદા હેઠળ બીબીસીની વિનંતીના જવાબમાં પોલીસે હત્યા સંબંધિત 62 કેસોની અપડેટ આપી હતી.

તેમાં પણ ફક્ત એક જ કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે જ્યારે ચારમાં નિર્દોષ છોડવામાં આવ્યા છે.

ચુકાદાઓનાં વિશ્લેષણમાં બીબીસીએ જાણ્યું કે ઍપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે 18 લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા અને એકને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેના લીધે નિર્દોષ છૂટકારાની ટકાવારી 80% થી વધુની થાય છે.

કોર્ટમાં આટલા બધા કેસ કેમ ટકી શક્યા નહીં તે સમજવા અમે 126 ચુકાદાઓમાંથી પસાર થયા.

નિર્દોષ છૂટકારો મેળવવાનાં બે મુખ્ય કારણો હતાં: ઘણા કિસ્સાઓમાં સાક્ષીઓ 'ફરી ગયા' હતા અને પોલીસના કેસને ટેકો આપતા ન હતા.

મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓને જ ઘટનાઓના સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ વિવિધ કારણોસર કોર્ટને તેમની જુબાનીઓ વિશ્વસનીય લાગી ન હતી.

નિવેદનોમાં વિસંગતતાઓ અથવા આરોપીઓની ઓળખમાં વિલંબ અથવા ઘટના બની ત્યાં પોલીસકર્મીઓ હાજર હતા કે નહીં તે હકીકત પર શંકા કારણભૂત હતી.

ઘણા કિસ્સાઓમાં કોર્ટે પોલીસની તપાસની ટીકા કરી હતી. દિલ્હી રમખાણોના ઘણા આરોપીઓનો બચાવ કરતા વકીલ અબ્દુલ ગફ્ફારે કહ્યું કે "80-90% કેસોમાં" યોગ્ય રીતે તપાસ કરવામાં આવી જ ન હતી.

અન્ય એક વકીલ રક્સપાલસિંહે ઉમેર્યું કે "એની પણ નોંધ લેવાની જરૂર છે કે પોલીસ પાસે પૂરતાં સંસાધનો ન હતાં. વળી કોવિડ-19નું લૉક-ડાઉન હતું. તેમાં આટલા બધા કેસોની તપાસ કરવી સરળ ન હતી."

આટલા બધા આરોપીઓનો નિર્દોષ છૂટકારો થતાં ભારતીય સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ મદન લોકુરે કહ્યું કે "જો ધરપકડ ગેરકાયદેસર અથવા બિનજરૂરી હોવાનું જણાય તો ફરિયાદ પક્ષ પર પણ જવાબદારી નક્કી કરવાની જરૂર છે".

તેમણે કહ્યું કે, "લોકો વર્ષો જેલના સળિયા પાછળ વિતાવે છે પરંતુ જે લોકો તેમને જેલના સળિયા પાછળ ધકેલી દે છે તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી."

કેસ ક્યારે ચાલશે?

દિલ્હી રમખાણોના પાંચ વર્ષ, દોષિત, ગુનેગાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુલ્ફિશાનાં માતા શકરા બેગમ

જ્યારે એક તરફ કોર્ટમાં કેસ ટકી રહ્યા નથી ત્યારે બીજી તરફ કેટલાક કેસોમાં ટ્રાયલ હજુ શરૂ જ થઈ નથી.

દિલ્હી પોલીસે 18 વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમાં કાર્યકરો, વિદ્યાર્થીઓ અને રાજકીય નેતાઓનો સમાવેશ થાય છે.

પોલીસે કહ્યું હતું કે 2019માં લાવવામાં આવેલા વિવાદાસ્પદ નાગરિકતા કાયદા સામે મહિનાઓ સુધી ચાલેલાં વિશાળ વિરોધપ્રદર્શનોની પૃષ્ઠભૂમિમાં તેમણે રમખાણોનું આયોજન કર્યું હતું.

હુસૈન કહે છે, "18 આરોપીઓમાંથી છને જામીન મળી ગયા છે. પરંતુ આ પ્રક્રિયા ખરેખર ધીમી છે. ગુલ્ફિશાની જામીન અરજીની સુનાવણીના મહિનાઓ બાદ દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશની બદલી થઈ ગઈ અને હવે આખો કેસ ફરીથી ચાલી રહ્યો છે.

આ કેસમાં ટ્રાયલ પણ હજુ શરૂ થવાની બાકી છે અને વિવિધ કારણોસર તેમાં વિલંબ થઈ રહ્યો છે.

શરૂઆતમાં આ કેસને લગભગ ચાર મહિના સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો કારણ કે, આરોપીઓ ઇચ્છતા હતા કે તેમને બધા દસ્તાવેજો હાર્ડ-કૉપીમાં સોંપવામાં આવે. પરંતુ પોલીસે કહ્યું કે હજારો પાનાની લાંબી ચાર્જશીટ અને સાક્ષીઓનાં નિવેદનોની આટલી કૉપી ખર્ચાળ બની હશે. આખરે પોલીસે તેમને દસ્તાવેજો આપ્યા.

સપ્ટેમ્બર, 2023 માં પાંચ આરોપીઓએ પોલીસને કેસ આગળ વધારતા પહેલા કોર્ટને જાણ કરે કે તેમની તપાસ પૂર્ણ થઈ ગઈ છે કે નહીં. પોલીસે આ કેસમાં પાંચ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાંથી છેલ્લી તો ઘટનાનાં ત્રણ વર્ષથી વધુ સમય પછી દાખલ કરવામાં આવી છે.

આરોપીઓએ દલીલ કરી હતી કે તેમને શંકા છે કે પોલીસ પછીથી ચાર્જશીટ દાખલ કરીને આરોપીઓએ કેસમાં બતાવેલી 'ખામીઓ' પાછળથી સુધારી દે.

પોલીસે તપાસની સ્થિતિ વિશે માહિતી આપવી જોઈએ કે નહીં તે અંગે લગભગ એક વર્ષ સુધી દલીલો ચાલી. ગયા સપ્ટેમ્બરમાં કોર્ટના આદેશ પછી પોલીસે આખરે આરોપીઓને જાણ કરી કે તેમની તપાસ પૂર્ણ થઈ ગઈ છે.

આ પરિવારને કેસ વિશે વધુ ખબર નથી પરંતુ તેઓ આશા રાખે છે કે તેણીને જામીન આપવામાં આવશે.

ગુલ્ફિશાનાં માતા શકરા બેગમ કહે છે, "અમે આમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કેસની અમારા પર ભારે અસર પડી છે."

કાનૂની નિષ્ણાતો માને છે કે કેસમાં 18 આરોપીઓ હોવાથી કોર્ટ ટ્રાયલ શરૂ કરવા માટે આરોપો નક્કી કરે તે પહેલાં સુનાવણીમાં વર્ષો લાગી શકે છે.

ગુલ્ફિશાના પિતા હુસૈન (દીકરી વિશે) કહે છે, "તે મારા માટે મારા કોહિનૂર જેવી છે - એક અમૂલ્ય રત્ન. હવે જોવાનું એ છે કે આ કોહિનૂર ચમકે છે કે તેને કાટ લાગે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.