ગુજરાત અને રાજસ્થાનમાં વિલુપ્તીના આરે ઊભેલાં ઘોરાડ પક્ષીઓ માટે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો, ફરિયાદીને શું ચિંતા છે?

ઇમેજ સ્રોત, Getty Images
અઢારેક કિલો જેટલું વજન ધરાવતાં અને ત્રણ ફૂટ કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવતાં ઘોરાડ પક્ષી દુનિયામાં ઊડી શકવાની ક્ષમતા ધરાતવા હોય તેવાં સૌથી વજનદાર પક્ષીઓ પૈકીનાં એક છે. પરંતુ ઘાસનાં મેદાનો એને સુકા ખુલ્લા વગડામાં વસતાં આ પક્ષીઓ હવે પૃથ્વી પરથી વિલુપ્ત થઇ જવાનો ભય છે.
દુનિયામાં માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં જ આ પક્ષીઓ બચ્યાં છે. તેમાં પણ ગુજરાતમાં તો માત્ર ત્રણ કે ચાર જ ઘોરાડ રહ્યાં છે જયારે રાજસ્થાનમાં તેની વસ્તી 125 હોવાનું મનાય છે.
50-60 વર્ષ પહેલાં ઘોરાડ પક્ષીઓ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક જેવા દક્ષિણ ભારતનાં રાજ્યો, મધ્ય પ્રદેશ જેવા મધ્ય ભારતનાં રાજ્યો, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવાં પશ્ચિમ ભારતનાં રાજ્યો તેમ જ રાજસ્થાન-ગુજરાતને અડીને આવેલા પાકિસ્તાનમાં જોવા મળતાં હતાં. પરંતુ હવે આ પક્ષીઓ માત્ર રાજસ્થાન અને ગુજરાતના રણ પ્રદેશો કે રણની કાંધીના વિસ્તારો પૂરતા જ સીમિત થઇ ગયાં છે અને અસ્તિત્વ માટે ભારે સંઘર્ષ કરી રહ્યાં છે.
આ વિસ્તારોમાં પણ પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવા સોલાર પાર્ક અને પવનચક્કીઓ ઊભી કરવામાં આવતાં અને તેના દ્વારા ઉત્પન્ન થતી વીજળીને ગામડાં અને શહેરો સુધી પહોંચાડવા વીજલાઇનોની જાળ બંધાતાં ઘોરાડનું પૃથ્વી પરથી ઝડપભેર નામ ભૂંસાઈ જવાની બીક છે.
આ પ્રકારની ફરિયાદ કરી આ પક્ષીઓને બચાવી લેવા માટે સરકાર પગલાં લે તેવી માંગણી કરતી એક જાહેર હિતની અરજી કેટલાક વન્યજીવ નિષ્ણાતોએ સુપ્રીમ કોર્ટમાં 2019માં દાખલ કરી હતી.
આ મામલે હવે સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો આવી ગયો છે. પરંતુ હજુ પર્યાવરણવાદીઓને ચિંતા છે કે સુપ્રીમ કોર્ટે જે નિર્દેશો કર્યા છે તેનો ખરેખર અમલ થશે કે નહીં?
આ મામલો શું હતો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં પર્યાવરણવાદીઓને કઈ ચિંતા છે? તે સમજવાનો પ્રયત્ન કરીએ.
કોર્ટમાં કેસ દાખલ કરનાર કોણ છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઘોરાડ પક્ષી પરના આ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર જવા પહેલાં આપણે આ કેસને સમજીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલના મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેરના રાજવી પરિવારના સભ્ય અને ભારતના વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ, 1972ના ઘડવૈયા તરીકે જાણીતા મહારાજકુમાર રણજીતસિંહ ઝાલા, કચ્છના પક્ષીનિરીક્ષક નવીન બાપત, રાજસ્થાનના વન્યજીવપ્રેમી પીરારામ બિશ્નોઇ, કર્ણાટકના વન્યજીવોના સંરક્ષણ માટે કામ કરતા ઍડવર્ડ સાન્તોસ માર્ટિન અને ધ કૉર્બેટ ફાઉન્ડેશન નામની સંસ્થાએ આ મામલે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી.
તેમણે ફરિયાદ કરી કે ગુજરાત અને રાજસ્થાનમાં ઘોરાડ પક્ષીઓનાં છેલ્લાં બચેલાં રહેઠાણોમાં સૂર્યઊર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેના સોલાર પાર્ક્સ, પવનચક્કીઓ વડે પવનઊર્જાનું વીજળીમાં રૂપાંતર કરતાં વિન્ડ ફાર્મ્સ તથા વીજળીના વહન માટેની હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઇનો નાંખવામાં આવી રહી છે.
તેમની ફરિયાદ હતી કે આ પ્રકારનાં વીજમાળખાં ઘોરાડ પક્ષીઓને વિલુપ્તી તરફ ધકેલી દેશે.
તેમણે ઘોરાડનાં છેલ્લાં ઘરોમાં સોલાર અને વિન્ડ પાર્ક્સને મંજૂરી ન આપવાની પણ માંગ કરી હતી. તેમણે થાંભલા પર લટકતા વીજળીના તારને નીચે ઊતારીને જમીનની અંદર નાખવામાં આવે તેવી માંગ પણ કરી હતી, જેથી ઘોરાડ પક્ષીઓનું આ પ્રકારની વીજલાઇનોના તાર સાથે અથડાવવાથી મોત ન થાય.
વીજ કંપનીઓ અને સરકારે શું બચાવ કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
પુનઃપ્રાપ્ય ઊર્જા (રિન્યુએબલ ઍનર્જી) ઉત્પાદકો તેમજ વીજળીનું વહન કરતી કંપનીઓએ આ માંગણીનો ભારે વિરોધ કર્યો.
ભારત સરકારે પણ કોર્ટને જણાવ્યું કે ભારતે 2015માં ફ્રાન્સના પેરિસ શહેરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ યોજાયેલી ક્લાઇમેન્ટ ચેન્જ કૉન્ફરન્સમાં તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર વચન આપ્યું છે કે કાર્બન સહિતના હાનિકારક વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા અને તે રીતે આબોહવા પરિવર્તનને ધીમું પાડવા ભારત કોલસો, ગૅસ અને ખનીજ તેલ જેવાં અશ્મિજન્ય બળતણોમાંથી મેળવાતી ઊર્જા પર તેની નિર્ભરતા ઘટાડી 2030 સુધીમાં દેશમાં ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી 50 ટકા વીજળી સોલાર, વિન્ડ અને અન્ય પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરશે.
સરકારે કહ્યું હતું કે આ વચનોને પાળવા માટે આ પ્રકારના સોલાર અને વિન્ડપાર્ક પ્રોજેક્ટો જરૂરી છે.
કોઈ વન્યજીવના અસ્તિત્વ અને ભૌતિક વિકાસની જરૂર બાબતે છ વર્ષ ચાલેલી કાનૂની લડત બાદ19 ડિસેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે.
ચુકાદાને મોટા ભાગે આવકાર મળ્યો છે પરંતુ કેટલાક અરજદારોને હવે બીજી ચિંતા પેઠી છે અને તેઓ માને છે કે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ઘોરાડને બચાવના પ્રયત્નોમાં તો માત્ર પ્રથમ ડગલું છે.
અગાઉ વચગાળાના હુકમમાં કોર્ટે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, The Corbett Foundation
સુપ્રીમ કોર્ટના ચુકાદાની ચર્ચા કરવા પહેલાં આપણે આ મામલે અપાયેલા વચગાળાના ચુકાદાની પણ ચર્ચા કરી લઈએ.
હવે, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ટૂંકમાં, ડબ્લ્યુઆઈઆઈ)એ તૈયાર કરેલા રિપોર્ટમાં ઘોરાડને નામશેષ થતાં બચાવવા માટે રાજસ્થાનમાં જેસલમેર અને તેની આજુબાજુના 13,163 ચોરસ કિલોમીટર (ચો. કિમી) અને ગુજરાતમાં કચ્છ જિલ્લાના નલિયા નજીક આવેલા કચ્છ ઘોરાડ અભ્યારણ્ય ઉપરાંત ગૌચર, સરકારી ખરાબા વગેરેને સમાવતા 500 ચો. કિમી એમ કુલ 13,663 ચો. કિમી વિસ્તારને ઘોરાડ માટે પ્રાયૉરિટી એરિયા ગણવા ભલામણ કરવામાં આવી હતી.
તે જ રીતે ડબ્લ્યુઆઈઆઈએ રાજસ્થાનમાં 78,580 ચો. કિમી અને ગુજરાતમાં 2,100 ચો. કિમી મળી કુલ 80,680 ચો. કિમી વિસ્તારને ઘોરાડનો પોટૅન્શિયલ એરિયા ગણવા ભલામણ કરી હતી.
આ સાથે જ ડબ્લ્યુઆઈઆઈએ રાજસ્થાનમાં 5,977 ચો. કિમી અને ગુજરાતમાં 677 ચો. કિમી મળી કુલ 6,654 ચો. કિમી વિસ્તારને ઘોરાડ માટે મહત્ત્વનો ધરાવતો વધારાનો વિસ્તાર ગણવા સૂચન કર્યું હતું. આમ, આશરે 1.01 લાખ ચો. કિમી વિસ્તાર ઘોરાડને બચાવવા માટે મહત્ત્વનો હોવાનું જણાવાયું હતું.
વીજલાઇનો સાથે અથડવાથી લાગતા વીજશોકથી થતાં મોત ઘોરાડના અસ્તિત્વ માટે સૌથી મોટું જોખમ છે તેવી દલીલ કરી અરજદારોએ કોર્ટને વિનંતી કરી કે ઘોરાડના આ વિસ્તારમાં કોઈ નવા સોલાર પાર્ક, વિન્ડ ફાર્મ કે થાંભલા પરથી લટકતા તારવાળી વીજલાઇનને મંજૂરી આપવામાં ન આવે.
અરજદારોએ એવી પણ માંગણી કરી કે આ વિસ્તારોમાં રહેલી વીજલાઇનો ભૂગર્ભમાં લઇ જવામાં આવે અને જયાં તે શક્ય ન હોય ત્યાં તાર પર બર્ડ ફ્લાઇટ ડાઇવર્ટર્સ લગાડવામાં આવે જેથી ઘોરાડ વીજતારને દૂરથી જોઈ શકે અને અથડાવાથી બચી શકે.
કોર્ટે 19 એપ્રિલ, 2021માં એક વચગાળાનો હુકમ આપતા આ માંગણીઓ સ્વીકારી લીધી અને તે મુજબની સૂચનાઓ ભારત સરકાર તેમ જ ગુજરાત અને રાજસ્થાનની રાજ્ય સરકારોને આપી હતી.
કેન્દ્ર સરકારે વચગાળાના હુકમનો કર્યો વિરોધ?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
કેન્દ્ર સરકારે 17 નવેમ્બર, 2021માં એક અરજી કરી 19 એપ્રિલના વચગાળાના આદેશમાં ફેરફાર કરવા વિનંતી કરી.
સરકારે એવી દલીલ કરી કે ઘોરાડની વસ્તી ઘટવા પાછળ વીજલાઇનો સિવાયનાં કારણો પણ જવાબદાર છે અને પુનઃપ્રાપ્ય ઊર્જા તરફ વાળવું તે ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર બતાવેલી પ્રતિબદ્ધતા છે.
સરકારે કહ્યું, "જે વિસ્તારો માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે તે ઘોરાડ પક્ષીઓ ખરેખર રહે છે તેના કરતાં ઘણા જ વિશાળ છે. ઉપરાંત, દેશની સોલાર અને વિન્ડ ઍનર્જીની ક્ષમતા તે વિસ્તારોમાં છે. હાઈવૉલ્ટેજ વીજલાઇનોને જમીનની નીચે દાટવી તાંત્રિક રીતે શક્ય નથી."
"જો આ વિસ્તારોમાં રહેલા સૂર્ય અને પવન ઊર્જાના સંભવિત ભંડારનો ઉપયોગ કરવામાં નહીં આવે તો તેના બદલે કોલસાથી ચાલતા પાવરપ્લાન્ટમાંથી વીજળી ઉત્પન્ન કરવી પડશે અને તે પ્રદુષણ ફેલાવશે."
કોર્ટે 21 માર્ચ, 2024ના રોજ 19 એપ્રિલના હુકમને સુધારી પ્રાયૉરિટી અને પોટૅન્શિયલ એરિયામાં મૂકેલાં નિયંત્રણો ઉઠાવી લીધાં અને નિષ્ણાતોની એક કમિટી નીમી.
કોર્ટે કમિટીને આદેશ કર્યો કે "તે પ્રાયૉરિટી અને પોટૅન્શિયલ એરિયામાં વીજલાઇનોને જમીનની નીચેથી પસાર કરવાની શક્યતા તપાસે અને યોગ્ય જણાય તો પ્રાયૉરિટી અને પોટૅન્શિયલ એરિયાના વિસ્તારમાં સુધારા-વધારા સૂચવે, ઘોરાડનાં સંવર્ધન માટેનાં પગલાં સૂચવે તેમજ ઘોરાડ પર આબોહવા પરિવર્તનની શું અસર થઇ રહી છે તેનું પણ મૂલ્યાંકન કરે."
ફાઇનલ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શું હુકમ કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોની કમિટીએ રાજસ્થાનમાં પ્રાયૉરિટી એરિયા 13,163 ચો.કીમીથી વધારીને 14,013 ચો. કિમી અને ગુજરાતમાં પ્રાયૉરિટી એરિયા 500 ચો.કીમીથી વધારીને 750 ચો. કિમી કરવાની ભલામણ કરી. પરંતુ કમિટીએ આશરે 80,000 ચો. કિમી જેટલા પોટૅન્શિયલ એરિયા અને મહત્ત્વના વધારાના એરિયાને નિયંત્રણોમાંથી મુક્ત કરવાની ભલામણ કરી.
આ સાથે જ સમિતિએ પ્રાયૉરિટી એરિયામાંથી પસાર થતી લાઇનોને શક્ય હોય તો જમીનની નીચેથી પસાર કરવાની અને જો તે શક્ય ન હોય તો લાઇનોના રૂટ બદલી પ્રાયૉરિટી એરિયાની બહાર કૉરિડૉર બનાવી તેમાંથી પસાર કરવાની ભલામણ કરી.
કમિટીએ એમ પણ ભલામણ કરી કે વિવિધ સોલાર પાર્ક્સ અને વિન્ડફાર્મમાં ઉત્પન્ન થતી વીજળીને પુલિંગ સ્ટેશન કે ગ્રીડ સાથે જોડતી વીજલાઇનો પણ શક્ય હોય ત્યાં સુધી એક જ વિસ્તારમાં નંખાય. ઉપરાંત તેમણે હાઈવૉલ્ટેજ લાઇનોમાં અવાહક કવર ધરાવતા તાર વાપરવાની પણ ભલામણ કરી.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
કોર્ટે આ ભલામણો સ્વીકારી લઇ તેને 19 ડિસેમ્બરના ચુકાદામાં આવરી લીધી છે. સાથે જ કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે ઘોરાડનાં રહેઠાણોને સુધારવા માટે પગલાં લેવામાં આવે અને શિકારીઓ-મુક્ત વાડા બનાવવામાં આવે જ્યાં આ ઘોરાડ ઈંડા મૂકી શકે અને બચ્ચાંનો ઉછેર કરી શકે.
કોર્ટે એ પણ આદેશ કર્યો કે કચ્છનાં રહેઠાણોમાંથી ગાંડો બાવળ દૂર કરવામાં આવે અને રખડતાં કૂતરાંથી ઘોરાડની જોખમાતી સલામતીનું પણ નિરાકરણ કરવામાં આવે.
કચ્છમાં રહેલાં બધાં જ ઘોરાડ પક્ષી માદા છે તે હકીકતને ધ્યાને રાખી કોર્ટે એવો પણ હુકમ કર્યો કે આ માદાઓ જયારે બિનફળદ્રુપ ઈંડાં મૂકે ત્યારે રાજસ્થાનમાં આવેલાં ઘોરાડનાં સંવર્ધનકેન્દ્રોમાંથી ફળદ્રુપ ઈંડા લાવી બિનફળદ્રુપ ઈંડાઓની જગ્યાએ મૂકી દેવામાં આવે જેથી માદાઓ ફળદ્રુપ ઇંડાને સેવે, ઈંડાઓમાંથી બચ્ચાં નીકળે, માદાઓ તેનો ઉછેર કરે અને તે રીતે કચ્છમાં ઘોરાડની વસ્તી ફરી વધે.
કોર્ટે એવી પણ ટકોર કરી કે કંપનીઓએ પણ વન્યજીવોના સંરક્ષણની જવાબદારી સ્વીકારવી પડશે.
અરજદારોને શું ચિંતા છે?

ઇમેજ સ્રોત, The Corbett Foundation
ઘોરાડ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી પર્યાવરણવાદીઓ ખુશ તો છે પરંતુ છતાં તેમને કેટલીક ચિંતા સતાવી રહી છે.
આ મામલા સાથે જોડાયેલા 82 વર્ષના નવીન બાપતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "હું 13 વર્ષથી લડતો આવ્યો છું પરંતુ કોઈ દાદ આપતું ન હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી આપ્યું છે તેથી તેમને કરવું જ પડશે. મારી 82 વર્ષની જિંદગીમાં સારામાં સારો કોઈ દિવસ હોય તો આ ચુકાદો આવ્યો તે દિવસ છે."
રણજીતસિંહે પણ ચુકાદાને આવકાર્યો પરંતુ કહ્યું કે તેમના મનમાં કેટલાક સવાલો પણ છે.
તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, "અમે જે માગ્યું હતું તે બધું સુપ્રીમ કોર્ટે આપ્યું નથી. પરંતુ આ એક સારો ચુકાદો છે પરંતુ મને ચિંતા એ વાતની છે કે સરકાર આ ચુકાદાનો અમલ કરશે કે નહીં? કેટલાંક વર્ષો પહેલાંના હુકમનો અમલ કરવામાં નહોતો આવ્યો. આ દેશમાં કાયદાનું રાજ હોવું જોઈએ અને સરકારે સબંધકર્તાઓને આદેશ કરવો પડશે કે તેમણે આ ચુકાદાનું પાલન કરવાનું છે."
આ ઉપરાંત તેમણે કહ્યું, "આ ચુકાદાનું પાલન કરવા માટે સમયગાળો પણ આપવામાં આવ્યો છે. પરંતુ કોર્ટે ચુકાદાના અમલીકરણની દેખરેખ માટે કોઈ સ્વતંત્ર ઑથોરિટીની નિમણૂક કરી નથી જે કોર્ટને અમલીકરણ બાબતે રિપોર્ટ કરતી રહે. વીજલાઇનોને બે વર્ષની અંદર જ જમીનની નીચે દાટીને પસાર કરવામાં આવે અને તેનું કામ તુરંત ચાલુ થવું જોઈએ તેવો હુકમ છે. જો એમ ન થાય તો કોર્ટના ચુકાદાનો ખરા અર્થમાં અમલ થશે નહીં."
રણજિતસિંહનું કહેવું છે, "જો આ ચુકાદાનો અમલ થશે તો ઘોરાડ કદાચ વિલુપ્તીમાંથી બચી જશે. પરંતુ તેટલું પૂરતું નથી."
"આપણે ઘોરાડને આ રીતે જીવતા રાખવા માંગીએ છીએ કે તેમની વસ્તી સાતત્યપૂર્ણ બની જાય. સંવર્ધનકેન્દ્રોમાં ઘોરાડનાં 56 બચ્ચાં છે તે બહુ સારી વાત છે. તે એક પ્રકારે વિલુપ્તી સામેની વીમા પૉલિસી જેવું છે."
"લક્ષ્ય તો તેમને વગડામાં ફરી સ્થાપિત કરવાનું છે. તો તેમને ક્યાં છોડી શકાશે? તે જ વિસ્તારોમાં જ્યાં વીજલાઇનો તેમનાં મોતનું કારણ બની રહી છે? પોટૅન્શિયલ એરિયા તેના માટે નક્કી કરવામાં આવ્યો હતો. શું આપણે ઇચ્છીએ છીએ કે આખું રણ કોઇ એક મોટા સોલાર પાર્ક કે વિન્ડફાર્મમાં પરિવર્તિત થઇ જાય?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












