ગુજરાતના વનવિભાગે 456 જાતિનાં 18 લાખ પક્ષીઓની ગણતરી કેવી રીતે કરી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2024ની સમાપ્તિ થઈ ગઈ છે અને નવું વર્ષ 2025 આવી ગયું છે. ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે ગત 2023-24માં ગુજરાતમાં કેટલાં પક્ષીઓ છે અને સૌથી વધારે પક્ષીઓ કયા જિલ્લામાં નોંધાયાં છે.
ગુજરાત સરકારે જાહેર કરેલા 'બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ : 2023-24' અનુસાર ગુજરાતમાં 456 કરતાં વધારે પ્રજાતિનાં 18 લાખ કરતાં વધારે જળકાંઠાનાં પક્ષીઓ છે.
ગુજરાતમાં દેવભૂમિ દ્વારકામાં પક્ષીઓની સૌથી વધુ 456 પ્રજાતિ જોવા મળી છે, જ્યારે કચ્છના રણવિસ્તારમાં રાજ્યના સૌથી વધુ 4.56 લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં છે.
રામસર સાઇટ્સ નળસરોવરમાં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં છે.
આ ગણતરીમાં કેટલાંક નામશેષ થવાના આરે ઊભેલાં પક્ષીઓની પણ નોંધ લેવાઈ છે. તેમજ પક્ષીઓની ગણતરી માટે કેવાં કેવાં સંસાધનોનો ઉપયોગ કરાયો એ પણ જાણવું રસપ્રદ છે.
આ અહેવાલમાં એ જાણીએ કે ગુજરાતમાં પક્ષીઓની ગણતરી કેવી રીતે કરાઈ અને સરકારના રિપોર્ટમાં શું છે.
ગુજરાતમાં જોવા મળેલા નામશેષ થવાને આરે આવેલાં પક્ષીઓ

ઇમેજ સ્રોત, Getty Images
બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના પ્રમુખ બકુલ ત્રિવેદીએ આપેલી માહિતી મુજબ, ગીધની સંખ્યા ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2001માં ગીર ફાઉન્ડેશન ગણતરી અનુસાર ગુજરાતમાં ગીધની સંખ્યા 2135 હતી. વર્ષ 2021ની ગણતરી અનુસાર 283 જ રહી છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે "નોન-સ્ટીરોઇડલ ઍન્ટિ ઇમ્ફલેમેટરી ડ્રગ એ વલ્ચર માટે ઝેરી છે. ગીધને બચાવવા માટે ટોક્સિસિટી ફૉર વલ્ચર ડ્રગ્સ માર્કેટમાં ન આવે તે માટેનાં પગલાં લેવાં ખૂબ જ જરૂરી છે. આ જ પ્રકારે કચ્છના ઘોરડ પક્ષીની સંખ્યા પણ મૃતપ્રાય હાલતમાં જ બચી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "અભયારણ્ય અને રામસર સાઇટ્સ પર વનવિભાગના કાયદાનું પાલન કરવામાં આવે છે. પરંતુ બીજાં અન્ય કારણસર ગુજરાતમાં પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે."
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટિવ ઑફિસર (વાઇલ્ડ લાઇફ) નિત્યાનંદ શ્રીવાસ્તવે લુપ્ત થતાં પક્ષીઓના સંવર્ધન અંગે જણાવ્યું કે "કચ્છ જિલ્લામાં (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) ઘોરાડ પક્ષી ગુજરાતમાં ત્રણ (માદા) જ બચ્યાં છે. ઘોરાડના સંરક્ષણ માટે સરકાર દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે.
ગુજરાત , મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં પક્ષીઓ આપવા અંગેનો સરકારનો પ્રોજેક્ટ છે. ત્યારબાદ ગુજરાતમાં પણ ઘોરાડ પક્ષીનું બ્રીડિંગ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો હવાલો આપતા તેઓ કહે છે કે ઘોરાડ પક્ષીનું રાજસ્થાનના જેસલમેરમાં બ્રીડિંગ કરીને સંખ્યા વધારવા પર કામ કરાઈ રહ્યું છે. જેસલમેરમાં ઘોરાડ પક્ષીની 40 ઉપરાંતની સંખ્યા અન્ય રાજ્યોને આપવામાં આવશે.
"તેમજ લેસર ફ્લોરિકન પક્ષીની સંખ્યા ઘટી રહી છે. તેના સંરક્ષણ માટે ભાવનગરના વેળાવદરમાં લેસર ફ્લોરિકન પક્ષીનું બ્રીડિંગનો કરવા અંગેનો પ્રોજ્કટ ચાલી રહ્યો છે."
બર્ડ ડાયર્વર્સિટી રિપોર્ટમાં શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બર્ડ ડાયર્વર્સિટી રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં લુહાર બતક (Lesser flamingo), કાલીપૂંછ ગડેરા (black tailed godwit), ચોટીલી પેણ (Dalmatian pelican) અને અન્ય એમ કુલ પક્ષીની 13 જાતિ એવી છે જેમનું અસ્તિત્વ જોખમ નજીક છે.
તેમજ રાખોડી કારચિયા (Common Pochard) જેવી અન્ય કુલ ચાર પક્ષીની પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયેલું, સાત પ્રજાતિનાં પક્ષીઓ સંવેદન સ્થિતિમાં છે. જ્યારે યલો બસ્ટર્ડ બંટિંગ (yellow breasted bunting) પક્ષીની પ્રજાતિનું અસ્તિત્વ ગંભીર રીતે જોખમમાં છે.
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટિવ ઑફિસર (વાઇલ્ડ લાઇફ) નિત્યાનંદ શ્રીવાસ્તવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "પક્ષી ગણતરીના રિપોર્ટ અંગે અમે પૃથક્કરણ કરી રહ્યા છીએ. વધારે પક્ષીઓ નોંધાયેલી જગ્યાઓને રામસર સાઇટ્સ તરીકે જાહેર કરવા અંગે પ્લાનિંગ કરાઈ રહ્યું છે. રામસર સાઇટ્સ પર પક્ષીઓના સંરક્ષણ માટે કડક નિયમોનું પાલન કરાઈ રહ્યું છે."
બર્ડ ડાયર્વર્સિટી રિપોર્ટ અંગેની પ્રેસ-રિલીઝમાં વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે 'રાજ્યમાં અંદાજે 18થી 20 લાખ પક્ષીઓની સંખ્યા સાથે ગુજરાત પક્ષીઓનું સ્વર્ગ છે. કચ્છના રણથી લઈને લીલાછમ ગીર ઉદ્યાન સુધીના લેન્ડસ્કેપ સ્પ્રેક્ટ્રમમાં છે. કચ્છના રણમાં હજારો ફ્લેમિંગો આગમન કરે છે. ગુજરાતમાં નળસરોવર, નડાબેટ, બોરિયાબેટ, થોળ વગેરે સ્થળો પર 50 હજાર કરતાં વધુ પક્ષીઓ આવે છે. જેમાં સ્થાનિક તેમજ વિદેશી યાયાવર પક્ષીઓનાં હોટસ્પૉટ તરીકે જાણીતાં છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં યાયાવર બાર-હેડેડ હંસ આવે છે. આ પક્ષીઓ ઠંડીથી બચવા માટે 7000 મીટરથી વધુ ઊંચાઈએ હિમાલય પરથી ઊડીને ગુજરાતને તેમનું હંગામી આશ્રયસ્થાન બનાવે છે. જામનગરની આબોહવામાં માર્શ ફ્લેમિંગો પેલિકન અને ક્રેન્સને આવકારે છે. ગુજરાતના દરિયાકિનારે મેન્ગ્રોવ ઇકૉસિસ્ટમ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ માટે અનુરૂપ વાતાવરણ છે.'
રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં પક્ષીઓની કોઈ નવી પ્રજાતિ જોવા મળી નથી.
ગુજરાતમાં પક્ષીઓની ગણતરી કેવી રીતે કરવામાં આવી?

ઇમેજ સ્રોત, Getty Images
પક્ષીઓની ગણતરી આંતરરાષ્ટ્રીય ઍપ્લિકેશન ઇ-બર્ડ પર કરવામાં આવી હતી. ઇ-બર્ડ ઍપ્લિકેશન પર વનવિભાગનું આઇડી બનાવવામાં આવ્યું હતું.
પક્ષી ગણતરી માટે વનવિભાગના કર્મચારીઓની સાથે પક્ષી નિરીક્ષકો પણ જોડાયા હતા. ઇ-બર્ડ ઍપ્લિકેશનનું આઇડી પાસવર્ડ પક્ષી નિરીક્ષક સ્વયંસેવકો સાથે શૅર કરવામાં આવ્યું હતું.
નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે "જળકાંઠાનાં પક્ષીઓની ગણતરી જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં કરાઈ હતી. પક્ષી ગણતરી શનિ અને રવિવારે સવાર અને સાંજના સમયે કરવામાં આવી હતી. પક્ષી નિરીક્ષકો ઍપ્લિકેશનમાં ડેટા ઍન્ટ્રી કરે એટલે તરત જ જીપીએસના આધારે કરન્ટ લોકેશન પણ સેવ થઈ જાય. આ ઍપ્લિકેશન પર ડેટા ભેગો કરવામાં આવ્યો છે."
પક્ષી ગણતરી અંગે વાત કરતાં નિવૃત્ત મુખ્ય વનસંરક્ષક ઉદય વોરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં જળકાંઠાનાં પક્ષીઓની ગણતરી માટે જાન્યુઆરી મહિનાનું ત્રીજું અને ચોથું અઠવાડિયું ઉત્તમ માનવામાં આવે છે. મીડ વિન્ટર વોટર બર્ડ સેન્સેસ તરીકે ઓળખાય છે."
"જળકાંઠાના પક્ષીઓની ગણતરી કરવા માટે વિશ્વભરમાં એક સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે. જળકાંઠાનાં પક્ષીઓ ઝડપથી ઊડી જતાં નથી. જેથી તેમને દૂરથી દુરબીનથી જોઈને બ્લૉક કાઉન્ટ કરવામાં આવે છે. એક ફીલ્ડમાં કેટલાં પક્ષી આવ્યાં તેની ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ કેટલા ફીલ્ડ થાય તેની ગણતરી કરવામાં આવે છે. આ ગણતરીમાં 5થી 10 ટકા વેરિયેશન જોવા મળે ત્યાં સુધી ચાલે છે."
નળસરોવર કે થોળ જેવા વિસ્તારમાં ગણતરી કરવા માટે તે વિસ્તારને બ્લૉકમાં વહેંચવામાં આવે છે. દા.ત., પક્ષી ગણતરી માટે નળસરોવરને 28 બ્લૉકમાં વહેચ્યું હતું.
પક્ષીઓની ગણતરીમાં કોણ કોણ જોડાયા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
ઇ-બર્ડ વેબસાઇટ પર પક્ષીઓની ઍન્ટ્રી કરવામાં આવે છે. ઇ-બર્ડ ઍપ્લિકેશન અંગે વાત કરતાં ઉદય વોરાએ જણાવ્યું હતું કે "ઇ-બર્ડ એ યુએસ કોર્નલ લૅબની ઍપ્લિકેશન છે. આ ઍપમાં કોઈ પણ વ્યક્તિ લોગ-ઇન કરી શકે છે. તેમજ તેઓ કોઈ નવું પક્ષી જુએ તો ફોટો પાડીને તેની ઍન્ટ્રી કરી શકે છે. આ ઍપમાં ચેક લિસ્ટ હોય છે. જેમ કે કોઈ દુલર્ભ પક્ષીની ઍન્ટ્રી કરવામાં આવી તો તે અંગેના પુરાવા માગવામાં આવે છે. કોઈ જગ્યા પર વધારે પક્ષીનો આંકડો લખવામાં આવે તો તે અંગે પણ પુરાવા માગે છે. આ ઍપમાં રીવ્યુઅર રાખવામાં આવ્યા છે. આ ઍપની મર્યાદા છે કે રીવ્યુઅર મર્યાદિત રાખવામાં આવેલા છે."
વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં પક્ષી નિરીક્ષકો, પક્ષીવિદ્દો, વિવિધ સંસ્થાઓ, યુનિવર્સિટીઝના સહયોગથી ડેટા તૈયાર કરાયો છે, જેને ઇ-બર્ડ વેબસાઇટ પર નોંધવામાં આવ્યો છે.
બર્ડ સર્વે જાન્યુઆરી મહિનાની 27 અને 28 તારીખે 2000 કરતાં વધુ પક્ષીઓ હોય તેવી વોટર બોડી અને ફેબ્રુઆરી 3 અને 4 રામસર સાઇટ પર સર્વે કરવામાં આવ્યો હતો.
પક્ષી ગણતરી પહેલા સ્વયંસેવકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઇ-બર્ડ વેબસાઇટ પર 350 ચેક લિસ્ટ આપવામાં આવેલાં છે. પક્ષીઓને ત્રણ કૅટેગરી સ્થાનિક, સ્થળાંતરિત અને અનઆઇડેન્ટીફાઇ કૅટેગરીમાં નોંધણી કરવામાં આવી છે.
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટિવ ઑફિસર (વાઇલ્ડ લાઇફ) નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે "પક્ષીઓના સંરક્ષણ અંગે કામ અલગઅલગ પ્રોજક્ટ પર કામ કરીએ છીએ. જેમ કે ગીધ સેફ ઝોન બનાવવા અંગે અમે ગંભીર છીએ. તેમજ પ્રતિબંધિત ડ્રગ્સનો ઉપયોગ ન થાય તે અંગે અમે ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ સાથે સંકલન કરીએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












