પાકિસ્તાનની ચાર-ચાર ટૅન્ક ઉડાવી દેનારા 21 વર્ષના ભારતીય જવાન અરુણ ખેતરપાલની કહાણી

ઇમેજ સ્રોત, Mukesh Khetarpal
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
તેમની સેન્ચુરિયન ટૅન્કનું નામ જરા નિરાળું હતું... ફામાગુસ્તા, જે સાયપ્રસના એક બંદર પરથી રાખવામાં આવ્યું હતું. ટૅન્કની અંદરની સાંકડી જગ્યામાં બેઠેલા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની નજર તેમની સામે સળગી રહેલી પાકિસ્તાનની ટૅન્કો પર મંડાયેલી હતી. તેમાંની મોટા ભાગની ટૅન્કો આગળ જવાની સ્થિતિમાં નહોતી.
અરુણની પોતાની ટૅન્કમાં પણ આગ લાગી હતી, છતાં તે ફાયર કરવા સક્ષમ હતી. ખેતરપાલની ગરદનની નસ ઝડપથી ધબકી રહી હતી. તે વિચારી રહ્યા હતા કે, નિકટ આવી રહેલી ટૅન્ક પર જો તેઓ 75 ગજના અંતરેથી ધાર્યું નિશાન લગાવશે, તો તેમણે નેસ્તનાબૂદ કરેલી ટૅન્કોની સંખ્યા પાંચ થઈ જશે.
અરુણે તેમનો રેડિયો સેટ ઑફ કરી દીધો, કારણ કે, પાછળથી તેમના કમાન્ડરે તેમને આદેશ આપ્યો હતો, "અરુણ, પાછો ફર!" અચાનક જ સીટી જેવો અવાજ કાઢતો એક શેલ અરુણની ટૅન્કની નાની છતને ભેદીને નીકળી ગયો. સેકન્ડના સોમા ભાગમાં, અરુણને જાણ પણ ન થઈ કે, શેલથી તેમની છાતી વીંધાઈ ગઈ હતી.
લોહીમાં લથબથ અરુણ ખેતરપાલ તેમના ગનર નથુ સિંહને માત્ર આટલું કહી શક્યા, "હું બહાર નહીં નીકળી શકું." નથુએ સળગતી ટૅન્કમાંથી અરુણને બહાર ખેંચી કાઢવા માટે પૂરું જોર લગાવ્યું. ગણતરીની ક્ષણોમાં અરુણનું શરીર ઢળી પડ્યું. પેટમાં થયેલો ઘાવ એટલો ઊંડો હતો કે, આંતરડાં બહાર નીકળી આવ્યાં હતાં.
સૈનિક પરિવારમાં જન્મ

ઇમેજ સ્રોત, Mukesh Khetarpal
સમય હતો, સવારના 10:15 વાગ્યાનો. તારીખ હતી 16મી ડિસેમ્બર, 1971. માત્ર 21 વર્ષની વયના અરુણ ખેતરપાલ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા.
છ ફૂટ, બે ઈંચ ઊંચા અરુણ ખેતરપાલનો જન્મ સૈનિક પરિવારમાં થયો હતો. તેમના દાદા પ્રથમ વિશ્વ યુદ્ધ લડ્યા હતા, તો પિતા દ્વિતીય વિશ્વ યુદ્ધ અને 1965નું યુદ્ધ લડી ચૂક્યા હતા. આમ, આગેવાની અને જવાબદારીના ગુણો તેમણે ઘણી નાની વયે આત્મસાત્ કર્યા હતા.
અરુણના નાના ભાઈ મુકેશ ખેતરપાલ જણાવે છે, "અરુણ મારા કરતાં એક વર્ષ મોટો હતો. અમે દિલ્હીની સેન્ટ કોલમ્બસ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને કારપૂલિંગથી સ્કૂલે જતા હતા. એક દિવસ અમારી કાર અમને લેવા માટે ન આવી. હું તે સમયે છ વર્ષનો હતો. અરુણે મને કહ્યું કે, આપણે ચાલીને ઘરે જતા રહીએ. અમે બંને ભાઈઓએ ગોલ ડાકખાનાથી સાંગલી મેસ સુધીનો અઢી માઈલનો રસ્તો પગપાળા કાપ્યો. અમે ઘણા નાના હતા. થોડી વાર પછી હું થાકી ગયો અને રડવા માંડ્યો."
"અરુણ મને હિંમત આપતો રહ્યો... તેને પણ એટલી જ ફિકર થઈ રહી હતી, પણ તે મને બતાવતો નહોતો. તે મને કહેતો રહ્યો... બસ થોડે જ આગળ જવાનું છે. એ પછી તેણે મારી ભારે સ્કૂલ બૅગ તેના ખભે ઉઠાવી લીધી. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે ઘરે પહોંચ્યા, ત્યારે અરુણ અમારી માતાને વળગી પડ્યો અને જોર-જોરથી રડવા લાગ્યો. પણ આખા રસ્તે તેણે તેની ચિંતા મને કળાવા ન દીધી. તે ફક્ત સાત વર્ષનો જ હતો." એટલું જ નહીં, અરુણમાં ભલમનસાઈ અને અનુકંપાની લાગણી પણ ભારોભાર હતી.
ગરીબ છોકરાને સ્વેટર આપી દીધું

ઇમેજ સ્રોત, Mukesh Khetarpal
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અરુણ ખેતરપાલ પર પુસ્તક લખનારાં રચના બિશ્ત કહે છે, "એક દિવસ શિલોંગમાં, અરુણ સ્વેટર પહેર્યા વિના શાળાએથી પરત ફર્યા. જ્યારે તેમની માતાએ પૂછ્યું કે, સ્વેટર ક્યાં છે, ત્યારે અરુણ ખોટું બોલ્યા કે, સ્વેટર ખોવાઈ ગયું. પછીથી ખબર પડી કે, તેમણે માર્ગ પર બેઠેલા એક ગરીબ છોકરાને સ્વેટર આપી દીધું હતું. "
"આગળ જતાં અરુણના નાના ભાઈ મુકેશનો આઈઆઈટી દિલ્હી ખાતે તે છોકરા સાથે ભેટો થઈ ગયો. તે છોકરાને યાદ હતું કે, કેવી રીતે અરુણે પોતે પહેરેલું સ્વેટર કાઢીને તેને આપી દીધું હતું."
1971માં યુદ્ધનાં વાદળો ઘેરાઈ રહ્યાં હતાં, તે સમયે અહમદનગરમાં યંગ ઑફિસર્સ કોર્સ કરી રહેલા લશ્કરના અધિકારીઓને કોર્સની અધવચ્ચેથી બોલાવીને તેમની રેજિમેન્ટમાં મોકલવાનો નિર્ણય લેવાયો. તે અધિકારીઓમાં અરુણ ખેતરપાલ પણ હતા.
તેઓ અને તેમના એક સાથી સેકન્ડ લેફ્ટનન્ટ બ્રિજેન્દ્ર સિંહ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યા વિના દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં આગળની ટ્રેન આવવાને હજી વાર હોવાથી અરુણ પાસે થોડો સમય બચ્યો હતો.
તેમણે તરત જ બ્રેક વેનમાંથી પોતાની મોટરસાઈકલ ઉતરાવીને ઘર તરફ હંકારી મૂકી. મુકેશ યાદો વાગોળતાં કહે છે, "અચાનક જ ડોરબૅલ વાગી અને અમે અરુણને તેની મોટરસાઈકલ સાથે ઊભેલો જોયો. સાંજે તે પંજાબ મેઈલમાં ફ્રન્ટ જવા માટે રવાના થઈ ગયો. તે તેનો સામાન પૅક કરી રહ્યો હતો, તે સમયે અમે જોયું કે, સામાનમાં એક વાદળી રંગનો સૂટ અને ગોલ્ફ સ્ટિક પણ હતાં. "
"મારા પિતાજીએ પૂછ્યું, 'તું આ બધું શું કામ લઈ જઈ રહ્યો છે?' અરુણે જવાબ આપ્યો, 'હું લાહોરમાં ગોલ્ફ રમીશ. અને જીત બાદ ડિનર પાર્ટી તો હશે જ... એટલે હું આ સૂટ લઈ જઈ રહ્યો છું.'"
અરુણ ફ્રન્ટ પર પહોંચ્યા, તે સમયે તેમના કમાન્ડર હનુત સિંહે તેમને યુદ્ધમાં સામેલ થવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો, કારણ કે, અરુણે હજી તેમનો યંગ ઑફિસર્સ કોર્સ પૂરો કર્યો ન હતો. અરુણે તેમને સમજાવ્યા કે, જો તેમને આ યુદ્ધમાં લડવા નહીં દેવાય, તો તેમને જીવનમાં ભાગ્યે જ યુદ્ધમાં સામેલ થવાનો મોકો મળશે.
અરુણે પાકિસ્તાનની એક પછી એક ચાર ટેન્કો ઉડાવી દીધી

કર્નલ હનુત સિંહ મહામુશ્કેલીએ અરુણને યુદ્ધમાં આગળ મોકલવા સંમત થયા.
તેમણે તેમની સાથે વરિષ્ઠ અને અનુભવી સૂબેદાર રાખ્યા અને અરુણને તમામ બાબતોમાં સૂબેદારની સલાહ લેવાની સૂચના આપી. પરંતુ, કાર્યવાહી શરૂ થયાના એક કલાકમાં જ તે સૂબેદારના માથામાં બુલેટ વાગી અને તેઓ શહીદ થઈ ગયા. હવે અરુણ બિલકુલ એકલા હતા.
16મી ડિસેમ્બરે, પૂના હોર્સની મહાકાય ટૅન્કો કતારબંધ આગળ વધી રહી હતી. દરેક ટૅન્ક તેની આગળની ટૅન્કના પાછળના ભાગે સિગરેટના સળગતા છેડા જેવડી રેલાતી લાલ રંગની લાઈટ પરથી તેનો અંદાજો લગાવતી હતી.
વળી, આ લાઈટ પણ જમીન પર પડતી હતી, જેથી પાકિસ્તાની ટૅન્કો અને લડાકુ વિમાનો તેમનો અણસાર ન મેળવી શકે.
સૂચનાઓ સ્પષ્ટ હતી. તેમણે 1,500 ચોરસ ગજનો વિસ્તાર પાર કરવાનો હતો, જેમાં સુરંગ બિછાવાઈ હતી. હજુ થોડી વાર પહેલાં જ 16 મદ્રાસના કમાન્ડિંગ ઑફિસરે કોઈ મોટો હુમલો કરવા માટે પાકિસ્તાની ટૅન્કો તૈનાત કરવામાં આવી રહી હોવાના ખબર મોકલાવ્યા હતા.
જો ભારતીય ટૅન્કો સમયસર ન પહોંચી હોત, તો પાકિસ્તાનની ટૅન્કોને અટકાવવું મુશ્કેલ થઈ પડ્યું હોત. કર્નલ એસ. એસ. ચીમાને તે દૃશ્ય હજુ અદ્દલ યાદ છે... જાણે કાલની જ વાત હોય.
ચીમા કહે છે, "પાકિસ્તાને વળતો હુમલો શરૂ કર્યો, તે સાથે 17 હોર્સના બી સ્ક્વોડ્રનના કમાન્ડરે પાછળથી વધુ ટૅન્કો મોકલવા માગણી કરી. કેપ્ટન મલ્હોત્રા, લેફ્ટનન્ટ અહલાવત અને સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલને બી સ્ક્વોડ્રનની મદદે રવાના કરવામાં આવ્યા. ગણતરીની મિનિટોમાં જ તેમણે પાકિસ્તાનની સાત ટૅન્કોનો ખાત્મો બોલાવી દીધો. એ પછી અહલાવતની ટૅન્ક શેલ લાગવાથી સળગી ઊઠી. તે પછી તરત જ ખેતરપાલની ટૅન્ક પર ગોળો વાગ્યો. કેપ્ટન મલ્હોત્રાએ અરુણને ટૅન્ક છોડીને બહાર નીકળી આવવા આદેશ કર્યો, પણ ખેતરપાલ પર આદેશની કોઈ અસર ન થઈ."
"તેમણે પીછેહઠ કરી રહેલી પાકિસ્તાની ટૅન્કનો પીછો કરીને તેને નષ્ટ કરી દીધી. બરાબર તે જ સમયે પાકિસ્તાનની અન્ય કેટલીક ટૅન્ક ત્યાં આવી પહોંચી. મલ્હોત્રા કહેતા રહ્યા, અરુણ, બહાર આવી જા. ટૅન્ક છોડી દે. પણ અરુણનો જવાબ હતો, 'મારી ગન હજુ કામ કરી રહી છે. આઈ વિલ ગેટ ઈટ...' તે પછી, ખેતરપાલ રેડિયો પર ન આવ્યા. તેમણે ઈરાદાપૂર્વક રેડિયો સેટ બંધ કરી દીધો. આ દરમિયાન, મલ્હોત્રાની ટૅન્ક પણ અટકી પડી. અરુણને લાગ્યું કે, હવે હુમલો અટકાવવાની જવાબદારી તેમના શિરે છે."
તે પછી અરુણે પાકિસ્તાનની એક પછી એક ચાર ટૅન્કો ઉડાવી દીધી. અમુક ગજના અંતરેથી આ યુદ્ધ જોઈ રહેલા કર્નલ એસ. એસ. ચીમા કહે છે, "અરુણે જે છેલ્લી ટૅન્ક પર નિશાન તાક્યું, તે પાકિસ્તાનના સ્ક્વોડ્રન કમાન્ડરની હતી. ખેતરપાલે તે ટૅન્ક પર નિશાન તાક્યું અને તે ટૅન્કે પણ ખેતરપાલની ટૅન્ક પર ફાયરિંગ કર્યું. પાકિસ્તાનનો કમાન્ડર બહાર કૂદીને ભાગી ગયો, પણ અરુણ તેમની ટૅન્કમાંથી બહાર ન નીકળી શક્યા અને ત્યાં જ અંતિમ શ્વાસ લીધા."
ભારતના સર્વોચ્ચ વીરતા સન્માન પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Mukesh Khetarpal
એક પણ પાકિસ્તાની ટૅન્ક અરુણ ખેતરપાલની ટૅન્કને પાર ન કરી શકી. ખેતરપાલને તેમના આ શૌર્ય બદલ ભારતના સર્વોચ્ચ વીરતા સન્માન પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા. અરુણના પિતા બ્રિગેડિયર ખેતરપાલ શેવ કરી રહ્યા હતા, તે સમયે ઘરની ડોરબેલ વાગી. પત્નીના કદમ દરવાજા તરફ જતા તેમને સંભળાયા. નાનો પુત્ર મુકેશ કૉલેજ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી તેઓ સતત રેડિયો સાંભળતા રહેતા હતા. તેઓ જાણતા હતા કે, 16મી ડિસેમ્બરના રોજ બસંતરમાં ભીષણ ટૅન્ક યુદ્ધ લડાયું હતું. અરુણના પરિવારને તે દિવસે ચિંતાના કારણે ગળા નીચે કોળિયો નહોતો ઊતર્યો.
તેઓ જાણતા હતા કે, અરુણની રેજિમેન્ટ ત્યાં લડી રહી છે... પણ તે સમય વીતી ગયો હતો અને હવે તેઓ અરુણ આવે તેની રાહ જોઈ રહ્યા હતા. તેમણે અરુણની મોટરસાઈકલની સર્વિસ પણ કરાવી દીધી હતી અને તેના રૂમની સાફ-સફાઈ પણ થઈ ગઈ હતી.
ઘરનો દરવાજો ખૂલ્યો, તે સાથે તેમના કાને વાતચીતના અવાજો અથડાયા અને હજુ તો આક્રંદ સંભળાય, તે પહેલાં તેઓ હકીકત પામી ગયા. શેવિંગ કરતા તેમના હાથ થોભી ગયા. તેઓ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં ટપાલી ઊભો હતો. તેમના પત્ની મહેશ્વરી ખેતરપાલ જમીન પર ફસડાઈ પડ્યાં હતાં.
તેમના હાથમાં રહેલા ટેલિગ્રામમાં લખ્યું હતું, "અત્યંત શોક સાથે આપને જણાવવામાં આવે છે કે, આપના પુત્ર IC 25067, સેકન્ડ લેફ્ટનન્ટ ખેતરપાલ 16મી ડિસેમ્બરના રોજ થયેલી લડાઈમાં માર્યા ગયા છે. અમારી સંવેદનાઓ આપની સાથે છે."
'આપના પુત્ર મારા હાથે માર્યા ગયા હતા'

ત્રીસ વર્ષ પછી અરુણના પિતા બ્રિગેડિયર એમ. એસ. ખેતરપાલને અચાનક જ પાકિસ્તાન ખાતેના તેમના જન્મસ્થળ સરગોધાની મુલાકાત લેવાનો વિચાર આવ્યો. તે સમયે તેમની વય 81 વર્ષની હતી.
મુકેશ અગરવાલ કહે છે, "તેઓ લાહોર પહોંચ્યા, ત્યારે પાકિસ્તાનના બ્રિગેડિયરે તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું અને તેમને પોતાના નિવાસસ્થાને આવવા અને પોતાની સાથે રહેવા માટે આગ્રહ કર્યો. બ્રિગેડિયર અને તેમના સમગ્ર પરિવારે બ્રિગેડિયર એમ. એસ. ખેતરપાલની પ્રેમપૂર્વક સરભરા કરી, જે જોઈને બ્રિગેડિયર ખેતરપાલ ગદગદ્ થઈ ગયા. સાથે જ તેમને એવું લાગ્યા કરતું હતું કે, પાકિસ્તાની બ્રિગેડિયર તેમને કશુંક કહેવા માગતા હતા."
"ખેતરપાલ રવાના થવાના હતા, તેના આગલા દિવસે, રાત્રે ડિનર બાદ બ્રિગેડિયર નાસર તેમની પાસે આવ્યા અને કહ્યું, 'સર, મારા હૃદયમાં એક વાત ધરબાયેલી છે, જે હું તમને કહેવા માગું છું. હું ઘણાં વર્ષોથી આ વાત તમને કહેવા માગતો હતો, પણ હું નહોતો જાણતો કે તમારા સુધી કેવી રીતે પહોંચું. "
"મેં તમામ આશાઓ છોડી દીધી હતી, પણ ત્યારે જ ભાગ્યએ મારો સાથ દીધો અને તમને અહીં મહેમાન તરીકે મોકલ્યા. આટલા ઓછા સમયમાં આપણે ઘણા નિકટ આવી ગયા અને તેના લીધે મારા માટે આ વાત કહેવી વધારે મુશ્કેલ બની છે. "

ઇમેજ સ્રોત, Mukesh Khetarpal
"આ વાત તમારા પુત્ર, અરુણ ખેતરપાલ વિશે છે. તેમને તમારા દેશના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર, પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા છે. 16મી ડિસેમ્બર, 1971ની સવારે આપના પુત્ર અને હું આમને-સામને પોતપોતાના દેશ માટે લડી રહ્યા હતા. મારે અત્યંત દુઃખ સાથે તમને જણાવવું પડે છે કે, આપના પુત્ર મારા હાથે માર્યા ગયા હતા. યુદ્ધભૂમિ પર અરુણની શૂરવીરતા પ્રેરણાદાયક હતી."
"તેમણે પોતાની જાનની પરવા કર્યા વિના હિંમતપૂર્વક અમને લડત આપી. બંને બાજુએ ઘણા લોકો માર્યા ગયા હતા. અંતમાં, માત્ર હું અને અરુણ જ બચ્યા હતા. અમે એકી સમયે એકબીજા પર નિશાન તાક્યું... મારું નસીબ કે હું બચી ગયો અને અરુણે આ દુનિયામાંથી વિદાય લેવી પડી. પછીથી મને માલૂમ પડ્યું કે તે કેટલી નાની વયના હતા. હું આપના પુત્રને સલામ કરું છું અને આપને સલામ કરું છું, કારણ કે, આપના ઉછેર વિના તેઓ આટલા બહાદુર ન બની શક્યા હોત."

ઇમેજ સ્રોત, Mukesh Khetarpal
બ્રિગેડિયર ખેતરપાલ ભારત પરત ફર્યા, ત્યારે તેમને તેમનો અને બ્રિગેડિયર નાસરનો ફોટોગ્રાફ મળ્યો, જેની પાછળ લખ્યું હતું: 16 ડિસેમ્બર, 1971ના રોજ 13 લાન્સર્સના વળતા હુમલા દરમિયાન વિજય અને પરાજયની વચ્ચે એક ચટ્ટાનની માફક ઊભેલા શહીદ અરુણ ખેતરપાલ પરમવીર ચક્રના પિતા બ્રિગેડિયર ખેતરપાલને અત્યંત આદર સાથે.
ખ્વાજા મોહમ્મદ નાસર બીજી માર્ચ, 2001, લાહોર
16 ડિસેમ્બર, 1971ના રોજ અરુણ ખેતરપાલ સાથે ટૅન્કમાં બેઠેલા રિસાલદાર મેજર નથુ સિંહ નાગપુરના એક ગામમાં રહે છે. નથુ સિંહ કહે છે, "બીજા લોકો અરુણને ભૂલી ચૂક્યા છે, પણ હું કદી તેમને ભૂલી નહીં શકું. ખેતરપાલ સાહેબ આજે પણ મારા સપનામાં આવે છે. મારી આસપાસ મને ટેન્કો સળગતી દેખાય છે. તેઓ મારી પાછળ ઊભા રહીને મને કહે છે, 'ઓન ટૅન્ક નથુ, ફાયર...' પછી હું ફાયર કરું છું. તેઓ અત્યંત શૂરવીર હતા. અન્ય લોકો કદાચ તેમને ભૂલી ગયા હશે, પણ હું જ્યાં સુધી શ્વાસ લઈશ, ત્યાં સુધી તેઓ મારા સપનામાં આવતા રહેશે. મારા માટે તેઓ કદી મૃત્યુ પામશે નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












