મણિપુર હિંસામાં નિશાન બનનારાં મહિલાઓ-ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી ન્યૂઝ, ઇમ્ફાલથી
બે મહિનાથી વધુનો સમય થઈ ગયો. પણ કુકી મહિલા મેરી (નામ બદલવામાં આવ્યું છે) પોલીસમાં ફરિયાદ નોંધાવવાની હિંમત એકઠી ન કરી શક્યાં.
તેમની 18 વર્ષની દીકરીનું તેમના ઘર બહારથી અપહરણ કરી લેવાયું. આરોપ છે કે તેમની સાથે આખી રાત સામૂહિક બળાત્કાર થયો. અને બીજા દિવસે સવારે ખરાબ રીતે ઘાયલ હાલતમાં તેમને દરવાજા પર છોડી દેવાયાં.
જ્યારે હું રાહતશિબિરની બહાર મેરીને મળી આવ્યાં તો તેમણે મને કહ્યું "હુમલાખોરોએ મારી દીકરીને ધમકી આપી હતી કે જો તેણે કોઈને આ અંગે કહ્યું તો તેને મારી નાખવામાં આવશે."
મે મહિનામાં જ્યારથી મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતીય હિંસા ભડકી છે, મેરી રાહત શિબિરમાં રહે છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 130 લોકોનો જીવ ગયો છે. અને 60 હજારથી વધુ લોકો પોતાનાં ઘરોથી વિસ્થાપિત થઈ ગયા છે.
પણ ગયા અઠવાડિયે કઈંક એવું થયું કે જેણે બધું જ બદલી નાખ્યું.
બે કુકી મહિલાઓને ટોળા દ્વારા નિર્વસ્ત્ર કરીને દોડાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો.
આ ઘટના સામે વ્યાપક આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ચારેય તરફ તેની ટીકા કરવામાં આવી હતી. ત્યાર બાદ છ લોકોની ધરપકડ કરાઈ જેમાં એક સગીર પણ છે.
ન્યાયની આશામાં મેરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "મેં વિચાર્યું કે જો હજી પણ મેં આ ન કર્યું તો મને બીજી તક નહીં મળે. હું હંમેશાં અફસોસ કરીશ કે મારી દીકરીના હુમલાખોરોને સજા અપાવવા માટે મેં કોશિશ ન કરી."

જ્યારે ટોળાએ ઘેરી લીધી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
19 વર્ષનાં ચિન હજી પણ ડરેલાં છે કે તેમની સાથે પણ એવી ઘટના ઘટી શકે છે. ચિન કહે છે કે તેઓ અને તેમનાં મિત્ર નર્સિંગનો અભ્યાસ કરી રહ્યાં છે અને જે હૉસ્ટેલમાં તેઓ રહેતાં હતાં, ત્યાં તેમને કુકી હોવાના કારણે નિશાન બનાવીને તેમના પર હુમલો કરાયો.
તેમણે કહ્યું, "જે રૂમમાં અમે સંતાયાં હતાં, ટોળું સતત તેનો દરવાજો ખખડાવી રહ્યું હતું. અને બૂમો પાડી રહ્યું હતું કે તમારા માણસોએ અમારી મહિલાઓ પર બળાત્કાર કર્યો. હવે અમે પણ તમારી સાથે એવું જ કરીશું."
રમખાણો અને હિંસાની આવી ઘટનાઓ વચ્ચે અન્ય સમુદાયને નીચું બતાવવા માટે તની મહિલાઓને ક્રૂરતાથી શારિરિક અને જાતીય હિંસાનો શિકાર બનાવાતી રહી છે.
એવું લાગે છે કે કુકી પુરુષો દ્વારા મૈતેઈ મહિલાઓ સાથેના જાતીય સતામણીના કેટલાક અપ્રમાણિત સમાચારોના કારણે મૈતેઈ પુરુષોનું ટોળું ચિન અને તેમનાં મિત્રોની સામે આક્રોશિત હતું.
ચિને કહ્યું "ડરના કારણે મારી સ્થિતિ ખરાબ હતી. અને મે મમ્મીને ફોન કરીને કહ્યું કે મારી હત્યા થઈ શકે છે."
"બની શકે કે તમારી સાથે મારી આ છેલ્લી વાતચીત હોય. તેની ગણતરીની મિનિટોમાં જ ચિન અને તેમનાં મિત્રોને ખેંચીને બહાર કાઢવામાં આવ્યાં. રસ્તા પર ઘસેડવામાં આવ્યાં. અને બેભાન હાલતમાં માર મારવામાં આવ્યો."
તેઓ કહે છે કે, "કોઈ કારણસર અમે બચી ગયાં. કારણ કે ટોળાને લાગ્યું કે અમે મૃત્યુ પામ્યાં છીએ."
તેઓ હૉસ્પિટલમાં ભાનમાં આવ્યાં જ્યાં તેમને કહેવાયું કે પોલીસે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યાં છે.

ઇજ્જત અને શરમ

રાજ્યમાં જાતીય સંઘર્ષ ભડક્યા બાદ અવિશ્વાસની ખીણ વધુ ઊંડી થઈ રહી છે. પણ એક વાત સમાન છે અને એ છે મહિલાઓ વિરુદ્ધ હિંસા.
હવે મણિપુરમાં મિશ્રિત વસ્તીવાળા વિસ્તારો નથી બચ્યા. મોટાભાગના ઈસાઈ કુકી લોકો પહાડો પર રહે છે અને મોટા ભાગના હિન્દુ મૈતેઈ મેદાનોમાં રહે છે.
સેના અને રાજ્ય પોલીસના ચૅક પોઇન્ટ સિવાય બન્ને સમુદાયોએ પોતાના ગામની સરહદ પર અસ્થાયી બેરિકૅડ લગાવી દીધા છે.
રાત્રે ઘર્ષણના સમાચારો આવે છે. અને સાંજ થતાં જ કર્ફ્યુ લાદી દેવામાં આવે છે. જ્યારથી હિંસા શરૂ થઈ છે ત્યારથી ઇન્ટરનેટ બંધ છે. આ પરિસ્થિતિ અઢી મહિનાથી યથાવત્ છે.
આ તમામ તણાવ અને સંઘર્ષ વચ્ચે બે મહિલાઓના વાયરલ વીડિયો સામે રોષને કારણે લોકો એક થયા છે.
આ ઘટનાની ટીકા માટે કુકી અને મૈતેઈ બન્ને સમુદાયની મહિલાઓએ પ્રદર્શનોનું આયોજન કર્યું છે.
મણિપુરમાં જૂની પરંપરા રહી છે કે સમાનતાના અધિકારોનાં આંદોલનોમાં મહિલાઓની પણ આગળ પડતી રહે છે.

મીરા પૈબિસ (મહિલા મશાલધારી) જેમને ઈમાસ અથવા મદર્સ ઑફ મણિપુરના નામે ઓળખાય છે.
આ મૈતેઈ મહિલાઓનું એક શક્તિશાળી સંગઠન છે જેણે રાજ્યમાં અત્યાચાર અને માનવાધિકાર ઉલ્લંઘનના કેસો સામે દૃઢતાથી અવાજ ઉઠાવ્યો છે.
સિનામ સુઅર્નલતા લીમા નેંગપોક સેકમાઈ બ્લાકના ગામમાં મીરા પૈબિસની આગેવાની કરે છે.
આ એ જ વિસ્તાર છે જ્યાં ટોળાના હુમલાનો વાયરલ વીડિયો શૂટ કરાયો હતો. અને હુમલાખોરો પણ અહીંના જ હતા.
લીમા કહે છે કે તેમણે જેવો આ વીડિયો જોયો ગ્રામજનોએ પોતે જ મુખ્ય આરોપીને પોલીસને સોંપી દીધો.
ત્યાર બાદ બ્લૉકની મીરા પૈબિસ ભેગી થઈ અને તેનું ઘર સળગાવી દીધું.
લીમા કહે છે કે, "આગ લગાવવી એક પ્રતીક છે કે (મૈતેઈ) સમુદાય એ માણસોએ કરેલા જઘન્ય ગુનાની ટીકા કરે છે. અને તેમનું કૃત્ય આખા મૈતેઈ સમુદાયને બદનામ ન કરી શકે."
ઘર સળગાવ્યા બાદ આરોપીનાં પત્ની અને ત્રણ બાળકોને પણ ગામની બહાર ધકેલી દેવાયાં.

એવો એક સમાજ જ્યાં મહિલાનું અતિશય સન્માન છે તે સમાજમાં એક ટોળું આવું કેવી રીતે કરી શકે?
લીમા કહે છે "આ મૈતેઈ મહિલાઓ માટે એક દર્દ અને બદલાની કાર્યવાહી હતી. જેના પર કુકી પુરુષોએ હુમલો કર્યો."
જોકે, તેઓ અંગત રીતે આવા કોઈ પણ હુમલા અંગે નથી જાણતાં પણ જાતીય હિંસાની પીડિતાઓ પર સામાજિક શરમના કારણે મૈતેઈ મહિલાઓના મૌનને તે જવાબદાર ગણાવે છે.
જ્યારથી હિંસા શરૂ થઈ છે. ત્યારથી અત્યાર સુધીમાં મૈતેઈ મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાના કોઈ પણ સમાચારોને પોલીસે ફગાવ્યા છે.
મૈતેઈ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠન કોકોમીના પ્રવક્તા ખુરૈજામ અથાઉબાએ આરોપ લગાવ્યો કે 'ઘણા બધા હુમલા થયા છે, પણ તેના સમાચાર સામે નથી આવ્યા'.
તેઓ કહે છે કે, "અમારી મહિલાઓ જાહેરમાં પોતાની સાથે થયેલા અત્યાચાર અંગે વાત કરીને અથવા તો પોલીસમાં ફરિયાદ દાખલ કરીને પોતાના સન્માન સાથે સમજૂતી નથી કરવાં માગતી."
તેમના અનુસાર સંઘર્ષના કારણે થયેલી હત્યાઓ અને વિસ્થાપનના મુદ્દા કેન્દ્રમાં રહેવા જોઈએ.

ન્યાય

વાયરલ વીડિયોમાં દેખાતી એક મહિલાના ભાઈનું દુ:ખ અનેક ગણુ વધારે છે. ટોળાએ તેમની બહેનને નિર્વસ્ત્ર કરી અને તેમની સાથે જાતીય સતામણી કરી. ત્યાર બાદ તેમના પિતા અને નાના ભાઈને મારી નાખ્યા.
તેઓ અને તેમનાં માતા કોઈ રીતે બચી ગયાં કારણ કે પાડોશના ગામમાં તેઓ પોતાના સંબંધીને ત્યાં હતાં.
જ્યારે હિંસા શરૂ થઈ તો તેઓ ત્યાં ફસાઈ ગયાં. એ 23 વર્ષના યુવાનને જ્યારે હું એક સંબંધીના ઘરે નાના રૂમમાં મળી તો મોટે ભાગે તેમનો ચહેરો ભાવશૂન્ય હતો.

મેં પૂછ્યું કે સરકાર કે પોલીસ પાસેથી શું ઇચ્છે છે?

યુવાનનો જવાબ હતો "એ ટોળાના દરેક શખ્સની ધરપકડ કરો. ખાસ કરીને એમની જેમણે મારા પિતા અને ભાઈને મારી નાખ્યા. અને બન્ને સમુદાયો સાથે નિષ્પક્ષ થઈને વર્તન કરો."
બન્ને સમુદાયોમાંથી જે લોકોને અમે મળ્યા, એવુ લાગ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં તેમનો વિશ્વાસ ઘટ્યો છે.
વિપક્ષી પાર્ટીઓએ કાર્યવાહીની માગ કરી છે. સંસદની કાર્યવાહીને રોકી દીધી અને આખા દેશમાં પ્રદર્શન તથા રેલીઓનું આયોજન કરાઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી બીરેન સિંહ મૈતેઈ સમુદાયમાંથી આવે છે.
તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે ‘આરોપીને કડકમાં કડક સજા, જેમાં મૃત્યુની સજા’ પણ સામેલ છે તે મળશે.
પણ જ્યારે તેમને પૂછાયું કે હિંસાનો અંત લાવવામાં નિષ્ફળ રહેવા બદલ તેઓ ક્યારે રાજીનામું આપશે ત્યારે તેમણે કહ્યું "હું આ બધામાં પડવા નથી માગતો. મારું કામ છે રાજ્યમાં શાંતિ લાવવી અને હિંસા કરનારાને સજા અપાવવી."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મણિપુર અંગે પોતાનું મૌન ત્યારે તોડ્યું જ્યારે બે મહિલાઓના વીડિયોએ મોટા પ્રમાણમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો.
પણ લીમા માટે વડા પ્રધાનના નિવેદનથી તેમના સમુદાયની છબિ ખરાબ થઈ છે.
તે કહે છે, "વડા પ્રધાન ત્યારે બોલ્યા જ્યારે કુકી મહિલાઓ પર હુમલો થયો. એ બધાંનું શું જેનો અમે લોકો સામનો કરી રહ્યાં છીએ."
"શું અમે મેતૈઈ મહિલાઓ ભારતનાં નાગરિકો નથી? આ વીડિયોએ મણિપુર હિંસાને પ્રકાશમાં લાવી દીધી છે."
ગ્રેસી હાઓકિપ એક રિસર્ચ સ્કૉલર છે. અને નર્સિંગનાં વિદ્યાર્થી ચિન સહિત હિંસાનાં પીડિતાની મદદ કરી રહ્યાં છે.

ગ્રેસી કહે છે "જો આ વીડિયો સામે ન આવ્યો હોત તો અમને સરકાર અને અન્ય રાજકીય પક્ષો તરફથી આટલું મહત્ત્વ ન મળ્યું હોત."
તે કહે છે કે આનાથી એ પીડિતોની મદદ થશે જેઓ પોતાના જીવનને સંભાળવાના પ્રયત્નો કરતાં-કરતાં પોતાના અનુભવોની વાત કરવાની હિંમત કરી શક્યાં.
ચિને પોતાના સમુદાયોની મહિલાઓ વચ્ચે આપેલા પોતાના ભાષણ અંગે મને કહ્યું. તેમણે લોકોને કહ્યું કે જેમણે પોતાના વિસ્તારનાં એક બીજા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યો છે તે કહે છે કે "મારાં માતાએ મને કહ્યું કે ઇશ્વરે કોઈ કારણથી મને જીવતી બચાવી છે. તેના માટે મેં તપ કર્યું છે કે મારાં સપનાં અધૂરાં નહીં છોડું."














