પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડનને જે ગ્રીન ડાયમંડ આપ્યો તે શું છે અને તે કેવી રીતે બને છે?

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પીએમ મોદીએ ફર્સ્ટ લેડી ઑફ અમેરિકા જિલ બાઇડનને 7.5 કૅરેટનો ઇકૉ-ફ્રેન્ડ્લી ડાયમંડ ભેટમાં આપ્યો
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી અને તેમને કેટલી ભેટ-સોગાદો આપી. જેમાં સૌથી ચર્ચામાં છે ગ્રીન ડાયમંડ. પીએમ મોદીએ ફર્સ્ટ લેડી ઑફ અમેરિકા જિલ બાઇડનને 7.5 કૅરેટનો ઇકૉ-ફ્રેન્ડ્લી ડાયમંડ ભેટમાં આપ્યો.

પીએમ મોદીએ જે હીરો ભેટમાં આપ્યો છે કે કિંમતી છે. આ હીરો એડવાન્સ ટેકનૉલૉજીથી બનાવવામાં આવ્યો છે. તેને બનાવવામાં રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે? તે કેવી રીતે બને છે? તેમાં શું ખાસ હોય છે અને તે સામાન્ય ડાયમંડથી કેવી રીતે અલગ પડે છે? આ બધા વિશે અમે હીરા ઉદ્યોગના જાણકારો સાથે વાત કરી.

આ એક લૅબમાં બનેલો હીરો છે, પણ તે હીરો પૃથ્વી પરથી ખોદેલા હીરા જેવા જ કેમિકલ અને ઑપ્ટિકલ ગુણધર્મો ધરાવે છે.

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?
પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

શ્રીમતિ બાઇડનને ભેટમાં આપવામાં આવેલો ડાયમંડ કોણે બનાવ્યો છે?

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

ઇમેજ સ્રોત, Mukesh Patel

ઇમેજ કૅપ્શન, સુરત ખાતે આવેલી ડાયમંડ કંપની ગ્રીનલૅબના માલિક મુકેશ પટેલ પીએમ મોદી સાથે

પીએમ મોદીએ જે ડાયમંડ અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડનને ભેટમાં આપ્યો છે તે સુરતમાં બન્યો છે. સુરત હીરા ઉદ્યોગનું હબ મનાય છે.

અહીં વિશ્વના દર 11 કટ-પૉલિશ કરેલા હીરા પૈકીના 9 હીરા સુરતમાં કટ-પૉલિશ થાય છે.

સુરતની ગ્રીનલૅબ નામની કંપનીમાં આ ડાયમંડ બન્યો છે. ગ્રીન લૅબના માલિક છે મુકેશ પટેલ.

ગ્રીનલૅબની સ્થાપના 1960માં થઈ હતી. હાલ આ કંપની લૅબ ગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. લૅબ ગ્રોન ડાયમંડ બનાવવાના યુનિટમાં તેણે 25 મેગાવૉટનો સોલર પ્લાન્ટ પણ નાખ્યો છે. આ સોલર પ્લાન્ટ 90 એકર જમીનમાં પથરાયેલો છે.

ગ્રીનલૅબમાં 2000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. દર મહિને અહીં 1.25 લાખ કૅરેટ ડાયમંડ કલ્ટિવેશનનું કામ થાય છે.

મુકેશ પટેલના પુત્ર સ્મિત પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે, "આ ડાયમંડ અમારી કંપનીએ નથી બનાવ્યો, પરંતુ આ ડાયમંડ ભારતના તમામ ડાયમંડ ઉદ્યોગકારો તરફથી ભેટમાં આપવામાં આવ્યો છે."

સ્મિત પટેલ કહે છે, “આ હીરાની કોઈ વૅલ્યૂ નથી પણ સુરતમાં જે લૅબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઊભરી રહી છે, તેનું આ પ્રતીક છે.”

ગ્રીનલૅબનું ટર્ન-ઓવર 1000 કરોડ રૂપિયાનું છે. તે ડાયમંડ કટ-પૉલિશ કરવા સિવાય લૅબ ગ્રોન ડાયમંડ પણ બનાવે છે અને સાથે જ્વેલરી પણ.

1000 કરોડના ટર્ન-ઓવરમાં મહદંશે નિકાસ વધુ છે.

શું છે લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ?

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ શ્રીમતિ બાઇડનને, જે ડાયમંડ ભેટમાં આપ્યો છે, તે એવી ટેકનૉલૉજીથી બનાવવામાં આવ્યો છે, જે પ્રતિ કૅરેટ માત્ર 0.028 ગ્રામ કાર્બન ઉત્સર્જીત કરે છે. જે માનવામાં આવે છે કે પર્યાવરણને અનુકૂળ છે કારણકે તેના નિર્માણમાં સૌર અને પવન ઊર્જા જેવા સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ હીરાને જૅમોલૉજિકલ લૅબ, IGI દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે. તે કટ, કલર, કૅરેટ અને ક્લેરિટીની બાબતમાં ઉત્કૃષ્ટતાની ઓળખ સમાન છે.

આ હીરો લૅબમાં બનેલો હીરો છે. તે કુદરતી હીરા જેવો જ દેખાય છે. લૅબમાં ઉચ્ચ તાપમાન અને દબાણ વચ્ચે તે પેદા થાય છે. તે ફિઝિકલી, કેમિકલી અને ઑપ્ટિકલી કુદરતી હીરા જેવો જ દેખાય છે. લૅબમાં બનેલા હીરાને પ્રાકૃતિક હીરાથી અલગ પાડવા મુશ્કેલ છે.

હીરા ઉદ્યોગના જાણકારો આમ તો કહે છે કે ભેટમાં આપેલી સોગાદનું મૂલ્ય આંકવામાં નથી આવતું છતાં પણ આ હીરાની કિંમત અંદાજીત 17 હજાર ડૉલર એટલે કે 15 લાખ રૂપિયા થાય છે. જો 7.5 કૅરેટનો પ્રાકૃતિક ડાયમંડ ખરીદવો હોય તો તેની કિંમત 5 કરોડ રૂપિયાની આસપાસ થાય છે.

7.5 કૅરેટના લૅબ ગ્રોન ડાયમંડને બનાવવામાં 40 દિવસનો સમય લાગે છે.

સુરત ખાતેના હીરા ઉદ્યોગકારોનું કહેવું છે કે, આજકલ લૅબમાં બનેલા હીરાની પણ માગ છે. અને તેનો ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે. જેને લૅબ ગ્રોન ડાયમન્ડ્સ કહેવાય છે. જેને કૃત્રિમ હીરા તરીકે ઓળખવામાં આવે છે. આ હીરા દેખાવમાં બિલકુલ અસલી કુદરતી હીરા જેવા જ હોય છે.

જેમ આપણે ખાંડના ડબ્બામાં ખાંડ દબાવીને ભરીએ છીએ તેમ તેમાં કાર્બનના અનેક અણુ જોડવામાં આવે છે. ત્યારે તે કૃત્રિમ હીરો બને છે.

પહેલાં અમેરિકન ડાયમન્ડ, ક્યૂબિક ઝિક્રોનિયા, મોઝોનાઇટ, સફેદ પોખરાજ અને વાયએજી એ નકલી ડાયમંડની ગરજ સારતા હતા. પણ તેમની ચમક અને ઓળખ પ્રાકૃતિક હીરાથી અલગ પડતી હતી. પણ લૅબમાં બનેલા હીરા પ્રાકૃતિક હીરાથી અલગ પાડવા મુશ્કેલ છે.

આમ તો લૅબમાં ડાયમંડ બનાવવાની ઘણી રીત છે, પણ તેમાં એક સામાન્ય એ છે કે તેને ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન આપીને બનાવવામાં આવે છે. જેને HPHT મૅથડ કહેવાય છે.

જેમાં દબાણ 7.30 લાખ પ્રેશર પર સ્ક્વેર ઇંચ એટલે કે પીએસઆઈ રાખવામાં આવે છે અને જ્યારે તાપમાન અંદાજે 1500 ડિગ્રી સેલ્સિયસ હોય છે.

સામાન્ય રીતે ગ્રૅફાઇટનો ડાયમંડ સીડ્સ તરીકે ઉપયોગ થાય છે. તેને 1500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ખાસ પદ્ધતિ મારફતે ડાયમંડમાં પરિવર્તિત કરવામાં આવે છે.

બીજી પદ્ઘતિ કેમિકલ વેપર ડિપૉઝિશન એટલે કે CVD તરીકે પણ ઓળખાય છે.

આ પદ્ધતિમાં 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને દબાણે મિથેન તથા હાઇડ્રોજનને ગ્રોથ ચૅમ્બરમાં દાખલ કરાય છે ત્યાં તેને માઇક્રોવેવ, લેસર કે ઇલેક્ટ્રૉન બીમ વગેરે દ્વારા આયોનાઇઝ કરવામાં આવે છે.

અહીં હાઇડ્રોકાર્બન વાયુ અને મિથેનમાં રહેલો કાર્બન હીરામાં રૂપાંતરિત થાય છે. ઉપરાંત ઍક્સપ્લોઝિવ ફૉર્મેશન પદ્ઘતિનો ઉપયોગ કરીને પણ લૅબ ડાયમંડ બનાવાય છે, જે ડિટોનેશન નૅનોડાયમંડ બનાવવામાં વપરાય છે.

આ પદ્ધતિનો ઉપયોગ નૅનો-ડાયમંડ પાઉડર પૉલિશિંગનાં સાધનો બનાવવા માટે પણ થાય છે.

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

શું લૅબમાં બનેલો ડાયમંડ પ્રાકૃતિક ડાયમંડ કરતા સસ્તો હોય છે?

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

જાણકારો કહે છે કે ભવિષ્યમાં પ્રાકૃતિક ડાયમંડના ઉદ્યોગને આ લૅબમાં બનેલા હીરાનો ઉદ્યોગ આકાશને આંબી શકે છે.

સુરત ડાયમંડ ઍસોશિયેશનના સેક્રેટરી દામજીભાઈ માવાણી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે કે, “ભારતમાં જો લૅબ ડાયમંડનો ઉદ્યોગ ફૂલેફાલે તો સુરતના હીરાઉદ્યોગને તો ફાયદો જ થવાનો છે. કારણકે લૅબ ડાયમંડ પ્રાકૃતિક ડાયમંડ કરતાં ત્રીજા ભાગની કિંમતે મળે છે. એટલે જે વર્ગ પ્રાકૃતિક ડાયમંડ ખરીદી શકતો નથી તે લૅબ ડાયમંડ ખરીદશે અને સરવાળે ભારતના હીરાઉદ્યોગને તેનો ફાયદો થશે.”

શું લૅબમાં બનતા હીરા પ્રાકૃતિક હીરા કરતાં સસ્તા હોય છે? તો જવાબ છે, હા. કૃત્રિમ હીરા પ્રાકૃતિક હીરા કરતાં 33 ટકા સસ્તા હોય છે પણ તેની રિસેલ વૅલ્યૂ નથી હોતી.

શું તેની અસર પ્રાકૃતિક ડાયમંડ માર્કેટ પર થશે કે કેમ? તેવા સવાલના જવાબમાં દામજીભાઈ કહે છે કે, “મોંઘા ડાયમંડની ખરીદશક્તિ ધરાવતો વર્ગ જ અલગ છે. પણ જો આપણે લૅબમાં બનેલા સસ્તા ડાયમંડને પ્રોત્સાહન આપવાને કારણે જે વર્ગને પ્રાકૃતિક ડાયમંડ પોસાતો નથી, તે વર્ગ પણ આ લૅબ ડાયમંડ ખરીદી શકશે અને તેને કારણે ભારતનો ડાયમંડનો ધંધો વધશે અને સરવાળે ફાયદો થશે.”

જોકે જાણકારો અનુસાર બજેટમાં કરાયેલી જાહેરાત બાદ જો લૅબમાં બનતા હીરા ભારતમાં બનવા લાગશે તો તેની કિંમતમાં હજુ ઘટાડો થઈ શકે છે.

જોકે કેટલાક તેનાથી વિપરીત નિવેદન પણ આપી રહ્યા છે.

કેટલાક હીરાના વેપારીઓનું માનવું છે કે માત્ર લૅબ ડાયમંડને પ્રોત્સાહન આપવાથી પ્રાકૃતિક ડાયમંડ ઉદ્યોગને અસર પડી શકે છે.

હીરાઉદ્યોગના નિકાસકાર કીર્તિ શાહ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "લૅબ ડાયમંડની રિસેલ વેલ્યૂ નથી. તેથી ભલે તે સસ્તા હોય પણ પ્રાકૃતિક હીરાની સરખામણી ક્યારેય નહીં કરી શકે."

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

શું કહેવું છે સુરતના હીરા ઉદ્યોગકારોનું?

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી સુરતની કંપની હરિકૃષ્ણ ઍક્સ્પૉર્ટ્સના સ્થાપક અને ચૅરમૅન સવજીભાઈ ધોળકિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "પીએમ મોદીએ શ્રીમતી બાઇડનને ગ્રીન ડાયમંડ આપીને સુરતના હીરા ઉદ્યોગનું ગૌરવ વધાર્યું છે."

સવજીભાઈ ધોળકિયા કહે છે, “લૅબ ગ્રોન ડાયમંડ હીરા ઉદ્યોગનું ભવિષ્ય છે. પહેલા હીરાનો કાચો માલ (રફ હીરા) આયાત કરવો પડતો હતો. પરંતુ લૅબ ગ્રોન ડાયમંડ હવે ભારતમાં જ બનશે અને તેથી તેનો ફાયદો દેશના અર્થતંત્રને થશે.”

સવજીભાઈ ધોળકિયા ઉમેરે છે, “સુરતમાં ઘણા ઉદ્યોગકારો હવે લૅબ ગ્રોન ડાયમંડ તરફ વળ્યા છે અને તેની માગ પણ વધી રહી છે.”

સુરત ડાયમંડ ઍસોસિયેશનના સેક્રેટરી દામજીભાઈ માવાણી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “જો સુરતના હીરા ઉદ્યોગકારો તેમના પ્રોસેસિંગ યુનિટમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરે તો સુરતના હીરામાં સુગંધ ભળે તેવું છે. આ પ્રકારના ગ્રીન ડાયમંડની વધતી માગને પૂરી પાડવામાં સુરતના હીરા ઉદ્યોગકારો સક્ષમ છે.”

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના કારોબારી સભ્ય દિનેશભાઈ નાવડિયા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “સુરતમાં હાલ જે CVD, એટલે કે કેમિકલ વેપોર ડેપૉઝિશન ટેકનૉલૉજીથી લૅબ ગ્રોન ડાયમંડ બને છે તે પૈકી કેટલાકે તેનું ઉત્પાદન કરવા માટે સૌર અને પવન ઊર્જાનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જેને કારણે પર્યાવરણને નુકસાન થતું નથી અને આ પ્રકારે પેદા થયેલા હીરા ઇકૉ-ફ્રેન્ડ્લી છે.”

હીરા ઉદ્યોગના જાણકારો એમ પણ કહે છે કે સુરતના હીરાને શ્રીમતી બાઇડનને ભેટમાં આપીને પીએમ મોદીએ ગુજરાતના લૅબ ગ્રોન હીરાને અમેરિકામાં વધુ લોકપ્રિય બનાવવાનું કામ કર્યું છે.

શ્રી રામકૃષ્ણ ઍક્સ્પૉર્ટ્સના ડિરેક્ટર જયંતિભાઈ નરોલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “પ્રાકૃતિક હીરામાં તે બ્લડ ડાયમંડ નથી, તેનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. જ્યારે કે લૅબ ગ્રોન ડાયમંડમાં આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવવાની જરૂરત નથી. વળી તેનું ઉત્પાદન અમર્યાદિત પ્રકારે કરી શકાય છે. તેની જો માગ વધે તો તેની કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે.”

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

‘ભારતમાં પેદા થએલા લૅબ ગ્રોન ડાયમંડની માગ વધશે’

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?

ઇમેજ સ્રોત, ANI

સુરતના હીરા ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે ભારતમાં લૅબમાં બનતા હીરાને પ્રોત્સાહન આપવાને કારણે ઘણો ફાયદો થશે.

તેમનું કહેવું છે કે વિશ્વમાં હવે સિન્થેટિક એટલે કે લૅબમાં બનેલા ડાયમંડની માગ જ્યારે વધી રહી છે ત્યારે હીરાઉદ્યોગના હબ એવા સુરતના હીરાઉદ્યોગકારોને ઘણો ફાયદો થશે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના કારોબારી સભ્ય દિનેશભાઈ નાવડિયા બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવે છે કે, “ભારતમાં લૅબમાં બનતા હીરાને પ્રોત્સાહન આપવાને કારણે સુરતના હીરાઉદ્યોગમાં વૅલ્યૂ એડિશન થશે.”

દિનેશભાઈ આગળ કહે છે કે, “પહેલાં આપણે ડાયમંડ કટ અને પૉલિશ તથા તેની જ્વેલરી બનાવતા હતા હવે આપણે લૅબ ડાયમંડ પણ બનાવીશું અને કટ-પૉલિશ પણ કરીશું અને જ્વેલરી પણ બનાવીશું.”

તેઓ આ ઉદ્યોગના લાભ અંગે જણાવતાં આગળ કહે છે કે, આપણી પાસે લેબર તૈયાર છે, હવે હીરાનું પ્રોડક્શન પણ થશે જેને કારણે દેશની નિકાસ વધશે.

દિનેશભાઈ વધુમાં ઉમેરે છે કે, “આપણે વર્ષે 24 બિલિયન ડૉલરનું પ્રાકૃતિક ડાયમંડનું ઍક્સ્પૉર્ટ કરીએ છીએ. જ્યારે કે લૅબમાં બનેલા ડાયમંડની નિકાસ માત્ર 1.25 બિલિયન ડૉલર છે. જો ભારતમાં આ પ્રકારે લૅબમાં ડાયમંડ પેદા થશે તો તેની નિકાસ ચાર બિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે.”

દિનેશભાઈ આ વર્ષના બજેટમાં સિન્થેટિક હીરા બનાવવા માટેના સીડ્સ પરની કસ્ટમ ડ્યૂટી હઠાવાના સરકારના પગલાને સરાહનીય ગણાવતા કહે છે કે, “આના કારણે ભારતમાં સિન્થેટિક ડાયમંડ બનાવનારાઓને ઘણો ફાયદો થશે.”

સુરતના હીરા ઉદ્યોગકારોનું એમ પણ કહેવું છે કે જે પ્રકારે વિશ્વમાં સિન્થેટિક ડાયમંડની માગ વધી રહી છે એ જોતાં ભારતના હીરાઉદ્યોગનું પ્રભુત્વ જાળવવા માટે લૅબમાં બનતા હીરાની આંતરમાળખાકીય સુવિધાઓ માટે સહાય આપવાની તાકીદની જરૂર છે.

દિનેશભાઈ લૅબ ગ્રોન ડાયમંડની નિકાસ વિશે વિગતો આપતા કહે છે, “હાલ ભારતથી 15 હજાર કરોડ રૂપિયાના લૅબ ગ્રોન ડાયમંડ કે તેમાંથી બનેલી જ્વેલરીની નિકાસ થાય છે. ડૉમેસ્ટિક માર્કેટ ઓછું છે પણ ભારતમાં જે પ્રકારે તેનું ઉત્પાદન જોરશોરથી શરૂ થયું છે, આવનારા દિવસોમાં સ્થાનિક માગ પણ નિકળશે અને સાથે નિકાસ પણ વધશે.”

સુરત ડાયમંડ ઍસોસિયેશનના સેક્રેટરી દામજીભાઈ માવાણી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે કે, “લૅબ ગ્રોન ડાયમંડ બનાવવા માટે આપણે સીડ્સની જરૂર પડે છે. આ સીડ્સ ચીનથી આયાત કરવામાં આવે છે. એટલે જો ભારતમાં આ સીડ્સ બને તો ભારતમાં લૅબ ડાયમંડ સસ્તા ભાવે તૈયાર થઈ શકે.”

દામજીભાઈ વધુમાં જણાવે છે કે, “લૅબ ડાયમંડ બે પ્રકારે બને છે. એક HPHT અને બીજું CVD પ્રકારે. જેમાં HPHT પ્રકારે બનતા સિન્થેટિક ડાયમંડના સીડ્સ ચીનથી આયાત કરવામાં આવે છે. સીવીડી ભારતમાં બને છે. એટલે જો HPHT પ્રકારે બનતા સિન્થેટિક ડાયમંડ પણ જો ભારતમાં બને તો આપણે ચીન પર નિર્ભર નહીં રહેવું પડે અને હીરા ઉદ્યોગકારોને પણ ફાયદો થાય અને ભારતનું વિદેશી હૂંડિયામણ પણ બચે.”

પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?
પીએમ મોદીએ જિલ બાઇડનને આપેલો લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે?