સુરત: ‘યુદ્ધના લીધે મારી નોકરી ગઈ’, રશિયા-યુક્રેન યુદ્ધે હીરાઉદ્યોગની નોકરીઓનો ભોગ લીધો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

“એક દિવસ અમને કંપનીના મૅનેજરે બોલાવ્યા અને પછી કહ્યું કે, સ્ટાફ ઓછો કરવાનો છે એટલે રાજીનામું આપી દો. ઘરમાં હું એક જ કમાનારી વ્યક્તિ છું. મારે પતિ નથી. બે બાળકો સ્કૂલમાં ભણે છે. ભાઈ વિકલાંગ છે. પિતા પણ નથી. માતાની પણ જવાબદારી મારા પર છે. ચાર-પાંચ મહિના પહેલાં મારી નોકરી જતી રહી. હવે નોકરીની શોધમાં છું.”

સુરતમાં ડાયમંડની એક કંપનીમાં અગાઉ કામ કરતાં મહિલાની આ વ્યથા છે. બીબીસી સાથેની વાતચીતમાં નામ ન જાહેર કરવાની શરતે તેઓ જણાવે છે કે કઈ રીતે હીરાઉદ્યોગમાં આવેલી મંદીએ તેમનાં જેવા સંખ્યાબંધ મહિલાઓને અસર કરી રહી છે.

સુરતના હીરાઉદ્યોગમાં આવેલી મંદીથી છેલ્લા કેટલાક સમયમાં એક જ મહિનામાં 20 હજારથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે. ચીનમાં કોરોના વાઇરસ પછી રશિયા-યુક્રેન યુદ્ધનું પરિબળ આ મંદી માટે વધુ અસરકર્તા રહ્યું હોવાનું મનાય છે.

અત્રે નોંધવું કે, વિશ્વમાં વેચાતા 90 ટકા હીરા ગુજરાતના દક્ષિણમાં આવેલા સુરત શહેરમાં ‘કટ અને પૉલિશ’ થાય છે. એનો અર્થ કે વિશ્વમાં વેચાતા કુલ હીરામાંથી 90 ટકા હીરા સુરતમાં તૈયાર થયેલા હોય છે. નિષ્ણાતો અનુસાર સુરતના હીરાઉદ્યોગનું કદ વાર્ષિક ત્રણ લાખ કરોડ રૂપિયાનું છે અને દેશની જીડીપીમાં તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

સુરતનો હીરાઉદ્યોગ લગભગ આઠ લાખથી વધુ લોકોને રોજગારી આપે છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 12-15 લાખ લોકોને સીધી રોજગારી આપે છે. ગુજરાતની અર્થવ્યવસ્થામાં હીરાઉદ્યોગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

ગ્રે લાઇન

‘યુદ્ધના લીધે હીરા વેચાઈ નથી રહ્યા’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નોકરી ગુમાવી ચૂકેલાં મહિલા રત્નકલાકાર બીબીસીને જણાવે છે કે, “હજારો લોકોને અત્યાર સુધી છૂટા કરી દેવાયા છે. હજુ પણ એ સિલસિલો ચાલુ જ છે. મંદી ચાલે છે. કહેવાય છે કે, યુદ્ધના લીધે શેઠ લોકોનો માલ વેચાઈ નથી રહ્યો એટલે સ્ટાફ ઘટાડવામાં આવી રહ્યો છે. રફનો ભાવ પણ વધી ગયો છે. કાચો માલ ઓછો આવે છે એટલે કામદારો ઓછા જોઈએ. જેમને બે-ત્રણ પ્રકારનાં કામ આવડે છે એમને રાખ્યા અને બાકીનાને છૂટા કરી દીધા.”

“છૂટા કરાયા ત્યારે કોઈ વળતર પણ નથી આપ્યું. જે પીએફ જમા થયું હોય એનાથી જ કામ ચલાવવું પડે છે. કેટલાય સમયથી નોકરી શોધું છું પણ મળી નથી રહી. કોશિશ ચાલુ છે.”

તેઓ આ સ્થિતિને કારણે જીવનમાં સર્જાયેલી મુશ્કેલીભરી પરિસ્થિતિ અંગે કહે છે કે, “મુશ્કેલી પડી રહી છે પરંતુ કોઈ વિકલ્પ નથી. જાતે કામ શીખી હતી અને નોકરી કરતી હતી. પણ હવે નોકરી નથી. કારખાનાવાળાએ કહ્યું હતું કે જ્યારે હીરા આવશે અને કામ હશે તો બોલાવીશું, પણ કેટલાય મહિનાથી બોલાવ્યા નથી. બધા રાહ જોઈ રહ્યા છીએ.”

સુરતના હીરાઉદ્યોગમાં મંદીની માઠી અસર વચ્ચે પરેશાની વેઠી રહેલાં મહિલા રત્નકલાકારે નામ ન જાણવવાની શરતે પોતાની વ્યથા વર્ણવી.

સુરતના હીરાઉદ્યોગમાં મંદીની માઠી અસરને કારણે મુશ્કેલી ભોગવી રહેલાં મહિલા રત્નકલાકાર પોતાનું નામ ન જણાવવા પાછળનું કારણ સમજાવતાં કહે છે કે, "જો કારખાનાવાળાને મનદુ:ખ થાય, તો તેઓ ફરીથી કામ પર નહીં બોલાવે. એટલે ઓળખ જાહેર નથી કરવી."

ગ્રે લાઇન

રશિયાની ‘અલરોસા’ કંપની પર અમેરિકાનો પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અહીં એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકાએ રશિયાની માઇનિંગ કંપની ‘અલરોસા’ પર પ્રતિબંધ લાદી દીધો હતો. યુક્રેન યુદ્ધમાં રશિયા સામેના આર્થિક પ્રતિબંધોના ભાગરૂપે આ નિષેધાત્મક કાર્યવાહી કરાઈ હતી.

'અલરોસા' કંપની કાચા હીરા (રફ ડાયમંડ)નું ઉત્પાદન કરતી વિશ્વની સૌથી મોટી કંપની છે. અલરોસાથી રફ ડાયમંડ ઍન્ટવર્પ મારફતે ભારત એટલે કે સુરતમાં આવતા હોય છે.

અહીં સુરતમાં આ કાચા હીરાનું કટિંગ અને પૉલિશ કરવામાં આવે છે. અહીં તેનું મૅન્યુફૅક્ચરિંગ થાય છે. સુરતમાં જે રફ ડાયમંડ આવે છે, તેમાંથી 30 ટકા રફ ડાયમંડ રશિયાની ખાણમાંથી આવતા હોય છે.

સધર્ન ગુજરાત ચૅમ્બર્સ ઑફ કૉમર્સના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ નાણાવટી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “રશિયા-યુક્રેન યુદ્ધના લીધે સમગ્ર વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપારને અસર થઈ છે. રશિયામાં કાચા હીરાની ખાણ ‘અલરોસા’ રફ ડાયમંડનું મોટું ઉત્પાદક છે. પહેલાં અમેરિકાએ એના પર પ્રતિબંધ લાદ્યો હતો અને હવે બેલ્જિયમ પણ એના પર પ્રતિબંધ લાદવાની દિશામાં આગળ વધી રહ્યું છે.”

પ્રતીકાત્મક તસવીર

‘દુકાનમાં રાખેલા હીરા કરતા શાંતિ મહત્ત્વની’

વોલોદિમીર ઝેલેન્સ્કી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભૂતકાળમાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ બેલ્જિયમની સંસદને સંબોધતી વખતે રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂકવા માગણી કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે દુકાનમાં રાખેલા હીરા કરતાં શાંતિ વધુ મહત્ત્વની છે.”

હીરાના વૈશ્વિક વેપાર માટે બેલ્જિયમનું ઍન્ટવર્પ હબ ગણાય છે. ઝૅલેન્સ્કીએ બેલ્જિયમની સંસદને વિનંતી કરી હતી કે ઍન્ટવર્પ રશિયન હીરાના વેપારથી દૂર રહે અને રશિયાથી આવતા હીરાના વેપાર પર પ્રતિબંધ લાદી દેવાય.

અમેરિકા બાદ બેલ્જિયમના પગલા વિશે ચિંતા વ્યક્ત કરતા પ્રવીણ નાણાવટી ઉમેરે છે, “જો આવું થશે તો હીરાનો 30 ટકા વેપાર ભાંગી પડશે. પહેલાંથી જ યુદ્ધના લીધે વેપારને અસર થઈ છે, એમાં જો બેલ્જિયમ પણ પ્રતિબંધ મૂકી દે છે, તો સ્થિતિ વધુ બગડશે. એની અસર રોજગારી પર પણ જોવા મળે છે. અલરોસા એક મોટું નામ છે અને એનો માલ બંધ થવો એની અસર તો થવી સ્વાભાવિક છે. હાલ એની અસરો જોવા મળી રહી છે.”

“ઍન્ટવર્પ બાદ હવે દુબઈ મારફતે પણ રફ હીરા આવે છે. ભારતમાં ખાસ કરીને સુરતમાં રશિયા, દક્ષિણ આફ્રિકા અને કૅનેડા તથા અન્ય જગ્યાએથી રફ હીરા આવતા હોય છે. એટલે રશિયન રફનો હિસ્સો મહત્ત્વનો છે. જોકે લૅબગ્રોન (સિન્થેટિક ડાયમંડ) વિકલ્પ તરીકે જોવામાં આવે છે. એટલે એના થકી બાકીનો વેપાર જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પણ આના લીધે રોકાણકારોમાં પણ શંકા અને ચિંતા છે એટલે મોટા ભાગનું રોકાણ બંધ છે.”

“અમેરિકાના રોકાણકારો-યુરોપના રોકાણકારો રોકાણ નથી કરી રહ્યા. તાજેતરમાં અલરોસાની ટીમ સુરત આવી હતી. ડાયમંડ બુર્સમાં ઑફિસ શરૂ કરવાની અટકળો વહેતી થઈ હતી.”

ગ્રે લાઇન

’100 ટકાની માગ સામે રફ ડાયમંડનો સપ્લાય માત્ર 71 ટકા’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, MANISH PANWALA

સુરત ડાયમંડ ઍસોસિયેશનના કારોબારી સભ્ય અને ગુજરાત જૅમ ઍન્ડ જ્વેલરી ઍક્સપૉર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચૅરમૅન દિનેશ નાવડિયાનું કહેવું છે કે રફ ડાયમંડની માગ સામે પુરવઠાની ઘટ સર્જાતા મુશ્કેલી સર્જાય એ સ્વાભાવિક છે.

બીબીસી સાથેની વાતચીતમાં દિનેશ નાવડિયા કહે છે, “ઍન્ટવર્પમાં વેપારીઓ સાથે મારી વાત થઈ છે. તેમનું કહેવું છે કે હજુ સુધી તેમને બેલ્જિયમ સરકારના પ્રતિબંધ વિશેની કોઈ સ્પષ્ટતા નથી મળી. અમેરિકાએ પહેલાં જ રશિયાની અલરોસા કંપની પર પ્રતિબંધ લાદી દીધો છે. 29 ટકા રફ અલરોસાથી આવતી હતી. ત્યાંથી મોટા ભાગે પાતળા હીરા આવતા હતા, જે માલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ જતો હતો. બેલ્જિયમ સરકારના પગલાંથી ચિંતાનો માહોલ છે.”

“બીજી બાજુ આફ્રિકાની ખાણોમાં ઉત્પાદન વધ્યું નથી. વધુમાં રશિયન રફ પાતળી હોવાથી તેમાં હીરાનો જથ્થો વધુ રહે છે. આમ 29 ટકા રફ બંધ હોય એનો અર્થ એ થાય કે 71 ટકા જ સપ્લાય છે. એટલે 100 ટકાની જરૂર સામે જો 71 ટકા માલ જ મળે તો એની અસર વેપાર પર થાય એ સ્વાભાવિક છે.”

તેઓ આ સ્થિતિને કારણે ઘરઆંગણે સર્જાઈ રહેલી કપરી પરિસ્થિતિ અને તેનાં પરિણામો અંગે જણાવતાં કહે છે કે, “આના લીધે કારખાનેદારને પણ અસર થાય. ઉદાહરણ તરીકે 100 માણસોના સ્ટાફ સાથે ચાલતા કારખાનેદારે માણસો ઘટાડવા પડે. એટલે વેપારનું પ્રમાણ ઘટે અને કામકાજ પણ ઘટે. અમેરિકાએ સ્પષ્ટ પ્રતિબંધ મૂક્યો છે કે રશિયાના ડાયમંડ ખરીદવા નહીં અને અલરોસા કંપની સાથેના તમામ વ્યવહારો પર પ્રતિબંધ છે.”

અલરોસા કંપની સુરતમાં સીધો વેપાર શરૂ કરવા માગતી હોવાની અટકળો વિશે પૂછતાં દિનેશ નાવડિયા જણાવે છે, “કંપની ભૂતકાળમાં જેની સાથે વેપાર કરતી હતી એની સાથે સંબંધો હોય એ સ્વાભાવિક છે. એટલે પ્રતિનિધિમંડળ મુલાકાત લેતું હોય છે. વળી હવે તો દરેક પ્રતિનિધિમંડળ સુરતના નવનિર્મિત ડાયમંડ બુર્સની અવશ્ય મુલાકાત લેતું હોય છે. એટલે અટકળોને સીધા વેપાર તરીકે ગણવું વધુ પડતું કહેવાશે.”

ગ્રે લાઇન

‘યુદ્ધ પછી 'અલરોસા'થી માલ આવવાનું મહદ્અંશે બંધ થયું’

પ્રતીકાત્મક તસવીર

બીબીસીએ સુરતમાં હીરાના એવા ઉદ્યોગપતિ સાથે પણ વાત કરવાની કોશિશ કરી જેઓ રશિયાની ‘અલરોસા’ કંપની પાસેથી કાચા હીરા મંગાવતા હતા.

સુરતમાં 'લક્ષ્મી ડાયમંડ' કંપનીના ચુનીભાઈ ગજેરાએ આ વિશે વાત કરી. જેમાં તેમણે જણાવ્યું કે, “અમે રશિયાથી રફ મંગાવતા હતા. અલરોસામાંથી અમારે ત્યાં રફ માલ આવતો હતો. પરંતુ યુદ્ધ પછી એ મહદંશે બંધ જ છે. રશિયાથી આવતા રફ હીરાનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. અમેરિકાએ સ્પષ્ટ પ્રતિબંધ લાદ્યો છે, જેથી રશિયાના હીરા અમેરિકી નાગરિકો ખરીદી શકતા નથી. એટલે જો રશિયાથી ભારત અને ખાસ સુરતમાં રફ ડાયમંડ આવે તો પણ એને તૈયાર કરીને કોને વેચવા એ એક પ્રશ્ન અને સમસ્યા છે. કેમ કે અમેરિકા તૈયાર હીરા વેચાવા માટેનું મોટું માર્કેટ છે.”

તેઓ વધુમાં કહે છે, “ચાઇના અને અમેરિકામાં તૈયાર ડાયમંડ વેચાય છે. આ બંને સારાં મોટાં માર્કેટ છે. યુરોપ પણ એક માર્કેટ છે. પરંતુ એમાં અમેરિકા સૌથી મહત્ત્વનું છે અને અમેરિકાએ પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે ઍન્ટવર્પ પર પહેલાં જેવો મદાર નથી છતાં બેલ્જિયમ પ્રતિબંધ મૂકે તો અસર થઈ શકે છે. હાલ રશિયાથી જેટલો માલ આવે છે તે સીધો આવે છે અને સરકારે જે રીતે ક્રૂડ ઑઇલ સૅક્ટરને રૂપીયા-રુબલમાં વેપારની છૂટ આપી છે, એ જ રીતે કામ ચાલે છે. પરંતુ એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.”

રોજગારી પર એની અસર વિશે જણાવતાં તેઓ ઉમેરે છે, “સપ્લાય ઓછો છે અને ડિમાન્ડ પણ ઓછી છે. અને રશિયાથી જે રફ માલ આવે છે એ મોંઘો છે. એની સાથે સાથે કંપનીમાં સ્ટાફનો ખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ એ બધું ધ્યાને લઈએ તો મોંઘું જ પડે. જેથી ડીટીસીની સાઇટો અને કૅનેડામાંથી જે માલ આવે છે એના પર જ કામ ચાલે છે. આ સમગ્ર સ્થિતિને લીધે સ્ટાફ ઘટાડવો પડે છે. જોકે જેટલો સ્ટાફ ઓછો થાય એ સ્ટાફને અન્ય બીજી જગ્યાએ કામ મળી જાય છે.”

ગ્રે લાઇન

કામદારો બેહાલ અને નિકાસમાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા, રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના પરિબળોથી સુરતના હીરા ઉદ્યોગને ગ્રહણ લાગી ગયું હોવાનું નિષ્ણાતો માને છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, યુદ્ધના લીધે પશ્ચિમી દેશોમાં એની જે અસર થઈ એના લીધે પણ તૈયાર માલ વેચવામાં સમસ્યા આવી રહી છે. જેને લીધે હીરાના કારખાનામાં કામ કરતા કામદારોની સ્થિતિ કફોડી બની છે.

સુરતમાં રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ બાલુભાઈ વેકરિયા બીબીસીને જણાવે છે કે, યુદ્ધ ચાલુ થયુ ત્યારથી અસર ચાલી રહી છે.

તેઓ કહે છે, “કામ ઓછું થઈ ગયું છે. વૅકેશન લાંબુ આપવામાં આવી રહ્યું છે. પહેલાં જેટલું કામ મળતું હતું એટલું હવે નથી મળી રહ્યું. 2-3 કલાકનું કામ ઓછું થઈ ગયું છે. મંદી ચાલી રહી છે. તદ્દન પડી નથી ભાંગ્યું પણ અસર ચોક્કસ થઈ છે. જેમણે નોકરીઓ ગુમાવી છે એમને બીજે કામ અપાવવાની કોશિશ ચાલુ છે.”

આંકડાકીય વાત લઈએ તો, જૅમ ઍન્ડ જ્વેલરી ઍક્સપૉર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) અનુસાર માર્ચ મહિનામાં કટ-પૉલિશ એવા તૈયાર હીરાની નિકાસમાં સતત ઘટાડો નોંધાયો હતો.

ફેબ્રુઆરી મહિનામાં પણ આવી જ સ્થિતિ હતી. માર્ચમાં કુલ નિકાસ 1.6 બિલિયન ડૉલર્સની રહી હતી. જે વર્ષ પ્રતિ વર્ષની સરખામણીના સમયગાળા મામલે 33 ટકાનો ઘટાડો દર્શાવે છે. 2.4 બિલિયન ડૉલર્સથી ઘટીને આ નિકાસ 1.6 ટકા થઈ ગઈ.

જૅમ ઍન્ડ જ્વૅલરી સૅક્ટરની નિકાસમાં ડાયમંડે સૌથી નબળું પ્રદર્શન કર્યું છે, કેમ કે તેની નિકાસમાં મહિનામાં 29.39 ટકાનો સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો છે.

માર્ચ-2022માં વાર્ષિક નિકાસ 24.4 બિલિયન ડૉલર્સ રહી હતી જેમાં આ વર્ષે માર્ચ-2023 સુધીમાં 9.78નો ઘટાડો જોવા મળ્યો અને તે 22 બિલિયન ડૉલર્સ રહી.

સૌથી નોંધવા લાયક એ વાત છે કે આ જ સમયગાળામાં રફ ડાયમંડની આયાતમાં 8.42 ટકાનો ઘટાડો નોંધાયો જે 17.4 બિલિયન ડૉલર્સની રહી.

રેડ લાઇન
રેડ લાઇન