ચીનમાં કોરોનાના કેરને પગલે સુરતના હીરાઉદ્યોગકારો ચિંતામાં કેમ છે?

હીરા ઉદ્યોગ
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • ચીનમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણની અસર સુરત અને સૌરાષ્ટ્રના હીરાઉદ્યોગ પર પડી રહી છે
  • ચીનમાં કોવિડને લઈને ગંભીર સંકટ સર્જાયું છે ત્યારે ઘણા વ્યાપારીઓએ તેમની ચીન યાત્રા રદ કરી નાખી છે
  • સુરતના હીરાના વેપારી જૈનમ શાહ કહે છે કે માત્ર ચીનનો જ નહીં પરંતુ કોરોના મહામારી આવ્યા બાદ હીરાનો વ્યાપાર અડધા જેટલો થઈ ગયો છે
  • સૌરાષ્ટ્રનાં અનેક નાનાં શહેરોમાં ચાલતા હીરાઉદ્યોગમાં ભારે મંદીને કારણે વૅકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે
બીબીસી ગુજરાતી

ચીનમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણની અસર સુરતના હીરાઉદ્યોગ પર પડી રહી છે. ચીનમાં કોવિડને કારણે જે સ્થિતિ પેદા થઈ છે, એના લીધે સુરતના હીરાઉદ્યોગકારોની ચિંતા વધી રહી છે. તો સૌરાષ્ટ્રનાં કેટલાંય નાનાં શહેરોમાં ચાલતા હીરાઉદ્યોગમાં પણ ભારે મંદીને કારણે વૅકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.

ચીનમાં નાના આકારના હીરાની માગ વધી રહી છે તેને જોઈને હીરાના વ્યાપારને લઈને સુરતના વ્યાપારીઓ અવારનવાર ચીન જતા-આવતા રહે છે. પણ જ્યારે ચીનમાં કોવિડને લઈને ગંભીર સંકટ સર્જાયું છે ત્યારે ઘણા વ્યાપારીઓએ તેમની ચીન યાત્રા રદ કરી નાખી છે. સુરતના હીરાવેપારી જૈનમ શાહ કહે છે કે માત્ર ચીનનો જ નહીં પરંતુ કોરોના મહામારી આવ્યા બાદથી હીરાનો વ્યાપાર અડધો થઈ ગયો છે.

જૈનમ શાહ કહે છે કે, “સામાન્ય રીતે દિવાળી બાદ નાતાલ અને નવા વર્ષ પર ડાયમંડ માર્કેટમાં તેજી જોવા મળે છે તે આ વખતે નથી જોવા મળી કારણકે ફરી કોરોનાનો ભય સતાવી રહ્યો છે.” જૈનમ શાહ કહે છે કે ભારત અને ચીન વચ્ચે હીરાનો વ્યાપાર હૉંગકૉંગ મારફતે જ થાય છે. પણ ચીનમાં કોરોનાના કેસો વધતાં તેના પર અસર થઈ છે અને વ્યાપાર અડધો થઈ ગયો છે.

સુરતમાં કટ અને પૉલિશ કરેલા હીરાની ચીનમાં નિકાસ થાય છે. લૅબોરેટરીમાં વિકસીત કરેલા એચપીએચટી હીરા ચીનથી મંગાવવામાં આવે છે.

ભારતના રત્ન અને આભૂષણ ઉદ્યોગનો કારોબાર અંદાજીત 39 અબજ ડૉલરનો છે. જેમાં હીરાઉદ્યોગનો ઘણોખરો વ્યાપાર હૉંગકૉંગ મારફતે સાથે થાય છે અને ચીન સાથેનો વ્યાપાર હૉંગકૉંગ મારફતે થાય છે.

ગ્રે લાઇન

શું કહે છે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ?

હીરો

‘જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (જીજેઈપીસી)ની વેબસાઇટ પર અપાયેલી માહિતી અનુસાર કટ અને પૉલિશ ડાયમંડની નિકાસ જે એપ્રિલથી નવેમ્બર 2021માં 16236.19 મિલિયન યુએસ ડૉલર હતી એ 2022માં ઘટીને 15355.09 મિલિયન યુએસ ડૉલર થઈ ગઈ હતી. આ રીતે તેમાં 5.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નવેમ્બર 2022ની વાત કરીએ તો કટ અને પૉલિશ કરેલા હીરાની નિકાસ 1302.08 મિલિયન યુએસ ડૉલર રહી જે વર્ષ 2021ના સમયગાળામાં 1248.41 મિલિયન યુએસ ડૉલર રહી હતી.

જ્યારે જેમ્સ ઍન્ડ જ્વેલરીની વાત કરીએ તો હૉંગકૉંગમાં કરાયેલી નિકાસમાં એપ્રિલ નવેમ્બર 2021ની સરખામણીએ નવેમ્બર 2022માં 9.28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ નિકાસ એપ્રિલથી નવેમ્બર 2021માં 6373.69 મિલિયન ડૉલર હતી જે એપ્રિલથી નવેમ્બર 2022ના સમયગાળામાં ઘટીને 5781.90 મિલિયન યુએસ ડૉલર થઈ ગઈ.

જીજેઈપીસીના જણાવ્યા પ્રમાણે નવેમ્બરમાં કટ અને પૉલિશ કરેલા હીરાની નિકાસમાં 4.97 ટકા ઘટાડો નોંધાયો હતો. એપ્રિલથી નવેમ્બરના સમયગાળાની વાત કરીએ તો વર્ષ 2021ની સરખામણીએ 2022ની નિકાસમાં 5.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જોકે સુરત ડાયમંડ ઍસોસિયેશનના સેક્રેટરી દામજીભાઈ મવાણી બીબીસી ગુજરાતીને કહે છે કે 2021ના વર્ષમાં ભારતની ચીનમાં નેટ પૉલિશ ડાયમંડની નિકાસ સારી થઈ હતી. શાંઘાઈ ડાયમંડ ઍક્સ્ચેન્જના ડેટા પ્રમાણે ચીનનું નેટ પૉલિશ ડાયમંડ ઇમ્પૉર્ટ 2020ની સરખામણીએ 2021માં 81.3 ટકા વધ્યું.

દામજીભાઈ મવાણી કહે છે કે, “આમ તો ચીન કરતાં ભારત માટે યુએસ અને યુરોપનું માર્કેટ મોટું છે અને ચીનનો ભારત સાથેનો હીરાનો વ્યાપાર હૉંગકૉંગ મારફતે ચાલે છે એટલે જ્યાં સુધી હૉંગકૉંગને અસર નહીં પહોંચે ત્યાં સુધી ભારતના હીરાઉદ્યોગ માટે બહુ વાંધો નહીં આવે.”

ગ્રે લાઇન

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોની રોજગારી પર અસર

હીરો

ઇમેજ સ્રોત, MANISH PANWALA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તો સુરત ડાયમંડ ઍસોસિયેશનના સભ્ય અને હીરાના નિકાસકાર કીર્તિ શાહ કહે છે કે ચીનમાં કોરોના વધવાને કારણે હવે સુરતના હીરાવ્યાપારી ચીન સાથે વ્યાપાર કરતા ખચકાટ અનુભવે છે. કીર્તિ શાહે બીબીસી ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં કહે છે કે, “હાલમાં કેટલાક વ્યાપારીના ચીન સાથેના પૅમેન્ટ અટવાયા છે. આમ પણ પહેલાં કરતાં માર્કેટ ઓછું થઈ ગયું છે પરિણામે ઘણા હીરાઉદ્યોગકારોએ તેમનાં કારખાનાં ચલાવવાનો સમય ઘટાડી કાઢ્યો છે અને પ્રોડક્શન ઓછું કરી નાખ્યું છે. કારણકે ખપત નથી.”

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના કારોબારી સભ્ય દિનેશ નાવડિયા કહે છે કે કોરોનાની અસર હીરાની નિકાસ પર થઈ છે. દિનેશ નાવડિયા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “પાતળી સાઇઝના હીરાનો ઉદ્યોગ થોડો ઠીક છે પરંતુ 30 સૅન્ટથી ઉપરના એટલે કે જાડા હીરાનું હૉંગકૉંગનું માર્કેટ પડી ભાંગ્યું છે.” હીરાઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં ઉપયોગમાં લેવાતા હીરા પૈકીના 90 ટકા હીરાઓ સુરતમાં કટ અથવા પૉલિશ થાય છે.

આ ઉદ્યોગ અંદાજીત 20 લાખ લોકોને રોજગારી આપે છે. તેથી આ ઉદ્યોગકારોને ભય છે કે જો કોરોના સંક્રમણ ફરી વધશે તો આ ઉદ્યોગને ગંભીર અસર થશે.

બીબીસી ગુજરાતી

ચીનમાં કેવી છે સ્થિતિ?

કોવિડ

ઇમેજ સ્રોત, EPA

ચીને 8 જાન્યુઆરીથી પ્રવાસીઓ માટે કોવિડ ક્વોરૅન્ટીન સમાપ્ત કર્યું છે.

કોરોનાને લીધે લગભગ ત્રણ વર્ષ બંધ રહેલી સરહદોને ચીન વર્ક અને સ્ટડી વિઝા માટે ફરીથી ખોલી રહ્યું છે. ઇમિગ્રેશન ઑથોરિટીએ મંગળવારે જણાવ્યું હતું કે ચીની નાગરિકો માટે વિદેશ પ્રવાસ વધુ સરળ બનશે. જોકે પ્રતિબંધો હટાવવાના પગલે ચીનમાં કોરોના ભયંકર રીતે ફેલાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

અહેવાલો કહે છે કે ચીનમાં હૉસ્પિટલો ભરાઈ ગઈ છે અને વૃદ્ધ લોકો મરી રહ્યા છે. મૃત્યુઆંક હાલ મેળવી શકાતો નથી છે કારણ કે અધિકારીઓએ કોવિડ ડેટા પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું છે.

બીજિંગમાં ગયા અઠવાડિયે દરરોજ લગભગ 4,000 નવા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા અને મૃત્ય નોંધાઈ રહ્યા હતા.

જોકે ‘બ્રિટિશ હેલ્થ ડેટા ફર્મ ઍરફિનિટી’એ અનુમાન લગાવ્યું છે કે ચીનમાં એક દિવસમાં 10 લાખથી વધુ ચેપ અને 5,000 મૃત્યુ થઈ રહ્યાં છે. શૂન્ય કોવિડ નીતિ સામેનો રોષ નવેમ્બરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેના જાહેર વિરોધ સ્વરૂપે ફાટી નીકળ્યો હતો, જે બાદ સત્તાવાળાઓએ થોડાં અઠવાડિયાં પછી કોવિડ નિયમો કચરાપેટીમાં પધરાવી દીધા હતા.

રેડ લાઇન
રેડ લાઇન