સુરતની કાપડ મિલો કેમ બંધ થઈ રહી છે?

કાપડ ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • સુરતમાં આશરે 350 જેટલી ટેક્સ્ટાઇલ ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો છે
  • આ એકમો સુરતમાં અને સુરતની આસપાસના વિસ્તારો પાંડેસરા, સચીન, કડોદરા અને પલસાણામાં પથરાયેલાં છે અને લાખો પરપ્રાંતીય મજૂરોને રોજગારી આપે છે
  • ભારતમાં કાપડના કુલ ઉત્પાદનમાં એકલા સુરતનો હિસ્સો 40% છે
  • સુરતમાંથી રૂ. 500 કરોડથી વધુના કાપડની નિકાસ થાય છે
  • હાલ સુરતનો કાપડઉદ્યોગ 80 ટકા જેટલો આયાતી કોલસો અને 20 ટકા લિગ્નાઇટ વાપરે છે
  • માગમાં ઘટાડા અને કોલસાના ભાવમાં વઘારાને પગલે સુરતની 15 જેટલી કાપડ મિલો બંધ થઈ છે
રેડ લાઇન

હીરા અને કાપડના પ્રોસેસિંગ માટે દુનિયાભરમાં જાણીતું સુરત ભારતના મહત્ત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોમાં ગણાય છે, જે લાખો લોકોને રોજગારી આપે છે.

જોકે, હાલ સુરતના કાપડ ઉદ્યોગ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય તેમ લાગે છે. અહીંના ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ યુનિટને કોલસાની અછત અને ઊંચી કિંમતોને કારણે બંધ થઈ રહ્યાં છે.

દક્ષિણ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ ઍસોસિયેશન અનુસાર, સુરતમાં આશરે 350 જેટલી ટેક્સ્ટાઇલ ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો છે.

માગમાં ઘટાડા અને કોલસાના ભાવમાં વઘારાને પગલે સુરતની 15 જેટલી કાપડ મિલો બંધ થઈ છે.

ગ્રે લાઇન

દેશમાં કાપડ ઉદ્યોગ માટે સુરત મહત્ત્વપૂર્ણ કેમ છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સુરતનો કાપડ ઉદ્યોગ લાખો પરપ્રાંતિય મજૂરોને રોજગારી આપે છે

કાપડઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે એક રોજગારલક્ષી ઉદ્યોગ છે, જે કૃષિ પછી બીજા સ્થાને છે. પાવર લૂમ સૅક્ટર લગભગ છ લાખ લોકોને રોજગાર આપે છે. એ જ રીતે, પ્રોસેસિંગ ઉદ્યોગ લગભગ પાંચ લાખ લોકોને રોજગાર આપે છે.

આ ઉપરાંત, લાખો લોકો વેપાર, પરિવહન, કટિંગ, પૅકિંગ અને આનુષંગિક ઉદ્યોગો જેવા કે રંગ ઉત્પાદન, રંગ-રસાયણો, ટેક્સ્ટાઇલ ઇજનેરી વગેરેમાં સંકળાયેલા છે.

સુરત અને આસપાસના વિસ્તારોમાં આવેલા લગભગ 350 જેટલા ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ એકમો પાંડેસરા, સચીન, કડોદરા અને પલસાણામાં પથરાયેલા છે. સુરતનો કાપડ ઉદ્યોગ લાખો પરપ્રાંતિય મજૂરોને રોજગારી આપે છે.

દક્ષિણ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ ઍસોસિયેશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયા અનુસાર, સુરતમાં દરરોજ ચાર કરોડ મીટરથી વધુ કાપડનું ઉત્પાદન થાય છે, જે ડાઈંગ, બ્લીચિંગ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગની વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. મોટા ભાગનાં એકમો જૉબ વર્ક આધારિત ગ્રે ફેબ્રિકનું ઉત્પાદન કરે છે.

ભારતમાં કાપડના કુલ ઉત્પાદનમાં એકલા સુરતનો હિસ્સો 40% છે. સુરતમાંથી રૂ. 500 કરોડથી વધુના કાપડની નિકાસ થાય છે.

કોલસો અને લિગ્નાઇટના ઊંચા ભાવ

રાજપારડી લિગ્નાઇટની ખાણ

ઇમેજ સ્રોત, gmdcltd.com

ઇમેજ કૅપ્શન, રાજપારડી લિગ્નાઇટની ખાણ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગની પોતાની કેટલી સમસ્યાઓ છે. જે કાચો માલ, વેતન, વીજળી, કુદરતી ગૅસ, લિગ્નાઇટ વગેરે સાથે જોડાયેલી છે.

મોટે ભાગે કોલસા અને લિગ્નાઇટથી ચાલતા આ ઉદ્યોગની વર્તમાન સમસ્યા કોલસા અને લિગ્નાઇટની ઊંચી કિંમત અને તેની અછત સાથે જોડાયેલી છે.

લિગ્નાઇટ કરતાં આયાતી કોલસાની દહનક્ષમતા વધારે હોય છે. લિગ્નાઇટ કોલસાની ગ્રોસ કેલરીફિક વૅલ્યૂ (જીસીવી) 3,000 થી 3,200 છે, જ્યારે આયાત કરેલા કોલસાની ગ્રોસ કેલરીફિક વૅલ્યૂ 5,500 થી 6,000ની વચ્ચે હોય છે.

હાલ સુરતનો કાપડ ઉદ્યોગ 80 ટકા જેટલો આયાતી કોલસો અને 20 ટકા લિગ્નાઇટ વાપરે છે.

આ સમસ્યા એટલી જટિલ થઈ રહી છે કે માગમાં ઘટાડા અને કોલસાના ભાવમાં વધારાને પગલે તાજેતરમાં સુરતની 15 જેટલી કાપડ મિલો બંધ થઈ છે.

જિતેન્દ્ર વખારિયાના જણાવ્યા અનુસાર, ઍસોસિયેશને જીએમડીસી (ગુજરાત મિનરલ્સ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) અધિકારીઓને સપ્લાય વધારવા અને લિગ્નાઇટ કોલસાના ભાવ ઘટાડવા વિનંતી કરી છે.

બીબીસી સાથે વાત કરતાં જિતેન્દ્ર વખારિયા કહે છે, “ઉત્પાદન ખર્ચનો આધાર ઉત્પાદનની માત્રા પર હોય છે. માગ ઘટતા ઉત્પાદન ઘટાડવું પડે છે, પરંતુ બૉઇલરો ચલાવવાં પડતાં હોવાથી ઈંધણ ખર્ચ, મજૂરી ખર્ચ વધી જાય છે અને સરવાળે ઉત્પાદન ખર્ચ વધી જાય છે.”

તેઓ ઉદાહરણ આપતા કહે છે, "જેમકે કોરોના પહેલાં મારું આખા મહિનાનું ઉત્પાદન 4.5 કરોડ મીટર જેટલું હતું જે અત્યારે ઘટીને 2.5 કરોડ મીટરનું થઈ ગયું છે. પહેલા ઉત્પાદન ખર્ચ 70-75 પૈસા પ્રતિ મીટર હતો તે અત્યારે વધીને 2.5 રૂપિયા પ્રતિ મીટર થઈ ગયો છે."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

ગુજરાત સરકારના જીએમડીસી (ગુજરાત મિનરલ્સ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન)ની રાજપીપળા, કચ્છ અને સૌરાષ્ટ્રમાં લિગ્નાઇટની ખાણો છે. આ ખાણોમાંથી સુરતની કાપડ મિલો લિગ્નાઇટ ખરીદે છે.

જિતેન્દ્રભાઈ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "કોલસાનો ભાવ દિવાળી પછી 2,000-2,500 રૂપિયા (પ્રતિ ટન) જેટલો વધી ગયો છે. કોલસાના ભાવ વધવા સાથે જીએમડીસી દ્વારા લિગ્નાઇટના ભાવોમાં પણ ભારે વધારો કરી દીધો છે.

લિગ્નાઇટના ભાવો દોઢ વર્ષમાં લગભગ બમણા થઈ ગયા છે. અમે જીએમડીસીના ચૅરમૅનને રજૂઆત કરી છે. નવી સરકારના નવા મંત્રાલયને પણ રજૂઆત કરવાના છીએ."

જિતેન્દ્રભાઈ અનુસાર, “કાપડઉદ્યોગને જીએમડીસી ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતેની ખાણો અને સુરત જિલ્લાના તડકેશ્વર ખાતેની ખાણોમાંથી લિગ્નાઇટ મળે છે. રાજપારડીથી લિગ્નાઈટની કિંમત 16 માર્ચ, 2021ના રોજ 2,718 રૂપિયા પ્રતિ ટન હતી, જે હવે વધીને 3,842 રૂપિયા પ્રતિ ટન થઈ ગઈ છે.”

ગ્રે લાઇન

બજારમાં માગ નથી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

વર્ષો પહેલાં સુરતનો કાપડઉદ્યોગ કોલસામાંથી ગૅસના ઉપયોગ તરફ વળ્યો હતો, તો એ ગૅસ આધારિત એકમોનું શું થયું?

જિતેન્દ્રભાઈ કહે છે, "20-22 વર્ષ પહેલાં ગૅસ સસ્તો હતો ત્યારે કાપડના એકમો ગૅસ વાપરવા તરફ વળ્યા હતા. તે સમયે મફતલાલે ગુજરાત ગૅસ કંપની ચાલુ કરી હતી ત્યારે ભાવ 3.40 રૂપિયા પ્રતિ મિટર ક્યૂબ હતો તે આજે 45-50 રૂપિયા પર પહોંચ્યો છે.”

તેઓ ઉમેરે છે, “ગૅસનો ભાવ 20-22 રૂપિયા ઉપર ગયો ત્યારે જ અમારા માટે એકમો ગૅસ પર ચલાવવાનું મુશ્કેલ બન્યું હતું અને ફરી પાછા એકમો કોલસા અને લિગ્નાઇટ ઉપર ચલાવાની ફરજ પડી હતી. તે સમયે કોલસાના એકમોને ગૅસ પર ચલાવવા માટે લાખો રૂપિયાના બર્નર લગાવાયા હતા તે ભંગારમાં ગયા અને કરોડોનો રૂપિયાનું પાણી થયું અને ફરી અમારે કોલસા અને લિગ્નાઇટના ઉપયોગ તરફ વળવું પડ્યું."

બે પાંડેસરા જીઆઇડીસીમાં અને એક સચીન જીઆઇડીસીમાં એમ કુલ ત્રણ એકમ ધરાવતા અને 25 વર્ષથી ડાઈંગ અને પ્રિન્ટિંગની મિલો ચલાવી રહેલા એક વ્યવસાયિકે નામ નહીં આપવાની શરતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “મેં અગાઉ પણ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ આ વખતે અમારા માટે ટકી રહેવું મુશ્કેલ છે. મેં પાંડેસરા વિસ્તારમાં મારી એક મિલ બંધ કરી છે, કારણ કે બજારમાં કોઈ મોટી માંગ નથી. આ વર્ષે દિવાળીના તહેવારનું વેચાણ પણ સારું રહ્યું નહોતું.”

કાપડની માગ અંગે વાત કરતાં જિતેન્દ્રભાઈ કહે છે, “ફૅશન સંબંધિત કાપડની ડિમાન્ડ છે જ્યારે સાડીની માગ એકદમ ઘટી ગઈ છે. લોકોની ખરીદશક્તિ ઘટવાના કારણે માગ ઘટી છે.”

સચીન જીઆઇડીસીમાં પોતાનું ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ યુનિટ ધરાવતા વિશાલ બુઢિયા 29 વર્ષથી આ ઉદ્યોગમાં છે.

તેઓ એક અલગ જ મુદ્દા ઉપર ભાર આપતા કહે છે, "કાપડઉદ્યોગમાં સૌથી મોટી સમસ્યા માગ અને પુરવઠા વચ્ચેના સંતુલનની છે. ડિમાન્ડ ઓછી હોય અને લોકો પ્રોડક્શન વધારી દે તો એની અસર બધા પર પડે છે."

તેમણે વધુમાં કહ્યું, "તેનાથી સ્પર્ધા વધે છે. ઉત્પાદન અંકુશમાં રહેવું જોઈએ. મારું ઉદાહરણ આપું તો અમે છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ ઉત્પાદન વધાર્યું નથી."

તેઓ કહે છે, “તમે માર્કેટના ડિમાન્ડ સપ્લાયના ગૅપને મૅનેજ કરી શકો તો બિઝનેસ આગળ વધારી શકાય.”

જીએમડીસીના મૅનેજિંગ ડિરેક્ટર રૂપવંતસિંહે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આ વખતે ભારે ચોમાસાને કારણે લિગ્નાઈટની સરેરાશ 40 ટકાની મંજૂર ક્ષમતા ઘટીને 20 ટકા થઈ ગઈ છે.”

ગુજરાતના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઉદ્યોગ સામેના પડકાર અંગે સરકારનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, “અમે ઉદ્યોગની સમસ્યા પ્રત્યે ગંભીર છીએ. કાપડઉદ્યોગની સમસ્યા અંગે એમના આગેવાનો સાથે સત્વરે એક બેઠક કરીશું. સત્વરે એના ઉકેલ માટે આયોજન કરવામાં આવશે.”

રેડ લાઇન
રેડ લાઇન