સુરત : તક્ષશિલા આગકાંડમાં કેટલાય વિદ્યાર્થીઓને બચાવનાર 'હીરો'ની સ્થિતિ આટલી દારુણ કેમ થઈ ગઈ?

24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. એ વખતે જતીન નાકરાણીને કેટલાયનો જીવ બચાવ્યો હતો.

સુરત આગ કાંડ

ઇમેજ સ્રોત, GS TV

એ દુર્ઘટનામાં વિદ્યાર્થીઓનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર જતીન નાકરાણીને તે દિવસે શું થયું તેની કશી ખબર નથી.

એ વખતે જતીન વધુ લોકોને બચાવવા માટે પોતાની જાત પર કાબૂ નહોતા રાખી શક્યા અને પરિણામે છેલ્લી ઘડીએ આગ કાબૂ બહાર જણાતા તેમણે પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગમાંથી કૂદી જવું પડ્યું હતું.

એ અગ્નિકાંડમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જતીન યાદશક્તિ ગુમાવી બેઠા છે.

જતીનને હવે કંઈ યાદ નથી પણ ક્યારેક ક્યારેક તેઓ બેકાબૂ બની જાય છે. કદાચ તેમના દિમાગમાં ઊંડે પડેલી એ સ્મૃતિઓ સપાટી પર આવી જતી હશે!

line

લોકો યાદ અપાવે છે, જતીનને કશું યાદ નથી

જતીન નાકરાણી કહે છે, "મને ખબર નથી કે મેં કેટલા લોકોને બચાવ્યા, પરંતુ બધા કહે છે કે મેં ચોથા માળેથી છલાંગ લગાવી હતી"
ઇમેજ કૅપ્શન, જતીન નાકરાણી કહે છે, "મને ખબર નથી કે મેં કેટલા લોકોને બચાવ્યા, પરંતુ બધા કહે છે કે મેં ચોથા માળેથી છલાંગ લગાવી હતી"

તમને યાદ છે કે તમે કેટલા લોકોને આગમાંથી બચાવ્યા? એવા પ્રશ્નના જવાબમાં જતીન નાકરાણી કહે છે, "મને ખબર નથી કે મેં કેટલા લોકોને બચાવ્યા, પરંતુ બધા કહે છે કે મેં ચોથા માળેથી છલાંગ લગાવી હતી."

તેઓ ઉમેરે છે, "લોકો મને કહે છે કે જતીન, તમે ગ્રાઉન્ડ ફ્લૉર પર તમારી પોતાની ફૅશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા. જ્યારે આગ લાગી ત્યારે તમે તમારા જીવની પરવા કરી નહોતી. તમે પહેલા તમારા સ્ટાફને બચાવ્યો અને પછી તમે બીજાને બચાવવા આર્કેડના ઉપરના માળે ગયા હતા. "

"તમે ઘણા લોકોને આગમાંથી બચાવ્યા પછી જ્યારે આગ કાબૂ બહાર ગઈ ત્યારે તમે ચોથા માળેથી કૂદી ગયા. મને ઝાંખું-ઝાંખું યાદ છે. બીજું કંઈ યાદ નથી."

line

સાતમા દિવસે જતીનનો હાથ થોડો હલ્યો...

જતીનના પિતા ભરત નાકરાણી: "સાતમા દિવસે જતીનનો હાથ થોડો હલ્યો ત્યારે અમને તે જીવતો હોવાનો અહેસાસ થયો હતો."
ઇમેજ કૅપ્શન, જતીનના પિતા ભરત નાકરાણી: "સાતમા દિવસે જતીનનો હાથ થોડો હલ્યો ત્યારે અમને તે જીવતો હોવાનો અહેસાસ થયો હતો."

આગની એ દુર્ઘટનાને યાદ કરતાં જતીનના પિતા ભરત નાકરાણી કહે છે, "જતીનની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે માત્ર શારીરિક સ્વરૂપે જ અમારી સાથે છે. અમારો પરિવાર બરબાદ થઈ ગયો છે. ક્યારેક તો મને થાય છે કે હું પરિવારને છોડી દઉં."

પિતાની આ વ્યથા પાછળનાં કારણો છે.

ભરત નાકરાણી કહે છે, "જતીન નીચે કૂદી પડ્યો ત્યારે નીચે પગથિયા પર તેમનું માથુ અથડાયું અને બીજા પગથિયા પર હાથ પછડાયો. જતીનના હાથ ચાર જગ્યાએથી ભાંગી ગયા હતા. મેં જતીનને લોહીલુહાણ હાલતમાં જોયો હતો.એ બાદ તેને મહાવીર હૉસ્પિટલમાં લઈ જવાયો. સાતમા દિવસે જતીનનો હાથ થોડો હલ્યો ત્યારે અમને એ જીવતો હોવાનો અહેસાસ થયો હતો."

હૉસ્પિટલની સારવાર સામે અસંતોષ વ્યક્ત કરતાં જતીનના પિતાએ આગળ કહ્યું, "જતીનને એક મહિના કરતાં વધુ સમય મહાવીર હૉસ્પિટલમાં રાખ્યા બાદ અમે ત્યાંની સારવારથી સંતુષ્ટ નહોતા. તેથી, અમે જતીનને અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં લઈ ગયા."

તેમના પિતાના જણાવ્યા અનુસાર, જતીનની હાલત અત્યારે બહુ સારી નથી. તેમના પર મગજની શસ્ત્રક્રિયા કરવાની બાકી છે, જેનો 12થી 15 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

line

ભાડાના પૈસા પણ નથી

ભરત નાકરાણી: "અકસ્માતના ત્રણ વર્ષ પછી પણ હું લોનનો એક પણ હપ્તો ચૂકવી શક્યો નથી. મારી પાસે મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે પણ પૂરતા પૈસા નથી તો હું લોન કેવી રીતે ચૂકવું?"
ઇમેજ કૅપ્શન, ભરત નાકરાણી: "અકસ્માતના ત્રણ વર્ષ પછી પણ હું લોનનો એક પણ હપ્તો ચૂકવી શક્યો નથી. મારી પાસે મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે પણ પૂરતા પૈસા નથી તો હું લોન કેવી રીતે ચૂકવું?"

જતીન તેના પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. તેમની ગંભીર બીમારીના કારણે પરિવારમાં આર્થિક સંકટ ઊભું થયું છે.

ભરત નાકરાણી કહે છે, "બૅન્કના લોન રિકવરી ઑફિસરે એકવાર અમારું ઘર સીલ કર્યું હતું. સગા-સંબંધીઓની મદદથી અમે સીલ ખોલવાની વ્યવસ્થા કરી. લોનનાં નાણાં તક્ષશિલા આર્કેડમાં પ્રોપર્ટીમાં રોક્યાં હતાં. સીઆઈડી ફેશન ડિઝાઈનિંગ નામે અમારા ધંધામાં કરેલું રોકાણ આગમાં બળીને ખાખ થઈ ગયું હતું."

તેઓ આગળ પ્રશ્ન કરે છે, "અકસ્માતના ત્રણ વર્ષ પછી પણ હું લોનનો એક પણ હપ્તો ચૂકવી શક્યો નથી. મારી પાસે મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે પણ પૂરતા પૈસા નથી તો હું લોન કેવી રીતે ચૂકવું?"

તક્ષશિલા અગ્નિકાંડ પહેલાં નાકરાણી પરિવારની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી.

ભરત નાકરાણીના કહેવા પ્રમાણે, જતીન તેમના કમાઉ દીકરા હતા.

તેમણે કદી જતીનને કમાવા માટે કહેવું નથી પડ્યું. કૉલેજમાં ભણતી વખતે જ જતીને પોતાનો સાઇટ બિઝનેસ શરૂ કરી દીધો હતો.

તેઓ કહે છે, "લોન રિકવરી માટે વારંવાર ફોન આવે છે. મિલકત ખાલી કરવા માટે સમયમર્યાદા આપવામાં આવી છે. મારી પાસે ઘર ભાડે રાખવાના પણ પૈસા નથી તો હું મારા પરિવારને ક્યાં લઈ જઈશ?"

line

જતીનનું સાહસ

"યોગાનુયોગ, જે દિવસે દુર્ઘટના બની, તે દિવસે જતીન તેના વિદ્યાર્થીઓને આગ લાગવાની સ્થિતિમાં શું કરવું તે સમજાવી રહ્યો હતો. વર્ગમાં અગ્નિશામક સિલિન્ડર ઉપલબ્ધ હતા."
ઇમેજ કૅપ્શન, "યોગાનુયોગ, જે દિવસે દુર્ઘટના બની, તે દિવસે જતીન તેના વિદ્યાર્થીઓને આગ લાગવાની સ્થિતિમાં શું કરવું તે સમજાવી રહ્યો હતો. વર્ગમાં અગ્નિશામક સિલિન્ડર ઉપલબ્ધ હતા."

તક્ષશિલા આર્કેડમાં આગ લાગી ત્યારે કયા સંજોગોમાં જતીને નીચે કૂદી પડવું પડ્યું હતું?

એપ્રશ્નના જવાબમાં ભરત નાકરાણી કહે છે, "યોગાનુયોગ, જે દિવસે દુર્ઘટના બની, તે દિવસે જતીન તેના વિદ્યાર્થીઓને આગ લાગવાની સ્થિતિમાં શું કરવું તે સમજાવી રહ્યો હતો. વર્ગમાં અગ્નિશામક સિલિન્ડર ઉપલબ્ધ હતા."

"થોડા સમય બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જતીને તેમના વિદ્યાર્થીઓને સલામત સ્થળે મોકલવાનું શરૂ કર્યું."

"જતીને મોટા ભાગના વિદ્યાર્થીઓને બાજુની બારીમાંથી સલામત સ્થળે મોકલી દીધા. એ બાદ ત્રીજા માળે અલોહા(ટ્યૂશન ક્લાસ)ની ઑફિસમાં ગયો અને ચારથી પાંચ વિદ્યાર્થીઓને બચાવ્યા. "

"ત્યાર બાદ જતીન ચોથા માળે ગયો હતો. ચોથા માળે ક્લાસના દરવાજા બંધ હતા. તેણે દરવાજો ખોલ્યો અને ક્લાસના સંચાલકોને કહ્યું કે આગ લાગી છે. ત્યાં સુધી સંચાલકોને ખબર નહોતી કે આગ લાગી છે. ત્યારબાદ ભાર્ગવ બુટાણી અને જતીને બારીનો કાચ તોડીને નીચે કૂદવાનું નક્કી કર્યું. આગમાંથી બચવાનો બીજો કોઈ રસ્તો નહોતો."

line

એસીથી શરૂ થઈ હતી આગ

સુરત આગ કાંડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી

બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ ઍરકન્ડીશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી.

જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પૅનલ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી.

દરમિયાન નીચેની આગ મીટરરૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યો હતો.

પ્રથમ તથા બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ નહોતી.

અહીં ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. માળની હાઇટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો.

છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી.

ચોથા માળે આગ પહોંચતાં વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, એમાં પણ અમુક વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં હતાં.

જોકે, બીબીસીએ જતીનની આ હાલતનો ચિતાર આપતો વીડિયો રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ મદદ માટેના હાથ આગળ વધ્યા હતા.

જતીનને મળવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ગયા હતા.

પાટીલે કહ્યું હતું, "આવનારા દિવસોમાં જતીનને ઑપરેશન કરાવવાનું છે. આ માટે ભાજપ સુરત શહેર એકમ તરફથી જતીનના પિતાને 5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. ઑપરેશન થાય ત્યારે પીએમ ફંડ કે સીએમ ફંડમાંથી મદદ મળે તે માટે ભલામણ કરવામાં આવશે."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો