દિલ્હી મુંડકા અગ્નિકાંડ : 'આગમાં ફસાયેલી ગર્લફ્રેન્ડને વીડિયો કૉલ કર્યો પણ બચાવી ન શક્યો'

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

પશ્ચિમ દિલ્હીની સંજય ગાંધી મૅમોરિયલ હૉસ્પિટલ બહાર લોકોની ભીડ છે. અહીં કેટલીક આંખોમાં આંસુ છે તો કેટલીક આંખોમાં સવાલ. ભીડ વચ્ચે એક યુવક પોતાનાં આંસુને રોકીને ગુમસુમ ઊભો છે.

મુંડકા અગ્નિકાંડમાં ગુમ લોકો
ઇમેજ કૅપ્શન, મુંડકા અગ્નિકાંડમાં ગુમ લોકો

પોતાની જાતને સંભાળતાં એ કહે છે, "મારી ગર્લફ્રેન્ડ પણ આગમાં ફસાયેલી હતી. તેણે મને વીડિયો કૉલ કર્યો. હું તેની હિંમત વધારી રહ્યો હતો. ધીરે-ધીરે ધુમાડો વધી રહ્યો હતો અને બાદમાં કૉલ કપાઈ ગયો."

આ યુવકની ગર્લફ્રેન્ડ હવે ગુમ છે. સંજય ગાંધી હૉસ્પિટલની બહાર આવા ઘણા પરિવાર છે જેમના પરિવારજનો-અંગત લોકો આગની ઘટના બાદથી ગુમ છે.

14 વર્ષીય મોની પોતાની બહેન પૂજાને શોધવા માટે હૉસ્પિટલ પહોંચી છે. 19 વર્ષની બહેન એ જ સીસીટીવી કંપનીની ઑફિસમાં નોકરી કરતાં હતાં જ્યાં આગ લાગી હતી.

મોની કહે છે, "અમને ન્યૂઝ પરથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું અને અમે દોડીને અહીં આવ્યા. મને નથી ખબર કે મારી બહેન ક્યાં છે, તંત્રે માત્ર એટલું જ કહ્યું છે કે સંજય ગાંધી હૉસ્પિટલમાં તપાસ કરો."

line

ગુમ થયેલા લોકો અને ભટકતા પરિવારજનો

પૂજાની તસવીર સાથે તેમના બહેન મોની
ઇમેજ કૅપ્શન, પૂજાની તસવીર સાથે મોની

મોનીનાં બહેન પૂજા ઘરમાં સૌથી મોટાં હતાં અને નોકરી કરીને સમગ્ર પરિવારને સંભાળતાં હતાં.

પોતાની બહેનને યાદ કરતાં એ કહે છે, "તે સવારે નવ વાગ્યે ઑફિસ ગઈ હતી. એ ડેટા ઍન્ટ્રીનું કામ કરતી હતી, તેની પાસે ફોન પણ નહોતો."

નૌશાદ પોતાનાં મામીને શોધતા સંજય ગાંધી હૉસ્પિટલ પહોંચ્યા છે. આગની ઘટના વિશે ખબર પડતાં જ નૌશાદ હૉસ્પિટલોમાં ફરી રહ્યા છે પરંતુ તેમની મામીના કોઈ અણસાર નથી.

તેઓ કહે છે, "હું સફદરગંજ હૉસ્પિટલ ગયો, ઍઇમ્સ ટ્રોમા સેન્ટર ગયો, રામમનોહર લોહિયા ગયો. ક્યાંય કશી ખબર ન પડી. હવે અહીં આવ્યો છું, કદાચ કંઇક ખબર મળી જાય."

પંકજ પોતાના ભાઈ પ્રવીણને શોધવા હૉસ્પિટલ પહોંચ્યા છે. પંકજે આસપાસની તમામ હૉસ્પિટલોમાં તપાસ કરી પરંતુ ભાઈની કોઈ ભાળ મળી નથી.

પંકજ કહે છે, "મારો ભાઈ પ્રવીણ છેલ્લાં આઠ વર્ષથી કામ કરતો હતો. તે ગ્રાફિક ડિઝાઇનર છે. અમને તેના વિશે કોઈ જાણકારી મળી નથી."

પંકજ પોતાના ભાઈ પ્રવીણને શોધવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. મોબાઇલ તસવીરમાં પ્રવીણ
ઇમેજ કૅપ્શન, પંકજ પોતાના ભાઈ પ્રવીણને શોધવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. મોબાઇલ તસવીરમાં પ્રવીણ

પંકજને એક મિત્ર તરફથી દુર્ઘટના વિશે માહિતી મળી.

તેઓ કહે છે, "અમને કહેવામાં આવ્યું છે કે બધા જ મૃતદેહો સંજય ગાંધી હૉસ્પિટલમાં છે. અમને કહેવામાં આવ્યું છે કે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ પણ કરાવવો પડી શકે છે."

40 વર્ષીય મોની પણ આ દુર્ઘટનાનો શિકાર બનેલી કંપનીમાં કામ કરતાં હતાં. આગ લાગ્યા બાદથી તેઓઓ ગુમ છે. જોકે, તેમના ફોનની રિંગ સતત વાગ્યા કરે છે.

તેમનાં માતા હતાશ થઈને હૉસ્પિટલમાં ઊભા છે.

તેઓ કહે છે, "મારી પુત્રીનો ફોન સતત વાગી રહ્યો છે પરંતુ કોઈ જવાબ નથી મળી રહ્યો. ઘણી છોકરીઓને ક્રૅન લાવીને ઊતારવામાં આવી છે. વીડિયો જોઈને અમને લાગે છે કે તેને બિલ્ડીંગમાંથી બચાવવામાં આવી છે પરંતુ અમને એ મળી રહી નથી. અમને નથી ખબર કે તે ક્યાં છે."

line

'મેં મારી બહેનને આગમાં ફસાયેલી જોઈ પરંતુ કંઈ કરી ન શક્યો'

ઇસ્માઇલ અને તેમના પરિવારજનો મુસ્કાનને દરેક હૉસ્પિટલમાં શોધ ચૂક્યા છે, પણ હજુ સુધી કોઈ ભાળ મળી નથી
ઇમેજ કૅપ્શન, ઇસ્માઇલ અને તેમના પરિવારજનો મુસ્કાનને દરેક હૉસ્પિટલમાં શોધ ચૂક્યા છે, પણ હજુ સુધી કોઈ ભાળ મળી નથી

નાંગલોઈના રહેવાસી અને સીસીટીવી કંપનીમાં કામ કરનારાં 21 વર્ષીય મુસ્કાને આગ લાગતાં જ પોતાના ભાઈ ઇસ્માઇલને ફોન કર્યો.

ઇસ્માઇલ 15 મિનિટમાં જ ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ તેઓ પોતાની બહેનને બચાવી ન શક્યા. હવે મુસ્કાન ગુમ છે.

ઇસ્માઇલ કહે છે, "હું જ્યારે ત્યાં પહોંચ્યો તો તે મને બિલ્ડિંગમાં ફસાયેલી જોવા મળી. ત્યાર બાદથી મારી તેની સાથે કોઈ વાત થઈ નથી."

ઇસ્માઇલ અને તેમના પરિવારજનો મુસ્કાનને દરેક હૉસ્પિટલમાં શોધી ચૂક્યા છે પરંતુ તેમને કોઈ માહિતી મળી નથી.

ઇસ્માઇલે બિલ્ડિંગની અંદર ઘૂસીને પોતાની બહેનને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા મળી નથી.

બિલ્ડિંગની આગ જ્યારે લગભગ કાબૂમાં આવી ગઈ હતી ત્યારે પોતાની બહેનને શોધવા માટે તેઓ અંદર પ્રવેશ્યા હતા. કાચ વાગવાથી તેમના હાથ પર ઈજા થઈ છે.

ઇસ્માઇલ કહે છે, "અમે તેને શોધીશોધીને થાકી ગયા પરંતુ કોઈ ભાળ મળતી નથી."

line

ભોગ બનાનારમાં મહિલાઓ સૌથી વધુ

જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં મોટાભાગે મહિલાઓ કામ કરતી હતી
ઇમેજ કૅપ્શન, જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં મોટાભાગે મહિલાઓ કામ કરતી હતી

જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં મોટા ભાગની કર્મચારીઓ મહિલા હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેમનું સરેરાશ વેતન 12થી 15 હજાર રુપિયા હતું.

આગ કાબૂમાં આવ્યા બાદ જ્યારે અમે બિલ્ડીંગની નજીક પહોંચ્યા તો બહાર મહિલાઓનાં ઢગલાબંધ ચંપલો જોવાં મળ્યાં.

ગુમ થયેલાં પૂજા ત્રણ મહિના પહેલા જ નોકરીએ લાગ્યાં હતાં. તેમના પિતા હયાત નથી અને તેઓ પોતે જ સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.

તેમનાં માતા હૉસ્પિટલ બહાર એકદમ ગુમસુમ હાલતમાં ઊભા છે. તેઓ એક શબ્દ પણ બોલી શકે એમ નથી. તેમની નાની બહેન મોની કહે છે, "તેમના વિના અમારું ગુજરાન કઈ રીતે ચાલશે?"

જ્યારે મુસ્કાનના ભાઈ ઇસ્માઇલ કહે છે, "મારી બહેન એક ખુશમિજાજી છોકરી હતી. તે ત્રણ વર્ષથી અહીં કામ કરતી હતી અને પોતાનાં સપનાં પૂરાં કરી રહી હતી. અમે દુઆ કરીએ છીએ કે તે સલામત હોય અને કોઈ પણ રીતે અમને મળી જાય."

દિલ્હી પોલીસે ગુમ થયેલા લોકો માટે એક કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે. અધિકારીઓ પ્રમાણે અત્યાર સુધી અહીં ગુમ થયેલા 19 લોકો માટે પૂછપરછ કરવામાં આવી છે. જેમાંથી ચાર પુરુષ અને 15 મહિલાઓ છે.

ગુમ થયેલા લોકોના પરિવારજનો પોતાના લોકોને પાછા મેળવવાની આશા સાથે હૉસ્પિટલોના આંટા મારી રહ્યા છે.

દિલ્હી પોલીસે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોનાં નામ તો જાહેર કર્યાં છે પરંતુ મૃતકોની ઓળખ જાહેર કરી નથી.

આ અંગે પોલીસ અધિકારીઓનું કહેવું છે, "કેટલાક મૃતદેહો ખરાબ રીતે સળગી ગયા છે. તેમની ઓળખ માટે ડીએનએ ઍનાલિસિસની જરૂર પડશે."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો