સુરત: આરબ સોદાગરોથી લઈ 21મી સદીમાં ડાયમંડ અને સિલ્ક સિટી બનેલા શહેરની દાસ્તાન

સુરત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'સુરતનું જમણ અને કાશીનું મરણ.' દક્ષિણ ગુજરાતના શહેરની ઓળખ આપવા માટે આ ઉક્તિનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. વૈવિધ્યસભર સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થો આ શહેરની આગવી ઓળખ છે, પરંતુ તેની એકમાત્ર ઓળખ નથી.

એક સમયના 'સૂર્યપુર' તરીકે ઓળખાતા કસબાના નવા નામને 'સૂરજ' અને 'સુરતા' નામનાં મહિલાઓ સાથે જોડવામાં આવે છે.

મુસ્લિમો માટેના 'મુબારક બંદર' પર એકસમયે 84 શાસકોના વાવટા ફરકતા હતા, પરંતુ કાળક્રમે બંદરનો નાશ થયો. અહીંનો ઝરી અને સિલ્કનો ઉદ્યોગનો મૃતપ્રાયઃ થઈ ગયો હતો, પરંતુ 1860 આસપાસ અંગ્રેજોના એક નિર્ણયને કારણે તે ફરી ચમકવા લાગ્યો.

આઝાદી પછી આ સુરતે વિકાસની હરણફાળ ભરી છે અને પોતાના વ્યવસાયોના આધારે 'ડાયમંડ સિટી' અને 'સિલ્ક સિટી' જેવી વિશિષ્ટ ઓળખ પણ મેળવી છે. કેટલાક એવા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંજોગ ઊભા થયા હતા કે આ બંને ઉદ્યોગોના મૂળિયાં શહેરમાં ઊંડા થયાં.

સુરતની 'સોનાની મૂરત' પર આરબ, મરાઠા, સીદી, અર્મેનિયન, અંગ્રેજ, ફિરંગી અને વલંદાઓએ થાપ મારી છે, તો મહારાષ્ટ્ર, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો તેને ઘડી રહ્યા છે. 

સુરતની કહાણીએ કસબાની નગર, નગરની શહેર, શહેરની મહાનગર અને મહાનગરની મેટ્રોપોલિટિન સિટી બનવા તરફ દોટની દાસ્તાન છે.

ગ્રે લાઇન

સુરત, શરૂઆત, સાગર

સુરત (1670)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરત (1670)

ઈ.સ. 1225 આસપાસ કૂફાના આરબો રાંદેર આવ્યા અને શહેરના જૈનોને પોતાને અધીન કર્યા અને અહીંના શાસક બન્યા. ફિરંગી પ્રવાસી દુઆરતે બાર્બોસાના (Duarte Barbosa) વિવરણને ટાંકતા પ્રો. મૌલાના સૈયદ અબુ ઝફર નદવી (ગુજરાતનો ઇતિહાસ, પેજનંબર 64) પર લખે છે કે :

'અહીંના નિવાસીઓ સમૃદ્ધ વેપારી અને સાહસિક દરિયાખેડૂ છે. તેઓ મલ્લાકા, (સમૂદ્રધૂની જેની સાથે વર્તમાન સમયના સિંગાપોર, મલેશિયા, થાઇલૅન્ડ જોડાયેલા છે) ચીન, તેનાસરિમ (હાલનું બર્મા), પેગુ (હાલના બર્માનો વિસ્તાર) સાથે તેજાના, રેશમ, કસ્તૂરી, ચિનાઈ માટીના વાસણ તથા અન્ય ચીજોનો વેપાર કરે છે.'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'અહીંની મહિલાઓ ખૂબ સુંદર છે અને તે પરદો નથી પાળતી. તેમના ઘર સુંદર રીતે સુશોભિત છે અને તેમના બેઠકખંડોમાં સુંદર ચીની કારીગરી જોવા મળે છે. આ આરબોને 'નવાયાત' તરીકે ઓળખવામાં આવે છે, જેનો સંસ્કૃત મતલબ નવા આયાત થયેલા એવો થાય છે.'

1514 આસપાસ ભારત આવેલા ફિરંગી પ્રવાસીએ તેના વર્ણનોમાં સુરતની જાહોજલાલીના વર્ણન કર્યા છે. તેમના આગમનના બે વર્ષ પહેલાં જ સુરતમાં આગ લગાડી દેવામાં આવી હતી.

સુરતની જગ્યાએ પહેલાં શું હતું અને આ શહેરનું નામ કેવી રીતે પડ્યું, તેના વિશે અનેક લોકવાયકા અને માન્યતા છે. અહીં પહેલાં શું હતું એના વિશે પણ ચર્ચાને અવકાશ છે, પરંતુ એક વાત પર તમામ સ્થાનિક ઇતિહાસકારો એકમત છે કે હાલના સુરતના પાયામાં ગોપી મલિક નામનો સોદાગર છે.

સલ્તનતકાળ દરમિયાન 15મી સદીના અંતભાગમાં ગોપી ઉત્તર ગુજરાતથી અહીં આવ્યા હતા અને નવા શહેરની સ્થાપના કરી હતી. તેમણે અન્ય વેપારીઓને નવા આકાર લઈ રહેલા નગરમાં લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. હાલમાં જોવા મળતા ગોપીપુરા, રાણી ચકલા, રાણી તળાવ અને ગોપી તળાવના મૂળિયા ગોપી મલિક સુધી પહોંચે છે.

એ સમયે દરિયો ખેડતા જહાજોને પોર્ટુગીઝ ચાંચિયાથી ભય રહેતો, જેમને રાજ્યાશ્રય પ્રાપ્ત હતો. એટલે ગોપી મલિકે તેમને તેમની સાથે સારા સંબંધ કેળવીને વેપારને વિસ્તારવાનું વલણ દાખવ્યું હતું. તેઓ પર્શિયન અને પોર્ટુગીઝ ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા એટલે આ કામ તેમના માટે સુગમ બન્યું હતું.

પ્રોફેસર મકરંદ મહેતાએ 'ગુજરાતના વહાણવટીઓ, વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ' નામથી પુસ્તક લખ્યું છે, જેમાં ગોપી મલિકનો ઉલ્લેખ પણ છે. પ્રકરણ 6ના મથાળામાં તેઓ લખે છે, 'સલ્તનતકાળનો મર્ચન્ટ - પ્રિન્સ મલિક'. 

આ પ્રકરણની શરૂઆતમાં જ તેઓ સમજાવે છે કે 'મર્ચન્ટ પ્રિન્સ એટલે મૂડીના જોરે રાજકીય સત્તા હાંસલ કરનાર પ્રભાવશાળી વેપારી'. મર્ચન્ટ પ્રિન્સ વેપારીઓમાં રાજવી હોય હોય અને રાજવીઓમાં વેપારી.

આ અરસામાં પોર્ટુગીઝને દીવમાં થાણું સ્થાપવું હતું, જેના માટે ગોપી મલિક થકી વાટાઘાટો ચાલી રહી હતી. જ્યારે અયાઝ મલિક નામના સુલતાનના નૌકાધિપતિ તેમની સામે લડી લેવાના મૂડમાં હતા.

ઉપરોક્ત પુસ્તકમાં પ્રો. નદવી લખે છે કે '1530માં પોર્ટુગીઝોએ સુરત લૂંટીને રાંદેર પર પોતાનો કબજો જમાવ્યો. આ સમયથી રાંદેરનું મહત્ત્વ ઘટતું ગયું. સુરતની વસતિ અને મહત્તામાં વૃદ્ધિ થતી રહી.'

રેડ લાઇન
રેડ લાઇન

'બાબુલમક્કા' અને 'મુબારક બંદર'

1753માં મક્કા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1753માં મક્કા

રાંદેરના વેપારીઓ સુરત આવી ગયા. અહીં 'સાટા પદ્ધતિ' અને 'હુંડીપ્રથા' દ્વારા વેપાર થતો. એક સમયે સુરતના બંદર પર 84 શાસકોના વાવટા ફરકતા હતા.

શિયાળામાં આ શહેરમાં જગ્યા મેળવવી મુશ્કેલ થઈ જતી અને ચોમાસામાં દરિયો ખેડવાનું શક્ય ન હોવાથી આ બંદર ખાલી થઈ જતું. સોદાગરો અને સાગરખેડૂઓ ઉપરાંત ઇસ્લામના મતાવલંબીઓ દ્વારા પણ આ બંદરનો વ્યાપક રીતે ઉપયોગ થતો.

પ્રો. નદવી લખે છે કે આ શહેર 'બાબુલમક્કા' (મક્કાના દરવાજા) તેમજ 'બંદર મુબારક' (પવિત્ર બંદર) તરીકે ઓળખાતું. મુઘલકાળમાં શાહી પરિવારના અનેક સભ્યોએ આ બંદર પરથી હજ માટે યાત્રા ખેડી હોવાના ઉલ્લેખ જોવા મળે છે.

સુરત નજીક સુવાલી પાસે દેશ-વિદેશના મોટા જહાજ પહોંચતા, જ્યારે તાપી નદીના માર્ગે નાના જહાજો વર્તમાન સમયના સુરતના અંદરના ભાગ સુધી પ્રવેશી શકતા હતા. તાપી નદીના કિનારે (હાલના સમયના) અઠવા લાઇન્સથી લઈને ડુમસ સુધી જહાજનિર્માણનું કાર્ય થતું.

આ અરસામાં એક ઘટનાને કારણે ગોપી મલિક અને સુલતાન વચ્ચે અવિશ્વાસ સર્જાયો. આથી, સુલતાને સુરતના સ્થાપક વેપારીની હત્યા કરાવી નાખી.

બીબીસી ગુજરાતી

રાજકીય 'સૂરત'માં બદલાવ

આ અરસામાં સુલતાન નબળા પડી રહ્યા હતા અને તેમણે નિમેલા સ્થાનિક શાસકો આપખુદ રીતે વર્તી રહ્યા હતા. ગોપી મલિકના મૃત્યુ બાદ પોર્ટુગીઝ અને સુલતાન વચ્ચેનો સંવાદનો સેતુ તૂટી ગયો હતો.

1530માં પોર્ટુગીઝોએ સુરત પર હુમલો કર્યો. શહેરી સુરક્ષા માટે 300 ઘોડેસવારો અને 10 હજાર જેટલા સૈનિક હતા, પરંતુ પહેલા હુમલામાં જ રક્ષકો નાસી છૂટ્યા. પોર્ટુગીઝોએ શહેર ઉપર કબજો કરી લીધો અને તેને આગ લગાડી દીધી. બીજા વર્ષે વધુ એક વખત પોર્ટુગીઝો આવ્યા અને સુરતને ધમરોળ્યું.

વારંવારના પોર્ટુગીઝ હુમલાથી સુરતની સુરક્ષા કરવા માટે અમદાવાદના સુલતાન મહમદ શાહ તૃતીયએ તેના સફી આગા નામના તૂર્ક સૈનિકને શહેરની ફરતે મજબૂત કિલ્લો બાંધવાના આદેશ આપ્યા. સુલતાને તેને 'ખુદાવંદ ખાન'નો ઇકલાબ આપ્યો હતો.

લોખંડ અને સીસાનો ઉપયોગ કરીને આ કિલ્લાને મજબૂત બનાવવામાં આવ્યો હતો. આ સિવાય તેની સુરક્ષા માટે તોપો પણ ગોઠવવામાં આવી હતી. મહમદ તુઘલઘના સમયમાં પણ અહીં નાનકડો કિલ્લો હોવાના અવશેષ ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયા છે.

ગુજરાત ગૅઝૅટિયરના સુરત જિલ્લાના પુસ્તક (પેજનંબર 86-87)1573માં અકબરે આ કિલ્લા પર કબજો કર્યો અને 1773 સુધી તેમને આધીન રહ્યો. અકબરે દૂત મોકલીને પોર્ટુગીઝોથી મક્કા જતાં યાત્રાળુઓની દરિયામાં સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.

અકબર, જહાંગીર અને શાહજહાંના સમયમાં અહીંના શાસનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવી હતી. વેપાર માટે જરૂરી કાયદો, ન્યાયવ્યવસ્થા, સુનિશ્ચિત અને વ્યાજબી જકાતને કારણે સુરતનો વિકાસ થતો રહ્યો.

આ અરસામાં જ અહીં સોના અને ચાંદીની ઝરીની કારીગરીનો વિકાસ થયો. વિદેશમાં માગ અને શાહીશોખને કારણે તેને પ્રોત્સાહન મળ્યું હતું. વર્તમાન સમયમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની મુખ્ય કચેરી પણ એક સમયે મુઘલ સંપત્તિ હતી.

1612માં અંગ્રેજોએ 'ઇસ્ટ ઇન્ડિયા કંપની'ના નેજા હેઠળ સુરતમાં વેપાર કરવા માટે મુઘલ બાદશાહ પાસેથી મંજૂરી મેળવી.

એ પછી વલંદા પણ આવ્યા. દરિયામાં વેપારીઓના માલની સુરક્ષાની ચિંતાએ પહેલાં તેમને હંગામી અને પછી કાયમી મંજૂરી આપવામાં આવી.

અગાઉથી જ ગુજરાતમાં પગ જમાવવા માટે પ્રયાસરત પોર્ટુગલ અને અંગ્રેજ લોકો વચ્ચે સંઘર્ષ થયા, જેમાં અંગ્રેજોનો હાથ ઉપર રહ્યો હતો. હવે, સલ્તનતકાળમાં તેમના તાબા હેઠળ આવેલા દીવ, દમણ અને ગોવાથી તેમને સંતોષ માનવાનો હતો, જેની ઉપર 1961 સુધી તેમનો કબજો રહેવાનો હતો.

સર થૉમસે મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાના અધિકાર મેળવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સર થૉમસે મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાના અધિકાર મેળવ્યા

પ્રો. નદવી તેમના પુસ્તકમાં લખે છે કે 1664માં શિવાજીએ પહેલી વખત સુરતને લૂંટ્યું હતું, ત્યારે તેમને રૂ. દોઢ કરોડ વસૂલ કર્યા હતા. 1669માં ફરી એક વખત તેમણે સુરતને લૂંટ્યું હતું.

1664માં શિવાજીએ સુરતને લૂંટ્યું તે પહેલાં (ગુજરાત ગૅઝૅટિયર, સુરત ડિસ્ટ્રિક્ટ, પેજનંબર 108-109) શહેરનો ઘેરો ઘાલ્યો હતો અને સ્થાનિક વેપારીઓ મારફત દ્રવ્ય મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. ઇનાયતુલ્લાહ નામના સ્થાનિક મુઘલ સરદારે વાટાઘાટો માટે શિવાજી પાસે યુવાન દૂત મોકલ્યો, જેણે છત્રપતિની હત્યાનો પ્રયાસ કર્યો. મરાઠા અંગરક્ષક દ્વારા હુમલાખોરની હત્યા કરી નાખવામાં આવી. એ પછી શિવાજીએ સુરતને ઘમરોળવાનો આદેશ આપ્યો હતો.

જાણીતા ઇતિહાસકાર હરબંસ મુખિયાએ અગાઉ આ અંગે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, "કોઈ રાજા કે બાદશાહનું વર્તન ક્યારેય કોઈના વિરુદ્ધ નથી હોતું કે ક્યારેય કોઈના તરફ નથી હોતું. એમણે લીધેલાં તમામ પગલાં સંપૂર્ણ રીતે રાજકીય હોય છે."

"સુરતની વાત કરીએ તો શિવાજીના આક્રમણનો ઉદ્દેશ સુરતના લોકોને નુકસાન પહોંચાડવાનો નહોતો પણ ત્યાં મુઘલોની સંપત્તિ લૂંટવાનો હતો."

શિવાજીના નેતૃત્વમાં મરાઠાઓ સાથેના સતત સંઘર્ષને કારણે દખ્ખણમાં બીજાપુરની સલ્તનત નબળી પડી રહી હતી. મુંબઈ પાસે ઝંઝીરાના કિલ્લા પર સીદ્દીઓનું શાસન હતું. મરાઠા અને અંગ્રેજોના હુમલાઓને કારણે સીદીઓ સતત નબળા પડી રહ્યા હતા. બીજાપુરના સુલતાન તેમની કોઈ મદદ કરી શકે તેમ ન હતા.

છેવટે દખ્ખણના મુઘલ સુબેદાર સાથે સીદ્દીઓની સંધિ થઈ અને તેમને સુરતના બંદરની સુરક્ષા સોંપવામાં આવી.

1751માં મુઘલકાળના અંતભાગમાં સીદ્દીઓ સ્વતંત્ર થઈ ગયા અને સુરતનો કબજો સંભાળ્યો, પરંતુ લાંબા સમય સુધી કબજો ભોગવી ન શક્યા અને 1759માં અંગ્રેજોએ તેનો કબજો લઈ લીધો.

એ પછી દક્ષિણ-પશ્ચિમની રાંગ પર અંગ્રેજોનો ઝંડો લહેરાતો, જ્યારે ગઢના દક્ષિણ-પૂર્વ ભાગમાં મુઘલ પરચમ રહેતો. 1842માં અંતિમ નવાબમાં પતન પછી આ પ્રથાનો અંત આવ્યો અને તાપીમાંથી અંગ્રેજ કાફલાને હઠાવી લેવામાં આવ્યો.

રેડ લાઇન
રેડ લાઇન

પતન : રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને કુદરતી કારણો

પોર્ટુગીઝ ચાંચિયાની દરિયામાં આણ વર્તાતી, જેના કારણે સુરતના વેપારીઓ ડરતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોર્ટુગીઝ ચાંચિયાની દરિયામાં આણ વર્તાતી

1662માં ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ દ્વિતીય અને પોર્ટુગીઝના કુંવરી વચ્ચે લગ્ન થયું, જેના કારણે શાંતિ સ્થપાઈ હતી. ઇંગ્લૅન્ડના રાજાને દાયજામાં બોમ્બે મળ્યું હતું. ત્યારથી અંગ્રેજો ત્યાં મજબૂત બની રહ્યા હતા.

બદલામાં કુંવરી તેમના ધર્મનું અનુસરણ કરી શકશે અને સ્પૅન સામેની લડાઈમાં અંગ્રેજો પૉર્ટુગલને મદદ કરશે એવું નક્કી થયું હતું.

મુઘલોના નબળા પડવાથી અને મરાઠાઓના વારંવારના હુમલાને કારણે સુરતમાં વેપારની સલામતી રહી ન હતી એટલે તેનું પતન થવા લાગ્યું હતું.

1684થી 1690 દરમિયાન સતત છ વર્ષ સુધી સુરતને પ્લૅગે ધમરોળ્યું હતું. ક્યારેક દૈનિક મૃત્યુઆંક 300 સુધી પહોંચી જતો. તે ચોમાસામાં મંદ પડી જતો અને શિયાળામાં ફરી માથું ઊંચકતો.

પ્રો. નદવીએ પુસ્તકમાં સુરત પર આવેલી આપત્તિઓનું વિવરણ આપ્યું છે. જે મુજબ, મુઘલોના સમયમાં સુરતની વસતિ 12 લાખ હતી, જે યુરોપિયનોના આગમન પછી ઘટતી રહી અને ઈસ. 1797માં આઠ લાખ થઈ ગઈ, 1811માં (અઢી લાખ), 1816માં (એક લાખ 24 હજાર) સુધી ઘટી ગઈ.

એપ્રિલ-1837માં સુરતમાં ત્રણ દિવસ સુધી આગ લાગી હતી. અગનજ્વાળાઓ 10 માઇલ સુધી ફેલાઈ ગઈ અને તેમાં 10 હજાર ઘર નાશ પામ્યા, જેમાં રૂ 45 લાખનું નુકસાન થયું. એજ વર્ષે તાપી નદીમાં પૂર આવવાને કારણે રૂ. 25 લાખનું નુકસાન થયું. 1838માં સુરતનો ચોથો ભાગ પણ ન રહ્યો.

1847માં શહેરની વસતિ ઘટીને માત્ર 80 હજાર રહેવા પામી. એજ વર્ષે પોર્ટુગીઝો શહેરમાંથી ઉચાળા ભરી ગયા. અહીં અંગ્રેજ ઉપરાંત ડચ અને અર્મેનિયન કબ્રસ્તાનો આવેલાં છે, જે શહેરની વિકાસયાત્રામાં તેમની ભૂમિકાની સાક્ષી પૂરે છે.

બીબીસી ગુજરાતી

....અને વિકાસને 'ગતિ' મળી

સુરતના ગઢની રાંગ પર બે અલગ-અલગ વાવટા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરતના ગઢની રાંગ પર બે અલગ-અલગ વાવટા

તાપી નદીના કાંપને કારણે બંદર તરીકેની ઉપયોગિતા રહી ન હતી. છતાં શહેર તરીકે તેનું મહત્ત્વ જળવાઈ રહ્યું હતું અને ધીમે-ધીમે તેનો વિકાસ થતો રહ્યો.

1857માં વિપ્લવ પછી સમગ્ર દેશ ઉપર અંગ્રેજોની નિર્ણાયક પકડ મજબૂત ગઈ હતી. એ પછી 1860માં શહેરમાં રેલવે સ્ટેશન પણ બન્યું.

સુરતના જૂની સિલ્કની કળાને જીવતદાન મળ્યું. કાપડ, જરીકામ અને સોના-ચાંદીની કારીગરીની દેશવિદેશમાં લોકપ્રિય બન્યા અને તેની માગ વધવા લાગી.

ટાપુઓને જોડીને અને દરિયાનું પુરાણ કરીને અંગ્રેજોને મુંબઈમાં મોટું બંદર અને મોકળાશ બંને મળી ગયા હતા. સુરતએ મુંબઈનું હરીફ નહીં પૂરક બની રહ્યું હતું. બંને શહેરની વચ્ચે આવેલા વિસ્તારોના પારસીઓએ સુરત-મુંબઈના વિકાસમાં પોતાનો ફાળો આપ્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન

હીરાઉદ્યોગનો પાયો

સુરત ખાતેની અંગ્રેજોની કોઠી (1727)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરત ખાતેની અંગ્રેજોની કોઠી (1727)

સુરતમાં રેલવેના આગમનના 40 વર્ષ પછી વધુ એક ઉદ્યોગનો પાયો નંખાવાનો હતો, જેને 'ચમકવા' માટે 65 વર્ષ કરતાં વધુનો સમય લાગવાનો હતો. જ્યારે એ ઉદ્યોગ ચમક્યો, એટલે માત્ર દેશ જ નહીં, વિશ્વભરના બજાર ઉપર કબજો જમાવવાનો હતો.

પ્રો. ઋતુલકુમાર સુતરિયાના શોધપત્ર (JEITR, વૉલ્યુમ-1, ઇસ્યુ-4, પેજનંબર-1507) પ્રમાણે, વર્ષ 1900માં ગાંડાભાઈ માવજીવનવાળા અને રંગીલદાસ માવજીવનવાળા આફ્રિકાથી પરત ફર્યા એટલે તેમણે સુરતના વાડી ફળિયામાં હીરા કટિંગ અને પોલિશિંગનું પહેલું એકમ નાખ્યું હતું.

એસઆરકે એક્સ્પોર્ટ્સના ગોવિંદભાઈ ધોળકિયાને ટાંકતા શોધપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, '1940 પહેલાં હીરા ઘસવા અને કાપવાનો ઉદ્યોગ હાલના બર્માના રંગૂનમાં કેન્દ્રીત હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઓએ તેની ઉપર હુમલો કર્યો એટલે ત્યાંના કારીગરો તેમના વતન સુરત-નવસારી પાછા આવી ગયા.'

તત્કાલીન બોમ્બેની ખાલસા કૉલેજના પ્રાધ્યાપક અનંતરાય ત્રિવેદીએ વર્ષ 1943માં 'વૅલ્થ ઑફ ગુજરાત' અને બીજા વિશ્વયુદ્ધ પછી 1949માં 'પોસ્ટ-વૉર ગુજરાત'માં સુરતના વેપાર-ધંધામાં હીરાઉદ્યોગનો ઉલ્લેખ નથી કર્યો, જેથી તે કદ અને રોજગારની દૃષ્ટિએ નોંધપાત્ર નહીં હોય તેમ જણાય છે.

ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથા 'ડાયમંડ્સ'માં જણાવ્યા પ્રમાણે, "1964માં હું સુરત પહોંચ્યો ત્યારે શહેરની વસતિ ત્રણ લાખ જેટલી હતી, જેમાંથી 200 લોકો હીરા ઘસવાના કે પોલીશ કરવાના કામ સાથે જોડાયેલા હતા....એચ. એચ. ઝવેરી, એચ. બી. શાહ અને મોહનદાસ રાયચંદ વગેરે ભારતમાં હીરાઉદ્યોગના પાયામાં છે."

ગોવિંદભાઈએ દાળિયા શેરી ખાતે ગોરધનભાઈ ખડસલિયાની ઘંટીમાં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું હતું. આજે તેમનો વેપાર દેશ-વિદેશમાં ફેલાયેલો છે.

1692માં વલંદા સૈન્યઅધિકારીની સુરતમાં અંતિમવિધિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1692માં વલંદા સૈન્યઅધિકારીની સુરતમાં અંતિમવિધિ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રો. ઘનશ્યામ શાહના (ઇકૉનૉમિક ઍન્ડ પોલિટિકલ વિકલી, વૉલ્યુમ-29, નંબર 41- પેજનંબર 2671-2676) મતે :

1960ના દાયકાની શરૂઆતમાં પૂર્વ રાજવી પરિવારોના હીરા-ઝવેરાત અને ઘરેણાં વ્યાપકપણે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાઈ રહ્યા હતા. કિંમતી રત્ન-ઝવેરાતની નિકાસને પ્રોત્સાહન મળે તે માટે વર્ષ 1966માં કેન્દ્ર સરકાર દ્વારા 'જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સ્પૉર્ટ પ્રમૉશન કાઉન્સિલ'ની સ્થાપના કરવામાં આવી હતી.

પૂર્વ રજવાડાં દ્વારા થતાં વેચાણની સામે સંતુલન જળવાય રહે તે માટે કાચા હીરાની આયાતની છૂટ આપવામાં આવી હતી. 1963-'64માં લગભગ રૂ. બે કરોડ 43 લાખની કિંમતના હીરાની નિકાસ થઈ હતી. જે 1968-'69માં વધી 30 કરોડ 75 લાખ પર પહોંચી ગઈ હતી. સરકારનો એક નિર્ણય હીરાઉદ્યોગ માટે કેટલો લાભકારક નીવડ્યો હશે, તેનો અંદાજ આ આંકડા આપે છે.

શાહ લખે છે કે 1970ના દાયકાની શરૂઆતમાં એક હજાર 200 એકમમાં લગભગ 20 હજાર લોકો કામ કરતા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં લગભગ એક લાખ લોકોને રોજગાર આપતા. આ અરસામાં જ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના પાટીદારોએ ઉત્તર ગુજરાતના જૈન-વાણિયા વેપારીઓના પ્રભુત્વને પડકાર્યું હતું.

એક સમયે હીરાના કાગળના પડીકા વાળવા જેવી પૂરક ભૂમિકા મહિલાઓ ભજવતી, પરંતુ 20મી સદીના અંતભાગથી મહિલાઓને હીરાઘસૂ તરીકે કામ આપવાનું ચલણ વધ્યું છે.

બીબીસી ગુજરાતી

બે-બેનો અસ્ત, એકનો ઉદય

18મી સદીમાં સુરતમાં વણાયેલા કાપડનો નમૂનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 18મી સદીમાં સુરતમાં વણાયેલા કાપડનો નમૂનો

સહસ્ત્રાબ્દીની શરૂઆતથી જ રેશમ અને કપાસના વેપાર-નિકાસ પર પહેલાં રાંદેર અને પછી સુરતનું પ્રભુત્વ હતું. પરંતુ અંગ્રેજોના સમયમાં અમદાવાદ અને મુંબઈમાં કાપડઉદ્યોગ વિકસ્યો હતો. ત્યાં મોટી-આધુનિક મશીનસંચાલિત મીલો આકાર લઈ રહી હતી.

1960માં તત્કાલીન બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા. પહેલાં કૅપિટલ સિટી અને પછી અન્ય ઉદ્યોગોના આગમનને કારણે અમદાવાદના વિકાસે વેગ પકડ્યો હતો. ઉદ્યોગસાહસિકોના પરિશ્રમને કારણે અમદાવાદને 'ભારતના માન્ચેસ્ટર'નો દરજ્જો મળ્યો હતો.

પરંતુ અમદાવાદના મીલમાલિકોની નવી પેઢીમાંથી અમુક વેપારકૌશલ્યમાં ઊણાં ઊતર્યા અને મજૂર સમસ્યાઓની સામે ઝૂકી ગયા. છાશવારેના હુલ્લડ અને આંદોલનોએ સમસ્યાને વધારી હતી. વ્યાપક શહેરીકરણને કારણે જમીનની માગ વધી જવા પામી હતી. મીલોની મસમોટી જમીનોના વેચાણથી થનારી આવકે મીલો બંધ કરવા માટે આકર્ષક કારણ આપ્યું હતું.

બીજી બાજુ, મુંબઈમાં પણ આવું જ થઈ રહ્યું હતું. શહેરીકરણને કારણે મીલો શહેરની વચ્ચે આવી ગઈ હતી. જમીનોના ભાવો 'દિવસે ન વધે એટલા રાત્રે અને રાત્રે ન વધે એટલા દિવસે' ઉછળી રહ્યા હતા. એમાં વળી અંડરવર્લ્ડનું પરિબળ પણ ઉમેરાયું હતું.

પ્રો. ઘનશ્યામ શાહ પોતાના ઉપરોક્ત લેખમાં લખે છે કે દેશના કાપડઉદ્યોગની સ્થિતિની સમીક્ષા કરવા માટે વર્ષ 1954માં ટેક્સ્ટાઇલ ઇન્ક્વાયરી કમિશને સેમી-ઑટૉમેટિક લૂમ્સને પાવરલૂમ્સમાં ફેરવવાની ભલામણ કરી હતી. આ માટે પહેલી તથા બીજી પંચવર્ષીય (અને પછીના આયોજનોમાં પણ) યોજનામાં તેની જોગવાઈ કરી હતી.

1960 પછી ગુજરાત સરકારે પણ આ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે અનેક પ્રયાસ કર્યા. ખત્રી પાટીદાર, જૈન, વાણિયા, મેમણ અને ખોજા ઉદ્યોગસાહસિકો પાવરલૂમ્સના વ્યવસાયમાં હતા, તેમણે ઉપસ્થિત તકોનો યોગ્ય સમયે લાભ લીધો.

ઉધના, સચીન, કતારકામ, સચીન અને પાંડેસરા જેવા શહેરની બહારના વિસ્તારોમાં નાના ઉદ્યોગોના વિકાસ માટે યોગ્ય વાતાવરણ હતું. બોમ્બેના ઉદ્યોગપતિઓએ પણ અહીં રોકાણ કર્યું હતું. ગુજરાતમાં શ્રમિકની સમસ્યા ન હતી અને જમીન સસ્તી હતી. અન્ય આનુષંગિક ધંધા (ઍમ્બ્રૉડરી, ટેક્સ્ટાઇલ ડિઝાઇન, મશીન ડિઝાઇન, મશીન રિપેર) પણ કાપડઉદ્યોગની આસપાસ વિકસ્યા.

સુરતની પાવરલૂમ્સને કારણે પણ મુંબઈ અને અમદાવાદ એમ બંને શહેરની મીલોને ભારે સ્પર્ધા મળી રહી હતી. સુરત બંને શહેરની નજીક હતું. વળી, તે ભારતમાં ફૅશનનું હબ ગણાતું મુંબઈ નજીક જ હતું. જેણે સુરતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

એક સમયે સાડીના દોરા કાપવા કે સાડીના છેડાં ઓટવા કે ટિક્કી ચોંટાડવા જેવા કામો કરીને મહિલાઓ આ ઉદ્યોગમાં પૂરક ભૂમિકા ભજવતી. આજે ડિઝાઇનિંગ અને ફૅશન જેવા કામોમાં તેમની ટકાવારી વધી છે. શ્રમપ્રધાન કામ મુખ્યત્વે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા શ્રમિકો દ્વારા જ થઈ રહ્યા છે.

બીબીસી ગુજરાતી

ઝગમગતો ઝરી ઉદ્યોગ

1754માં બનેલા સુરતના ઝરીઉદ્યોગના કામની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1754માં બનેલા સુરતના ઝરીઉદ્યોગના કામની તસવીર

મુઘલકાળમાં સુરતનો ઝરી ઉદ્યોગ ઝગમગતો હતો, જેની ચમક દેશ-વિદેશમાં ફેલાયેલી હતી. બંદરના પતનને કારણે આ વ્યવસાય પણ ઘટવા લાગ્યો હતો. 1860માં રેલવેના આગમનથી આ ઉદ્યોગને રાહત મળી.

સોના, ચાંદીના તારની આ કળાની માગ, વારાણસી, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં હતી. સુરતમાં કાપડઉદ્યોગ વિકસ્યો એટલે સંકલન સરળ બન્યું અને ઝરી ઉદ્યોગને પણ નવી ચમક મળી.

આ સાથે જ સસ્તો વિકલ્પ આપવાને માટે ઇમિટેશનનું પણ પ્રચલન થયું. આંતરરાષ્ટ્રીય બજારમાં ચીનના દબદબા પછી આ સમસ્યા વધી જવા પામી હતી.

જોકે, 2010માં સુરતના ઝરી ઉદ્યોગને 'જિયૉગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન' મળ્યું, જેના કારણે હજારો એકમો અને તેની સાથે સંકળાયેલા કારીગરોની કળાને આગવી ઓળખ મળી છે. 

બીબીસી ગુજરાતી

21મી સદી : બદલાતી સુરતની સૂરત

સુરતમાં શ્રમિકોની સ્થિતિ હંમેશા ચર્ચાનો વિષય (1989ની તસવીર) Getty

ઇમેજ સ્રોત, Getty Images

ડાયમંડ અને કાપડઉદ્યોગે શહેરમાં આળસ મરડી ત્યારથી જ પર્યાવરણ પ્રત્યેની ઉપેક્ષા, શ્રમિકોની કામકાજ અને રહેણાંકની સ્થિતિ અને તેમને મળતું મહેનતાણું ચર્ચાનો વિષય રહ્યા છે. બૅન્કોને હજારો કરોડનો ચૂનો લગાડવાના આરોપી નિરવ મોદી તથા મેહુલ ચોક્સીના સુરતમાં એકમો હતા.

20મી સદી દરમિયાન પ્લૅગ (1994) સુરત સામે આવેલો કદાચ સૌથી મોટો પડકાર હતો, જેણે તમામ ઉદ્યોગ-ધંધાને વત્તા-ઓછાં અંશે માઠી અસર કરી હતી.

આજે ચૉક, ભાગળ, જમપાગોપીપુરા, રાણી ચકલા અને રેલવેસ્ટેશન આસપાસનો વિસ્તાર 'જૂના સુરત' તરીકે ઓળખાય છે. શહેરમાં વરાછા, અડાજણ, રામનગર, પાલ, પાલનપુર પાટિયા, સરથાણા સહિત અનેક નવા વિસ્તાર ઉમેરાયાં છે. 

21મી સદીની શરૂઆતમાં જ સુરતે ભૂકંપ (2001), હુલ્લડ (2002), તાપી નદીમાં પૂર (2006) અને મંદી (2008) જેવા પડકારોનો સામનો કર્યો છે. નવા દાયકાની શરૂઆત પણ કોરોના જેવી મહામારીથી (2020- '21) થઈ છે. છતાં આગામી સદી માટે શહેર આશાસ્પદ છે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે દેશનું બીજું હીરાવેપાર કેન્દ્ર આકાર લઈ રહ્યું છે. સંસ્થાનો દાવો છે કે વિશ્વના 90 ટકા હીરા અહીં પોલીશ થાય છે. 300થી લઈને 75 હજાર સ્ક્વેર ફૂટની કુલ ચાર હજાર 200 ઓફિસ અહીં આકાર લઈ રહી છે. જેમાં 67 હજાર વ્યવસાયિકોને સમાવેશ કરવાની ક્ષમતા હશે અને તે લગભગ દોઢ લાખ લોકોને રોજગાર આપશે.

હીરાઉદ્યોગ માટે જરૂરી સુરક્ષાની પણ વ્યવસ્થાનો દાવો કરવામાં આવ્યો છે. અહીંનું કુલ ટર્નઓવર રૂપિયા બે લાખ કરોડ પર પહોંચવાનો ડાયમંડ રિસર્ચ ઍન્ડ મર્કેન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટના આયોજકોનો દાવો છે.

આ સિવાય સુરત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે પસંદ થયું છે, પરંતુ આ દિશામાં ઉડીને આંખે વળગે તેવી પ્રગતિ નથી થઈ. ઇન્ટરનેશનલ ઍરપૉર્ટને કારણે વેપારીઓની અવરજવર સુગમ બની છે.

સુરતમાં 350 જેટલાં ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ યુનિટ આવેલાં છે. જે પાંડેસરા, સચીન, કડોદરા અને પલસાણામાં પથરાયેલા છે. શહેરમાં દરરોજ ચાર કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે, જે ડાઇંગ, બ્લિચિંગ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગ જેવી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. 

દેશમાં પાવરલૂમ્સ છ લાખ લોકો અને પ્રોસેસિંગ પાંચ લાખ લોકોને રોજગાર આપે છે. દેશના કુલ ઉત્પાદનમાંથી 40 ટકા એકલા સુરતમાં થાય છે. 

રેડ લાઇન
રેડ લાઇન