છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તવમાં કેવા દેખાતા હતા?

છત્રપતિ શિવાજી મહારાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છત્રપતિ શિવાજી મહારાજ
    • લેેખક, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી

સારાંશ

  • વેદાત મરાઠે વીર દૌડલે સાત’ નામની ફિલ્મમાં અક્ષય કુમાર મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે
  • અંગ્રેજ તેમજ ડચ અધિકારીઓ, વેપારીઓ અને પ્રવાસીઓએ પણ શિવાજી મહારાજનું વર્ણન કર્યું છે
  • શિવાજી મહારાજનું વિશ્વાસપાત્ર ચિત્ર શોધી કાઢવાનો શ્રેય ઇતિહાસકાર વી. એસ. બેન્દ્રેને આપવામાં આવે છે
  • ગોલકોંડા મુલાકાત દરમિયાન કુતુબ શાહના દરબારી ચિત્રકારે શિવાજી મહારાજનું ચિત્ર દોર્યું હતું
  • ઇતિહાસ સંશોધક પાંડુરંગ બલકવડેએ કહ્યું હતું કે, “શિવાજી મહારાજ પાંચ ફૂટ, ચાર ઇંચ ઉંચા હતા
  • ધુરંધરે શિવાજી મહારાજના જીવન આધારિત ચિત્રો અનેક પુસ્તકોમાં પ્રકાશિત થયાં છે
બીબીસી ગુજરાતી

અભિનેતા અક્ષય કુમારને છત્રપતિ શિવાજી મહારાજના વેશભૂષામાં જોઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે. ‘વેદાત મરાઠે વીર દૌડલે સાત’ નામની ફિલ્મમાં અક્ષય કુમાર મહારાજની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ તે મહારાજ જેવા જરાય લાગતા નથી, એવી ટીકા કરવામાં આવે છે.

વળી, શિવાજી મહારાજ કેવા દેખાતા હતા તે સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે. મહારાજનો બાંધો કેવો હતો અને પહેરવેશ કેવો હતો? ઇતિહાસ આ વિશે શું કહે છે?

આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાં કોઈ વ્યક્તિ કેવી દેખાતી હશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે એ દિવસોમાં ફોટોગ્રાફીનો જન્મ થયો ન હતો.

જોકે, એ સમયના દુર્લભ પત્રો, સત્તાવાર દસ્તાવેજો, વિદેશીઓએ લખેલાં પ્રવાસના વર્ણન, યુરોપિયન તથા ગોવળકોંડાના સંગ્રહમાંનાં ચિત્રો અને 19મી સદીમાં એમ. વી. પુરંદરે જેવા ભારતીય ચિત્રકારોએ બનાવેલાં રેખાચિત્રોમાંથી શિવાજી મહારાજનું સ્વરૂપ નજર સામે આવે છે.

બીબીસી ગુજરાતી

શિવાજી મહારાજ વિશેનાં પ્રવાસ વર્ણન

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સની રાજધાની પેરિસમાં 1845માં પ્રકાશિત શિવાજી મહારાજની એક તસવીર

ફ્રૅન્ચ પ્રવાસી જૉન દ તેવનો 1666માં સુરત આવ્યા હતા અને તેમણે એ પ્રવાસનું વર્ણન લખ્યું છે. શિવાજી મહારાજને જોઈને તેમણે લખ્યું છે કે, “રાજાની ઊંચાઈ થોડી ઓછી છે, તેઓ ગૌર વર્ણના છે. તેમની આંખો તેજસ્વી અને બુદ્ધિમત્તા દર્શાવે છે. તેઓ દિવસમાં સામાન્ય રીતે એક વખત જમે છે અને તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ છે.”

સુરત અભિયાન દરમિયાન તે શહેરમાં હાજર અંગ્રેજ તેમજ ડચ અધિકારીઓ, વેપારીઓ અને પ્રવાસીઓએ પણ શિવાજી મહારાજનું વર્ણન કર્યું છે.

ઍન્થની સ્મિથે કરેલું વર્ણન જોન ઍસ્કોલેટે નોંધ્યું છે. તે મુજબ, “રાજાની ઊંચાઈ ઓછી હોય એવું મને લાગે છે. તેઓ ઊભા હોય ત્યારે મારા કરતાં નીચા લાગે છે. તેમનો શારીરિક બાંધો મજબૂત છે. તેઓ ચપળ છે, બોલે છે ત્યારે તેમના ચહેરા પર સ્મિત હોય છે. તેમની નજર વેધક છે અને તેમના સાથીઓની સરખામણીએ તેમનો રંગ ગોરો લાગે છે.”

શિવાજી મહારાજનું વર્ણન તેમના સમકાલીન અને તેમને મળેલા લોકોએ કર્યું છે. શિવભારતના રચનાકાર કવિન્દ્ર પરમાનંદ જેવા કવિએ પણ મહારાજનું વર્ણન કર્યું છે.

સરેરાશ મધ્યમ ઊંચાઈ, વેધક નજર, ધારદાર નાક, દાઢી, મોટું કપાળ ધરાવતા અને શિરત્રાણ, અંગરખા તથા તલવારથી સજ્જ શિવાજી મહારાજનું વર્ણન એ સમયના ઘણા લોકોએ નોંધ્યું છે.

બીબીસી ગુજરાતી

શિવાજી મહારાજનું મૂળ ચિત્ર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, વી. એસ. બેન્દ્રે

ઇમેજ કૅપ્શન, વી. એસ. બેન્દ્રે દ્વારા પ્રકાશિત શિવાજી મહારાજનું ચિત્ર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ સમયના અન્ય શાસકોની માફક શિવાજી મહારાજના દરબારમાં ચિત્રકારો તથા કળાકાર ન હતા. શિવાજી મહારાજે સુરત કે ગોલકોંડા જેવા સ્થળોની મુલાકાત લીધી, ત્યારે ત્યાંના કળાકારાઓ તેમનાં ચિત્રો દોર્યાં હતાં અને તેના પરથી જ તેઓ કેવા દેખાતા હતા તે જાણી શકાય છે.

ગત શતાબ્દીની શરૂઆતમાં શિવાજી મહારાજનાં ઘણાં ચિત્રો પ્રચલિત હતાં, પરંતુ એ પૈકીના ઘણાં સંદર્ભ વગરનાં હતાં. મનુચી નામના ચિત્રકારે દોરેલા ઇબ્રાહિમ ખાન નામની વ્યક્તિના ચિત્રને શિવાજી મહારાજના પોટ્રેટ તરીકે છાપવામાં આવ્યું હતું.

શિવાજી મહારાજનું વિશ્વાસપાત્ર ચિત્ર શોધી કાઢવાનો શ્રેય ઇતિહાસકાર વી. એસ. બેન્દ્રેને આપવામાં આવે છે. બેન્દ્રેએ થોડો સમય ભારત ઇતિહાસ સંશોધન કેન્દ્રમાં કામ કર્યું હતું અને તેમણે છત્રપતિ સંભાજી મહારાજ વિશેની અનેક ગેરસમજ દૂર કરી હતી. બેન્દ્રેએ મરાઠાઓના ઇતિહાસ સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો યુરોપમાંથી મેળવ્યા હતા.

ડચ દસ્તાવેજોનો અભ્યાસ કરતાં તેમને એક ચિત્ર મળી આવ્યું હતું, જે શિવાજી મહારાજનું હોવાનો ઉલ્લેખ હતો.

સુરત અભિયાન દરમિયાન ત્યાંની ડચ વસાહતના ગવર્નર વૅલેન્ટિન શિવાજી મહારાજને મળ્યા ત્યારે બન્નેનાં ચિત્રો દોરવામાં આવ્યાં હતાં અને વૅલેન્ટિને શિવાજી મહારાજનું એક ચિત્ર પત્ર સાથે જોડ્યું હતું.

એ ચિત્રમાં મહારાજ અંગરખું અને મરાઠી શૈલીનાં ઘરેણાં તથા ઉપરણું પહેરેલા જોવા મળે છે. તમામ પુરાવા તથા મૂળ પત્ર શોધી કાઢ્યા બાદ બેન્દ્રેએ 1933માં તે ચિત્ર પૂણેમાં લોકો સમક્ષ રજૂ કર્યું હતું. તેને શિવાજી મહારાજ સામે બેસાડીને દોરવામાં આવેલું દુર્લભ ચિત્ર ગણવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

ગોલકોંડા શૈલીમાં શિવાજી મહારાજના ચિત્રો

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલયમાં પ્રકાશિત શિવાજી મહારાજનું પોટ્રેટ

ગોલકોંડા મુલાકાત દરમિયાન કુતુબ શાહના દરબારી ચિત્રકારે શિવાજી મહારાજનું ચિત્ર દોર્યું હતું અને તે મુજબ પછીનાં ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.

એ જ પોટ્રેટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલયમાં જોવા મળે છે.

શિવાજી મહારાજનાં લગભગ 27 ચિત્રો તે સમયગાળામાં પ્રકાશિત થયાં હતાં અને એ પૈકીનાં મોટાભાગનાં ચિત્રો પરદેશમાં છે.

પૂણેના વિદ્વાન અને ઇતિહાસ સંશોધક મંડળના સભ્ય પ્રસાદ તારે શિવાજી મહારાજના સત્તરમી સદીનાં ચિત્રો 2021માં પ્રકાશમાં લાવ્યા હતા.

જર્મનીના સ્ટેટ આર્ટ મ્યુઝિયમ, પેરિસના ખાનગી સંગ્રહાલય અને અમેરિકાના ફિલાડેલ્ફિયા મ્યુઝિયમમાંનાં એ પેઇન્ટિંગ્ઝ દક્ષિણી ગોલકોંડા શૈલીમાં દોરવામાં આવ્યાં છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Philadelphia Museum

ઇમેજ કૅપ્શન, ફિલાડેલ્ફિયા મ્યુઝિયમમાં પ્રદર્શિત ચિત્રમાં શિવાજી મહારાજના કમર પરના પટ્ટામાં ખંજર જોવા મળે છે

આ ચિત્રો બાબતે માહિતી આપતાં તારેએ કહ્યું હતું કે, “વેપાર માટે ભારત આવતા યુરોપના વેપારીઓને ભારતની રાજધાની સાથે સંબંધ હતો અને તેઓ ગોલકોંડામાં કુતુબ શાહના દરબારમાં પણ જતા હતા.”

તારેએ ઉમેર્યું હતું કે, “17મી સદીમાં બનાવવામાં આવેલા ચિત્રોના રાજ્યાશ્રય મળ્યો હતો. ગોલકોંડામાં અનેક કલાકારો હતા. તેમણે મહારાજાનાં અનેક ચિત્રો દોર્યાં હતાં. શિવાજી મહારાજ દક્ષિણના પ્રવાસે ગયા ત્યારે કોઈ ચિત્રકારે તેમનાં ચિત્રો દોર્યાં હશે.”

તારેએ એમ પણ કહ્યું હતું કે, “એ ચિત્રોના આધારે અન્ય ચિત્રકારોએ બીજાં ચિત્રો બનાવ્યાં હશે. આ ચિત્રો જે સંગ્રહાલયમાંથી મળી આવ્યાં હતાં, તેમાં પણ આ ચિત્રો શિવાજી મહારાજનાં હોવાનો ઉલ્લેખ છે.”

જર્મની સ્થિત સ્ટેટ આર્ટ મ્યુઝિયમમાંથી મળી આવેલાં ચિત્રમાં શિવાજી મહારાજ કેસરી રંગના મ્યાનમાં રાખવામાં આવેલી સીધી તલવાર સાથે જોવા મળે છે. પેરિસના એક ખાનગી સંગ્રહાલયમાંના ચિત્રમાં શિવાજી મહારાજના હાથમાં પટ્ટાવાળું હથિયાર જોવા મળે છે. અમેરિકાના ફિલાડેલ્ફિયા મ્યુઝિયમમાં પ્રદર્શિત એક ચિત્રમાં શિવાજી મહારાજના કમર પરના પટ્ટામાં ખંજર જોવા મળે છે.

ઇતિહાસ સંશોધક પાંડુરંગ બલકવડેએ કહ્યું હતું કે, “શિવાજી મહારાજ પાંચ ફૂટ, ચાર ઇંચ ઊંચા હતા. તેમનું નાક તીક્ષ્ણ હતું. તેમનું કપાળ મોટું હતું. તેમને આંખો વેધક હતી. ચહેરો સપાટ હતો. શિવાજી મહારાજની આ વિશેષતાઓ ત્રણેય ચિત્રોમાં જોઈ શકાય છે.”

તેમના કહેવા મુજબ, “આ ચિત્રોમાં શિવાજી મહારાજની વય 40થી 50 વર્ષની આસપાસ હોય તેવું દેખાય છે. રાજસ્થાની વગદાર વ્યક્તિઓ પહેરતા તેવા પહેરવેશમાં પણ શિવાજી જોવા મળે છે. એક ચિત્રમાં તેમના હાથમાં પટ્ટો તથા બીજામાં તલવાર જોવા મળે છે. મોજડી અને શિરત્રાણ પણ આ ચિત્રોમાં જોવાં મળે છે.”

બીબીસી ગુજરાતી

એમ. વી. ધુરંધરે બનાવેલું શિવાજી મહારાજનું રેખાચિત્ર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dr. Bhau Daji Lad Museum

ઇમેજ કૅપ્શન, શિવ રાજ્યાભિષેકના એમ.વી.ધુરંધર દ્વારા લેવામાં આવેલી તસવીર

ફિલ્મો અને ટીવીનો વિચાર કરીએ તો બ્લૅક ઍન્ડ વ્હાઇટ યુગમાં સૂર્યકાંત માંઢરેથી માંડીને ટીવી પર અમોલ કોલ્હે અને તે પછી શરદ કેળકરે ભજવેલી શિવાજી મહારાજની ભૂમિકા ભારે પ્રશંસા પામી છે.

કેટલીક વખત ફિલ્મો જોઈને લોકોને એવું લાગ્યું છે કે, શિવાજી મહારાજ આવા હોય જ નહીં, પરંતુ આજે શિવાજી મહારાજનું નામ ઉચ્ચારતાંની સાથે જ આપણી આંખો સમક્ષ જે ચિત્ર ઉપસી આવે છે, તેના પર એમ. વી. ધુરંધરે દોરેલા ચિત્રોનો પ્રભાવ જોવા મળે છે.

એમ. વી. ધુરંધરે શિવાજી મહારાજના જીવન પર આધારિત જે ચિત્રો બનાવ્યાં હતાં, તેને ઔંધના સ્થાપક બાળાસાહેબ પંતપ્રતિનિધિ લઈ ગયા હતા.

ધુરંધરે શિવાજી મહારાજના જીવન આધારિત જે ચિત્રો બનાવ્યાં હતાં તે અનેક પુસ્તકોમાં પ્રકાશિત થયાં છે. એ પૈકીનાં કેટલાંક ચિત્રો મુંબઈના ભાઉ દાજી લાડ સંગ્રહાલયમાં 2018માં પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી