સુરત : 'મારી જેમ કોઈ મા દીકરો ન ગુમાવે', ઉત્તરાયણમાં પતંગની દોરીથી દીકરો ગુમાવનાર માતાની કહાણી


- સુરતના ઓલપાડના પટેલ પરિવારે ઉત્તરાયણમાં પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો
- પરિવાર માટે દીપેનની વાતો હવે યાદગીરી બની ગઈ છે
- બ્રિજ પરથી પસાર થતી વખતે દીપેનના ગળામાં દોરી ભરાઈ હતી
- ઉત્તરાયણના તહેવારમાં માંજાથી લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે

“દીપેન મિલનસાર સ્વભાવનો હતો અને લોકોની સેવામાં હંમેશાં અગ્રેસર રહેતો. તેના સ્વભાવને કારણે તેના મિત્રો પણ તેને ખૂબ પસંદ કરતા હતા. દીપેન ક્રિકેટનો અને પતંગ ચગાવવાનો ખૂબ જ શોખીન હતો.” આ શબ્દો છે પતંગના દોરાથી 2017માં જીવ ગુમાવનાર દીપેન પટેલનાં માતા જશુબહેનના.
મકરસંક્રાંતિ એવો તહેવાર છે, જે આખા ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં જુદાં-જુદાં નામથી અને અનેક રીતે ઊજવાય છે. જોકે, ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીથી લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે.
આવો જ એક કિસ્સો 2017માં ઉત્તરાયણના તહેવાર ટાણે બન્યો હતો. સુરતના ઓલપાડના પટેલ પરિવારે ઉત્તરાયણમાં પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો.
દીપેનના મૃત્યુને આ ઉત્તરાયણે પાંચ વર્ષ પૂરાં થશે, પરંતુ હજુ પણ તેમનાં માતાપિતા અને ભાઈનાં આંસુ સુકાયાં નથી. પરિવાર માટે દીપેન સાથે વિતાવેલી પળો હવે યાદમાં રહી ગઈ છે.

કેવી રીતે ઘટી હતી ઘટના

22 નવેમ્બર 2017નો દિવસ આજે પણ આ પટેલ પરિવાર ભૂલી શક્યો નથી. ઓલપાડના કરંજ પારડી ગામનાં ઠાકોરભાઈ બાબુભાઈ પટેલ અને જશુબહેન પટેલનો પુત્ર દીપેન સુરતના એ. કે. રોડ પર આવેલી સુમૂલ ડેરી ખાતે નોકરી કરતો હતો.
દીપેન સાંજે નોકરી પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અડાજણસ્થિત ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થતી વખતે ગળામાં દોરી ભરાઈ હતી અને તેમની બંને નસો કપાઈ ગઈ હતી.
દીપેને આવી ગંભીર હાલતમાં પણ તેમનાં માતાને ફોન કર્યો હતો, પરંતુ તે કંઈ જ બોલી શક્યા ન હતા. અન્ય રાહદારીઓ દીપેનને હૉસ્પિટલ લઈ ગયા હતા. દીપેનના ભાઈ હૉસ્પિટલ પહોંચ્યા, તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
માતા જશુબહેન દીપેન સાજો થઈને ઘરે આવે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ત્રણ કલાક બાદ દીપેનના મૃત્યુના સમાચાર આવ્યા અને જાણે પરિવાર પર આભ તૂટી પડ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'દર ઉત્તરાયણે માતમ'

આજે પાંચ વર્ષ બાદ પણ દીપેનનાં માતા એ દિવસ વિશે વાત કરતાં રડી પડે છે.
દીપેનને યાદ કરતાં તેમનાં માતા જણાવે છે, “ઉત્તરાયણ આવે એટલે હું પુત્ર માટે તલના લાડું અને ચીકી બનાવતી, તેમજ અમે પતંગ ખરીદીને રાખતાં હતાં. જોકે હવે ઉત્તરાયણ પર અમારા ઘરે માતમ છવાયેલું રહે છે.”
“મેં મારો પુત્ર ગુમાવ્યો એમ અન્ય કોઈ માતા પોતાનો પુત્ર ન ગુમાવે, કોઈ બહેન ભાઈ ન ગુમાવે, તે માટે સુરતના અઠવાલાઇન્સ ચોપાટી પાસે સવા લાખ જેટલાં સેફટી બેલ્ટનું વિતરણ પણ કર્યું.”

“દીપેન ફોટોગ્રાફર બનવા માગતો હતો”

દીપેનના મોટા ભાઈ ચિંતને જણાવ્યું કે, “અમે બંને ભાઈ કરતાં મિત્ર વધારે હતા. જ્યારે પણ કોઈ વસ્તુ લઈએ તો બે જ લેતા હતા. તમામ લોકો અમને રામ-લક્ષ્મણની જોડી કહેતા હતા. ઉત્તરાણ હોય કે કોઈ પણ તહેવાર હોય દીપેન ખૂબ જ રંગેચંગે તેની ઉજવણી કરતો. તેનો સ્વભાવ મડતાવડો અને સરળ હોવાથી તેના મિત્રો પણ ઘણા હતા.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દીપેન ફોટોગ્રાફર બનવા માગતો હતો અને બિઝનેસ કરવા માગતો હતો, પરંતુ એ દિવસે પતંગના દોરાએ ભાઈનો જીવ લઈ લીધો.”
ચિંતને હાલ પણ તેના ઘરમાં દીપેનની યાદગીરી સમાન ટ્રૉફી, મેડલ, બાઈક બધું જ સાચવી રાખ્યું છે. તે પણ લોકોને એક જ વિનંતી કરે છે, “ઉત્તરાયણનું પર્વ ઊજવો પણ કોઈ પરિવાર પોતાનો સભ્ય ન ગુમાવે એ રીતે ઊજવો. કારણ કે પરિવારમાંથી એક સભ્યનું ઓછું થવું એ વેદના ખૂબ જ આઘાતજનક હોય છે.”














