સુરત : સિન્થેટિક ડાયમંડ, જે લૅબમાં બનતા હીરા માટે નાણામંત્રી સીતારમણે ખાસ જાહેરાત કરી તે શું છે અને તે કેવી રીતે બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે સંસદમાં કરેલા ભાષણમાં કહ્યું કે લૅબોરેટરીમાં બનેલા હીરાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવશે.
બજેટ ભાષણમાં સીતારમણે આ સંદર્ભે કહ્યું હતું કે, “જે સીડ્સનો ઉપયોગ લૅબ ડાયમન્ડ બનાવવા માટે થાય છે તેના પર લાદવામાં આવતી કસ્ટમ ડ્યૂટી હઠાવાશે.”
નાણામંત્રી નિર્મલા સીતારમણે એમ પણ કહ્યું કે લૅબ ડાયમન્ડના ઉદ્યોગના વિકાસ માટે આઈઆઈટીને ખાસ ગ્રાન્ટ પણ આપવામાં આવશે.
ત્યારે હવે જોઈએ કે આ લૅબોરેટરીમાં બનેલા હીરા કેવા હોય છે અને તે શું બજારમાં મળતા કુદરતી હીરા કરતાં સસ્તા હોય છે? અને બજેટમાં લૅબમાં બનેલા હીરાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેની આ જાહેરાતથી સુરતના ડાયમન્ડ ઉદ્યોગને તેની કેટલી અસર પડશે?

બજેટમાં લૅબ ડાયમંડના ઉદ્યોગને પ્રોત્સાહન, આખરે આ ઉદ્યોગ શું છે?

- લૅબ ડાયમંડ બનાવવા માટે જે સીડ્સનો ઉપયોગ થાય છે તેની કસ્ટમ ડ્યૂટી હઠાવાશે તેવી બજેટમાં જાહેરાત કરાઈ
- લૅબ નિર્મિત હીરાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આઈઆઈટીને ખાસ અનુદાન આપવામાં આવશે જેથી લૅબમાં બનતા હીરાઉદ્યોગમાં ઉપયોગમાં આવતી મૅન્યુફૅક્ચરિંગ ટેકનૉલૉજી અને તેના રિસર્ચમાં મદદ મળે
- સુરતના ઉદ્યોગકારો માને છે કે જે પ્રકારે વિશ્વમાં લૅબ મેઇડ હીરાની માગ વધી રહી છે તે જોતાં જો આ પ્રકારના સિન્થેટિક હીરા ભારતમાં બને તો દેશના હીરાઉદ્યોગને તેનો ફાયદો થશે
- જોકે કેટલાક હીરાઉદ્યોગનું કહેવું છે કે લૅબ નિર્મિત હીરાની રિસેલ વૅલ્યૂ નથી તેથી બજેટમાં પ્રાકૃતિક હીરાઉદ્યોગ માટે પણ વધુ જાહેરાતો કરવાની જરૂર હતી

હવે લૅબમાં બનતા હીરા શું હોય છે?

આજકલ લૅબમાં બનેલા હીરાની પણ માગ છે. અને તેનો ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે. જેને લૅબ ગ્રોન ડાયમન્ડ્સ કહેવાય છે. જેને કૃત્રિમ હીરા તરીકે ઓળખવામાં આવે છે. તે દેખાવમાં બિલકુલ કુદરતી હીરા જેવો જ હોય છે. એકદમ અસલી જેવો.
જેમ આપણે ખાંડના ડબ્બામાં ખાંડ દબાવીને ભરીએ છીએ તેમ તેમાં કાર્બનના અનેક અણુ જોડવામાં આવે છે. ત્યારે તે કૃત્રિમ હીરો બને છે.
તેને બનાવવા માટે લૅબમાં ઉચ્ચ તાપમાન અને દબાણ પેદા કરવામાં આવે છે અને આ પ્રક્રિયા થાય ત્યારે લૅબમાં હીરો બને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે કેમિકલી, ફિઝિકલી અને ઑપ્ટિકલી હીરા જ હોય છે.
પહેલાં અમેરિકન ડાયમન્ડ, ક્યૂબિક ઝિક્રોનિયા, મોઝોનાઇટ, સફેદ પુખરાજ અને વાયએજી એ નકલી ડાયમંડની ગરજ સારતા હતા. પણ તેમની ચમક અને ઓળખ પ્રાકૃતિક હીરાથી અલગ પડતી હતી. પણ લૅબમાં બનેલા હીરા પ્રાકૃતિક હીરાથી અલગ પાડવા મુશ્કેલ છે.
આમ તો લૅબમાં ડાયમંડ બનાવવાની ઘણી રીત છે પણ તેમાં એક સામાન્ય એ છે કે તેને ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન આપીને બનાવવામાં આવે છે. જેને HPHT મૅથડ કહેવાય છે.
જેમાં દબાણ 7,30,000 પ્રેશર પર સ્ક્વેર ઇંચ એટલે કે પીએસઆઈ રાખવામાં આવે છે અને જ્યારે તાપમાન અંદાજે 1500 ડિગ્રી સેલ્સિયસ હોય છે.
સામાન્ય રીતે ગ્રેફાઇટનો ડાયમંડ સીડ્સ તરીકે ઉપયોગ થાય છે. અને તેને 1500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ખાસ પદ્ધતિ મારફતે ડાયમંડમાં પરિવર્તિત કરવામાં આવે છે.
બીજી પદ્ઘતિ કેમિકલ વેપર ડિપૉઝિશન એટલે કે CVD તરીકે પણ ઓળખાય છે.
આ પદ્ધતિમાં 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને દબાણે મિથેન તથા હાઇડ્રોજનને ગ્રોથ ચૅમ્બરમાં દાખલ કરાય છે ત્યાં તેને માઇક્રોવેવ, લેસર કે ઇલેક્ટૉન બીમ વગેરે દ્વારા આયોનાઇઝ કરવામાં આવે છે.
અહીં હાઇડ્રોકાર્બન વાયુ અને મિથેનમાં રહેલો કાર્બન હીરામાં રૂપાંતરિત થાય છે. ઉપરાંત એક્પ્લોઝિવ ફોર્મેશન પદ્ઘતિનો ઉપયોગ કરીને પણ લૅબ ડાયમંડ બનાવાય છે જે ડિટોનેશન નેનોડાયમંડ બનાવવામાં વપરાય છે.
આ પદ્ધતિનો ઉપયોગ નૅનો-ડાયમંડ પાઉડર પૉલિશિંગનાં સાધનો બનાવવા માટે થાય છે.

શું લૅબમાં બનતા હીરાને કારણે પ્રાકૃતિક ડાયમંડની વૅલ્યૂ ઘટી જશે?

વિશ્વમાં લૅબમાં બનાવેલા હીરાની માગ વધી રહી છે તેથી જાણકારો કહે છે કે ભવિષ્યમાં પ્રાકૃતિક ડાયમંડના ઉદ્યોગને આ લૅબમાં બનેલા હીરાનો ઉદ્યોગ આંબી શકે છે.
દામજીભાઈ માવાણી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં કહે છે કે, “ભારતમાં જો લૅબ ડાયમંડનો ઉદ્યોગ ફૂલેફાલે તો સુરતના હીરાઉદ્યોગને તો ફાયદો જ થવાનો છે. કારણકે લૅબ ડાયમંડ પ્રાકૃતિક ડાયમંડ કરતાં ત્રીજા ભાગની કિંમતે મળે છે. એટલે જે વર્ગ પ્રાકૃતિક ડાયમંડ ખરીદી શકતો નથી તે લૅબ ડાયમંડ ખરીદશે અને સરવાળે ભારતના હીરાઉદ્યોગને તેનો ફાયદો થશે.”
શું લૅબમાં બનતા હીરા પ્રાકૃતિક હીરા કરતાં સસ્તા હોય છે? તો હા, કૃત્રિમ હીરા પ્રાકૃતિક હીરા કરતા 30 ટકા સસ્તી હોય છે પણ તેની રિસેલ વૅલ્યૂ નથી હોતી.
શું તેની અસર પ્રાકૃતિક ડાયમંડ માર્કેટ પર થશે કે કેમ તેવા સવાલના જવાબમાં દામજીભાઈ કહે છે કે, “મોંધા ડાયમંડ ખરીદશક્તિ ધરાવતો વર્ગ જ અલગ છે. પણ જો આપણે લૅબમાં બનેલા સસ્તા ડાયમંડને પ્રોત્સાહન આપવાને કારણે જે વર્ગને પ્રાકૃતિક ડાયમંડ પોસાતો નથી તે વર્ગ પણ આ લૅબ ડાયમંડ ખરીદી શકશે અને તેને કારણે ભારતનો ડાયમંડનો ધંધો વધશે અને સરવાળે ફાયદો થશે.”
જોકે જાણકારો અનુસાર બજેટમાં કરાયેલી જાહેરાત બાદ જો લૅબમાં બનતા હીરા ભારતમાં બનવા લાગશે તો તેની કિંમતમાં હજુ ઘટાડો થઈ શકે છે.
જોકે કેટલાક તેનાથી વિપરીત નિવેદન પણ આપી રહ્યા છે.
કેટલાક હીરાના વેપારીઓનું માનવું છે કે માત્ર લૅબ ડાયમંડને પ્રોત્સાહન આપવાથી પ્રાકૃતિક ડાયમંડ ઉદ્યોગને અસર પડી શકે છે.
હીરાઉદ્યોગના નિકાસકાર કીર્તિ શાહ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે લૅબ ડાયમંડની રિસેલ વેલ્યૂ નથી. તેથી ભલે તે સસ્તા હોય પણ પ્રાકૃતિક હીરાની સરખામણી ક્યારેય નહીં કરી શકે. કિર્તી શાહ વધુમાં કહે છે કે, “સિન્થેટિક ડાયમંડને પ્રોત્સાહન આપવાની સાથે સરકારે બજેટમાં પ્રાકૃતિક હીરાના નિકાસકારોને પણ રાહત આપવી જોઈતી હતી.”
કીર્તિ શાહે માગ કરી છે કે, “સરકારે સર્ટિફાઇડ હીરા પર લાગતી જીએસટી 18 ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે રફ ડાયમંડનો ઑનલાઇન ધંધો કરતાં ઉદ્યોગકારો પર જે 1.5 ટકા લૅવી લાગે છે તે દૂર કરવી જોઈએ.”

કેવા હોય છે લૅબમાં બનેલા હીરા?

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયામાં પ્રાકૃતિક હીરા બાદ હવે લૅબમાં બનેલા હીરાની માગ પણ વધવા લાગી છે.
તેથી ભારતમાં આ ઉદ્યોગને આગળ લઈ જવા માટે પ્લૅટફૉર્મ તૈયાર કરવાના ભાગરૂપે ભારત સરકારે બજેટમાં ખાસ જાહેરાત કરી છે.
આ બજેટમાં લૅબમાં બનતા હીરાને તૈયાર કરવા માટે જરૂરી ઉત્પાદન કરવા માટે ખાસ લૅબોરેટરી તૈયાર કરવા ખાસ સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
આવી લૅબોરેટરીને તકનીકી મદદ કરાય તે હેતુથી નાણામંત્રીએ આઈઆઈટીને ગ્રાન્ટ આપવાની વાત કરી છે.
અગાઉ હીરા ઉદ્યોગકારોએ નાણામંત્રીને અપીલ કરી હતી કે લૅબમાં બનનારા હીરા બનાવવા માટે જે ઉપકરણોની જરૂર પડે છે તેની આયાત ડ્યૂટી ઓછી કરવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે. પણ સરકાર વિચારે છે કે જો આ પ્રકારની લૅબોરેટરી આઈઆઈટી બનાવશે તો આ ઉપકરણો આયાત કરવાં માટેની જરૂર નહીં પડે અને તે દેશમાં જ તૈયાર થશે. લૅબ ડાયમંડને સિન્થેટિક ડાયમંડ પણ કહે છે.
પ્રાકૃતિક હીરો કિંમતી હોય છે. હીરો એક ખનીજ છે. જમીનની નીચે જે કાર્બન પદાર્થ હોય છે તેમાંથી જ હીરો બને છે. હીરો શુદ્ધ સ્વરૂપમાં કાર્બન જ છે. તે કાર્બનનું સૌથી સખત સ્વરૂપ છે. જો તમે તેને સળગાવો છો તો તેની રાખ પણ તમને નહીં મળે. તે કાર્બનમાં પરિવર્તિત થઈ જશે.
જમીનની અંદર ભયંકર દબાણ અને તાપમાનમાં જ્યારે કાર્બનના કણો મળે છે ત્યારે તેઓ હીરો બનાવે છે. આ પ્રાકૃતિક હીરો છે.

આ વિશે સુરતના હીરા ઉદ્યોગકારોનું?

ઇમેજ સ્રોત, Getty Images
સુરતના હીરા ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે ભારતમાં લૅબમાં બનતા હીરાને પ્રોત્સાહન આપવાને કારણે ઘણો ફાયદો થશે.
તેમનું કહેવું છે કે વિશ્વમાં હવે સિન્થેટિક એટલે કે લૅબમાં બનેલા ડાયમંડની માગ જ્યારે વધી રહી છે ત્યારે હીરાઉદ્યોગના હબ એવા સુરતના હીરાઉદ્યોગકારોને ઘણો ફાયદો થશે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના કારોબારી સભ્ય દિનેશભાઈ નાવડિયા બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવે છે કે, “ભારતમાં લૅબમાં બનતા હીરાને પ્રોત્સાહન આપવાને કારણે સુરતના હીરાઉદ્યોગમાં વૅલ્યૂ એડિશન થશે.”
દિનેશભાઈ આગળ કહે છે કે, “પહેલાં આપણે ડાયમંડ કટ અને પૉલિશ તથા તેની જ્વેલરી બનાવતા હતા હવે આપણે લૅબ ડાયમંડ પણ બનાવીશું અને કટ-પૉલિશ પણ કરીશું અને જ્વૅલરી પણ બનાવીશું.”
તેઓ આ ઉદ્યોગના લાભ અંગે જણાવતાં આગળ કહે છે કે, આપણી પાસે લેબર તૈયાર છે, હવે હીરાનું પ્રોડક્શન પણ થશે જેને કારણે દેશની નિકાસ વધશે.
દિનેશભાઈ વધુમાં ઉમેરે છે કે, “આપણે વર્ષે 24 બિલિયન ડૉલરનું પ્રાકૃતિક ડાયમંડનું ઍક્સપૉર્ટ કરીએ છીએ. જ્યારે કે લૅબમાં બનેલા ડાયમંડની નિકાસ માત્ર 1.25 બિલિયન ડૉલર છે. જો ભારતમાં આ પ્રકારે લૅબમાં ડાયમંડ પેદા થશે તો તેની નિકાસ ચાર બિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે.”
દિનેશભાઈ સિન્થેટિક હીરા બનાવવા માટેના સીડ્સ પરની કસ્ટમ ડ્યૂટી હઠાવાના સરકારના પગલાને સરાહનીય ગણાવતાં કહે છે કે, “આના કારણે ભારતમાં સિન્થેટિક ડાયમંડ બનાવનારાઓને ઘણો ફાયદો થશે.”
સુરતના હીરા ઉદ્યોગકારોનું એમ પણ કહેવું છે કે જે પ્રકારે વિશ્વમાં સિન્થેટિક ડાયમંડની માગ વધી રહી છે એ જોતાં ભારતના હીરાઉદ્યોગનું પ્રભુત્વ જાળવવા માટે લૅબમાં બનતા હીરાની આંતરમાળખાકીય સુવિધાઓ માટે સહાય આપવાની તાકીદની જરૂર હતી.
સુરત ડાયમંડ ઍસોસિયેશનના સેક્રેટરી દામજીભાઈ માવાણી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે કે, “લૅબ ગ્રોન ડાયમંડ બનાવવા માટે આપણે સીડ્સની જરૂર પડે છે. આ સીડ્સ ચીનથી આયાત કરવામાં આવે છે. એટલે જો ભારતમાં આ સીડ્સ બને તો ભારતને લૅબ ડાયમંડ સસ્તા ભાવે તૈયાર થઈ શકે.”
દામજીભાઈ વધુમાં જણાવે છે કે, “લૅબ ડાયમંડ બે પ્રકારે બને છે. એક HPHT અને બીજું CVD પ્રકારે. જેમાં HPHT પ્રકારે બનતા સિન્થેટિક ડાયમંડના સીડ્સ ચીનથી આયાત કરવામાં આવે છે. સીવીડી ભારતમાં બને છે. એટલે જો HPHT પ્રકારે બનતા સિન્થેટિક ડાયમંડ પણ જો ભારતમાં બને તો આપણે ચીન પર નિર્ભર નહીં રહેવું પડે અને હીરા ઉદ્યોગકારોને પણ ફાયદો થાય અને ભારતનું વિદેશી હૂંડિયામણ પણ બચે.”















