અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશતા લોકોને રોકવા મેક્સિકોની સરહદે વધુ દીવાલો કેમ બની રહી છે?

સરહદ પરની વાડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેક્સિકો અને અમેરિકા વચ્ચેની સરહદી દીવાલનું વિસ્તરણ કરાશે
    • લેેખક, બેર્ન્ડ ડેબુસ્માન
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન

ટેક્સાસની સ્ટાર કાઉન્ટી પહેલી નજરે શાંત સ્થળ લાગે છે. તેની નાનકડી ટેકરીઓ મેસ્ક્યુટનાં વૃક્ષો અને નીચી ઝાડીઓથી ઢંકાયેલી છે. તે નાની-નાની કોતરો તથા ઝરણાઓથી ઘેરાયેલી છે અને તેનાં અનેક શહેર જૂની પશ્ચિમી ફિલ્મો જેવાં લાગે છે.

મેક્સિકો સાથેની સીમા અહીંથી ક્યારેય દૂર નહોતી. રોમા જેવાં શહેરોમાં શાંત દિવસોમાં રહેવાસીઓ અને પ્રવાસીઓ રિયો ગ્રાન્ડેમાં મોટા અવાજે થતી વાતચીત, રમતાં બાળકોનો અવાજ કે મરઘાની બાંગ સાંભળી શકે છે.

અહીંના પર્યાવરણ, નદી સાથેની તેની નિકટતા અને હાઈવેઝ સુધીની આસાન પહોંચને કારણે આ કાઉન્ટી દાયકાઓથી હિજરતીઓ માટે વ્યસ્ત ક્રોસિંગ પૉઇન્ટ બની રહી છે. હવે તે અમેરિકામાં સીમા સુરક્ષા વિશેની ગરમાગરમ ચર્ચાનું કેન્દ્ર બની છે.

રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનની સરકારે થોડા સપ્તાહ પહેલાં જાહેરાત કરી હતી કે એ વિસ્તારમાં અંદાજે 32 કિલોમીટર લાંબી સરહદી દિવાલ બાંધશે. રાષ્ટ્રપ્રમખ પદની ચૂંટણીના એક વખતના ઉમેદવાર બાઇડને ત્યારે એવી જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રપ્રમુખ બનશે પછી “એક નવી દીવાલનું વધુ નિર્માણ કરશે નહીં.” તેઓ રાષ્ટ્રપ્રમુખ બન્યાના પહેલા જ દિવસે તેમણે દીવાલનું બાંધકામ અટકાવી દીધું હતું. હવે નવી જાહેરાત તેનાથી તદ્દન વિરોધાભાસી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે 2019માં ફાળવેલાં નાણાંને કારણે સીમા પર અનિચ્છાએ દીવાલનું નિર્માણ કરાઈ રહ્યું હોવાનો દાવો રાષ્ટ્રપ્રમુખ બાઇડન અને વહીવટીતંત્રના અધિકારીઓ કરી રહ્યા છે, પરંતુ તેમની જાહેરાતે વિવાદાસ્પદ પગલાં વિશેની ચર્ચાને ફરી વેગ આપ્યો છે. સરહદ પર અંકુશ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની પ્રતીકાત્મક નીતિ હતી.

હિજરતીઓના પ્રવાહના અંકુશમાં રાખવામાં સરહદી દીવાલની અસરકારકતા ગરમાગરમ અને સઘન રાજકીય ચર્ચાનો વિષય બની છે.

શું આ દીવાલોનો અવરોધ અસરકારક છે?

સ્થળાંતર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અવરોધોની લાંબાગાળે સ્થળાંતર કરનારા લોકોના પ્રવાહ પર થોડી અસર પડી છે

2020ના અંતમાં બહાર પાડવામાં આવેલો હોમલૅન્ડ સિક્યુરિટી વિભાગનો ડેટા દર્શાવે છે કે નવી દિવાલોને કારણે કેટલાક ક્ષેત્રોમાં ગેરકાયદે પ્રવેશ લગભગ 90 ટકા ઘટ્યો છે. એક અન્ય અભ્યાસ તેનું પરિણામ સાધારણ હોવાનું સૂચવે છે.

દાખલા તરીકે કેટો ઇન્સ્ટિટ્યુટના ડેટાનું વિશ્લેષણ જણાવે છે કે બોર્ડર પેટ્રોલ વિભાગે ટ્રમ્પ શાસનના અંત પહેલાં જ વધુ આશંકા અને ગેરકાયદે ક્રૉસિંગ રેકર્ડ કર્યાં હતાં, જે સૂચવે છે કે દિવાલ અર્થપૂર્ણ સાબિત થઈ નથી.

અમેરિકન ઈકોનોમિક રિવ્યૂ: ઍપ્લાઈડ ઈકોનોમિક્સમાં પ્રકાશિત ત્રીજા અહેવાલમાં જાણવા મળ્યું છે કે સરહદી અવરોધોને કારણે સ્થળાંતર 35 ટકા ઘટ્યું છે. જોકે, વધારે બોર્ડર એજન્ટ્સની સેવા લેવા માટેના ભંડોળના ઉપયોગ કરતાં અવરોધો વધારે અસરકારક હતા.

બાઇડન વહીવટીતંત્રે તેના પક્ષે વારંવાર અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે અવરોધો અસરકારક હોય તેવું તેઓ માનતા નથી.

હવે નિષ્ક્રિય અમેરિકન ઇમિગ્રેશન એન્ડ નેચરલાઈઝેશન સર્વિસના ભૂતપૂર્વ કમિશનર ડોરિસ મેઈસનરે બીબીસીને જણાવ્યું હતું કે પેટ્રોલિંગ કરવું સરળ હોય તેવા વિસ્તારોમાં હિજરતીઓના પ્રવાહને પાછો મોકલવામાં અવરોધો અસરકારક હોઈ શકે છે.

હાલ વોશિંગ્ટનસ્થિત માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા મેઈસનરે કહ્યું હતું, “સ્ટાર કાઉન્ટીમાં અવરોધ રાખવાનો હેતુ એ છે કે બોર્ડર પેટ્રોલ એજન્ટો અને વાહનોને વિશાળ વિસ્તારમાં રાખવાની જરૂર નથી, પરંતુ જે સ્થળેથી લોકો સરહદ પાર કરે છે ત્યાં રાખવાના છે. હવે તેઓ આ દરખાસ્ત બાબતે વિચારી રહ્યા હોય એવું લાગે છે.”

અમેરિકામાં પ્રવેશવા ઇચ્છતા લોકો માટે આ દીવાલો અભેદ્ય નથી

સરહદો પર બેરિયર્સ

ઇમેજ સ્રોત, Getty

ઇમેજ કૅપ્શન, અમેરિકા અને મેક્સિકો વચ્ચેના બેરિયર્સ વિવિધ સ્વરૂપો લે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સંદર્ભમાં દીવાલ શબ્દ જ ખોટો છે. બોર્ડર પેટ્રોલ (સીબીપી) તેની વેબસાઈટ પર સીમા અવરોધને પિકેટ ફેન્સીસથી માંડીને કોંક્રિટ અને સ્ટીલના અવરોધો અથવા નોર્મેન્ડી બેરિયર્સ સુધીના અવરોધોની વાત કરે છે. તેમાં વાહનોની ઘૂસણખોરીને રોકવા માટે બનાવવામાં આવેલી મોટી મૅટલ બેરિકેડનો સમાવેશ થાય છે, પરંતુ ચાલીને આવતા લોકો તેમાંથી પસાર થઈ શકે છે.

આ એજન્સીના જણાવ્યા મુજબ, નવી દીવાલમાં પોર્ટેબલ કોંક્રિટ અવરોધોમાં 18 ફૂટની સ્ટીલની ફેન્સ પેનલો હશે. તેમાં સેન્સિંગ ટેકનૉલૉજી અને લાઇટિંગ પણ હશે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઊંચા અને નક્કર અવરોધો ધરાવતા વિસ્તારો પણ સંપૂર્ણપણે અભેદ્ય નથી. હિજરતી લોકો ઘણીવાર સીડી અથવા દોરડાનો ઉપયોગ કરીને, તેમાં બાકોરું પાડીને અવરોધો પાર કરી લેતા હોય છે.

વોશિંગ્ટન ઓફિસ ઓન લેટિન અમેરિકા (વોલા) નામના વિચાર મંડળના સંશોધક એડમ આઈઝેકસને કહ્યું હતું, “વાસ્તવમાં આ એક વધુ અવરોધ છે. અમેરિકામાં પ્રવેશવામાં કદાચ થોડી વધુ મિનિટ લાગશે.”

તેમણે ઉમેર્યું હતું, “તે નિશ્ચિતપણે દુરસ્ત અવરોધ નથી. બાળકો અથવા વૃદ્ધો અથવા અપંગો માટે તેમાંથી પસાર થવું મુશ્કેલ છે અને પડી જવાને કારણે વધુ લોકો મૃત્યુ પામે છે અથવા ગંભીર રીતે ઘાયલ થાય છે, પરંતુ તેનાથી લોકોને અટકાવી શકાતા નથી.”

આઈઝેકસનના કહેવા મુજબ, તમે કોઈ પણ રીતે અમેરિકામાં પ્રવેશવા ઇચ્છતા હો અને ઔપચારિક રીતે આશ્રયની વિનંતી કરવાના હો તો આ દીવાલો તમારા માટે અપ્રસ્તુત છે. તાજેતરના મહિનાઓમાં ઇમિગ્રેશન અટકાયતીઓની કુલ સંખ્યામાં આ બાબત “નોંધપાત્ર બહુમતિ” બની ગઈ છે. એક વખત આંતરરાષ્ટ્રીય સીમા પાર કર્યા પછી આશ્રય ઇચ્છતા લોકો તેમના દેશનિકાલને કાયદેસર રીતે પડકારી શકે છે.

સરહદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રીઓ ગ્રાન્ડે સ્ટાર કાઉન્ટીમાં ટેક્સાસના સરહદી શહેર રોમાથી દેખાય છે

સરહદની સાથે સમુદાયો ઇમિગ્રેશનની ચર્ચામાં મોખરે રહેવા માટે ટેવાયેલા છે, ત્યારે સરહદી વાડના વિસ્તરણના સમાચાર મિશ્ર પ્રતિભાવને વેગ આપી રહ્યા છે.

સરહદી નગરોના કેટલાક રહેવાસીઓએ બીબીસીને જણાવ્યું હતું કે મજબૂત સરહદ ઇચ્છતા હોવા છતાં તેઓ આ દીવાલનો વિરોધ કરે છે. અન્ય લોકોને દીવાલ સામે વાંધો નથી, પરંતુ તેઓ તેના અમલ બાબતે ચિંતિત છે.

એ પૈકીના એક ઈગલ પાસના કાર્યકર જેસી ફુએન્ટેસે કહ્યું હતું કે તેમણે સરહદે દીવાલના નિર્માણના અગાઉના પ્રયાસો સામે જોરદાર લડત આપી હતી, પરંતુ આખરે અવરોધો સારી રીતે ડિઝાઈન કરેલા અને વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવ્યાનું જોવા મળ્યું હતું.

તેમણે કહ્યું હતું, “વાડનો એક નિશ્ચિત હેતુ છે. તે બોર્ડર પેટ્રોલિંગના અમલમાં મદદ કરે અથવા સ્થળાંતર કરનારા લોકોને આશ્રય કે રાહત મળી શકે તેવા માર્ગની રચનામાં મદદરૂપ થાય તો તે સારી બાબત છે.”

સ્ટાર કાઉન્ટીની સરહદે આવેલી વેબ કાઉન્ટીના રહેવાસી એલેક્સ ગાર્સિયાએ જણાવ્યું હતું કે તેઓ અવરોધની જરૂરિયાતને સમજે છે, પરંતુ તેને પાર કરવાના પ્રયાસમાં સ્થળાંતરકર્તાઓ ઘાયલ થઈ શકે છે તેની તેમજ તેની પર્યાવરણીય અસરની તેમને ચિંતા છે.

એક વિભાવના તરીકે સરહદી દીવાલોની બાબતમાં બાઇડન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું વલણ સમાન છે. અમેરિકાના તાજેતરના તમામ રાષ્ટ્રપ્રમુખોએ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન નિર્મિત 128 માઈલ લાંબી સરહદી દીવાલ પરના કેટલાક અવરોધો બાંધ્યા છે અથવા તેમાં સુધારો કર્યો છે.

નિષ્ણાતો જણાવે છે કે હિજરતીઓના પ્રવાહ પર આ અવરોધોની લાંબા ગાળાની અસર બહુ ઓછી થઈ છે અને આખરે તો એ કારણો નક્કી કરે છે કે અમેરિકા-મેક્સિકો સરહદ પર કેટલા લોકો સ્થળાંતર માટે આવે છે.

2007થી 2013 દરમિયાન અમેરિકામાં મેક્સિકોના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા આર્ટુરો સારુખાને કહ્યું હતું, “સ્થળાંતરની સમસ્યાનું નિરાકરણ બળ દ્વારા કરી શકાય નહીં. ઈસવી પૂર્વેની પહેલી સદીના ઉકેલ સાથે 21મી સદીના પડકારોનું નિરાકરણ કરી શકાય નહીં.”

તેમણે ઉમેર્યું હતું, “આમ કરવાથી માનવ તસ્કરીમાં સંડોવાયેલી સંગઠિત અપરાધી ટોળકીઓના ફાયદામાં વધારો થશે અને સ્થળાંતરીઓના પ્રવાહ અને ક્રૉસિંગ પેટર્ન સાથેનો જોખમી ખેલ તેમને વધુ જોખમી સરહદી વિસ્તારો તરફ ધકેલવાનું કારણ બનશે.”

બીબીસી
બીબીસી