ઈરાનના ઝપાટાબંધ મિસાઇલ હુમલાને ઇઝરાયલ ખરેખર રોકી લે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
ઈરાને મંગળવારે ઇઝરાયલ પર મિસાઇલનો મારો ચલાવ્યો હતો. જેમાંથી કેટલીક ઇઝરાયલના વિસ્તારોમાં પડી હતી.
એપ્રિલમાં ઈરાને ઇઝરાયલ પર જથ્થાબંધ મિસાઇલ અને ડ્રોનના હુમલા કર્યા પછી આ વર્ષે ઈરાનનો ઇઝરાયલ પર આ બીજો હવાઈ હુમલો હતો.
મંગળવારના હુમલા પછી ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર - આઈઆરજીસીએ દાવો કર્યો હતો કે ફેંકવામાં આવેલી 90 ટકા મિસાઇલ નિશાના પર લાગી હતી.
જોકે, ઇઝરાયલે કહ્યું હતું કે મોટા ભાગની મિસાઇલ હવામાં જ નાશ પામી હતી.
ઈરાનના હુમલાની કેટલી અસર?

ઇમેજ સ્રોત, AVI OHAYON / GPO / HANDOUT
ઈરાનનો દાવો છે કે હાઇપરસોનિક મિસાઇલનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે અને આઈઆરજીસીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઇઝરાયલનાં ત્રણ સૈન્ય થાણાંને નિશાન બનાવાયાં હતાં.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના મિસાઇલ હુમલાને કારણે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના મુખ્યાલયથી 1500 મીટર દૂર એક ખાડો બની ગયો હતો.
મોસાદ મુખ્યાલયની બહાર ખાડા અને કાટમાળ દર્શાવતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ઈરાની હુમલામાં ઇઝરાયલને વધુ નુકસાન થયું હોવાના કોઈ ખાસ પુરાવા મળ્યા નથી.
તેનું એક મોટું કારણ એ માનવામાં આવે છે કે હુમલો શરૂ થતાંની સાથે જ ઇઝરાયલના લોકોએ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે બનાવવામાં આવેલા બૉમ્બ શેલ્ટરમાં આશ્રય લઈ લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલના ડૉક્ટરોએ કહ્યું હતું કે બે લોકોને સામાન્ય ઈજા થઈ છે. જેરીકો શહેરમાં એક પેલેસ્ટનિયન વ્યક્તિનું મોત થયું હતું.
આ ઘમસાણ વચ્ચે ફરી એક વાર ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમની ચર્ચા થઈ રહી છે.
શું ખરેખર ઇઝરાયલની બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ઈરાનની યોજનાઓને થાપ આપી?

ઇમેજ સ્રોત, Getty Images
આયરન ડોમ અને ડૅવિડ્સ સ્લિંગ શું છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાનના મિસાઇલ હુમલાને નિષ્ફળ ગણાવતા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે "વિશ્વમાં સૌથી આધુનિક એવી ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલીને લીધે આ હુમલો નિષ્ફળ ગયો છે."
ઇઝરાયલ પાસે વિવિધ પ્રકારની હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. અલગઅલગ ઊંચાઈએ મિસાઇલને અટકાવવા માટે એ ડિઝાઇન કરવામાં આવી છે.
જેમાં આયર્ન ડોમ સૌથી પ્રખ્યાત ઍર ડિફેન્સ કવચ છે. તે ટૂંકા અંતરેથી છોડવામાં આવેલા રૉકેટ કે મિસાઇલને આંતરી શકે છે. આયર્ન ડોમ 4થી 70 કિલોમીટરના અંતરથી છોડવામાં આવેલાં રૉકેટ અથવા મિસાઇલને આંતરી શકે છે.
આયર્ન ડોમ રડાર ઊડતાં રૉકેટને શોધી અને ટ્રેક કરે છે. તે શોધી કાઢે છે કે વસ્તીવાળા વિસ્તારોમાં કયા રૉકેટ પડવાની શક્યતા છે. એ પછી તે એવા રૉકેટ પર મિસાઇલ છોડે છે.
આયર્ન ડોમને અમેરિકાની મદદથી ઇઝરાયલની કંપની રાફેલ ઍડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તે સૌપ્રથમ 2011માં તહેનાત કરવામાં આવી હતી. તે જ વર્ષે પ્રથમ વખત તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો, જ્યારે તેણે ગાઝામાંથી છોડેલાં રૉકેટને આંતર્યાં હતાં.
ઑક્ટોબર 2023થી, આયર્ન ડોમ મિસાઇલોએ હમાસ અને અન્ય ઉગ્રવાદી જૂથો દ્વારા ગાઝામાંથી છોડવામાં આવેલાં હજારો રૉકેટને આંતર્યાં હતાં.
આયર્ન ડોમ પછી, ઇઝરાયલની સૌથી સફળ ઍર ડિફેન્સ સિસ્ટમ ડૅવિડ્સ સ્લિંગ છે, જે મધ્યમ રેન્જમાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
હિબ્રૂમાં જેને જાદુઈ લાકડી કહે છે તે ડૅવિડ સ્લિંગ 300 કિલોમીટરના અંતરે મિસાઇલને આંતરી શકે છે. અમેરિકાના સહયોગથી ઇઝરાયલે તૈયાર કરેલી આ સિસ્ટમ 2017થી સક્રિય છે.
ઓછા, મધ્ય અને લાંબા અંતરેથી ફેંકાતી બૅલેસ્ટિક મિસાઇલોને તોડી પાડવા માટે ડૅવિડ્સ સ્લિંગની સ્ટનર મિસાઇલ ડિઝાઇન કરવામાં આવી છે. તે પણ એવી જ મિસાઇલને અડફેટે લે છે જે વસતી ધરાવતા વિસ્તારો પર પડવાની હોય.
ડૅવિડ્સ સ્લિંગ અને આયર્ન ડોમ બંનેને વિમાન, ડ્રોન અને ક્રૂઝ મિસાઇલોને રોકવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. એક ડૅવિડ્સ સ્લિંગ મિસાઇલની સરેરાશ કિંમત દસ લાખ અમેરિકી ડૉલર છે.
ઍરો-2 અને ઍરો-3 શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઍરો-2 ઇઝરાયલની વધુ એક રક્ષા પ્રણાલી છે, જેને પૃથ્વીથી અંદાજે 50 કિમી ઉપર વાયુમંડળથી પસાર થતી વખતે ઓછા અંતરે અને મધ્યમ અંતરે બૅલેસ્ટિક મિસાઇલોને તબાહ કરવા માટે ડિઝાઇન કરાઈ છે.
આ 500 કિલોમીટર દૂર મિસાઇલોની ભાળ મેળવી શકે છે અને લૉન્ચ સાઇટથી 100 કિલોમીટર દૂર રોકવામાં સક્ષમ છે.
ઍરો-2ની મિસાઇલો ધ્વનિની ગતથી નવ ગણી તેજ ગતિથી ઊડે છે અને આ એક વારમાં 14 લક્ષ્યો પર ફાયર કરી શકે છે.
વર્ષ 2000થી ઇઝરાયલ તેનો ઉપયોગ કરે છે.
ઍરો-3ને એ લાંબી બૅલેસ્ટિક મિસાઇલોને રોકવા માટે ડિઝાઇન કરાઈ છે, જે પૃથ્વીના વાયુમંડળની બહાર ઊડે છે. તેની રેન્જ 2,400 કિલોમીટર છે.
ઍરો-3નો પહેલી વાર ઉપયોગ 2023 બૅલેસ્ટિક મિસાઇલને રોકવા માટે કરાયો હતો, જે યમનના હૂતી વિદ્રોહીઓએ દક્ષિણ ઇઝરાયલના તટીય શહેર ઈલાટ પર છોડી હતી.
આ પ્રણાલીને પહેલી વાર 2017માં તહેનાત કરાઈ હતી.
રક્ષા વિશ્લેષક રાહુલ બેદી માને છે કે આ રીતના મિસાઇલ હુમલાને વિફલ કરવામાં ઇઝરાયલની ઍરો-2 અને ઍરો-3 હવાઈ રક્ષા પ્રણાલી બહુ કારગત છે.
બેદી કહે છે, "આ હવાઈ રક્ષા પ્રણાલી અમેરિકાની છે અને ઇઝરાયલ પાસે ઉચ્ચ સ્તરીય સટીક એન્જિનિયરિંગ છે, જેનાથી તે પોતાની મારણક્ષમતા વધારે છે."
તેમનું કહેવું છે કે જો 180 મિસાઇલોના હુમલા બાદ માત્ર એક મૃત્યુના સમાચાર મળ્યા છે, તો એ દર્શાવે છે કે હવાઈ રક્ષા પ્રણાલીઓ કામ કરી રહી છે.
'કોઈ પણ ઍૅર ડિફેન્સ સિસ્ટમ ફૂલપ્રૂફ નથી'

ભારતીય સૈન્યના નિવૃત્ત મેજર જનરલ એસબી અસ્થાના રક્ષા અને રાજદ્વારી મામલાના નિષ્ણાત છે.
તેમના કહેવા મુજબ "વિશ્વમાં કોઈ પણ ઍર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે ફૂલપ્રૂફ નથી."
અસ્થાના જણાવે છે કે, "ઇઝરાયલ પાસે ઘણાં સ્તરોવાળી ઍર ડિફેન્સ સિસ્ટમ છે, પરંતુ આ સિસ્ટમની ક્ષમતા સીમિત છે. જો નિર્ધારિત સંખ્યા કરતાં વધુ મિસાઇલ, ડ્રોન અને પ્રોજક્ટાઇલથી હુમલો કરાય તો તે અમુક હદ સુધી પોતાના ટાર્ગેટ સુધી પહોંચવામાં સફળ રહેશે.આ જ કારણે ઈરાન જ્યારે જ્યારે ઇઝરાયલ પર હુમલો કરે છે ત્યારે તે ભારે સંખ્યામાં મિસાઇલો છોડે છે, જેથી એ પૈકી અમુક તો તેના ટાર્ગેટને ભેદી શકે."
અસ્થાના જણાવે છે કે એ વાતમાં કોઈ બેમત નથી કે ઇઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સારી છે અને ભૂમધ્ય સાગરમાં હાજર તમામ અમેરિકન યુદ્ધજહાજો દ્વારા અમુક મિસાઇલોને રોકવામાં તેમને મદદ પણ મળી રહી છે.
અસ્થાના જણાવે છે કે, "આ તમામ ક્ષમતાઓને કારણે ભારે સંખ્યામાં મિસાઇલ નષ્ટ થઈ જતી હોય છે, પરંતુ કેટલીક પોતાના ટાર્ગેટને ભેદવામાં સફળ પણ થાય છે. જોકે, વધુ નુકસાન નથી થયું એવું બતાવવું એ ઇઝરાયલના હિતમાં છે."
"તેઓ એવું પણ દેખાડવા માગતા હશે કે ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમ અભેદ્ય છે, પરંતુ વિશ્વની કોઈ પણ સંરક્ષણપ્રણાલી અભેદ્ય નથી. આ જ વાત અમેરિકાની હવાઈ સંરક્ષણપ્રણાલી પર પણ લાગુ થાય છે."
મેજર જનરલ અસ્થાના કહે છે કે ઈરાન દ્વારા એવો દાવો કરાવો કે તેની મિસાઇલોએ ઘણું નુકસાન કર્યું છે, તેનું એક કારણ એવું પણ છે કે તેમણે પોતાના સાથીદારોનું મનોબળ વધારવાનું છે. તેઓ કહે છે કે, "જો ઈરાન કાર્યવાહી ન કરે તો તેના કારણે તેમના સાથીદારો પર તેની પકડ નબળી પડી જશે."
'ઈરાનથી બચવું સરળ નથી'

ઇમેજ સ્રોત, Getty Images
સંરક્ષણ વિશેષજ્ઞ અજય શુક્લા પ્રમાણે હાલ કંઈ પણ કહેવું એ અનુમાન કરવા જેવું હશે, કારણ કે ઈરાને કઈ મિસાઇલો વડે કેટલા અંતરેથી હુમલો કર્યો હતો એ અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.
શુક્લા જણાવે છે કે, "એ વાતમાં કોઈ બેમત નથી કે ઇઝરાયલ આ હુમલામાં છોડાયેલી મિસાઇલો પૈકી કેટલીકને રોકવા અને નષ્ટ કરવામાં સફળ રહ્યું હશે. પરંતુ એ વાત પણ સત્ય છે કે અમુક મિસાઇલો તો ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમથી બચી ગઈ હશે."
અજય શુક્લા કહે છે કે, "ઇઝરાયલના હવાઈ સંરક્ષણની કરોડરજ્જુ મનાતું આયર્ન ડૉમ ખરેખર તો ઓછા અંતરવાળી મિસાઇલો સામે રક્ષણ પૂરું પાડે છે. જેમ કે, ગાઝા કે લેબનોનથી છોડવામાં આવેલી મિસાઇલ. ઓછા અંતરની મિસાઇલ હોવાને કારણે તેની ગતિ ઓછી હોય છે અને તેને રોકવાનું સરળ હોય છે."
"આમ, ઇઝારયલ માટે ગાઝામાંથી થતા હુમલાનો સામનો કરવાનું સરળ છે, પરંતુ ઈરાનથી થતા હુમલા માટે આ વાત બંધબેસતી નથી, કારણ કે ઇઝરાયલ પાસે સારી તકનીક છે. ઈરાના પાસે સારી રૅન્જવાળી મિસાઇલો છે, જે પોતાના લક્ષ્યને ભેદી શકે છે."
શુક્લા પ્રમાણે ઇઝરાયલ માટે હમાસ અને હિઝબુલ્લાહ જેવાં સમૂહોનો સામનો કરવાનું સરળ છે, કારણ કે આ સમૂહો પાસે ઈરાનની સરખામણીએ ઓછી અસરકારક તકનીક છે. તેઓ કહે છે કે, "જ્યારે વાત ઈરાનની આવે તો ઇઝરાયલ માટે તેનો સામનો કરવાનું કામ મુશ્કેલ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












