7 ઑક્ટોબર બાદ ઇઝરાયલ, ગાઝા, લેબનોન અને વેસ્ટબૅન્કના લોકોનું કેવી રીતે બદલાયું જીવન

ડાબેથી જમણે: અબ્દુલ્લા, બત્શેવા, અબ્દુલરહમાન અને ક્રિસ્ટીના
ઇમેજ કૅપ્શન, ડાબેથી જમણે: અબ્દુલ્લા, બાત્શેવા, અબ્દુલરહમાન અને ક્રિસ્ટીના

બાટ્શેવાને ખબર નથી કે તેમના પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યાં છે. અબ્દુલ્લા કિશોર વયે અનાથ થઈ ગયા છે, ક્રિસ્ટીના અને અબ્દુલ રહમાનને આશા છે કે તેઓ ફરીથી ચાલી શકશે.

ઇઝરાયલ, ગાઝા, લેબનોન અને વેસ્ટબૅન્કમાં રહેતા આ લોકોએ બીબીસીને જણાવ્યું કે ગયા વર્ષે 7 ઑક્ટોબરે થયેલા હમાસના હુમલા બાદ તેમનું જીવન કેટલી હદે બદલાઈ ગયું છે.

હમાસે ઇઝરાયલ પર ઓચિંતો હુમલો કરીને 1200 લોકોની હત્યા કરી અને 251 લોકોને બંધક બનાવ્યા તે ઘટનાને આજે એક વર્ષ થઈ ગયું છે.

ઇઝરાયલે તેના જવાબમાં ગાઝામાં મોટા પાયે હવાઈ અને જમીની હુમલા કર્યા છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયલના હુમલામાં 41,000થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.

'અમે આ રીતે નહીં જીવી શકીએ'

ઓહદ યાહલોમી પત્ની બાટ્શેવા તેમનાં 10 વર્ષની પુત્રી યાએલ 12 વર્ષના પુત્ર એથન સાથે

ઇમેજ સ્રોત, Batsheva Yahalomi

ઇમેજ કૅપ્શન, ઓહદ યાહલોમી તેમનાં પત્ની બાટ્શેવા સાથે

7 ઑક્ટોબરના એક દિવસ અગાઉ ઓહદ યાહલોમી અને તેમનાં 10 વર્ષનાં પુત્રી યાએલ નજીકના મેદાનમાં પ્રાણીઓને શોધવા ગયા હતા. યાએલના મોટા ભાઈ એથન (12) તેના મિત્રો સાથે ફૂટબૉલ રમતા હતા. ઓહદનાં પત્ની બાટ્શેવા પોતાની સૌથી નાની પુત્રી સાથે ઘરે હતાં જેની ઉંમર હજુ બે વર્ષ પણ નહોતી.

ગાઝા સરહદથી લગભગ એક માઇલ દૂર દક્ષિણ ઇઝરાયલમાં 400થી ઓછા લોકોનો સમુદાય નીર ઓઝ કિબુત્ઝમાં રહે છે. અહીંનું જીવન તદ્દન અલગ છે.

45 વર્ષીય બાટ્શેવાએ કહ્યું: "અમને ત્યાંનું જીવન ગમતું હતું. અમે બહુ સરળ છીએ. આ અમારા માટે સ્વર્ગ જેવું હતું."

બીજા દિવસે સવારે રૉકેટ હુમલાના કારણે ઍલર્ટ પેટે વગાડવામાં આવતી સાઇરનના અવાજથી તેમનો પરિવાર જાગી ગયો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ થોડીવાર પછી એવા સંકેતો મળ્યા કે આ માત્ર કોઈ પૉકેટ હુમલો નથી. બહારના લોકો 'અલ્લાહુ અકબર' ના નારા લગાવતા હતા અને ગોળીબારના અવાજ સંભળાતા હતા.

કેટલાય કલાકો સુધી ભયભીત પરિવાર તેમના 'સેફ રૂમ'માં રાહ જોતો હતો, પરંતુ હુમલાખોરો ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યા. ત્યાર પછી પોતાના પરિવારના સભ્યોને બચાવવા માટે, ઓહદ 'સેફ રૂમ'માંથી બહાર નીકળી ગયા અને હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યા.

બાટ્શેવાએ કહ્યું, "તેઓ દર થોડી મિનિટે અમને કહેતા કે તેઓ અમને પ્રેમ કરે છે."

કાલાશ્નિકોવ રાઇફલથી સજ્જ અને ગ્રેનેડ જૅકેટ પહેરેલા હુમલાખોરો ઘરમાં ઘૂસ્યા અને 'સેફ રૂમ'માં પ્રવેશતા પહેલાં ઓહદને ગોળી મારી દીધી.

બાટ્શેવાએ કહ્યું, "હુમલાખોરોએ અમારી તરફ રાઇફલ તાકીને અંગ્રેજીમાં કહ્યું, કે ગાઝા ચાલો. હું તરત જ સમજી ગઈ કે તેઓ શું ઈચ્છે છે."

બાટ્શેવા અને તેનાં પુત્રીને ગાઝા લઈ જવા માટે એક મોટરસાઇકલ પર બેસાડવામાં આવ્યાં. જ્યારે એથાનને વિદેશી કર્મચારી સાથે અન્ય મોટરસાઇકલ પર મોકલવામાં આવ્યા હતા. મોટરસાઇકલ ફસાઈ ગઈ ત્યારે બાટ્શેવા અને તેમનાં પુત્રી ભાગી છૂટવામાં સફળ થયાં, પરંતુ એથાન અને તેના પિતાને લઈ જવામાં આવ્યા.

એથાનને હમાસ દ્વારા ગાઝામાં 52 દિવસ સુધી બંધક બનાવવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, Batsheva Yahalomi

ઇમેજ કૅપ્શન, એથાનને હમાસ દ્વારા ગાઝામાં 52 દિવસ સુધી બંધક બનાવવામાં આવ્યા હતા

એથાનને હમાસ દ્વારા ગાઝામાં 52 દિવસ સુધી બંધક બનાવવામાં આવ્યા. બાટ્શેવાએ કહ્યું કે, એથાનને 7 ઑક્ટોબરે બનાવેલા વીડિયો બળજબરીથી બતાવવામાં આવ્યા હતા.

"તેણે (પુત્રે) જોયું કે કેવી રીતે તેમણે લોકો, બાળકો અને મહિલાઓની નિર્દયતાથી હત્યા કરી હતી."

બાટ્શેવાએ કહ્યું કે બંધકોની મુક્તિ માટે નવેમ્બરમાં સમજૂતી થયા બાદ એથાનને મુક્ત કરવામાં આવ્યા હતા. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ બાદ છેલ્લા એક વર્ષમાં આ સમજૂતી માત્ર એક જ વખત થઈ છે.

પેલેસ્ટાઇનના હથિયારબંધ જૂથે જાન્યુઆરીમાં ઓહદનો એક વીડિયો બહાર પાડ્યો હતો. તેમાં તેઓ ઈજાગ્રસ્ત, પરંતુ જીવિત દેખાય છે. ત્યાર પછી જૂથે કહી દીધું છે કે ઇઝરાયેલના હુમલામાં તેઓ માર્યા ગયા છે.

ઇઝરાયેલી સેનાએ બાટ્શેવાને કહ્યું કે તેઓ ઓહદ વિશે કોઈ વાતની પુષ્ટિ કરી શકે તેમ નથી. તેઓ તેની સ્થિતિ વિશે કોઈ અપડેટ આપી શકે તેમ નથી.

ગયા વર્ષે 7 ઑક્ટોબરે થયેલા હુમલામાં નિર ઓઝ એ સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાયોમાંથી એક છે. આ સમુદાયના લોકો પૈકી ડઝનબંધ નાગરિકો માર્યા ગયા અથવા અપહૃત કરવામાં આવ્યા હતા. સળગી ગયેલાં ઘરો યાદ અપાવે છે કે ત્યાં શું થયું હતું.

બાટ્શેવાએ કહ્યું કે તેનાં બાળકોને ડરામણા સપના આવે છે. હું જે પલંગ પર ઊંઘું છું તેના પર જ બાળકો પણ સાથે સૂએ છે. મારાં બાળકો મને વારંવાર પૂછે છે કે પપ્પા ક્યારે પાછા આવશે. એથાનના તો વાળ ખરી રહ્યા છે.

"સૌથી મુશ્કેલ એ છે કે ઓહદ સાથે શું થયું છે તેની ખબર નથી. તેઓ જીવિત છે કે નહીં? અમે આ રીતે અમારું જીવન નહીં જીવી શકીએ."

'શહીદ થઈ ગયો હોત તો સારું હતું'

અબ્દુલ્લા પોતાના હાથમાં થયેલી ઈજા દેખાડી રહ્યો છે
ઇમેજ કૅપ્શન, અબ્દુલ્લા પોતાના હાથમાં થયેલી ઈજા દેખાડી રહ્યા છે

7 ઑક્ટોબરે હમાસે જ્યારે ઇઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે અબ્દુલ્લા લગભગ 13 વર્ષના હતા. આ અગાઉ તેમનું જીવન ઉત્તર ગાઝા નજીક અલ-તવાનમાં શાળામાં, મિત્રો સાથે ફૂટબૉલ રમવામાં, બીચ પર ફરવામાં અને તેમનાં માતા-પિતા, ભાઈ અને બે બહેનો સાથે મોજ-મસ્તી કરવામાં વીત્યું હતું.

અબ્દુલ્લાના જન્મદિવસના એક દિવસ અગાઉ આ લોકોને દક્ષિણ તરફ જવા માટે કહેવામાં આવ્યું હતું. અબ્દુલ્લાના પરિવારે તરત, ઉતાવળમાં તેમની જરૂરી ચીજવસ્તુઓ પૅક કરી અને સલાહ અલ-દિન રોડ તરફ પ્રયાણ કર્યું, જ્યાંથી ઇઝરાયેલી સેનાએ તેમને જવા માટે જણાવ્યું હતું.

પરંતુ તેઓ સલાહ અલ-દિન રોડ તરફ આગળ વધતા હતા, ત્યારે તેમના વાહન પર ઇઝરાયલનો હવાઈ હુમલો થયો.

અબ્દુલ્લાએ કહ્યું, "આ હુમલાને કારણે હું અને મારો ભાઈ અહેમદ કૂદીને કારમાંથી બહાર આવ્યા."

હવાઈ હુમલો થયો ત્યારે અહમદ 16 વર્ષના હતા અને તેનો એક પગ કાપવો પડ્યો હતો. તેમના બીજા પગમાં મેટલની પ્લેટ્સ લગાવેલી છે.

અબ્દુલ્લાને હાથ, માથું, કમર અને મોઢાં પર ઈજાઓ થઈ હતી. તેમના પેટ પર ઈજાના બે લાંબા નિશાન દેખાય છે.

અબ્દુલ્લા, તેમના પરિવાર અને ઘટનાને નજરે જોનારાઓએ બીબીસીને જણાવ્યું કે મિસાઈલ હુમલો ડ્રૉન દ્વારા કરવામાં આવ્યો હતો.

ઇઝરાયેલી સેનાએ આ દાવાને ફગાવી દીધો અને કહ્યું કે તે દિવસે તેમણે નાગરિકોના કાફલા પર હુમલો કર્યો ન હતો. તેમણે આને ખોટો આરોપ ગણાવ્યો હતો.

સેનાના પ્રવક્તાએ બીબીસીને કહ્યું કે, "તપાસમાં એવા કોઈ પુરાવા નથી મળ્યા, જે સાબિત કરે કે આઈડીએફે હુમલો કર્યો હતો."

અબ્દુલ્લાએ કહ્યું કે તેને યાદ છે કે કેવી રીતે હૉસ્પિટલનો સ્ટાફ માતા-પિતા વિશે પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ ટાળતો હતો. તે કહે છે, 'મારાં પિતરાઈ ભાઈ અને દાદીએ મને જે કહ્યું તેનાથી મને પહેલેથી જ લાગતું હતું.'

"મને તેના વિશે પહેલેથી ખબર હતી"

અબ્દુલ્લા, મિન્ના (ડાબે) અને હાલા (વચ્ચે)
ઇમેજ કૅપ્શન, અબ્દુલ્લા, મિન્ના (ડાબે) અને હાલા (વચ્ચે)

તેઓ આગળ કહે છે, "જો હું શહીદ થઈ ગયો હોત તો અત્યારે મારી સાથે જે થઈ રહ્યું છે તેના કરતા વધારે સારું હોત."

અબ્દુલ્લા તેમના હાથ પર ઈજાના નિશાન તરફ જુએ છે. તેઓ કહે છે, "મને લાગે છે કે મારો હાથ પહેલેથી જ કપાઈ ગયો છે. તેમણે તેને ઠીક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધું નકામું રહ્યું."

અબ્દુલ્લા અને તેમની બે બહેનો મિન્ના (18) અને હાલા (11) દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં તેમની દાદી સાથે રહે છે.

તેમનાં માતા-પિતા હુમલામાં માર્યા ગયાં તે દિવસે અબ્દુલ્લાની બે બહેનો ઉત્તર ગાઝામાં હતી. કારણ કે વાહનમાં તેમના માટે કોઈ જગ્યા નહોતી. અહમદ સારવાર માટે કતારમાં રહે છે.

અબ્દુલ્લાએ કહ્યું, "હસવાનો અને સારો સમય જતો રહ્યો. અમે અમારાં માતા, પિતા અને કાકાને ગુમાવ્યાં."

"આ લોકો આખા પરિવાર માટે ખુશી લાવતા હતા."

"અમે તેમના વગર સારી રીતે નથી જીવતા."

"અમે શાળાએ હસતા-રમતા જતા હતા. ગાઝા સુંદર હતું. પણ હવે તે નથી."

અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ તેમના મિત્રોનો સંપર્ક નથી કરી શકતા. તેના ઘણા મિત્રો યુદ્ધમાં માર્યા ગયા છે.

"ઇઝરાયેલ માટે આ મારો સંદેશ છે. તમે અમારી સાથે આવું કર્યું. તમે મારાં માતા-પિતાનો જીવ લીધો. તમે મારું શિક્ષણ છીનવી લીધું. તમે મારી પાસેથી બધું છીનવી લીધું."

'મને રાહત છે કે મેં માત્ર એક પગ ગુમાવ્યો છે'

ક્રિસ્ટીનાએ કહ્યું કે તે તેના કામ પર પાછાં ફરવા માંગે છે

ઇમેજ સ્રોત, Handout

ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટીનાએ કહ્યું કે તે તેના કામ પર પરત ફરવા માગે છે

ક્રિસ્ટીના એસીએ જણાવ્યું હતું કે, "હું મારી જાતને ફોટો જર્નાલિસ્ટ તરીકે ઓળખાવતી હતી, પરંતુ આજે હું મારી જાતને વૉર ક્રાઇમ સર્વાઈવર તરીકે ઓળખાવું છું."

ક્રિસ્ટીના સમાચાર એજન્સી એએફપી માટે ફોટો જર્નાલિસ્ટ તરીકે દક્ષિણ સરહદ પરની લડાઈને કવર કરવા પોતાના દેશ લેબનોન ગઈ હતી.

સાતમી ઑક્ટોબરે થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહએ ઇઝરાયલ પર રૉકેટ હુમલા શરૂ કર્યા હતા. જેણે ત્યાર પછી મોટા સંઘર્ષનું રૂપ ધારણ કરી લીધું હતું.

ગયા વર્ષે 13મી ઑક્ટોબરે ક્રિસ્ટીના અને પત્રકારોનું એક જૂથ લેબનોનના દક્ષિણમાં એક ગામમાં ગયું હતું. ઇઝરાયલની સરહદથી આ ગામ લગભગ એક કિલોમીટર દૂર હતું. આ તે ગામ હતું જ્યાં લડાઈ થઈ રહી હતી.

29 વર્ષનાં ક્રિસ્ટીનાએ કહ્યું કે અમે જૅકેટ અને હેલ્મેટ પહેર્યાં હતાં જેના પર 'પ્રેસ' લખેલું હતું. કારના બૉનેટ પર પીળી ટૅપથી ટીવી લખેલું હતું. અમને લાગતું હતું કે અમે સુરક્ષિત હતા.

તેઓ કહે છે કે 'અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું. મને યાદ છે કે મારી બાજુની કારમાં આગ લાગી હતી અને હું ભાગવાનો પ્રયાસ કરવા લાગી. બુલેટ પ્રૂફ જૅકેટ અને કૅમેરાના વજનના કારણે હલનચલન કરવામાં મુશ્કેલી પડી રહી હતી."

"હું જોઈ શકતી હતી કે મારા પગમાંથી લોહી નીકળતું હતું. હું ઊભી થઈ શકતી ન હતી."

12 દિવસ પછી હૉસ્પિટલમાં ક્રિસ્ટીનાની આંખો ખુલી. તેણે કહ્યું, "મને રાહત થઈ કે મેં ફક્ત એક પગ ગુમાવ્યો છે."

ક્રિસ્ટીના ઘાયલ થાય તે પહેલાનો ફોટો

ઇમેજ સ્રોત, Handout

ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટીના ઘાયલ થાય તે પહેલાંનો ફોટો

આ હુમલામાં રૉયટર્સના પત્રકાર ઇસમ અબ્દુલ્લા (37 વર્ષ) માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. આ અંગે ક્રિસ્ટીનાએ કહ્યું, "નર્સે મને પૂછ્યું કે કોણ મૃત્યુ પામ્યું, મેં તેમનું નામ ઑનલાઇન જોયું. હું હેડલાઈન પર વિશ્વાસ ન કરી શકી."

સંયુક્ત રાષ્ટ્રના લેબનોન સ્થિત વચગાળાનાં દળોએ તપાસ કરીને અહેવાલ આપ્યો કે ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને 'સ્પષ્ટ રીતે ઓળખાયેલા પત્રકારો'ના જૂથ પર 120 એમએમના શૅલ્સ છોડ્યા હતા.

ઘણાં માનવાધિકાર જૂથોએ કહ્યું કે આ સંભવિત વૉર ક્રાઇમનો કેસ છે અને તેની તપાસ થવી જોઈએ.

આઈડીએફે બીબીસીને જણાવ્યું કે તેમના સૈનિકોને ઇઝરાયલના વિસ્તારમાં "આતંકવાદીઓની ઘૂસણખોરી" ની શંકા ગઈ હતી. તેને રોકવા માટે ટૅન્ક અને આર્ટિલરી ફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ ચાલુ છે.

ક્રિસ્ટિનાએ કહ્યું કે તેમને ગુસ્સો આવે છે અને તેમની સાથે જે થયું તેનાથી તેઓ ચિઢાય છે.

"તમે દરેક ચીજ પરથી ભરોસો ગુમાવી દો છો. અગાઉ મને એક પત્રકાર તરીકે આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં વિશ્વાસ હતો."

ક્રિસ્ટીનાએ વિશ્વભરના ઈજાગ્રસ્ત અને માર્યા ગયેલા પત્રકારોના સન્માનમાં જુલાઈમાં તેમના એએફપીના સાથીદારો સાથે વ્હીલચૅરમાં ઑલિમ્પિકની મશાલ લઈ ગયા હતા.

તેમને આશા છે કે તેઓ ફરી એકવાર પત્રકાર તરીકે મેદાનમાં કામ કરી શકશે.

"જે દિવસે હું ઊભી થઈ શકીશ, ચાલી શકીશ, કૅમેરા સાથે કામ પર પાછી ફરીશ, મને જે ચીજ કરવી છે તે કરીશ, ત્યારે મારી જીત થશે."

'મેં બૂમો પાડવાનું શરૂ કર્યું પણ તેણે જવાબ ન આપ્યો'

અબ્દુલ રહેમાન 1 સપ્ટેમ્બરથી હૉસ્પિટલમાં છે

ઇમેજ સ્રોત, Family photo

ઇમેજ કૅપ્શન, અબ્દુલ રહેમાન 1 સપ્ટેમ્બરથી હૉસ્પિટલમાં છે

અબ્દુલરહમાન અલ અશ્કરે જણાવ્યું કે સાંજનો સમય હતો. મકાઈ વેચ્યા પછી તેઓ તેમના મિત્ર લેથ શૌનેહ સાથે સિગારેટ ફૂંકતા ફૂંકતા ફરતા હતા.

"અચાનક બૉમ્બમારો થયો," 18 વર્ષીય અબ્દુલરહમાન 1 સપ્ટેમ્બરની રાત યાદ કરે છે.

તેઓ બંને ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બૅન્કમાં આવેલા સિલાત અલ-હરિતિયા ગામમાં ઇઝરાયલી વિમાન દ્વારા હુમલો કરવામાં આવ્યો તેમાં ઘેરાઈ ગયા.

અબ્દુલરહમાને જણાવ્યું કે તેમણે રૉકેટનો અવાજ સાંભળ્યો, પરંતુ તેમની પાસે બચવાનો સમય નહોતો. તેઓ કહે છે, "હું માત્ર એક પગલું પાછળ ખસી શક્યો."

"મેં બૂમો પાડવાનું શરૂ કર્યું પરંતુ લેથે કોઈ જવાબ ન આપ્યો."

16 વર્ષીય લેથનું મોત થયું હતું અને અબ્દુલરહમાન ગંભીર રીતે ઘાયલ થયા. તેમના બંને પગના ઘૂંટણની નીચેનો ભાગ કાપવો પડ્યો.

અબ્દુલરહમાને કહ્યું કે તેઓ 10 દિવસ પછી ભાનમાં આવ્યા હતા. તેમને કહેવામાં આવે છે કે તેમનું હૃદય અત્યાર સુધીમાં ત્રણ વખત ધબકતું બંધ થઈ ગયું છે.

અબ્દુલરહેમાન અત્યારે પણ હૉસ્પિટલમાં છે. એક હાથમાં મેટલ પ્લેટો લાગેલી છે. બે આંગળીઓ ખરાબ થઈ ગઈ છે. સાથે સાથે પેટની અનેક સર્જરીઓ પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સતત પીડા રહે છે.

અબ્દુલરહમાનને તેના રોજિંદા કાર્યો કરવા માટે તેના ભાઈની મદદની જરૂર પડે છે

ઇમેજ સ્રોત, Family photo

ઇમેજ કૅપ્શન, અબ્દુલરહમાનને તેના રોજિંદા કાર્યો કરવા માટે તેના ભાઈની મદદની જરૂર પડે છે

વેસ્ટ બૅન્કમાં 7 ઑક્ટોબરથી હિંસા વધી ગઈ છે. ઇઝરાયલનું કહેવું છે કે અમારું લક્ષ્યાંક અમારા દેશમાં ઘાતક હુમલા રોકવાનું છે. આ હુમલામાં સેંકડો પેલેસ્ટાઈનવાસીઓ માર્યા ગયા છે.

હુમલા અગાઉ અબ્દુલરહમાન અન્ય લોકોની જેમ સામાન્ય જીવન જીવતા હતા. તેમનું જીવન સવારની પ્રાર્થનામાં, મિત્રો સાથે નાસ્તો કરવામાં, પિતાને કામમાં મદદ કરવામાં અને મકાઈ વેચવામાં પસાર થતું હતું.

પરંતુ હવે તેમણે બાથરૂમ જવું હોય તો પણ તેમના ભાઈ પર નિર્ભર રહેવું પડે છે. તેમનાં માતા તેમને ખવડાવે છે.

આ હુમલા બાદ બીબીસીએ આઈડીએફનો સંપર્ક કર્યો હતો. તે સમયે ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે, "જેનિન વિસ્તારમાં તહેનાત મેનાશે બ્રિગેડનાં દળો પર વિસ્ફોટકો ફેંકવામાં આવતા તરત જ વિમાને આતંકવાદી સેલ પર બૉમ્બમારો કર્યો હતો."

અબ્દુલરહમાનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે હથિયારોં હતા? તો તેણે કહ્યું, "કેવું હથિયાર? હું તરત જ ઘરની બહાર આવ્યો હતો. સફેદ કપડાં પહેરીને રસ્તા પર ચાલી રહ્યો હતો... હું તો બહાર જતો હતો."

તેમનું કહેવું છે કે તેમણે માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું અને કાર ખરીદવાનું સપનું જોયું હતું.

"આજે મને એક જ વાતની ઈચ્છા છે કે હું ચાલી શકું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.