કેવી રીતે ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે દાવો કર્યો છે કે હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ માર્યા ગયા છે.
સોશિયલ મીડિયા ઍક્સ પર ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)એ પોસ્ટ મૂકીને લખ્યું છે કે, નસરલ્લાહ હવે દુનિયાને આતંકિત નહીં કરી શકે.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે, નસરલ્લાહનું મોત થયું છે.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયે ઍક્સ પર લખ્યું છે કે, “ઇઝરાયલ સંરક્ષણ દળોએ ગઈ કાલે હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ અને હિઝબુલ્લાહના સ્થાપક સભ્યની હત્યાની પુષ્ટિ કરી છે.
હિઝબુલ્લાહના દક્ષિણ મોરચાના કમાન્ડર અલી કાર્કી અને અન્ય કેટલાક કમાન્ડરો પણ માર્યા ગયા છે. "નસરલ્લાહ હવે વિશ્વને આતંકિત કરી શકશે નહીં."
હસન નસરલ્લાહ એક શિયા ધાર્મિક નેતા છે જે લેબનોનમાં હિઝબુલ્લાહ જૂથનું નેતૃત્વ કરે છે.
ઇઝરાયલ દ્વારા હત્યા કરવાની બીકે નસરલ્લાહ ઘણાં વર્ષોથી જાહેરમાં જોવા મળ્યા નથી.
હિઝબુલ્લાહે પણ હસન નસરલ્લાહનાં મોતની પુષ્ટિ કરી છે. હિઝબુલ્લાહે એક નિવેદન જાહેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલના હુમલાઓ બાદ બૈરુતની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બૈરુતથી બીબીસી ફારસીના મધ્ય પૂર્વ સંવાદદાતા નફીસા કોહનાવર્દનું કહેવું છે કે લેબનોનના બૈરુતના દક્ષિણ ઉપનગર દાહિયાહમાં અનેક જગ્યાએથી ધુમાડો નીકળી રહ્યો છે.
ઘરની બારીમાંથી કેટલીક જગ્યાઓ હજુ પણ સળગતી જોઈ શકાય છે. સવાર સુધી ઇઝરાયલના હવાઈ હુમલા ચાલુ રહ્યા હતા.
આખી રાત જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. લેબનોનની સેનાના નિષ્ણાતોનું કહેવું છે કે મોટા ભાગના હવાઈ હુમલાઓમાં ઇઝરાયેલે બંકર નષ્ટ કરવા માટેના બૉમ્બ ફેંક્યા હતા. જમીનમાં રહેલી સંભવિત સુરંગોને તેઓ નષ્ટ કરવા માગતા હતા.
ઘટનાસ્થળે બચાવ અને તપાસ ઝુંબેશ ચાલી રહી છે. એ જગ્યા પર બેઘર થયેલા લોકોએ આખી રાત સડક પર વિતાવી હતી.
આ પહેલાં હિઝબુલ્લાના નેતા હસન નસરલ્લાહ વિશે હજુ પણ અલગઅલગ અહેવાલો હતા. પહેલા હિઝબુલ્લાહે નસરુલ્લાહ હયાત છે કે નહીં તે વાતને ન તો સમર્થન આપ્યું હતું કે ન તો રદિયો.
જોકે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલા મીડિયાએ એવો દાવો કર્યો હતો કે તેમની પાસે પુષ્ટિ છે કે તેઓ 'સુરક્ષિત જગ્યાએ છે અને જીવિત છે.'
પરંતુ હિઝબુલ્લાહ સાથે નજીકથી સંકળાયેલા લોકોએ સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કરીને તેમના સમર્થકોને 'નેતાની સુરક્ષા માટે પ્રાર્થના કરવા' કહ્યું હતું.
શેખ હસન નસરલ્લાહ કોણ છે?

ઇમેજ સ્રોત, JAMARAN
શેખ હસન નસરલ્લાહ લેબનોનના હિઝબુલ્લાહ ચળવળના નેતા અને મધ્ય પૂર્વમાં સૌથી જાણીતી અને સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એક છે.
1960માં જન્મેલા હસન નસરલ્લાહ બૈરુતના પૂર્વ બુર્જ હમ્મુદ વિસ્તારમાં ઊછર્યા હતા, જ્યાં તેમના પિતા અબ્દુલ કરીમ શાકભાજીની નાની દુકાન ચલાવતા હતા. તેઓ નવ બાળકોમાં સૌથી મોટા હતા. 1975માં લેબનોનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યા પછી તેઓ અમલ ચળવળમાં જોડાયા હતા. જે બાદ શિયા મિલિશિયામાં જોડાયા.
શિયા સેમિનરીમાં હાજરી આપવા માટે ઇરાકના પવિત્ર શહેર નજફમાં થોડા સમય માટે ગયા બાદ તે અને અન્ય લોકો 1982માં જૂથમાંથી અલગ થયા હતા.
તેમના પુરોગામી અબ્બાસ અલ-મુસાવીની ઇઝરાયલે કરેલી હેલિકૉપ્ટર સ્ટ્રાઇકમાં હત્યા થયા બાદ તેઓ 1992માં 32 વર્ષની ઉંમરે હિઝબુલ્લાહના નેતા બન્યા હતા.
લેબનોનના સુન્ની નેતાઓએ હિઝબુલ્લાહ પર દેશને સીરિયન યુદ્ધમાં ખેંચવાનો આરોપ મૂક્યો હતો.
માનવામાં આવે છે કે તેમના ઈરાન સાથે ગાઢ સંબંધો છે અને હિઝબુલ્લાહને આજે રાજકીય અને લશ્કર તાકાત બનાવવામાં ઈરાનનો ફાળો છે. નસરલ્લાહના નેતૃત્વ હેઠળ હિઝબુલ્લાહે પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથ હમાસના લડવૈયાને તેમજ ઇરાક અને યમનમાં લશ્કરને તાલીમ આપવામાં મદદ કરી છે અને ઇઝરાયલ સામે ઉપયોગ કરવા માટે ઈરાન પાસેથી મિસાઇલો અને રોકેટ મેળવ્યાં છે.
હસન નસરલ્લાહ એક શિયા આલીમ - ધાર્મિક વિદ્વાન છે જે લેબનોનમાં હિઝબુલ્લાહ જૂથના મુખીયા છે. આ જૂથ હાલમાં લેબનોનના સૌથી મહત્ત્વપૂર્ણ રાજકીય પક્ષોમાં ગણવામાં આવે છે, જેની પોતાની સશસ્ત્ર પાંખ પણ છે.
હસન નસરલ્લાહ, જે લેબનોન અને અન્ય આરબ દેશોમાં લોકપ્રિય છે, તેને હિઝબુલ્લાહનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. તેમણે આ જૂથના ઇતિહાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
ઈરાન અને અલી ખામનેઇ સાથે તેમના નિકટતમ છે અને તેમની સાથે ખાસ સંબંધ છે. હિઝબુલ્લાહને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી સંગઠનની યાદીમાં મૂકવામાં આવ્યું છે છતાં, ઈરાનના નેતાઓ કે નસરલ્લાહે ક્યારેય તેમના ગાઢ સંબંધો છુપાવ્યા નથી.
ઉત્સાહી સમર્થકો ધરાવતા હસન નસરલ્લાહના એટલા જ દુશ્મનો પણ છે. આ કારણોસર, તેઓ ઇઝરાયલના હાથે માર્યા જવાના ડરને કારણે વર્ષો સુધી જાહેરમાં દેખાયા નહોતા. આ જ કારણસર તેમના સમર્થકો તેમના ભાષણોથી વંચિત રહે છે.
બાળપણ અને જવાની
હસન નસરલ્લાહનો જન્મ થયો એના થોડા વખતમાં જ લેબનોનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું.
બૈરુતના પૂર્વ વિસ્તારમાં એક ગરીબ મોહલ્લામાં જન્મેલા હસન નસરાલ્લાહના પિતા નાની દુકાન ચલાવતા હતા. તેને નવ બાળકો હતા જેમાં હસન સૌથી મોટા હતા.
તે પાંચ વર્ષના હતા ત્યારે લેબનોનમાં ગૃહયુદ્ધ શરૂ થયું હતું. તે એક વિનાશક યુદ્ધ હતું જેણે ભૂમધ્યસાગરના આ નાના દેશને પંદર વર્ષ સુધી ઘેરી લીધો હતો. તે દરમિયાન લેબનોનના નાગરિકો ધર્મ અને જાતિના આધારે અંદરોઅંદર લડ્યા હતા.
આ વખતે ખ્રિસ્તી અને સુન્ની મિલિશિયા જૂથો પર વિદેશી દેશોમાંથી મદદ મેળવવાનો આરોપ લાગ્યો હતો.
યુદ્ધ શરૂ થવાને કારણે, હસન નસરલ્લાહના પિતાએ બૈરૂત છોડીને દક્ષિણ લેબનોનમાં તેમના મૂળ ગામ જ્યાં શિયાઓ બહુમતી હતા ત્યાં પાછા ફરવાનું નક્કી કર્યું હતું.
પંદર વર્ષની ઉંમરે હસન નસરલ્લાહ લેબનોનના તે સમયના સૌથી મહત્વપૂર્ણ શિયા રાજકીય-લશ્કરી જૂથ અમલ ચળવળના સભ્ય બન્યા હતા. તે એક પ્રભાવી અને સક્રિય જૂથ હતું જેનો પાયો ઈરાની મુસા સદરે નાખ્યો હતો.
આ સમય દરમિયાન નસરલ્લાહે તેમનું ધાર્મિક શિક્ષણ પણ શરૂ કર્યું હતું. નસરલ્લાહના એક શિક્ષકે તેને શેખ બનવાની અને ઇરાકના શહેર નઝફ જવાની સલાહ આપી હતી. તે સલાહ માનીને હસન નસરલ્લાહે સોળ વર્ષની ઉંમરે ઇરાકી શહેર નજફ ગયા હતા.
ઇઝરાયલ અને લેબનોન વચ્ચે સંઘર્ષ
હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહને હવાઈ હુમલામાં કથિત રીતે નિશાન બનાવ્યા પછી ઇઝરાયલે બૈરુતમાં તાબડતોબ હુમલા કર્યા હતા.
બૈરુતના દક્ષિણમાં હિઝબુલ્લાહના ગઢ ગણાતા દાહિયાહ વિસ્તારની કેટલીક ઇમારતોને નિશાન બનાવાઈ હતી.
ઇઝરાયલના સંરક્ષણ દળોના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર ખૂબ ચોકસાઈપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો.
લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલે બુધવારે લેબનોન પર ફરી હુમલો કર્યો છે જેમાં ઓછામાં ઓછાં 51 લોકોનાં મૃત્યુ થયાં છે.
ઇઝરાયલની સેનાએ જણાવ્યું કે તેમની ઍરફૉર્સે હિઝબુલ્લાહનાં લગભગ 280 ઠેકાણાંને નિશાન બનાવ્યાં જેમાં એ વિસ્તારો પણ સામેલ હતા જેમના પર સવારે હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયલના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારોમાં હથિયારો રાખવામાં આવ્યાં હતાં અને સૈન્ય ઢાંચો પણ બનાવવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે લેબનોનમાં સોમવારથી અત્યારસુધી લગભગ 90 હજાર લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.
સોમવારે લેબનોનમાં કરાયેલા ઇઝરાયલી હુમલામાં 550 લોકોનાં મોત થયાં હતાં જેમાં 50 બાળકોનો સમાવેશ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












