યાહ્યા સિનવાર પછી હમાસના નવા નેતા કોણ હશે, કોનું નામ ચર્ચામાં?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, રશ્દી અબૂઅલૂફ
- પદ, બીબીસી ન્યૂઝ
હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ હવે આ જૂથના આગામી નેતા કોણ હશે તેની અટકળો લગાવવામાં આવી રહી છે. હમાસના બે અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે જૂથના નવા નેતાને પસંદ કરવા મામલે ચર્ચા ટૂંક સમયમાં શરૂ થશે.
અધિકારીઓએ જણાવ્યું કે સિનવારના ડેપ્યુટી ખલીલ અલ-હય્યા નેતા તરીકે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તે ગાઝા બહાર હમાસના સૌથી વરિષ્ઠ અધિકારી છે.
કતારમાં રહેતા અલ-હય્યા હાલમાં ઇઝરાયલ સાથે ચાલી રહેલી યુદ્ધવિરામની વાટાઘાટમાં જૂથના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે.
તેમના વિશે એવું કહેવાય છે કે ગાઝાની પરિસ્થિતિ અંગે તેઓ સમજ અને ઊંડાણપૂર્વકની જાણકારી ધરાવે છે.
તેહરાનમાં હમાસના ભૂતપૂર્વ નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યાને બે મહિના પણ નહોતા થયા ત્યાં જ હમાસના નેતા અને ઇઝરાયલના મોસ્ટ વૉન્ટેડ વ્યક્તિ સિનવારની હત્યા પછી તેમના સ્થાને નવા નેતાની પસંદગી માટે હમાસના નેતાઓ એક બેઠક કરશે.
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ સિનવારને ઑક્ટોબર 7ના હુમલા પાછળના મુખ્ય કર્તા-ધર્તા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની નિમણૂક એટલા માટે થઈ હતી કે તેઓ ઇઝરાયલ સામે ક્યારેય નમવા તૈયાર ન હતા.
જુલાઈથી યુદ્ધવિરામ વાટાઘાટ અટકી ગઈ છે અને કેટલાક માને છે કે સિનવારનું નેતૃત્વ યુદ્ધવિરામ સમજૂતીમાં મોટો અવરોધ હતું.
સૌથી પ્રબળ દાવેદાર કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે સિનવારની હત્યા છતાં, યુદ્ધવિરામની શરતો અને ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા અંગે જૂથનું વલણ બદલાયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હમાસની માગ છે કે ગાઝામાંથી ઇઝરાયલ પાછળ હઠી જાય,લશ્કરી કાર્યવાહી બંધ કરી દે, તેમજ યુદ્ધગ્રસ્ત વિસ્તારોનું પુનઃનિર્માણ થાય.
ઇઝરાયલે આ માગણીઓને ફગાવીને હમાસને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું.
ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂની હમાસને તેનાં શસ્ત્રો છોડવાની અને આત્મસમર્પણ કરવાની માગ પર, હમાસના અધિકારીઓએ કહ્યું, "આત્મસમર્પણ અસંભવ છે."
તેમણે કહ્યું હતું, “અમે અમારા લોકોની સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ અને શરણાગતિ અમને સ્વીકાર્ય નથી. સિનવારની જેમ, અમે છેલ્લી ગોળી અને છેલ્લા સૈનિક સુધી લડીશું."
સિનવારની હત્યા હમાસ માટે સૌથી મોટો ફટકો છે. 1990ના દાયકાથી હમાસનો ઇતિહાસ રહ્યો છે કે જૂથનો નવો નેતા સામે આવે જ છે. જોકે તેમની પસંદગી મોટો પડકાર રહ્યો છે.
ઇઝરાયલે હમાસના મોટાભાગના નેતાઓ અને સ્થાપકોને મારી નાખવામાં સફળતા મેળવી હોવા છતાં, આ આંદોલને નવા નેતાઓને શોધવાની તેની ક્ષમતામાં સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.
સિનવારના ભાઈની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા

આ સંઘર્ષ વચ્ચે, ગાઝામાં ઇઝરાયેલી બંધકોના ભાવિ અને તેમની સલામતી અને રક્ષણ માટે કોણ જવાબદાર હશે તે અંગે પ્રશ્ન ઊભો જ છે.
આ ભાંજગડમાં યાહ્યા સિનવારના ભાઈ મોહમ્મદ સિનવાર એક મહત્ત્વપૂર્ણ પ્રતિભા તરીકે ઉભરી આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે તેઓ હમાસના બચી ગયેલા સશસ્ત્ર જૂથોને સંભાળી રહ્યા છે અને ગાઝામાં આ આંદોલનનના ભવિષ્યને આકાર આપવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
એક તરફ હમાસ ગંભીર કટોકટીના તબક્કામાં છે તો બીજી તરફ ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે.
શનિવારે જબાલિયા રેફ્યૂજી કૅમ્પમાં ઇઝરાયલી હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલનો દાવો છે કે હમાસ અહીં ફરી એકત્ર થવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કેટલાક વિશ્લેષકો માને છે કે યાહ્યા સિનવારનું મૃત્યુ હમાસ માટે ભૂકંપ સમાન છે. ઑગસ્ટમાં ઇસ્માઈલ હાનિયાના મૃત્યુ પછી જ્યારે હમાસે તેમને નેતા બનાવ્યા ત્યારે એ સંદેશ હતો કે હમાસ ઇઝરાયલ સામે નમવાનું નથી.
મધ્ય પૂર્વની સ્થિતિ ખતરનાક વળાંક પર

ઇમેજ સ્રોત, Getty Images
લેબનોનમાં હિઝબુલ્લાહની સાથે ઇઝરાયલનો સંઘર્ષ તીવ્ર થઈ રહ્યો છે.
શનિવારે જ હિઝબુલ્લાહએ ઇઝરાયલના વડા પ્રધાનના ખાનગી નિવાસ પર ડ્રૉનથી હુમલો કર્યો હતો.
બાદમાં નેતન્યાહૂએ કહ્યું કે "હિઝબુલ્લાહે મારી હત્યાનો પ્રયાસ કરીને મોટી ભૂલ કરી છે."
ઇઝરાયલ બૈરુત અને દક્ષિણ લેબનોનમાં હવાઈ અને સૈન્ય હુમલા કરી રહ્યું છે.
આ મહિને જ બીજી વાર ઈરાન તરફથી ઇઝરાયલ પર બૅલિસ્ટિક મિસાઇલથી કરેલા હુમલા બાદ હજુ પણ ઇઝરાયલે કોઈ જવાબી કાર્યવાહી કરી નથી.
પરંતુ મધ્ય પૂર્વની સ્થિતિ અગાઉ કરતાં વધુ જોખમભરી થઈ ગઈ છે. જ્યારે અમેરિકા તરફથી સતત સંઘર્ષવિરામનું દબાણ કરાઈ રહ્યું છે.
અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને હાલમાં કહ્યું હતું કે ગાઝામાં યુદ્ધવિરામ સમજૂતી લગભગ 90 ટકા થઈ ગઈ છે.
જોકે સિનવારની હત્યા બાદ યુદ્ધવિરામ સમજૂતી મુદ્દે હમાસનું વલણ કેવું રહેશે એ આવનાર સમય કહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












