હમાસે કઈ રીતે પૅરાશૂટ બનાવ્યાં કે જે ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમને ભેદી ગયાં?

ઇમેજ સ્રોત, HAMAS
- લેેખક, મોહમ્મદ હમદાર અને હનાન રઝક
- પદ, બીબીસી ન્યૂઝ અરબી
જ્યારે શનિવારે હમાસે ઇઝરાયલ પર ઘાતક હુમલો કર્યો ત્યારે તેના લડવૈયાઓએ સરહદ પાર કરવા માટે ઘૂસણખોરીનો રસ્તો અપનાવ્યો હતો.
હમાસની સૈન્ય ટુકડી ‘ઇજ્જ અલ-દિન અલ કસમ બ્રિગેડ્સ’ એ મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેનારા લોકો અને ગાઝા પટ્ટીની ચારેય બાજુ સ્થિત ઇઝરાયલી ઠેકાણાઓ પર હુમલો કર્યો. તેમણે આ હુમલાને ‘અલ અક્સા ફ્લડ’ નામ આપ્યું.
ઇઝરાયલી સેનાના પ્રવક્તા રિચર્ડ હેશ્ટે આ વાતની પુષ્ટિ કરી છે પેલેસ્ટિનિયન ઉગ્રવાદીઓએ પેરેશૂટથી સમુદ્રી રસ્તે અને જમીનના રસ્તે બંને રીતે ઘૂસણખોરી કરી છે.
સોશિયલ મીડિયા પર આવા અનેક ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે જેમાં ‘અલ કસમ બ્રિગેડ’ ના લડવૈયાઓ પેરેશૂટથી નીચે ઊતરતા જોઈ શકાય છે.
ઇઝરાયલ પર હુમલા માટે તેમણે પહેલીવાર આ પ્રકારનો રસ્તો અપનાવ્યો છે.
સરહદ પરની ફેન્સિંગ પૅરાશૂટથી પાર કરી

ઇમેજ સ્રોત, HAMAS
પેલેસ્ટિનિયન ઉગ્રવાદીઓએ ગાઝા અને ઇઝરાયલની સરહદે રહેલી દીવાલો અને કાંટાળી વાડને હવાઈ રસ્તેથી પાર કરી.
તેમણે એવાં પૅરાશૂટનો ઉપયોગ કર્યો કે જેમાં એક અથવા બે લોકો જઈ શકે.
જનરેટર અને બ્લૅડથી સંચાલિત આ પૅરાશૂટ અને ગ્લાઇડરના માધ્યમથી તેમણે ગાઝા પટ્ટીની નજીકના ઇઝરાયલી વિસ્તારોમાં પ્રવેશ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા વિશ્વયુદ્ધ સમયનો ઉપાય અજમાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અન્ય દેશોના સરહદથી બહુ દૂર અંદરના વિસ્તારોમાં પોતાના સૈનિકોને ઊતારવા માટે મિલિટરી પૅરાશૂટનો ઉપયોગ કરવો એ સામાન્ય વાત હતી.
પહેલીવાર દ્વિતીય વિશ્વયુદ્ધમાં પૅરાશૂટ ટીમોની તહેનાતી જર્મની અને તેના મિત્રદેશોના ગઠબંધન દ્વારા એકબીજા સામે કરવામાં આવી હતી.
1987 ગ્લાઇડર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારે હમાસે કરેલો આ હુમલો, 1987માં ‘પૉપ્યુલર ફ્રન્ટ ફૉર ધી લિબરેશન ઑફ પેલેસ્ટાઇન’ ના જનરલ કમાન્ડ સાથે જોડાયેલા બે પેલેસ્ટાઇનના, એક સીરિયાના અને એક ટ્યૂનિશિયાના લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા ગ્લાઇડર ઑપરેશનની યાદ અપાવે છે.
નવેમ્બર, 1987માં તેમણે ઇઝરાયલી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવા માટે લેબનોનથી ઊડાણ ભરી હતી.
જમીની હુમલો

ઇમેજ સ્રોત, AFP
એક મોટરવાળા પૅરાશૂટના ઉપયોગથી હમાસના લડવૈયાઓએ જમીન પરથી હુમલો કરવામાં સફળ થઈ ગયા હતા.
તેનો મતલબ એ થયો કે તેઓ કોઇપણ પહાડ ચઢ્યા વિના કે કોઇ વિમાનનો સહારો લીધા વગર તેઓ સરહદ પાર કરી શકતા હતા.
તેમાં લાગેલું એન્જિન આ પૅરાશૂટને 56 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ આપે છે.
પૅરાગ્લાઇડર ત્રણ કલાક સુધી જમીનથી સરેરાશ પાંચ હજાર મીટરની ઊંચાઈ સુધી ઊડી શકે છે.
પેરાગ્લાઇડિંગ સંબંધિત વેબસાઇટો અનુસાર તે 4 લોકો અથવા તો 230 કિલોગ્રામ સુધીનો ભાર વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
પૅરાશૂટમાં ત્રણ પૈડાનું માળખું પણ હોય છે જે એક કે બે લોકોને લઈ જઈ શકે છે.
‘ઇઝ અલ-કાસમ’ બ્રિગેડના મીડિયાએ કેટલીક વિડિયો ક્લિપ્સ પોસ્ટ કરી છે જેમાં પેરાગ્લાઇડર્સ જમીન પરથી ઉતરી રહ્યા છે, દરેકમાં એક કે બે લડવૈયાઓ છે.
અન્ય ફૂટેજ બતાવે છે કે લડવૈયાઓ હવામાં ગોળીબાર પણ કરી રહ્યા છે અને ઇઝરાયલી વિસ્તારો પર હુમલો કરી રહ્યા છે.
હમાસે સરહદ ઓળંગીને ઇઝરાયેલમાં પ્રવેશેલા પેરાટ્રૂપર્સનું નામ "સક્ર સ્ક્વૉડ્રન" રાખ્યું છે.
ઇઝરાયલી સેનાને આ પેરેશૂટ કેમ ન દેખાયા?
હમાસ મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી એક વીડિયો ક્લિપમાં સશસ્ત્ર લડવૈયાઓ ગાઝાથી પેરાગ્લાઈડર વડે ભારે રૉકેટ ફાયરની આડમાં ઊતરી રહ્યા છે.
તેમાંથી કેટલાક લોકો ખૂબ જ ઓછી ઊંચાઈએ ઉડતા જોવા મળે છે, જ્યારે કેટલાક લોકો આકાશમાં ખૂબ જ ઊંચે ઊડતા જોવા મળે છે.
ગાઝાની આસપાસના આકાશમાં તેમને સ્પષ્ટપણે જોઈ શકાતા હતા.
ઇઝરાયલી મીડિયાએ સેનાને પ્રશ્ન કર્યો છે કે ‘કેમ તેઓ તેમની નજરમાં ન આવ્યા’?
ઇઝરાયલી સેનાએ હજુ સુધી એ કારણ આપ્યું નથી કે લડવૈયાઓએ સરહદ પાર કર્યા પછી પણ તેના હવાઈ સંરક્ષણને કેમ ઍલર્ટ કરવામાં આવ્યું ન હતું. ખાસ કરીને એવી સ્થિતિમાં કે જ્યારે પૅરાશૂટ એટલા સ્પષ્ટ દેખાતા હતા કે લોકોએ તેમના મોબાઇલ ફોનથી તેનો વીડિયો બનાવ્યો હતો.












