ઇઝરાયલ પર હુમલો કરનારું 'હમાસ' શું છે? જાણો જરૂરી સવાલના જવાબ

ઇમેજ સ્રોત, AFP
પેલેસ્ટાઇનના ચરમપંથી જૂથ હમાસે જે રીતે ઇઝરાયલ પર ચારેબાજુથી હુમલો કર્યો તેને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.
જે રીતે હમાસના ચરમપંથીઓ સરહદ પર લાગેલી વાડને તોડીને ઇઝરાયલના વિસ્તારમાં ઘૂસ્યા, સ્થાનિક લોકોને મારવાની સાથે તેમને બંધક પણ બનાવ્યા એ બાબતો ઇઝરાયલ માટે ખૂબ જ ચોંકાવનારી છે.
આ સંપૂર્ણ સંકટને સમજવા માટે તમારે કેટલીક મૂળભૂત વાતો જાણવી પડશે. એ લોકો કોણ છે, ક્યાંથી આવે છે અને આ સંગઠન બન્યું કેવી રીતે?

હમાસ કોણ છે?

હમાસ પેલેસ્ટાઇનનું ઇસ્લામિક ચરમપંથી સમૂહ છે, જે ગાઝા પટ્ટીથી સંચાલિત છે. 2007માં ગાઝા પર નિયંત્રણ બાદ હમાસના વિદ્રોહીઓએ ઇઝરાયલને બરબાદ કરવાની કસમ ખાધી હતી.
ત્યારથી લઈને હાલના હુમલા સુધી આ ચરમપંથી સંગઠન ઇઝરાયલ સાથે ઘણી વાર યુદ્ધ છેડી ચૂક્યું છે.
આ દરમિયાન હમાસે ઇઝરાયલ પર હજારો રૉકેટ છોડીને કેટલાક ઘાતકી હુમલા પણ કર્યા. ઇઝરાયલ પર હુમલા માટે હમાસે બીજાં ચરમપંથી જૂથોની પણ મદદ લીધી છે.
આ હુમલાના જવાબમાં ઇઝરાયલ ઘણી રીતે હમાસ પર સૈન્ય કાર્યવાહી કરે છે. 2007 પછી તરત જ ઇઝરાયલે ઇજિપ્ત સાથે મળીને ગાઝાની ઘેરાબંદી કરી રાખેલી છે. ઇઝરાયલ કહે છે, આ તેની સુરક્ષા માટે જરૂરી છે.
એક સંગઠનના રૂપમાં હમાસ, ખાસ કરીને તેની લશ્કરી વિંગને ઇઝરાયલ, અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન અને કેટલાય અન્ય દેશોએ આતંકવાદી સમૂહ જાહેર કરેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાડોશી ઈરાન હમાસનું સૌથી મોટું સમર્થક છે. તે આને આર્થિક મદદની સાથે સાથે હથિયાર અને તાલીમ સુવિધાઓ પણ પૂરી પાડે છે.

ગાઝા મુદ્દે વિવાદ કેમ છે?

ઇઝરાયલ, ઇજિપ્ત અને ભૂમધ્યસાગર વચ્ચે જે પટ્ટીને ગાઝા કહે છે, તે 41 કિલોમિટર લાંબી અને 10 કિલોમીટર પહોડો વિસ્તાર છે.
અહીં લગભગ 23 લાખ લોકો રહે છે. આ વિશ્વની સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી એક છે.
ગાઝાનું હવાઈ ક્ષેત્ર અને કાંઠા વિસ્તાર ઇઝરાયલના નિયંત્રણમાં છે.
આ નિયંત્રણની સાથે ઇઝરાયલ જ એ નક્કી કરે છે કે ગાઝાથી કઈ વસ્તુ બહાર આવશે અને શું અંદર પ્રવેશ કરશે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે લડાઈ કેમ છે?

ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવ લાંબા સમયથી સતત ચાલી રહ્યો છે, પરંતુ ગત શનિવારે (7 ઑક્ટોબર) ચરમપંથી જૂથે જે હુમલા કર્યા એના વિશે ચેતવણી નહોતી આપી.
હમાસે ઇઝરાયલ પર હજારો રૉકેટ છોડ્યાં એની સાથે જ ડઝન ચરમપંથીઓ સરહદ પાર કરીને ઇઝરાયલના રહેણાક વિસ્તારોમાં ઘૂસી આવ્યા, જ્યાં તેમણે લોકોની હત્યા કરી અને ઘણાને બંધક બનાવ્યા.
એના તરત જ બાદ ઇઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા. ઇઝરાયલે કહ્યું કે તે ગાઝામાં ચરમપંથી ઠેકાણાંને નિશાન બનાવી રહ્યું છે.

હમાસનો હુમલો કેમ અપૂર્વ ગણવામાં આવી રહ્યો છે?

બીબીસીના ઇન્ટરનેશનલ ઍડિટર જેરેમી બોવેને પોતાના રિપોર્ટમાં ગાઝાથી કરવામાં આવેલા હમાસના હુમલાને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો ગણાવ્યો છે.
રિપોર્ટ મુજબ ઇઝરાયલની નવી પેઢીએ આવો સરહદ પારનો મોટો હુમલો જોયો ન હતો અને ન ઇઝરાયલે આટલા મોટા હુમલાનો સામનો કર્યો હતો.
હમાસના ચરમપંથીઓએ સરહદ પર લાગેલી વાડને ઘણી જગ્યાએથી તોડી અને અંદર દાખલ થઈ ગયા.
આ હુમલો 1973ના ઇઝરાયલ પર 50 વર્ષ પહેલાં એ સમયની વરસીના એક દિવસ પહેલાં કરાયો, જેણે ઇજિપ્ત અને સીરિયાને સંયુક્તરૂપે અંજામ આપ્યો હતો.
એ હુમલાની તારીખ અને વરસીનું મહત્ત્વ હમાસના નેતૃત્વ માટે ખતમ નથી થયું.

ઇઝરાયલની આ સૌથી મોટી નિષ્ફળતા કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીના સુરક્ષા મામલોના સંવાદદાતા ફ્રેન્ક ગાર્ડનર માને છે કે હમાસનો આ હુમલો ઇઝરાયલની ઇન્ટેલિજન્સની નિષ્ફળતાનું પરિણામ છે.
ઇઝરાયલની ઇન્ટેલિજન્સ કમાન દેશની અંદર શિન બેટ અને દેશની બહાર મોસાદ નામની એજન્સી સંભાળે છે. એ સાથે જ ઇઝરાયલની સમગ્ર ડિફેન્સ સિસ્ટમ અને ફોર્સ પણ જોડાયેલી હોય છે.
ફ્રેન્ક ગાર્ડનેર કહે છે, “આ બિલકુલ નિરાશ કરનારી વાત છે કે આટલા મોટા હુમલાની યોજનાની જાણ કોઈને ન થઈ. જો કોઈ ઍલર્ટ મળ્યું હતું, તો એને રોકવાનો સમય પણ ન મળી શક્યો.”
એવું એટલા માટે કહેવાઈ રહ્યું છે કે સમગ્ર મધ્ય-પૂર્વમાં સૌથી સમૃદ્ધ ઇન્ટેલિજન્સ એજન્સી ઇઝરાયલની પાસે છે. તેના જાસૂસ અને એજન્ટ્સ સીરિયા, લેબનનથી લઈને પેલેસ્ટાઇનના ચરમપંથી સમૂહોની અંદર સુધી ફેલાયેલા છે.
જો વાત કરીએ સરહદી સુરક્ષાની તો ગાઝાની સરહદ પર કાંટાળા તારથી ઊંચી અને મજબૂત વાડ બનાવાઈ છે. એના પર કૅમેરા સાથે ગ્રાઉન્ડ મોશન સેન્સર્સ પણ લગાવવામાં આવ્યા છે.
સમગ્ર સરહદ પર સતત પેટ્રોલિંગ પણ થતું રહે છે.
ગાઝા સરહદ પર આટલી સખત વાડનો હેતુ આ પ્રકારની ઘૂસણખોરી રોકવાનો હતો.
પરંતુ પરેશાન કરનારી વાત એ છે કે હમાસના ચરમપંથી બુલડોઝરનો ઉપયોગ કરીને વાડને તોડીને નીકળી ગયા, તો કેટલીક જગ્યાએ કાંટાળા તારોને કાપીને અંદર દાખલ થઈ ગયા.
આ સિવાય હમાસના ચરમપંથી પેરાગ્લાઇડર અને સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પણ ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા.
પેલેસ્ટાઇન શું છે અને આ હુમલાઓ સાથે એનો શું સંબંધ છે?

ઇમેજ સ્રોત, Reuters
પેલેસ્ટાઇનનું અસ્તિત્વ રોમન કાળથી જ છે.
એ સિવાય વેસ્ટ બૅન્ક અને ગાઝા જે હાલ પેલેસ્ટાઇનના નિયંત્રણમાં છે, તેની સાથે પૂર્વીય જેરુસલેમ અને ઇઝરાયલના કબજાવાળો આખોય વિસ્તાર આવે છે.
રોમન કાળમાં આ સમગ્ર ક્ષેત્રને પેલેસ્ટાઇન કહેવામાં આવતો હતો.
બાઇબલમાં આ ક્ષેત્રમાં યહૂદી સામ્રાજ્યનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આથી યહૂદી તેને પોતાની પ્રાચીન માતૃભૂમિ માને છે.
વર્ષ 1948માં ઇઝરાયલે ખુદને એક સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું. જોકે હજુ જે લોકો ઇઝરાયલના અસ્તિત્વને નકારે છે, તેઓ સમગ્ર વિસ્તારને પેલેસ્ટાઇન તરીકે જ માન્યતા આપે છે.
પેલેસ્ટઇનના લોકો પણ વેસ્ટ બૅન્કથી લઈને ગાઝા અને પૂર્વ જેરુસલેમ માટે એક જ શબ્દ પેલેસ્ટાઇનનો ઉપયોગ કરે છે.
હુમલા અને એલાન-એ-જંગ બાદ આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
હમાસના ચરમપંથી કમાન્ડર મોહમ્મદ દેઇફે તમામ પેલેસ્ટાઇન નાગરિકો અને સમગ્ર સમુદાયને એક થવાની અપીલ કરી છે જેથી ઇઝરાયલના કબજાને ઉખાડી ફેંકવામાં આવે.
જેરુસલેમમાં બીબીસી સંવાદદાતા યોલાન્દે નીલ કહે છે, “આમાં મોટો સવાલ એ થાય છે કે શું વેસ્ટ બૅન્ક, પૂર્વીય જેરુસલેમ અથવા ઇઝરાયલી કબજાવાળા બીજાં ક્ષેત્રોમાં રહેતા પેલેસ્ટાઇન હમાસની આ અપીલ પર પ્રતિક્રિયા આપશે?”
આ સમગ્ર ઘટનાક્રમમાં ઇઝરાયલની સામે એ વાત પણ સ્પષ્ટ છે કે, આ એક એવા જંગમાં તબદીલ થઈ જશે, જેમાં ઘણા મોરચે લડવું પડશે.
જો સ્થિતિ વધુ વણસી જશે તો બની શકે છે કે, લેબનનની તાકત ચરમપંથી સમૂહ ‘હિઝબુલ્લાહ’ પણ આ જંગમાં કૂદી શકે છે.
ઇઝરાયલની સેનાએ હાલ મોટા સ્તર પર સૈન્ય ટુકડીઓ તહેનાત કરી છે. સાથે જ તેઓ ગાઝા પર સતત હવાઈ હુમલા પણ કરી રહ્યા છે.
તો ઇઝરાયલ ગ્રાઉન્ડ ઑપરેશનની તૈયારી પણ કરી રહ્યું છે.














