ઇઝરાયલી સ્ટ્રાઇક બાદ લેબનોનના એક સમયે ધમધમતા પાટનગરના કેવા હાલ થયા?

ઇઝરાયલી સ્ટ્રાઇક, લેબનોન, બૈરુત, હમાસ, બીબીસી ગુજરાતી, મધ્યપૂર્વ
ઇમેજ કૅપ્શન, લેબનોનની રાજધાની બૈરુત પર ઇઝરાયલના હવાઈ હુમલા પછી ભયંકર સ્થિતિ છે
    • લેેખક, નફિસેહ કૉહન્વર્ડ
    • પદ, મધ્યપૂર્વ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ

બૈરુતની એક હોટલના મુખ્ય વેઇટર મારવાન મજાકમાં કહે છે, "ચાલો થોડું સ્મિત કરીએ, જેથી કરીને જે ફોટા પાડવામાં આવે છે તેમાં આપણે સારા દેખાઈએ."

મારવાન અને તેમના એક સાથીદાર ઉપર આકાશ તરફ જુએ છે જ્યાં ઇઝરાયલના ડ્રોન બધા પર નજર રાખતા ચક્કર મારે છે.

પાછળ વાગતું સંગીત કે પક્ષીઓનાં ગીતો પણ ડ્રોનની ઘરઘરાટીનો અવાજ દબાવી શકતા નથી. એવું લાગે છે જાણે કોઈએ હેરડ્રાયર ચાલુ રાખ્યું છે, અથવા વાદળોમાં મોટરસાઇકલ દોડી રહ્યા છે.

મારવાનની હોટલ હિઝબુલ્લાના ગઢ ગણાતા વિસ્તારમાં છે એવું પણ નથી.

આ અચરાફિહ છે જે એક સમૃદ્ધ ખ્રિસ્તી બહુમતી ધરાવતો વિસ્તાર છે. પાછલા યુદ્ધમાં ઇઝરાયલે આ વિસ્તારને ટાર્ગેટ નહોતો કર્યો. હું પણ આ જગ્યા પર જ રહું છું.

બે દિવસ પછી અચરાફિહ પર ઇઝરાયલની મિસાઇલો તીવ્ર અવાજ સાથે પસાર થઈ.

મેં આસપાસનાં બાળકો અને મોટેરાઓની ચીસો સાંભળી. લોકો પોતાની બાલ્કનીઓ તરફ દોડતા હતા, અથવા બારીઓ ખોલીને શું થયું છે તે જાણવાનો પ્રયાસ કરતા હતા.

થોડી જ સેકન્ડમાં એક જોરદાર વિસ્ફોટ થયો અને વૃક્ષોથી ઘેરાયેલો રસ્તો હલબલી ગયો.

બૈરુતમાં હાલ કેવી સ્થિતિ છે?

ઇઝરાયલી સ્ટ્રાઇક, લેબનોન, બૈરુત, હમાસ, બીબીસી ગુજરાતી, મધ્યપૂર્વ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લેબનોનમાં 17 અને 18 સપ્ટેમ્બરથી આ અંધાધૂંધી શરૂ થઈ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મારી ઇમારતમાં બધા લોકો હાદિહ તરફ જોવા લાગ્યા જે બૈરુતમાં હિઝબુલ્લાહનો પ્રભાવ ધરાવતું દક્ષિણી ઉપનગર છે. અચરાફિહથી આ વિસ્તારને આંશિક રીતે જોઈ શકાય છે.

પરંતુ તરત અમને ખબર પડી ગઈ કે અમારાથી માત્ર પાંચ મિનિટના અંતરે આવેલી એક જગ્યા પર મિસાઇલ ત્રાટકી છે.

સ્થાનિક મીડિયા પ્રમાણે ઇઝરાયલનો ટાર્ગેટ વાકિફ સફા હતા જેઓ હિઝબુલ્લાહના ઉચ્ચ અધિકારી છે અને હસન નસરુલ્લાહના બનેવી છે જેમની તાજેતરમાં હત્યા કરવામાં આવી હતી. વાકિફ સફા આ હુમલામાં બચી ગયા એવું કહેવાય છે.

જે ઇમારત પર મિસાઇલ ખાબકી તેમાં મોટી સંખ્યામાં લોકો રહેતા હતા જેઓ તાજેતરમાં યુદ્ધથી ભાગીને બૈરુત આવ્યા હતા. ઇઝરાયલી સેનાએ આ હુમલા અગાઉ કોઈ ચેતવણી નહોતી આપી. હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા. આ અત્યાર સુધીનો સૌથી મોટો જીવલેણ હુમલો હતો.

એક પડોશી આશ્ચર્ય સાથે કહે છે, "હે ભગવાન, આપણે તે શેરીમાંથી પસાર થતા હોત તો શું થયું હોત?"

"મારે કામ પર જવા માટે તે શેરીમાંથી જ પસાર થવાનું હોય છે."

બીજા એક પડોશી કહે છે, "તેમણે નક્કી જ કરી લીધું હશે તો બીજી વખત તેઓ આપણી શેરીની બિલ્ડિંગને ટાર્ગેટ નહીં કરે તેની શું ખાતરી?"

લેબનોનમાં 17 અને 18 સપ્ટેમ્બરથી આ અંધાધૂંધી શરૂ થઈ છે, જ્યારે મોટી સંખ્યામાં પેજરમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા જેમાં 33 લોકોના મોત નિપજ્યાં અને 5000થી વધુને ઈજા થઈ હતી. મૃતકોમાં હિઝબુલ્લાના લડવૈયાઓ અને નાગરિકો બંને સામેલ હતા. ઘણા લોકોએ પોતાની આંખ અથવા હાથ અથવા બંને ગુમાવ્યા છે.

લેબનોના દક્ષિણ ભાગ તથા બૈરુતના લક્ષિણના વિસ્તારોમાં મોટા પાયે હવાઈ હુમલા થયા જેમાં હસન નસરલ્લાહ સહિત હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરો માર્યા ગયા છે. 30 સપ્ટેમ્બરે ઇઝરાયલે દક્ષિણ લેબનોન પર આક્રમણ શરૂ કર્યું હતું.

અધિકારીઓનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં ઇઝરાયલના બૉમ્બમારામાં 1600થી વધુ લોકો માર્યા ગયા છે.

મેં મારા ઘરની બાલ્કનીમાંથી ઘણા હવાઈ હુમલા જોયા છે.

હોટેલના વેઇટર મારવાન કહે છે કે છેલ્લાં ત્રણ અઠવાડિયાં "ફાસ્ટ ફોરવર્ડ" જેવા રહ્યા છે. "હકીકતમાં શું થયું તેને અમે સમજી શક્યા નથી."

યુદ્ધ મુદ્દે લોકોનો આશાવાદ

ઇઝરાયલી સ્ટ્રાઇક, લેબનોન, બૈરુત, હમાસ, બીબીસી ગુજરાતી, મધ્યપૂર્વ
ઇમેજ કૅપ્શન, શહેરના રસ્તા કારથી ખીચોખીચ છે. કેટલીક કાર મુખ્ય રસ્તા પર વચ્ચે ઊભી છે

હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે તણાવ શરૂ થયો ત્યાર પછી છેલ્લા 12 મહિનામાં મેં તેમની સાથે ઘણી વખત વાત કરી છે.

તેમણે પોતાનું આખું જીવન અહીં કાઢ્યું છે અને બંને પક્ષ વચ્ચેના દરેક યુદ્ધના સાક્ષી રહ્યા છે. પરંતુ તેઓ હંમેશાં આશાવાદી રહ્યા છે અને તેમને લાગે છે કે અત્યારે જે લડાઈ ચાલે છે તે મોટા યુદ્ધમાં નહીં ફેરફાઈ જાય.

તેઓ કહે છે, "હું તમને જે કહેતો હતો તે વાત પાછી લઉં છું. હું એ માનવા તૈયાર ન હતો, પરંતુ આ ખરેખર યુદ્ધ જ છે."

બૈરુતનો ચહેરો એકદમ બદલાઈ ગયો છે.

શહેરના રસ્તા કારથી ખીચોખીચ છે. કેટલીક કાર મુખ્ય રસ્તા પર વચ્ચે ઊભી છે. લેબનોનના દક્ષિણ ભાગમાં ઇઝરાયલી હુમલાના કારણે સેંકડો લોકો રાજધાનીનાં ઉપનગરો તરફ ભાગી ગયા છે. તેઓ પડોશની શાળાઓમાં આશરો લઈ રહ્યા છે જેને તેઓ 'સુરક્ષિત' માને છે. ઘણા લોકો રસ્તા પર જ સૂઈ જાય છે.

ઍરપોર્ટ અને દક્ષિણ તરફ જતા હાઈવે પર બિલબોર્ડ પર હસન નસરલ્લાહનો ચહેરો જોવા મળે છે. હિઝબુલ્લાના ટેકેદારો અને વિરોધીઓ - બંને જૂથોનું કહેવું છે કે આ વિચિત્ર લાગે છે.

અન્ય વિસ્તારોમાં જે પોસ્ટર પર અગાઉ લખેલું હતું કે "લેબનોન યુદ્ધ નથી ઇચ્છતું", તેના પર હવે લખેલું છે, "લેબનોન માટે પ્રાર્થના કરો."

શહેરના પ્રતિષ્ઠિત શહીદ ચોકમાં સામાન્ય રીતે વિરોધ પ્રદર્શનો અને ક્રિસમસની ભવ્ય ઉજવણી થતી હોય છે, પરંતુ અત્યારે તે તંબુ શહેરમાં ફેરવાઈ ગયું છે.

કેટલાય પરિવારો લોખંડના બનેલા ક્રિસમસ ટ્રીના માળખા નીચે સાંકડી જગ્યામાં રહે છે. 2019માં યુવાનોના વિરોધ પ્રદર્શન પછી ચોકમાં બંધ મુઠ્ઠીનું એક કટ-આઉટ ગોઠવવામાં આવ્યું હતું, ત્યાં ધાબડા, ગાદલાં અને લોકોને જે હાથમાં આવ્યું હોય તેમાંથી બનેલા તંબુ છે.

'આખી રાત વિસ્ફોટના અવાજ સંભળાય છે'

ઇઝરાયલી સ્ટ્રાઇક, લેબનોન, બૈરુત, હમાસ, બીબીસી ગુજરાતી, મધ્યપૂર્વ
ઇમેજ કૅપ્શન, હુમલાના કારણે સેંકડો લોકો રાજધાનીનાં ઉપનગરો તરફ ભાગી ગયા છે. ઘણા લોકો રસ્તા પર જ સૂઈ જાય છે

દરેક ખૂણે લગભગ આવી જ સ્થિતિ છે. ચોકથી લઈને સમુદ્ર સુધી કામચલાઉ ઘર બની ગયાં છે.

અહીં મોટા ભાગના પરિવારો સીરિયાથી આવેલા શરણાર્થીઓ છે જેઓ ફરી એક વખત વિસ્થાપિત થઈ ગયા છે. લેબનોનના નાગરિકો માટે રાખવામાં આવેલાં શેલ્ટરોમાં આ શરણાર્થીઓને પ્રવેશની મનાઈ છે.

પરંતુ લેબનોનના ઘણા પરિવારો બેઘર પણ થઈ ગયા છે.

લગભગ એક કિલોમીટરથી થોડે દૂર 26 વર્ષના નાદીન અમુક કલાકો માટે પોતાનું ધ્યાન બીજે લગાડવાનો પ્રયાસ કરે છે.

બૈરુતના ગેમાયઝે વિસ્તારમાં આલિયા બૂક્સ નામે એક બુકશૉપ અને બાર છે જેના ગ્રાહકોમાં નાદીન પણ સામેલ છે.

તેઓ મને કહે છે, "મને હવે જરાય સુરક્ષા નથી અનુભવાતી. અમને આખી રાત વિસ્ફોટના અવાજ સંભળાય છે."

"હું મારી જાતને પૂછતી રહું છું - તેઓ અહીં બૉમ્બ ફેંકશે તો? તે અમારી સામેની કારને ટાર્ગેટ કરશે તો?"

ઘણા સમયથી બૈરુતવાસીઓ માનતા હતા કે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ દ્વારા સંચાલિત સરહદી ગામડાંઓ પૂરતો તણાવ મર્યાદિત રહેશે.

હસન નસરલ્લાહ શિયા મુસ્લિમોના શક્તિશાળી રાજકીય અને લશ્કરી સંગઠનનું નેતૃત્વ કરતા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ દેશને યુદ્ધમાં નાખવા નથી માંગતા. તેમનો મોરચો માત્ર ગાઝામાં રહેલા પેલેસ્ટાઇનવાસીઓને ટેકો આપવા માટે છે.

પરંતુ બધું બદલાઈ ગયું.

વેપારધંધા પર કેવી અસર પડી?

ઇઝરાયલી સ્ટ્રાઇક, લેબનોન, બૈરુત, હમાસ, બીબીસી ગુજરાતી, મધ્યપૂર્વ
ઇમેજ કૅપ્શન, આલિયાઝ બુક્સ સામાન્ય રીતે એક જીવંત સ્થળ હોય છે જ્યાં લોકલ બૅન્ડ, પૉડકાસ્ટ અને વાઇન ટેસ્ટિંગ નાઇટ્સ યોજાતી હોય છે

બૈરુતમાં મોટા ભાગનો બૉમ્બમારો દક્ષિણના પરા વિસ્તારોમાં થાય છે જ્યાં હિઝબુલ્લાહ શક્તિશાળી છે. પરંતુ તેના આંચકા આખા શહેરમાં અનુભવાય છે જેના કારણે લોકો રાતે સૂઈ શકતા નથી.

તેનાથી વેપાર-ધંધાને અસર થઈ છે. આલિયાઝ બુક્સ સામાન્ય રીતે એક જીવંત સ્થળ હોય છે જ્યાં લોકલ બૅન્ડ, પૉડકાસ્ટ અને વાઇન ટેસ્ટિંગ નાઇટ્સ યોજાતી હોય છે.

અમે અહીં 30 જુલાઈએ દહીહ પર પ્રથમ હુમલા પછી તરત એક રિપોર્ટ માટે ફિલ્માંકન કરતા હતા. આ હુમલામાં હિઝબુલ્લાહના સેકન્ડ-ઇન-કમાન્ડ ફુહાદ શુક્રનું મોત થયું હતું. હવે આ જગ્યા ખાલી છે. અહીં કોઈ ઇઝરાયલી જેટ વિમાનોએ સાઉન્ડ બેરિયર તોડ્યું જેના કારણે પ્રચંડ ધડાકો સંભળાયો હતો.

પરંતુ એક જેઝ બૅન્ડ આખી રાત વાગતું રહ્યું. બારમાં ડાન્સ કરનારાઓની ભીડ હતી. હવે આ જગ્યા ખાલીખમ છે. નથી કોઈ સંગીત વાગતું કે નથી કોઈ ડાન્સ કરતું.

બારના મૅનેજર ચાર્લી હેબર કહે છે કે, "આ હતાશ કરનારું છે." તેઓ ઉમેરે છે,"તમે તમારો મૂડ બદલવા માટે આવી જગ્યા પર આવો છો, પરંતુ એ જ પરિસ્થિતની વાતો કરવા લાગો છો. બધા લોકો પૂછે છે કે હવે શું થશે?"

નસરલ્લાહની હત્યા પછી આ જગ્યા બે અઠવાડિયાં સુધી બંધ રહી હતી. હવે તે ફરી ખુલી ગઈ છે, પરંતુ મધરાતે બંધ થવાના બદલે રાતે 8 વાગ્યે જ બંધ થઈ જાય છે.

ચાર્લી કહે છે કે દિવસો વીતવાની સાથે સ્ટાફ અને ગ્રાહકો પર મનોવૈજ્ઞાનિક તણાવ વધતો જાય છે.

તેઓ કહે છે કે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખવી હોય તો તેમાં પણ અડધો દિવસ લાગી જાય છે. કારણ કે આવી સ્થિતિમાં તમે એવું ન કહી શકો કે, "અહીં આવીને મજા કરો, અમે તમને ડ્રિંક્સ પર ડિસ્કાઉન્ટ આપીશું."

ઇઝરાયલી સ્ટ્રાઇક, લેબનોન, બૈરુત, હમાસ, બીબીસી ગુજરાતી, મધ્યપૂર્વ
ઇમેજ કૅપ્શન, અહીં આવેલી એક બહુ જાણીતી રેસ્ટોરાં લૉરિસ ક્યારેય રાતના એક વાગ્યા પહેલાં બંધ થતી ન હતી

આ વિસ્તારમાં મોડી રાત સુધી ખુલ્લાં રહે તેવાં સ્થળો શોધવા મુશ્કેલ છે.

અહીં આવેલી એક બહુ જાણીતી રેસ્ટોરન્ટ લોરિસ ક્યારેય રાતના એક વાગ્યા પહેલાં બંધ થતી ન હતી. પરંતુ હવે તો સાંજના સાત વાગતા સુધીમાં ખાલી જઈ જાય છે એવું તેના એક માલિક જો એઓનનું કહેવું છે.

ત્રણ અઠવાડિયાં અગાઉ તમને અહીં રિઝર્વેશન વગર ટેબલ પણ મળી શકે તેમ ન હતું. આજે દરરોજ માંડ બે કે ત્રણ ટેબલ બુક થાય છે.

તેઓ કહે છે, "અમે દરરોજ સહન કરીએ છીએ. અત્યારે અમે અહીં બેસીને વાતો કરીએ છીએ, પણ પાંચ મિનિટમાં અમારે કદાચ બંધ કરીને રવાના થવું પડે."

લૉરિસનો મોટા ભાગનો સ્ટાફ બૈરુતના દક્ષિણના પરા વિસ્તારમાંથી અથવા લેબનોનના દક્ષિણનાં ગામોમાંથી આવે છે. જો કહે છે, "દરરોજ કોઈને કોઈ કહે છે કે તેમનું ઘર નાશ પામ્યું છે."

અલી નામના એક કર્મચારી 15 દિવસ સુધી કામે આવી શક્યા ન હતા, કારણ કે તેઓ પોતાના પરિવારને રાખવા માટે જગ્યા શોધતા હતા. તેમણે કેટલાંય અઠવાડિયાં સુધી સાઉથમાં ઓલિવના ઝાડ નીચે સૂવું પડ્યું હતું.

જો કહે છે કે લૉરિસ રેસ્ટોરાં ખુલ્લી રાખવા માટે પ્રયાસ થઈ રહ્યો છે જેથી કર્મચારીઓની આજીવિકા ચાલુ રહે, પરંતુ આ રીતે કેટલા સમય સુધી ચાલુ રહેશે તે નક્કી નથી. જનરેટર માટેનું ઈંધણ પણ હવે ઘણું મોંઘું થઈ ગયું છે.

ઇઝરાયલી સ્ટ્રાઇક, લેબનોન, બૈરુત, હમાસ, બીબીસી ગુજરાતી, મધ્યપૂર્વ
ઇમેજ કૅપ્શન, જો એઓનનું કહેવું છે કે ત્રણ અઠવાડિયાં અગાઉ તમને અહીં રિઝર્વેશન વગર ટેબલ પણ મળી શકે તેમ ન હતું. આજે દરરોજ માંડ બે કે ત્રણ ટેબલ બુક થાય છે

હું તેના ચહેરા પર હતાશાની લાગણી જોઈ શકું છું.

તેઓ કહે છે, "અમે યુદ્ધની વિરુદ્ધ છીએ. મારા સ્ટાફમાં બધા શિયા છે, પરંતુ તેઓ પણ યુદ્ધની વિરુદ્ધ છે. કોઈએ અમારો અભિપ્રાય નથી પૂછ્યો. અમે બીજું કંઈ કરી શકીએ તેમ નથી. અમારે માત્ર ટકી રહેવાનું છે."

આલિયા ખાતે ચાર્લી અને નાદીન બંનેને વધતા જતા કોમી તણાવની ચિંતા છે.

બૈરુતના આ વિસ્તારમાં મોટા ભાગે સુન્ની મુસ્લિમો અને ખ્રિસ્તીઓ રહે છે. પરંતુ નવા આવનારા લોકો મોટા ભાગે શિયા છે.

તેઓ કહે છે, "હું ધર્મ જોયા વગર વ્યક્તિગત રીતે લોકોને મદદ કરવાનો પ્રયાસ કરું છું. પરંતુ મારા પરિવારમાં પણ આ મામલે મતભેદ છે. મારા પરિવારના કેટલાક લોકો માત્ર વિસ્થાપિત ખ્રિસ્તીઓને જ મદદ કરે છે અને આશરો આપે છે."

અચરાફીહ અને ગેમમેઝના ચોક અને શેરીઓમાં લેબનીઝ ફોર્સિસના વધુને વધુ ઝંડા જોવા મળે છે, જે એક ખ્રિસ્તી પાર્ટી છે અને હિઝબુલ્લાહનો ઉગ્ર વિરોધ કરે છે.

આ પાર્ટીનો ત્રણ દાયકા અગાઉથી ગૃહ યુદ્ધ દરમિયાન શિયા મુસલમાનો તથા મુસ્લિમો અને પેલેસ્ટાઇન તરફી પાર્ટીઓ સામે સશસ્ત્ર લડાઈ કરવાનો ઇતિહાસ રહ્યો છે.

નાદીનને લાગે છે કે આ હાલમાં આવેલા વિસ્થાપિત શિયા મુસલમાનો માટે એક સંદેશ છે જેમાં કહેવામાં આવ્યું છે કે, "અહીં ન આવતા."

લોકોના આગમન સાથે એવી પણ આશંકા છે કે ઇઝરાયલ હવે હિઝબુલ્લાહના લડવૈયાઓ અથવા સહયોગી સમૂહના સભ્યોની શોધમાં પડોશની કોઈ પણ ઇમારતને નિશાન બનાવી શકે છે.

હિઝબુલ્લાહનું કહેવું છે કે તેમના ઉચ્ચ અધિકારીઓ વિસ્થાપિત લોકોને સોંપવામાં આવેલી જગ્યાઓ પર નથી રહેતા.

પરંતુ સ્થાનિક વેપાર-ધંધા માટે આ સારી વાત નથી.

200 લોકોનાં મોત, 70,000થી વધુ ઇમારતો નાશ પામી

ઇઝરાયલી સ્ટ્રાઇક, લેબનોન, બૈરુત, હમાસ, બીબીસી ગુજરાતી, મધ્યપૂર્વ
ઇમેજ કૅપ્શન, બૈરુતના આ વિસ્તારમાં મોટા ભાગે સુન્ની મુસ્લિમો અને ખ્રિસ્તીઓ રહે છે

ગેમમેઝના ઘણા લોકો ચાર વર્ષ અગાઉ બૈરુતના પોર્ટ પર થયેલા વિસ્ફોટથી હજુ પણ અસરગ્રસ્ત છે, જેમાં 200 લોકોનાં મોત થયાં હતાં અને 70,000થી વધુ ઇમારતો નાશ પામી હતી. તાજેતરમાં તેઓ માંડ પોતાના પગ પર ઊભા થયા હતા.

નાણાકીય કટોકટી હોવા છતાં આ વિસ્તારમાં નવાં સ્થળો ઊભરી રહ્યાં હતાં, પરંતુ તેમાંથી ઘણા હવે બંધ થઈ ગયાં છે.

રેસ્ટોરાં અને બાર માલિકોની એક સિન્ડિકેટના સભ્ય અને ઉદ્યોગ સાહસિક માયા બેખાજી નૂન માને છે કે બૈરુત શહેરમાં ખાણી-પીણીની 85 ટકા જગ્યાઓ બંધ થઈ ગઈ છે અથવા બહુ ઓછા સમય માટે ખુલે છે.

તેઓ કહે છે, "આ બધું એટલી ઝડપથી થયું કે અમે અત્યારે કોઈ આંકડા આપી શકીએ તેમ નથી. પરંતુ બૈરુત શહેરમાં લગભગ 85 ટકા ખાણીપીણીની જગ્યાઓ બંધ છે અથવા અમુક કલાક પૂરતી જ ખુલે છે."

"ઘણા બધા લોકો પાસે જ્યારે પૂરતું ભોજન ન હોય ત્યારે મનોરંજન માટેની જગ્યાઓને ખુલ્લી રાખવી મુશ્કેલ હોય છે."

બૈરુતમાં કઠિન પરિસ્થિતિ હોવા છતાં હજુ પણ ઉત્તર તરફ 15 મિનિટની ડ્રાઇવ કરવાથી તમને રેસ્ટોરાં અને બાર મળી જશે જ્યાં લોકોની હલચલ હોય છે. પરંતુ માયા કહે છે કે આ ટૂંક સમય માટે છે.

"અન્ય જગ્યાઓ પર પણ ઍરસ્ટ્રાઇક થઈ શકે છે. ઉત્તરમાં કેટલીક જગ્યાએ હુમલા થયા છે. એ વાતની પણ કોઈ ગેરંટી નથી કે તેઓ સુરક્ષિત રહેશે."

તેઓ કહે છે કે આ એવું છે જેમ કે કોઈએ બટન દબાવ્યું અને બૈરુતમાં જીવન અટકી ગયું.

"અમે અટકી ગયા છીએ. અમે દક્ષિણમાં યુદ્ધ વિશે જાણતા હતા અને તેનાથી અસરગ્રસ્ત પણ હતા. પરંતુ મારા જેવા કેટલાયે એવું ધાર્યું ન હતું કે યુદ્ધ આટલું નજીક આવી જશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.