ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈરાનને થયેલા નુકસાનનો સૅટેલાઇટ તસવીરોમાં ખુલાસો - બીબીસી વેરિફાઈ

ઇઝરાયલી હુમલામાં ક્ષતિગ્રસ્ત ઈરાની સાઇટની તસવીર

ઇમેજ સ્રોત, Planet Labs PBC

ઇમેજ કૅપ્શન, માનવામાં આવી રહ્યું છે કે શનિવારે જ્યાં-જ્યાં હુમલા થયા તેમાંથી એક સ્થાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત છે.
    • લેેખક, બેનેડિક્ટ ગારમૅન અને શાયન સરદારીજાદેહ
    • પદ, બીબીસી વૅરિફાઈ

ગયા અઠવાડિયે ઈરાનના અનેક સૈન્યમથક ઉપર ઇઝરાયલે હવાઈ હુમલા કર્યા હતા.

ઇઝરાયલનું કહેવું હતું કે તેણે ઈરાનના મિસાઇલ ઉત્પાદનએકમો ઉપર હુમલા કર્યા હતા.

ઇઝરાયલનું કહેવું છે કે ઈરાને તાજેતરમાં તેની ઉપર મિસાઇલ હુમલા કર્યા હતા, તેમાં આ પ્રક્ષેપાસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બીબીસી વૅરિફાઈ દ્વારા જે સૅટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું, તેના પરથી માલૂમ પડે છે કે ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈરાનના અનેક સૈન્યમથકોને નુકસાન થયું છે.

જાણકારોના કહેવા પ્રમાણે, ઇઝરાયલ દ્વારા જે ઠેકાણાં પર હુમલા કરવામાં આવ્યા, ત્યાં મિસાઇલ તથા ઍર ડિફેન્સ મૅન્યુફેકચરિંગ થતું હતું.

શનિવારે જે સ્થળોએ હુમલા થયા, તેમાંથી એક સ્થાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત હોવાનું મનાય છે.

પરચિન સૈન્યમથક

પરચિન સૈન્યમથક પર થયેલા નુકસાનની તસવીર

ઇમેજ સ્રોત, Planet Labs PBC

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીને વર્ષ 2016ની તપાસ દરમિયાન અહીંથી પરમાણુ કણ મળ્યા હતા.

સૅટલાઇટ તસવીરો જોતા માલૂમ પડે છે કે ઇઝરાયલી હુમલામાં તહેરાનથી 30 કિલોમીટર દૂર આવેલા પરચિન સૈન્યમથકમાં એક મોટા પરિસરને નુકસાન પહોંચ્યું છે.

જાણકારોના કહેવા પ્રમાણે, પરચિનસ્થિત આ જગ્યામાં મોટા હથિયારો વિકસાવવા તથા ઉત્પાદિત કરવામાં આવતા હતા.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રૅટજિક સ્ટડિઝના (આઈઆઈએસએસ) વિશ્લેષખોના કહેવા પ્રમાણે, આ ઇમારત ઈરાનમાં રૉકેટ ઉત્પાદન સાથે સંલગ્ન હતી.

તા. 9 સપ્ટેમ્બર અને 27 ઑક્ટોબરની સૅટેલાઇટ તસવીરોની સરખામણી કરવામાં આવે, તો માલૂમ પડે છે કે ચાર બિલ્ડિંગોને ખાસ્સું નુકસાન થયું છે.

આ બિલ્ડિંગ તાલેગાન 2 તરીકે ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના (આઈએઈએ) મતે અહીં ત્યાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત કામ થતું.

આઈએઈએને વર્ષ 2016ની તપાસ દરમિયાન આ સ્થળે પરમાણુ કણ મળ્યા હતા. ત્યારે સવાલ ઉઠ્યા હતા કે જો ઈરાને પરમણુ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તો આ પરમાણુ કણ ક્યાંથી આવ્યા.

ખોજિર સૈન્યમથક

ઇઝરાયલી હુમલામાં ક્ષતિગ્રસ્ત ઈરાની સાઇટની તસવીર

ઇમેજ સ્રોત, Planet Labs PBC

ઇઝરાયલના ફાઇટર પ્લેનોએ ખોજિર સૈન્યમથકને પણ નિશાને લીધું હતું, તે પરચિનથી 20 કિલોમીટર ઉત્તર-પશ્ચિમે આવેલું છે.

આઈઆઈએસએસના નિષ્ણાત ફેબિયન હિંજના કહેવા પ્રમાણે, "ખોજિરમાં બૅલેસ્ટિક મિસાઇલ સંબંધિત વ્યાપક માળખું છે."

અહીં વર્ષ 2020માં રહસ્યમયી ઢબે મોટા વિસ્ફોટ થયા હતા.

સૅટેલાઇટ તસવીરોને જોતા લાગે છે કે ઇઝરાયલી હુમલામાં આ પરિસરની બે ઇમારતનો ભયંકર ક્ષતિ પહોંચી છે.

શાહરુદ મથક

શારુદ મથકની તસવીર

ઇમેજ સ્રોત, Sentinel-2

ઇમેજ કૅપ્શન, ઈરાને વર્ષ 2020માં અહીંથી મિલિટરી સૅટેલાઇટ લૉન્ચ કર્યું હતું.

સૅટેલાઇટ તસવીરોના અભ્યાસ પરથી માલૂમ પડે છે કે તહેરાનથી 350 કિલોમીટર પૂર્વે આવેલા શાહરુદ સૈન્યમથકને ભારે નુકસાન થયું છે.

હિંજના કહેવા પ્રમાણે, સેમનાન પ્રાંતસ્થિત આ વિસ્તાર ઈરાન માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે અહીં લાંબા અંતરે પ્રહાર કરતી મિસાઇલોના પાર્ટ્સ બને છે.

તેની સામે શાહરુદ સ્પૅસ સેન્ટર છે. તેની સુરક્ષા રિવૉલ્યુશનર ગાર્ડ કોર સંભાળે છે. ઈરાને વર્ષ 2020માં અહીંથી મિલિટરી સૅટેલાઇટ લૉન્ચ કર્યું હતું.

નખજિર રડાર કેન્દ્ર

નખજિર રડાર મથકની તસવીર

ઇમેજ સ્રોત, Planet Labs PBC

ઇઝરાયલનો દાવો છે કે તેણે ઈરાનનાં અનેક ઠેકાણે ઍર ડિફેન્સ સિસ્ટમ ઉપર સફળતાપૂર્વક હુમલા કર્યા હતા, પરંતુ ઉપલબ્ધ સૅટેલાઇટ તસવીરો ઉપરથી તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.

અમારી પાસે જે સૅટેલાઇટ તસવીર છે, તેને જોતા એવું લાગે છે કે ત્યાં એક ઇમારતને નુકસાન પહોંચ્યું છે. જાણકારોના મતે તે રડાર કેન્દ્ર છે.

તે શાહ નખજિરના પહાડોમાં આવેલું હતું. ઈરાનના પશ્ચિમ ભાગમાં આવેલું ઇલમ શહેર તેની નજીકનું મોટું શહેર છે.

ડિફેન્સ ઇન્ટેલિજન્સ કંપનીના મધ્યપૂર્વના વિશ્લેષક જેરેમી બિનીનું કહેવું છે કે તે નવવિક્સિત રડાર ડિફેન્સ સિસ્ટમ હોય શકે છે.

આ સ્થળને દાયકાઓ પહેલાં વિકસાવવામાં આવ્યું હતું. જોકે, ઑપન સૉર્સ ઍક્સ્પર્ટે જે સૅટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કર્યું, તેના પરથી માલૂમ પડે છે કે તાજેતરનાં વર્ષો દરમિયાન અહીં ભારે સમારકામ કરવામાં આવ્યું હતું.

આબાદાન ઑઇલ રિફાઇનરી

આબાદાન ઑઇલ રિફાઇનરીની તસવીર

ઇમેજ સ્રોત, Planet Labs PBC

ઇમેજ કૅપ્શન, આબાદાન ઑઇલ રિફાઇનરી ઈરાનની સૌથી મોટી ઑઇલ રિફાઇનરી છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમે અબાદાન ઑઇલ રિફાઇનરીના એક સ્ટૉરેજ યુનિટની ઓળખ કરી હતી. તેને પણ નુકાસન પહોંચ્યું હોય એમ જણાય છે. આ રિફાઇનરી ઈરાનના દક્ષિણપશ્ચિમ પ્રાંત ખુજેસ્તાનમાં આવેલી છે.

જોકે, કેન્દ્રમાં આ નુકસાન કેવી રીતે થયું, તેના વિશે આપણી પાસે માહિતી નથી, પરંતુ એવું લાગે છે કે સમગ્ર ઇરાનમાં કાટમાળ કે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના મિસફાઇરિંગથી નુકસાન થયું હશે.

ઇઝરાયલી અધિકારીઓને ટાંકતા અમેરિકાના અખબાર ન્યૂ યૉર્ક ટાઇમ્સે લખ્યું હતું કે શનિવારે સવારે જે હુમલા કર્યા હતા તેના ટાર્ગેટમાં આબાદાન ઑઇલ રિફાઇનરી પણ સામેલ હતી.

ઈરાની અધિકારીઓએ શનિવારે ખુજેસ્તાનમાં ઇઝરાયલે હુમલો કર્યો હોવાની વાતની પુષ્ટિ કરી હતી.

આબાદાન ઑઇલ રિફાઇનરી ઈરાનની સૌથી મોટી ઑઇલ રિફાઇનરી છે. તેના સીઈઓનો દાવો છે કે અહીં દૈનિક પાંચ લાખ બૅરલ તેલ ઉત્પાદિત થાય છે.

સૅટેલાઇટ તસવીરોને જોતા તેની કોઈ ઇમારતને નુકસાન થયું હોવાની વાત ચોક્કસપણે કહી ન શકાય.

એવું લાગે છે કે ત્યાં હુમલો થયો હતો, પરંતુ રવિવારે લેવાયેલી સૅટેલાઇટ તસવીરોમાં તેની ઉપર કાળો ધૂમાડો છવાયેલો હતો.

ઈરાને પહેલી ઑક્ટોબરે ઇઝરાયલ ઉપર મિસાઇલો છોડી હતી. એ સમયે લગભગ 200 જેટલી મિસાઇલો છોડવામાં આવી હતી.

ઈરાને ચાલુ વર્ષે ઇઝરાયલ ઉપર બીજી વખત મિસાઇલ હુમલો કર્યો છે. આ પહેલાં એપ્રિલ મહિનામાં ઈરાને 300 જેટલી મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.