ભોજનમાં થૂંકનારને દંડવાના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના નિર્ણયથી વિવાદ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચેરિલૅન મોલ્લાન
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ
કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દ્વારા શાસિત બે રાજ્યોએ ખોરાકને થૂંક, પેશાબ અને ગંદકી વડે દૂષિત કરવા બદલ દોષિતને ભારે દંડ અને જેલની સજા ફટકાવવાનો નિર્ણય આ મહિને કર્યો છે.
સ્થાનિક સ્ટોલ્સ અને રેસ્ટોરાંમાં ખોરાક પર થૂંકતા વિક્રેતાઓના વીડિયો તેમની સત્યતા ચકાસ્યા વિના વાઇરલ થયા હતા જેનાપગલે સરકારનો આ નિર્ણય આવી પડ્યો છે. એક વીડિયોમાં વિક્રેતા ખોરાકમાં પેશાબનું મિશ્રણ કરતો જોવા મળે છે.
આ વીડિયોથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને ઘણા લોકોએ રાજ્યોમાં ખાદ્ય સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે કેટલાક વીડિયો મુસ્લિમોને નિશાન બનાવતી દોષારોપણની ઝુંબેશના વિષય બન્યા હતા. ફૅક્ટ-ચેકિંગ વેબસાઈટ્સ દ્વારા શંકાનું નિવારણ કરવામાં આવ્યું હતું.
ખોરાકમાં પેશાબ ભેળવતી મહિલા મુસ્લિમ હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કર્યો હતો, પરંતુ તે મહિલા હિંદુ હોવાનું પોલીસે શોધી કાઢ્યું હોવાનું ફૅક્ટ-ચેકિંગ વેબસાઈટ્સે જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
અધિકારીઓના જણાવ્યા મુજબ, કડક કાયદા જરૂરી છે અને તેનો હેતુ ખોરાક સંબંધી અસ્વચ્છ પ્રથાઓથી લોકોને દૂર રાખવાનો છે, પરંતુ વિરોધ પક્ષના નેતાઓ તથા કાયદા નિષ્ણાતોએ પ્રસ્તુત કાયદાની અસરકારકતા વિશે સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ કાયદાનો દુરુપયોગ ચોક્કસ સમુદાયને બદનામ કરવા માટે પણ થઈ શકે છે.
ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબારે ઉત્તર પ્રદેશના પ્રસ્તાવિત વટહુકમોની ટીકા કરતાં લખ્યું હતું, “આ નિયમ તો રાજકીય સંકેત જેવો છે, જે શુદ્ધતા અને પ્રદૂષણની બહુમતિની ધારણાને અનુસરે છે તથા પહેલેથી જ અસુરક્ષિત લઘુમતીને નિશાન બનાવે છે.”
ભારત અને ખાણીપીણી

ઇમેજ સ્રોત, Getty Images
વિપુલ સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા ભારતમાં ખોરાક અને ખાદ્યપદાર્થો સંવેદનશીલ વિષયો છે, કારણ કે તે ધર્મ તેમજ દેશની વંશ વ્યવસ્થા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ખોરાક સંબંધી નિયમો અને નિષેધો ઘણીવાર સમુદાયો વચ્ચેની અથડામણમાં પરિણમે છે. અવિશ્વાસની લાગણી પેદા કરે છે. “ખાદ્ય સલામતી”ની કલ્પના પણ ધર્મ સાથે સંકળાયેલી છે, જેનો ઉપયોગ દૂષણની કથિત ઘટનાઓને હેતુ આપવા માટે કરવામાં આવે છે.
ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી (એફએસએસએઆઈ)ના અંદાજ મુજબ, અસલામત ખોરાકને કારણે દર વર્ષે લગભગ 60 કરોડ લોકોને ચેપ લાગે છે અને ચાર લાખ લોકો મૃત્યુ પામે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં નબળી ખાદ્ય સુરક્ષા માટે નિષ્ણાતો વિવિધ કારણો જણાવે છે. તેમાં ખાદ્ય સુરક્ષા કાયદાઓને અપૂરતા અમલ અને જાગૃતિનો સમાવેશ થાય છે. સાંકડાં રસોડાં, ગંદાં વાસણો, દૂષિત પાણી અને અયોગ્ય પરિવહન તથા સંગ્રહ પદ્ધતિથી ખોરાકની સલામતી સાથે વધુ ચેડાં થાય છે.
તેથી વિક્રેતાઓ ખાદ્યપદાર્થોમાં થૂંકતા હોવાનો વીડિયો બહાર આવ્યો ત્યારે લોકો ચોંકી ગયા હતા અને રોષે ભરાયા હતા. ઉત્તરાખંડ સરકારે તરત જ અપરાધીઓને ભારે દંડ ફટકારવાની જાહેરાત કરી હતી અને પોલીસ દ્વારા હૉટલ સ્ટાફની ચકાસણી તથા રસોડાંમાં સીસીટીવી લગાવવાનું ફરજિયાત બનાવ્યું હતું.
ખોરાક પર થૂંકવા બદલ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે પોલીસે દરેક કર્મચારીની ચકાસણી કરવી જોઈએ. ઉત્તર પ્રદેશમાં ફૂડ સેન્ટર્સ માટે તેમના માલિકોના નામ બોર્ડ પર પ્રદર્શિત કરવાની, રસોઇયા તથા વેઇટર્સ માટે માસ્ક અને મોજાં પહેરવાની અને રેસ્ટોરાંમાં સીસીટીવી ફરજિયાત બનાવવાની યોજના પણ છે.
અહેવાલો અનુસાર, યોગી આદિત્યનાથની યોજના બે વટહૂકમ લાવવાની છે, જેમાં ખોરાક પર થૂંકવા બદલ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ હશે.
કાવડ યાત્રાના રૂટ પર ખાદ્યપદાર્થોના સ્ટોલ ધરાવતા લોકોનાં નામ તથા અન્ય ઓળખની વિગત સ્પષ્ટપણે દર્શાવવાનો આદેશ ઉત્તર પ્રદેશ સરકારે આપ્યો હતો, પરંતુ જુલાઈમાં સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી હતી. અરજદારોએ સુપ્રિમ કોર્ટના જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આદેશ મુસ્લિમોને કારણ વિના નિશાન બનાવે છે અને તેની તેમના બિઝનેસ પર નકારાત્મક અસર થશે.
ઉત્તર પ્રદેશના બારાબંકી શહેરમાં રોટલી બનાવતી વખતે તેના પર થૂંકવા બદલ પોલીસે રેસ્ટોરાંના માલિક મોહમ્મદ ઇર્શાદની બુધવારે ધરપકડ કરી હતી. 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, મોહમ્મદ ઇર્શાદ પર કોમી શાંતિ અને ધાર્મિક સંવાદિતા ડહોળવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ઉત્તરાખંડના મસૂરીમાં ચા બનાવતી વખતે તપેલીમાં કથિત રીતે થૂંકવા બદલ પોલીસે આ મહિનાની શરૂઆતમાં નૌશાદ અલી અને હસન અલીની ધરપકડ કરી હતી. 'ધ હિન્દુ' અખબારના અહેવાલ મુજબ, એ બન્ને પર જાહેર આક્રોશ પેદા કરવાનો અને લોકોનાં આરોગ્ય પર જોખમ સર્જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ખાવા-પીવાની ચીજોમાં થૂંકતા પુરુષોના વીડિયો તેમની ધરપકડના અનેક દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા અને ઘણા હિન્દુ રાષ્ટ્રવાદી ઍકાઉન્ટ્સે તેને “થૂંક-જેહાદ” ગણાવીને ઘટનાને ધાર્મિક રંગ આપ્યો હતો.
થૂંક-જેહાદ પણ લવ-જેહાદ જેવો જ શબ્દ છે. લવ-જેહાદ શબ્દનો ઉપયોગ મુસ્લિમ પુરુષો દ્વારા હિન્દુ મહિલાને પરણીને તેનું ધર્મપરિવર્તન કરવાનો આરોપ લગાવવા માટે કરવામાં આવે છે. થૂંક-જેહાદમાં હિન્દુઓના ખોરાકમાં થૂંકીને તેને અપવિત્ર કરવાનો પ્રયાસ મુસ્લિમો કરતા હોવાનો આરોપ મૂકવામાં આવે છે.
મુસ્લિમ સમુદાય પર ખોરાકમાં થૂંકવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. કોવિડ-19 રોગચાળા દરમિયાન લોકોને વાઇરસથી સંક્રમિત કરવા માટે મુસ્લિમો થૂંકતા, છીંકતા અથવા વસ્તુઓને ચાટતા હોવાનું દર્શાવતા સંખ્યાબંધ ફેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. સોશિયલ મીડિયા પર હિન્દુ કટ્ટરપંથી એકાઉન્ટ્સ દ્વારા મુસ્લિમ વિરોધી ઉચ્ચારણો પોસ્ટ કરવામાં આવ્યા હતા અને આ વીડિયોથી ધાર્મિક ધ્રુવીકરણને વધાર્યું હતું.
બીજેપી શાસિત બે રાજ્યોમાંના વિરોધ પક્ષના નેતાઓએ નવા નિર્દેશોની ટીકા કરી છે અને જણાવ્યું છે કે તેનો ઉપયોગ મુસ્લિમોને નિશાન બનાવવા માટે થઈ શકે છે. બેરોજગારી અને આસમાન આંબતી મોંઘવારી જેવી મુખ્ય સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન હઠાવવા માટે સરકાર આવા આદેશોનો ઉપયોગ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જોકે, ઉત્તરાખંડના ખાદ્ય સુરક્ષા અધિકારી મનીષ સાયનાએ જણાવ્યું હતું કે સરકારના આદેશોનો હેતુ ખોરાકના વપરાશ માટે સલામત બનાવવાનો જ છે.
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી ઑફિસર્સ અને પોલીસે ખાણીપીણીની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું છે. તેઓ ત્યાં જાય છે ત્યારે “લોકોના માસ્ક તથા ગ્લોવ્ઝ પહેરવા તેમજ સીસીટીવી લગાવવા વિનંતી કરે છે.”
કાયદા નિષ્ણાત અને પત્રકાર વી. વેંકટેસને જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષાને લગતા નવા વટહૂકમો અને કાયદાઓની ચર્ચા વિધાનસભામાં થવી જરૂરી છે.
“મારા મત મુજબ, હાલના (ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઍક્ટ, 2006 હેઠળના) હાલના કાયદાઓ ખાદ્ય સુરક્ષા સંબંધી કોઈ પણ ગુના સામે કામ પાર પાડવા માટે પૂરતા છે. તેથી જરૂર પૂછવું જોઈએ કે આ નવા કાયદા તથા નિર્દેશોની જરૂર શું છે?”
તેમણે ઉમેર્યું હતું, “સરકારને લાગે છે કે કઠોર સજાઓ સૂચવતા કાયદાઓથી લોકો ગુનાઓ કરતા અટકશે, પરંતુ રિસર્ચ દર્શાવે છે કે હકીકતમાં કાયદાનું યોગ્ય અમલીકરણ જ લોકોને ગુનાઓ કરતા અટકાવે છે. સવાલ એ છે કે હાલના કાયદાઓનો રાજ્યમાં હજુ સુધી યોગ્ય રીતે અમલ થતો નથી?”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













