મુઝફ્ફરનગરઃ મુસલમાનો પોતાની ઓળખ સાથે કરી રહ્યા છે સ્વાગત, કાવડિયાનું વલણ કેવું છે – ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા, મુઝફ્ફરનગર
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ડૉ. મોહમ્મદ શોએબ અન્સારીની નાનકડી હૉસ્પિટલમાં કાવડિયાઓની ભીડ છે.
સતત ચાર દિવસથી ચાલી રહેલા આ કાવડિયા પૈકીના કેટલાકની તબિયત ખરાબ છે. કોઈને પીઠમાં પીડા થાય છે તો કોઈના પગમાં છાલાં પડી ગયાં છે.
હરિદ્વારથી કાવડ લઈને પગપાળા ચાલી રહેલા આ કાવડિયાઓને હરિયાણામાં પોતપોતાના ગામમાં પહોંચવામાં હજુ લાંબો સમય થશે.
કાવડયાત્રાના રૂટ પરની દુકાનોનાં બોર્ડ પર માલિકોનાં નામ લખવાના વિવાદ વચ્ચે આ કાવડિયાને અહીં સારવાર લેવામાં કોઈ વાંધો નથી.
પીઠમાં પીડા સામે ઝઝૂમી રહેલા સૂર્ય બીજી વખત પગપાળા કાવડ લઈને જઈ રહ્યા છે.
તેઓ કહે છે, “અમારા મનમાં ભેદભાવ હોત તો અમે અહીં આવ્યા ન હોત. બધા એક છે. આપણે હિન્દુ-મુસ્લિમ જોઈશું તો અમારી પીડાનો ઇલાજ કોણ કરશે. એ તો ડૉક્ટર જ કરશે.”
“શંકર ભગવાન કોઈ સાથે ભેદભાવ કરતા નથી. જે કાવડ લઈને જઈ રહ્યા છે તેઓ હિન્દુ-મુસલમાન જોતા નથી.”

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. અન્સારીનું ક્લિનિક મુઝફ્ફરનગરમાં કાવડના રૂટ પર આવેલું છે. ત્યાંથી રોજ હજારો કાવડિયા પસાર થાય છે.
ડૉ. અન્સારી કહે છે, “ઘણા શિવભક્તો આવી રહ્યા છે. નામથી કોઈ ફરક પડતો નથી. માણસાઈ હોવી જોઈએ. હું હિન્દુ-મુસલમાન વચ્ચે ભેદ કરતો નથી. હું ઉત્તમ સારવાર આપું છું. મારામાં કોઈ ભેદભાવ નથી. હું યોગ્ય કામ કરું છું. શિવભક્તો મારો નંબર સુધ્ધાં લઈને આવે છે.”
ક્લિનિકમાં થોડો સમય પસાર કર્યા પછી ખબર પડે છે કે સંખ્યાબંધ કાવડિયાઓ ડૉ. અન્સારીના ક્લિનિક પરથી દવા લઈને આગળ વધી ગયા છે.
મુઝફ્ફરનગરના વહીવટીતંત્રે કાયદો તથા વ્યવસ્થાનો હવાલો આપીને ઢાબાઓ, હોટલો તથા ખાવા-પીવાનો સામાન વેચતી હોટલોના માલિકો તેમજ તેમાં કામ કરતા કર્મચારીઓનાં નામ લખવાનો આદેશ તાજેતરમાં આપ્યો હતો. એટલે કે વેપારીઓને તેમની દુકાનોના બોર્ડ પર તેમની ધાર્મિક ઓળખ જાહેર કરવાનું જણાવવામાં આવ્યું હતું.
વિવાદ વકર્યો પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણય સામે સ્ટે ઑર્ડર આપ્યો હતો.
ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે કાવડયાત્રાના શાંતિપૂર્ણ સંચાલન માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાઈચારા પર કેટલી અસર

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC
બોર્ડ પર દુકાન માલિકોનાં નામ લખવાના આદેશથી સર્જાયેલો આ વિવાદ ક્યાંય સાંપ્રદાયિક તંગદિલી ન સર્જે તેવી આશંકા અનેક લોકોએ વ્યક્ત કરી હતી.
તેથી અમે એ જાણવા નીકળ્યા હતા કે આ સમગ્ર વિવાદની મુઝફ્ફરનગરના સામાજિક પોત પર કોઈ અસર થઈ છે કે કેમ.
મુઝફ્ફરનગરનું મુસ્લિમોની બહુમતીવાળા બઝેડી ગામની વસ્તી લગભગ 12,000ની છે. આ ગામમાં ગણ્યાગાંઠ્યા હિન્દુ પરિવાર છે. દર વર્ષે લાખો કાવડિયા અહીંથી પસાર થાય છે.
અહીં અમારી મુલાકાત મોહમ્મદ ઇકબાલ સાથે થઈ હતી. તેમના પરિવારે પોતાના ઘરની બહાર, કાવડિયાઓને ધ્યાનમાં રાખીને વૉટર કૂલર રાખ્યું છે.
તેમાંથી ઠંડું પાણી પીવા માટે રોકાયેલા કાવડયાત્રી ઓમવીર કહે છે, “આ ઘર મુસલમાનનું છે એ અમે જાણીએ છીએ, પણ અમને કોઈ વાંધો નથી. જે ગંગાજળ અમે ઘરેથી લઈને નીકળ્યા છીએ તેવું જ આ પાણી છે. ભેદભાવની વાતો શું કામ કરવી. આ કાવડ પણ એ લોકો જ બનાવે છે.”

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC
આ ગામ પાસેથી પસાર થતા એક અન્ય કાવડિયાએ કહ્યું, “અમે લોકો જ્યાં પાણી મળે ત્યાં જઈએ છીએ. બધા માણસો તો સમાન જ છે.”
દુકાનના બોર્ડ પર નામ લખવાના વિવાદ બાબતે મોહમ્મદ ઇકબાલ કહે છે, “દુકાનો પર ધાર્મિક ઓળખ જાહેર કરવાના વહીવટીતંત્રના આદેશ પછી એવું નથી કે અમે કાવડિયાઓ પણ ભેદભાવ શરૂ કરી દઈશું.”
“મારા ઘરે વાવેલા જામફળના ઝાડમાંથી કાવડિયાઓએ થોડા સમય પહેલાં જામફળ પણ ખાધાં હતાં. પાણી પણ પીધું હતું. કાવડિયા દર વર્ષે અમારા અમારા આંગણા બેસીને આરામ કરે છે. અમે ગપસપ પણ કરીએ છીએ. આ વખતે પણ એવું જ છે.”
આ ગામમાં એક ઘર માંગેરામનું પણ છે. તેઓ દાયકાઓથી અહીં રહે છે. તેઓ કહે છે, “મુસલમાનોની વચ્ચે મારું એકલાનું ઘર છે. મને ક્યારેય કોઈ તકલીફ થઈ નથી.”
નેમપ્લેટ વિવાદ બાબતે માંગેરામે જણાવ્યું હતું કે આ શહેરના હિન્દુ-મુસલમાનો પર તેની કોઈ અસર થઈ નથી. કાવડયાત્રા પછી બધા ફરી એક થઈ જશે.
શહેરનો માહોલ કેવો છે

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC
મુઝફ્ફરનગરમાં પેઇન્ટની દુકાન ચલાવતા મનોજ જૈન કહે છે, “આજે કાવડયાત્રા છે. મુસલમાનો સપોર્ટ કરી રહ્યા છે. અમારો વેપાર એકમેકની સાથે સંકળાયેલો છે. હું મુસલમાનો પાસેથી જ ફળો ખરીદું છું અને ખરીદતો રહીશ.”
નેમપ્લેટ વિવાદ બાબતે મનોજ જૈન જણાવે છે કે આ રાજકીય વાતો છે. તે અહીં નહીં ચાલે.
તેઓ કહે છે, “તમને મુઝફ્ફરનગરમાં આવ્યા પછી સમજાશે કે જે મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે તે અહીંનો છે જ નહીં.”
ચાટની દુકાન ચલાવતા મહેન્દ્ર ગોયલના કહેવા મુજબ, શહેરનો માહોલ પહેલાં જેવો હતો તેવો જ રહેશે.
તેઓ કહે છે, “મારી દુકાને આવતા કુલ પૈકીના 60 ટકા ગ્રાહકો મુસલમાન હોય છે. તેમાં કોઈ ફરક પડતો નથી.”
સુપ્રીમ કોર્ટના આદેશ પછી શું સ્થિતિ છે

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC
ભાઈચારાની આ વાતો ઉપરાંત એ પણ સાચું છે કે દુકાનો પર નામ લખવાના સરકારી આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો પછી પણ અહીં અનેક હોટલો, દુકાનો અને ફળોની લારીઓ પર માલિકનાં નામ તથા ફોન નંબર પણ લખવામાં આવ્યાં છે.
અનેક દુકાનદારોએ તેમનું નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે તેમને વહીવટીતંત્રનો ડર છે એટલે તેમણે તેમના નામવાળાં બૅનરો હટાવ્યાં નથી.
શિવમંદિર પાસે કરિયાણાની દુકાન ચલાવતા સલમાનની દુકાન બહાર સામાન ખરીદતા કાવડિયાઓની સારી એવી ભીડ છે.
દુકાનની સામેની સડકની બીજી બાજુ કાવડિયાઓનું એક ગ્રૂપ પોતાના માટે પૂરીઓ તળી રહ્યું છે. તે ગ્રૂપમાં સામેલ પ્રમોદકુમાર માટે દુકાનદારોની ધાર્મિક ઓળખનું બહુ મહત્ત્વ છે.
તેઓ કહે છે, “અમે રુડકીમાં ભોજન કર્યું ન હતું, કારણ કે ત્યાં મોટા ભાગના દુકાનદારો મુસલમાન છે. અમે જોયું હતું કે તેઓ ઊલટા તવા પર રોટલી બનાવતા હતા. એટલે અમે રોટલી ખાધી નહીં. દુકાનો પર નામ લખાવવાનો જે નિર્ણય છે તેનાથી અમે બહુ ખુશ છીએ. તેનાથી ઓળખ આસાન બને છે.”
પ્રમોદકુમારના કહેવા મુજબ, તેઓ ભેદભાવ તો નથી કરતા, પરંતુ ખાવા-પીવાની ચીજો ખરીદતા પહેલાં બહુ ધ્યાન રાખે છે.
તેઓ કહે છે, “અમે પૅકિંગવાળો સામાન મુસલમાનો પાસેથી લઈએ છીએ, પરંતુ ચા, પકોડાં જેવી ચીજો, અમારે ભૂખ્યા-તરસ્યા રહેવું પડે તો પણ તેમની પાસેથી ખરીદતા નથી.”
કાવડના રૂટ ચાની દુકાનો અને ફળોની લારીવાળા અનેક મુસલમાનોનું પણ એમ જ કહેવું છે કે આ સમગ્ર પ્રકરણથી તેમના કામ પર બહુ અસર થઈ છે અને અનેક કાવડિયાઓએ તેમની પાસેથી સામાન ખરીદવાનું બંધ કર્યું છે.
કડકાઈ તો અગાઉ પણ હતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC
આર્થિક રીતે સમૃદ્ધ મુઝફ્ફરનગરને “ખાંડનો કટોરો” પણ કહેવામાં આવે છે.
ઉત્તર પ્રદેશમાં ખાંડના કુલ ઉત્પાદન પૈકીનું લગભગ 10 ટકા ઉત્પાદન અહીં થાય છે.
શહેરમાં ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી પત્રકારત્વ કરતા સ્થાનિક પત્રકાર અરવિંદ ભારદ્વાજના કહેવા મુજબ, લગભગ 35 લાખની વસ્તી ધરાવતા મુઝફ્ફરનગરમાં 35થી 40 ટકા મુસ્લિમો છે.
લગભગ એક દાયકા પહેલાં હુલ્લડનો ફટકો ખાઈ ચૂકેલા મુઝફ્ફરનગરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી જનજીવન સામાન્ય છે. આ સમયગાળામાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી તણાવ જોવા મળ્યો નથી.
અરવિંદ ભારદ્વાજ કહે છે, “મુઝફ્ફરનગરને પહેલાં મહોબ્બતનગર કહેવામાં આવતું હતું. 2013માં હુલ્લડ થયું હતું. બન્ને સમુદાયો વચ્ચે અંતર વધ્યું હતું.”
“પાછલાં લગભગ પાંચ વર્ષથી, યોગી સરકાર આવી છે ત્યારથી કાવડયાત્રા દરમિયાન વહીવટીતંત્ર મુસ્લિમ હોટલોમાં માંસાહારી ભોજન બંધ કરવાનું કહેતું હતું.”
અલબત્ત, તેઓ એમ પણ જણાવે છે કે તેની સ્થાનિક લોકો પર કોઈ અસર નથી.
આ તમામ વિવાદ વચ્ચે સવાલ એ પણ છે કે ખાવા-પીવાની દુકાનો પર તેમના માલિકો તથા તેમાં કામ કરતા કર્મચારીઓની ધાર્મિક ઓળખ જાહેર કરવાના આ વિવાદનો કાવડયાત્રા પૂર્ણ થવાની સાથે અંત આવી જશે કે કેમ.
આ સવાલના જવાબમાં અરવિંદ ભારદ્વાજ કહે છે, “લોકો હાલ તો કાવડયાત્રીઓની સેવામાં વ્યસ્ત છે. નામ લખવાના આદેશનો કાવડયાત્રા પછી વહીવટીતંત્ર વધારે સખ્તાઈથી અમલ કરાવશે કે પછી આ આદેશ સમગ્ર રાજ્યમાં અમલી બનાવવામાં આવશે તેની ખબર તો બાદમાં જ પડશે.”
(મુઝફ્ફરનગરના સ્થાનિક પત્રકાર અમિત સૈનીની સહયોગથી)












